Saturday, 30 April 2016

[amdavadis4ever] સસલી બીકણ જ હોય? શ િયાળ લુચ્ ચું જ હોય?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાળકો માટેની પ્રાણીકથાઓ મોટેભાગે બોધકથા હોવાની. ફેબલ કહે એને અંગ્રેજીમાં. ઈસપની કથાઓ, પંચતંત્રની કથાઓ - આ બધી ફેબલ્સ કહેવાય. અનીતિ પર નીતિનો વિજય એ આ વાર્તાઓનો પ્રથમ અને પરમ બોધ. અને બોધ તરફ ધ્યાન ન આપો તોય એમાં મનોરંજન તો ઠાંસોઠાંસ ભરેલું હોવાનું જ.

ડિઝનીની એનિમેશન ફિલ્મ 'ઝૂટોપિયા' આવી જ એક ફેબલ છે. ઝૂ વત્તા યુટોપિયા એટલે ઝૂટોપિયા. યુટોપિયા એટલે કલ્પનાનો પ્રદેશ એની તમને ખબર છે અને ઝૂ એટલે શું તે કોઈને સમજાવવાનું ન હોય.

આ એક કલ્પનાના પ્રાણીનગરની વાર્તા છે. નાનપણથી આપણને વાર્તાઓમાં શીખવાડવામાં આવ્યું કે સસલી બીકણ જ હોય ને શિયાળ લુચ્ચું જ હોય. 'ઝૂટોપિયા'ની સસલી નામે જુડી હોપ્સ ઝેડપીડીની ઑફિસર છે. એનવાયપીડી (ન્યૂ યોર્ક પુલિસ ડિપાર્ટમેન્ટ) કે એલએપીડી (લોસ એન્જલસ પુલિસ ડિપાર્ટમેન્ટ) તમે ઘણી હૉલીવૂડ ફિલ્મોમાં જોયા છે. અહીં ઝૂટોપિયા પુલિસ ડિપાર્ટમેન્ટ છે. જુડીને નાનપણથી જ પુલિસ ઑફિસર બનવાનું ખ્વાબ. એનાં પેરન્ટ્સ સહિત સૌ કોઈ એના પર હસે. મોટી થઈને પુલિસ ઍકેડમીમાં ટ્રેનિંગ લેવા ગઈ ત્યારે એનાં કરતાં અનેક કદાવર અને જોરાવર પ્રાણીઓની સામે જુડીનું પરફોર્મન્સ સાવ છુંછાં જેવું લાગે.

પણ પછી જુડીએ જબરજસ્ત મહેનત કરી. પુલિસ ઍકેડેમીમાંથી પાસ થઈ, એનું પોસ્ટિંગ ઝેડપીડીમાં થયું. કવૉલિફાઈડ પુલિસ ઑફિસર હોવા છતાં એને કોઈ ચૅલેન્જિંગ કેસ સોંપવાને બદલે પુલિસ ચીફ એને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા કારમાલિકોને દંડવાનું કામ સોંપે છે. પાર્કિંગ સ્પેસમાં મીટર કરતાં વધારે ટાઈમ પાર્ક કરેલી ગાડીઓ પર ચલન (ટિકિટ) લગાડવાની જવાબદારીને પણ જુડી એક પડકાર તરીકે ઝીલી લે છે.

ડ્યૂટી દરમ્યાન એની મુલાકાત નિકોલસ વાઈલ્ડ ઉર્ફે નિક નામના શિયાળ સાથે થાય છે. નિકની એન્ટ્રી વખતે તમને ખબર પડે છે કે એ ટિપિકલ લુચ્ચું શિયાળ જ છે અને નાની-મોટી ચાલબાજીઓ કરીને, લોકોને છેતરીને મઝાની લાઈફ જીવે છે, પણ વાર્તા આગળ વધે છે ત્યારે ખ્યાલ આવે છે કે નિક નાનપણથી જ લુચ્ચું શિયાળ નથી. નાનપણમાં તો એણે સમાજસેવા કરવી હતી, બૉય સ્કાઉટમાં જોડાઈને લોકોનું ભલું કરવું હતું, પણ કોઈએ એની દાનત પર વિશ્ર્વાસ મૂક્યો નહીં. વખાનું માર્યું એ ચાલબાજ બની ગયું.

પણ જુડી સસલી સાથે ઓળખાણ થયા પછી નિક શિયાળનો અંતરાત્મતા જાગી ઊઠ્યો અને બેઉ જણ ઝૂટોપિયાને સતાવી રહેલા એક વણઉકલ્યા ક્રાઈમને સોલ્વ કરવામાં લાગી પડ્યા.

આખી વાર્તા થ્રિલિંગ છે. અપ્સ ઍન્ડ ડાઉન્સ અને સરપ્રાઈઝીસથી ભરેલી. હ્યુમર પણ જબરજસ્ત છે. આળસુપણા માટે જાણીતા સ્લોથ પ્રાણીઓ સરકારનો આર. ટી. ઓ. જેવો વિભાગ સંભાળે છે એ સીન આખી ફિલ્મની જાન છે. આ પ્રાણીનગરની પહેલવહેલી મુલાકાતે જતી જુડીની બુલેટ ટ્રેન જે રીતે વિવિધ આબોહવાવાળા વિસ્તારોમાંથી પસાર થાય છે અને દરેક વિસ્તાર (રણપ્રદેશ, સ્નોપ્રદેશ)નાં પ્રાણીઓ તથા ત્યાંની બીજી સૃષ્ટિની કલ્પના એકદમ મનોહર છે. એક વખત જોઈને જી નહીં ભરાયું તો અઠવાડિયા પછી બીજી વખત આ ફિલ્મ જોઈ. એટલી જ મઝા આવી. અમેરિકામાં અને વિદેશોમાં સુપરહિટ નીવડેલી આ ફિલ્મ ગયા મહિને ભારતમાં રિલીઝ થઈ પણ જેટલી ગાજવી જોઈએ એટલી ગાજી નહીં. મારા કેટલાક મિત્રો એમનાં પ્રી-ટિન્સ બાળકોને 'જંગલ બુક' દેખાડી આવ્યા ત્યારે મેં પૂછયું કે બચ્ચાઓને 'ઝૂટોપિયા' બતાવ્યું કે નહીં ત્યારે કેટલાકે કહ્યું કે રહી ગયું, તો કેટલાકને ખબર જ નહોતી કે આવી કોઈ ફિલ્મ રિલીઝ પણ થઈ હતી.

આપણે એક એવા સમાજમાં રહીએ છીએ જ્યાં દરેક જાતિ, દરેક ધર્મના, દરેક પ્રદેશના લોકો વિશે આપણા મનમાં નાનપણથી જ અમુક વિચારો ઠાંસવામાં આવ્યા હોય. સિંધી વેપારી આવો જ હશે, મારવાડી તો કે તેવો, ગુજરાતીઓમાં કચ્છીઓ અમુક પ્રકારના જ અને કાઠિયાવાડીઓ તો કે આવા, અમદાવાદીઓ - સુરતીઓ - બમ્બૈયા લોકો, દરેકના વિશે આપણી પાસે તૈયાર અભિપ્રાય હોવાના - કોઈ જાત અનુભવ વિનાના. બ્રાહ્મણ, વાણિયા, જૈન, પટેલ વગેરે માટે પણ નિશ્ર્ચિત અભિપ્રાયો હોય.

અને આપણા એ એંઠા અભિપ્રાયથી વિરુદ્ધ જતું વર્તન કોઈ કરે તો એના માટે કહેવાનું કે એ તો અપવાદ છે.

અભિપ્રાયોના સરળીકરણની સમસ્યા એકવીસમી સદીમાં વધતી જવાની. જ્યુઝ કે યહૂદીઓમાં અમુક ટ્રેટ હોય, જર્મન કે જપાની આવા જ હોય, ચીનાઓ તેવા જ હોય, મુસ્લિમો આવા જ અને અમેરિકનો તેવા જ એવી વાતો તમે તમારા માનસિક ગામડામાં રહીને તમારા યુટોપિયન પાનના ગલ્લા પર ગપ્પાં મારતાં કરતાં રહો છો. હવે બહાર આવીએ. મેઈડ ઈન ચાયના એટલે તકલાદી જ માલ એવું નથી રહ્યું. એપલના બધા જ ફોન ચાઈનામાં બને છે. અફલાતૂન ક્વોલિટીવાળા. સિંધી કે મારવાડી સજ્જનો ઉદાર, દાનવીર અને ભરપૂર માનવતાવાદી હોય એવા અસંખ્ય દાખલા. મુસ્લિમો આતંકવાદી કે ઝનૂની ન હોય એવા તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા દાખલા. વાણિયો ભોળો હોય અને બ્રાહ્મણ ઈર્ષ્યાળુ ન હોય એવી પણ એટલી જ ટકાવારી.

બીજાઓ વિશે અભિપ્રાય આપવા માટે એમને ચોક્કસ ખાનામાં મૂકવાનું આપણા માટે સગવડભર્યું હોય છે. એમના ઉપર તૈયાર લેબલમાંથી કોઈ એક ચિપકાવી દેવાનું આપણા માટે સુગમ હોય છે, પણ બીજાઓ વિશે પૂર્વધારણાઓથી અભિપ્રાય બાંધવો જ શું કામ? ફૉર ધૅટ મેટર બીજાઓને જજ કરીને પણ શું કામ એમના વિશે અભિપ્રાય બાંધવો જોઈએ? હવેથી કોઈપણ તમારી સમક્ષ સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશનવાળા ઓપિનિયનની ફેંકાફેંકી કરે ત્યારે એને 'ઝૂટોપિયા' જોવા લઈ જજો અને પછી એને સમજાવજો કે ભઈલા, સસલી બીકણ જ હોય એ જરૂરી નથી અને શિયાળ લુચ્ચું હોય એ પણ અનિવાર્ય નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment