Wednesday, 27 April 2016

[amdavadis4ever] બેમિસાલ છ ે કચ્છની પશુરક્ષા પ્રવૃત્તિ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મુંબઇના વર્ધમાન સંસ્કાર કેન્દ્રે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત લાતુર અને ઔરંગાબાદ સહિતના સાત વિસ્તારોમાં ઘાસ-પાણીની તીવ્ર અછતથી મરવાના વાંકે જીવી રહેલા સાડાસાત હજાર ઢોરોને ઉગારી લેવાનું બીડું ઝડપ્યું હોવાના હેવાલથી કચ્છીઓને ભાગ્યે જ આશ્ર્ચર્ય થયું હશે. ઊલટું, એમને તો ગૌરવ થયું હશે, કારણ કે આવા કપરા કાળમાં માનવ અને પશુરાહત એ તો કચ્છ અને કચ્છીઓની સદી જૂની પરંપરા છે. અરે, સંસ્કાર છે. કાળમુખા દુકાળનો સામનો કરવાની કચ્છની જબ્બર તાકાતનું એક સૌથી મોટું પાસું હોય તો તે પશુરક્ષા (જીવદયા) પ્રવૃત્તિનું છે.

કચ્છની સદીઓ જૂની જીવદયા પ્રવૃત્તિ વિશેષ ધ્યાન ખેંચે તેવી છે. વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને વિષમ હવામાનને પગલે કચ્છમાં પાંગરેલી અભાવની સંસ્કૃતિની દેન સમી કેટલીક લાક્ષણિકતાઓ પૈકી જીવદયા પણ એક છે. વારંવારના દુકાળ અને અર્ધદુકાળના વર્ષોમાં ઘાસની અછતે અબોલ જીવોના અસ્તિત્વ સામે ઊભા કરેલા પડકારને પહોંચી વળવાની કચ્છી માડુની મથામણમાંથી જ જીવદયાની માનસિકતા વિકસી છે. 

આ જીવદયા પ્રવૃત્તિમાં પાંજરાપોળ પ્રવૃત્તિ સાવ અનોખી છે. મૂળ તો શબ્દ છે 'પાંગળાપોળ'. મતલબ કે નબળાં ઢોરોને આશ્રય આપતી સંસ્થા. અગાઉ ગાય જેવા દુધાળાં ઢોર વૃદ્ધ થાય કે વસૂકી જાય અને તદ્દન બિનઉપયોગી બની જાય ત્યારે તેમની સારસંભાળ માટે ગામલોકો-ખેડૂતો કોઇ ખાસ ગોવાળ પરિવારને તેનું કામ સોંપી દેતા અને યથાયોગ્ય વળતર પણ ચૂકવતા કે જેથી કમસે કમ કતલખાને મોકલવાનો વારો ન આવે. બીમાર અને વૃદ્ધ ઢોરોને પણ આ જ રીતે મૂકી દેવાતાં. પણ, સમય જતાં ધાર્મિક માન્યતાઓની નજરે આવા ઢોરોનાં આશ્રય માટે દાન મળવા લાગ્યા તેથી શરૂઆતમાં સાર્વજનિક ઢોરવાડા અને પછી પાંજરાપોળો અસ્તિત્વમાં આવી. ધીમે ધીમે ખેડૂતો તેમજ બીજા લોકો પોતાને જે ન જોઇતા હોય તે કહોને કે અનિચ્છનીય ઢોરો પાંજરાપોળ મોકલતા થયા. બિનઉપયોગી વૃદ્ધ ગાય જ નહીં, પણ વાછરડાં, પાડા, બળદ, બકરાં-ઘેટાં વિગેરે. દુકાળ વખતે તો પશુપાલકો અને માલધારીઓ સુધ્ધાં લાચાર બનીને પોતાના પશુ પાંજરાપોળમાં ભરતી કરાવી દેતા. અગાઉ લખ્યું છે તેમ ધાર્મિક માન્યતાઓ અને જૈનમુનિઓ તેમજ અન્ય સાધુઓની પહેલથી જીવદયા માટે જમીન, ઘાસ, નાણાં, મકાન વિગેરે પ્રકારના દાન મળવા લાગ્યા અને પાંજરાપોળો વિકસતી રહી.

૨૬૦ વર્ષ પહેલાં અંજાર ખાતે પ્રથમ પાંજરાપોળ સ્થપાઇ હતી અને તે પછી ક્રમશ: તેમાં વધારો થતાં આજે રજિસ્ટર્ડ થયેલી ગૌશાળા-પાંજરાપોળોની સંખ્યા ૮૨ પર પહોંચી છે. સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા અનુસાર કચ્છ જેવી જીવદયા પ્રવૃત્તિ ગુજરાત તો ઠીક ભારતના અન્ય રાજ્યોમાંયે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જૈન વસ્તીવાળા કેટલાક વિસ્તારોને બાદ કરતાં બીજે ક્યાંયે કચ્છ જેટલી વ્યાપક જીવદયા પ્રવૃત્તિ જોવા મળતી નથી. હા, રજિસ્ટર થયેલી ગૌશાળા જેવી સંસ્થાઓ ઢોરસંખ્યાની દૃષ્ટિએ મધ્યપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન આપણા કરતાં એટલે કે કચ્છ-ગુજરાત કરતાં આગળ છે. પણ ત્યાં જે ગાય-ભેંસ જેવા પશુઓ છે તે મહદઅંશે સશક્ત અને દુધાળાં છે. કચ્છ જેવા વસૂકી ગયેલા કે તદ્દન અશક્ત-બિનઉપયોગી ઢોરોને આશ્રય આપતી પાંગળાપોળો નથી. એ દૃષ્ટિએ કચ્છ શિરમોર છે. ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી તેના ૩૩ જિલ્લાઓમાં ૨૬૦ રજિસ્ટર્ડ પાંજરાપોળો છે, એટલે સરેરાશ એક જિલ્લામાં આઠ સંસ્થાઓ છે પણ કચ્છમાં એની સંખ્યા ૮૨ જેટલી છે અને આજે આ ઉપરાંત બીજી થોડી અનરજિસ્ટર્ડ ગૌશાળાઓ પાસે નભતા અને મહદઅંશે નબળાં એવા પશુઓની સંખ્યા એક લાખ જેટલી છે. ૨૦૧૩ની પશુ ગણતરી અનુસાર કચ્છમાં ગાયની સંખ્યા ૫,૮૩,૪૨૦ અને ભેંસની સંખ્યા ૩,૭૫,૪૦૯ છે. મતલબ કે સાડાનવ લાખથી વધુ ગાય-ભેંસ છે. આ પૈકી એક લાખ એટલે કે ૧૦ ટકાથી વધુ ઢોર કચ્છની પાંજરાપોળો પાસે છે અને તે મહદઅંશે નબળાં, અશક્ત છે. આના ઉપરથી કચ્છીઓની જીવદયા પ્રવૃત્તિનો અંદાજ આવી જાય છે. ઘેટાં-બકરાં સહિતના કુલ પશુધનની વસ્તી કચ્છમાં ૧૯ લાખ જેટલી છે.

ચાલુ વર્ષે કચ્છમાં અર્ધઅછત જેવી સ્થિતિ છે અને ઉનાળાના આરંભે જ ઘાસ-પાણીની ભારે તંગી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આવનારા દિવસોમાં કચ્છની પાંજરાપોળો પરનું ભારણ વધવાની ધારણા સેવાઇ રહી છે. દોઢ-બે મહિના પહેલાં પેશ થયેલા અંદાજિત આંક અનુસાર ૮૨ પાંજરાપોળ-ગૌશાળાઓમાં ૭૫ હજારથી વધુ ઢોર આશ્રય લઇ રહ્યા હતાં. અત્યારે આ આંક એક લાખને આંબી ગયો હોવાનું અનુમાન છે. ૮૨ પૈકી ૧૬ પાંજરાપોળોમાં પશુધનની સંખ્યા ૧૫૦૦થી વધુ છે. સૌથી વધુ ભુજપુરમાં ૬૫૦૦, લાકડિયામાં ૫૦૦૦, રાપરમાં ૪૫૦૦, ભચાઉમાં ૩૫૦૦, મુન્દ્રામાં ૪૨૦૦, પ્રાગપરમાં ૩૭૦૦, માંડવીમાં ૨૧૦૦, બિદડામાં ૨૭૦૦ અને પદમપરમાં ૧૬૦ પશુઓનો નિભાવ થઇ રહ્યો છે.

પાંજરાપોળનાં સ્થળ અને પશુઓની સંખ્યા પરથી સહેજે કહી શકાય કે વાગડના ભચાઉ અને રાપર તેમજ કંઠીપટના માંડવી અને મુંદરા તાલુકા કે જ્યાં જૈનોની વસ્તી નોંધપાત્ર છે ત્યાં જ વધુ સંસ્થાઓ સ્થાપિત થઇ છે. અન્ય સ્થળે સંસ્થાઓ નથી એવું નથી. સ્વામિનારાયણ મંદિરના સાધુઓની પહેલથી અનેક મંદિરોમાં ગૌશાળાઓ થયેલી છે. આ ઉપરાંત બીજા હિન્દુ સંપ્રદાયોની જાગીરોમાં તેમજ સંખ્યાબંધ મંદિરોમાં પણ ગૌશાળાઓ છે. ત્યાં મહદઅંશે દુધાળાં ઢોર છે. ત્યાં તેમનો સારો નિભાવ થાય છે. ઉપરાંત પશુપાલકો, ખેડૂતો અને માલધારીઓ મળીને કચ્છમાં દુધાળાં ગૌધન પશુઓની કુલ સંખ્યા સાડાનવ લાખ જેટલી છે.

મુંદરા નજીક પ્રાગપર ચોકડી પર આવેલું એન્કરવાલા અહિંસાધામ તો કચ્છની જીવદયા પ્રવૃત્તિનું સીમાચિહ્ન સમાન નજરાણું છે. ભારતમાં ક્યાંયે ન હોય એવા આ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્રમાં બીમાર પશુની સારવાર માટે અલાયદી વ્યવસ્થા તો છે જ પણ તેમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ અને ઓપરેશન થિયેટર સુધ્ધાં છે. દેશના સર્વોચ્ચ કહી શકાય એવા એકથી વધુ પશુરક્ષા એવૉર્ડ આ સંસ્થાને મળી ચૂક્યા છે. ૬૦૦ એકરના વિશાળ સંકુલમાં પશુચિકિત્સા-કૃષિ કૉલેજ શરૂ કરવાયે ચક્રો ગતિમાન થયાં છે. એક યા બીજા કારણે અપંગ કે ખોડખાંપણવાળા પશુઓને કૃત્રિમ પગ પણ બિદડા સર્વોદય ટ્રસ્ટના સહકારથી બેસાડાયા છે. એ જ રીતે ભુજ નજીક ગુજરાતમાં ક્યાંયે ન હોય એવી પશુ હોસ્પિટલનો ૭ કરોડનો પ્રોજેક્ટ પણ સુપાર્શ્ર્વ જૈન મંડળે હાથ ધર્યો છે. બંનેમાં જૈન સાધુઓની પ્રેરણા અને દાતાઓની હૂંફ મળેલી છે.

અહીં કચ્છની આહીરપટ્ટીની ગૌધન પરંપરાનો ઉલ્લેખ પણ જરૂરી છે. કૃષ્ણના વંશજ એવા આહીરોના મોટાભાગના ગામોમાં ગમે તેવા કપરા કાળમાં પણ ગાયો ભૂખી ન રહે એ માટે ખાસ કરીને સંતવાણી યોજીને 'ઘોર'ના માધ્યમથી ફંડ ભેગું કરવાની હવે જાણે પરંપરા બની ગઇ છે. મે ૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલા હેવાલ મુજબ ગૌસેવાર્થે જાણે સ્પર્ધા જામી હોય એવું ચિત્ર ઊભું થયું છે. આ હેવાલ મુજબ આહીરપટ્ટીના નવ ગામોમાં સંતવાણીમાં પોણા બે કરોડ રૂપિયાની ઘોર થઇ હતી. આ તમામ ફંડ ગૌરક્ષા માટે હતું. એ જ રીતે આ વર્ષે પશુસેવાર્થે અખિલ કચ્છ આહીર ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ પણ યોજાઇ રહી છે.

જોકે, કચ્છમાં જીવદયાની અન્ય પ્રવૃત્તિમાં મુખ્યત્વે ગામેગામના ચબૂતરાનો ઉલ્લેખ થઇ શકે. વિશ્ર્વમાં ચકલીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને ભુજની માનવજ્યોત સંસ્થાએ લાકડાં અને માટીના ચકલાંઘર તેમજ પાણીના કૂંડાં બનાવીને વિતરણ કર્યું છે. એક લાખ કૂંડા અને ૬૦ હજાર પક્ષીઘર વિનામૂલ્યે વિતરિત કર્યા છે અને છેક લંડન સુધી પહોંચ્યા છે. તો માંડવી તાલુકાના ગોધરા ગામે ડેમ વચ્ચે આવેલા ટાપુ પર અનોખું 'કેશરિયાજી નિર્ભય પક્ષીધામ' બનાવાયું છે. પંખીના માળા અને ઉછેરમાં સુગમતા રહે એ માટે માટીના ઘર ત્યાં બનાવાયાં છે.

પણ મહદઅંશે નબળાં અને ખરા અર્થમાં તો મૂળ માલિકે તરછોડેલું કહી શકાય એવું ગૌધન પાંજરાપોળોમાં છે. અંજારમાં ૧૭૫૬ની સાલમાં સ્થપાયેલી પાંજરાપોળ એ કચ્છની પ્રથમ પાંજરાપોળ છે. મુંદરાની પાંજરાપોળ ૧૫૩ના વર્ષની છે. એ જ રીતે માંડવી અને પોલડિયા સહિતની પાંજરાપોળો સો વર્ષથીયે જૂની છે. આ પૈકી કેટલાકનાં તો મકાન જાજરમાન ભાસે છે. ગાયો માટે વ્યવસ્થિત શેડ-ગમાણ, હવાડા અને ગોડાઉનો જોતાં તેની વિશાળતા અને ભવ્યતાનો ખ્યાલ આવી જાય છે. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૫૨માં માંડવી પાંજરાપોળની મુલાકાત લઇને ખુશી વ્યક્ત કરી હતી. તો ઇન્દિરા ગાંધીએ કૉંગ્રેસ પ્રમુખની હેસિયતથી માંડવી અને મુંદરાની જીવદયા સંસ્થાની મુલાકાત લીધી હતી. પણ કચ્છની પાંજરાપોળો માટે કસોટીનો કહી શકાય એવો કાળ તો ૧૯૮૫થી ૧૯૮૮ (જૂન) સુધીનો હતો અને એ સમયે વડાપ્રધાન રાજીવ ગાંધી બે વાર કચ્છ આવ્યા હતા. ઉપરાઉપરી દુકાળની પરંપરાએ સંખ્યાબંધ પશુ મોતના મોંમાં ધકેલાઇ ગયા હતાં. રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના ગુજરાતના પાડોશી રાજ્યો પણ દુકાળની લપેટમાં હોવાથી ઘાસની ભારે તંગી હતી. સરકારી સબસિડીથી ઢોરવાડા ખૂલ્યા હતા. સર્વ સેવા સંઘે સંખ્યાબંધ નીરણકેન્દ્રો પણ શરૂ કર્યા હતાં. કચ્છના મોટાભાગના ગામોમાં પોતાનાં ઢોર બચાવવા સમિતિઓ રચાઇ હતી. સદીનો સૌથી કાળમુખો એવો એ દુકાળ હતો. એ સમયે રાપર પાંજરાપોળમાં ઢોરોની સંખ્યા નવ હજાર પર પહોંચી હતી. કોઇ એક પાંજરાપોળ માટે સંભવત: એ વિક્રમ હતો. '૮૭ના દુકાળના આરંભે જૂન-જુલાઇ મહિનામાં કચ્છની ૪૦ પાંજરાપોળોમાં ૨૧૩૮૦ ઢોર હતાં. પણ ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં ૫૯૦૭૭ પર આંક પહોંચી ગયો હતો. જાણીતા દાનવીર દામજીભાઇ એન્કરવાલાના નેતૃત્વ હેઠળ ૩૨ ઢોરવાડા શરૂ થયા હતા જેમાં ૭૦ હજાર પશુઓએ આશ્રય મેળવ્યો હતો.

એ સમયે ખાસ તો ૧૯૮૭-૮૮ના છેલ્લા દુકાળમાં પશુરક્ષાની પ્રવૃત્તિ કરતી પાંજરાપોળ જેવી સંસ્થાઓની આર્થિક સ્થિતિ વિશે સતત ચર્ચાઓ થતી રહેતી હતી. માત્ર દાન અને સબસિડી પર નભવાને બદલે સ્વાવલંબન પર દોરી જાય એવાં પગલાં લેવા પર ભાર મુકાયો હતો. જાણીતા દાનવીર અને જીવદયાપ્રેમી દીપચંદ ગાર્ડીના નેજા હેઠળ ગુજરાત ગૌશાળા-પાંજરાપોળ મહામંડળ સુધ્ધાં રચાયું હતું અને કચ્છમાં ઘાસ બૅંક સ્થાપવાનીયે વાત થઇ હતી. પણ ૧૯૮૮ના જૂન મહિનામાં સારો વરસાદ થતાં બધી વાતો વિસરાઇ ગઇ, ત્યાર પછી પણ પ્રસંગોપાત પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવાની વાતો થતી રહી છે પણ સચોટ કહી શકાય એવાં કોઇ પગલાં લેવાયાં નથી. અધકચરાં પ્રયાસોનું જ ચિત્ર ઉપસે છે. આ સંદર્ભે વાત હવે પછી કરીશું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment