Saturday, 30 April 2016

[amdavadis4ever] આંસુભીનાં રે હ રિનાં લોચનિયાં!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જેઓ પોતાના ઘરે કૂતરાઓ પાળતા હોય છે તેમને આ પાળતુ પ્રાણી સ્વજન જેવું જ લાગતું હોય છે. જો કોઈ એમના કૂતરાને કૂતરો કહે તો એ લોકો નારાજ થઈ જતા હોય છે. આવા પુણ્યાત્મા કૂતરાઓ ડોગ કહેવાય છે અથવા ડોગી કહેવાય છે, એમને કૂતરા ન કહેવાય.

આપણા દેશમાં પ્રિવેન્શન ઑફ એનિમલ ક્રુઆલિટી એકટ નામનો એક કાયદો છે. આ કાયદામાં પતંગના માંજાથી કબૂતરનો પગ કપાઈ જાય ત્યાંથી માંડીને તબેલામાં બાંધેલા ગાય કે ભેંસ સાથે માલિકે કેમ વર્તન કરવું એના દંડાત્મક આદેશો છે. તમારે કૂતરું પાળવું હોય કે પછી પાંજરામાં પૂરીને પંખી પાળવું હોય તો સરકારી ચોપડે રજિસ્ટર કરાવવું પડે અને રજિસ્ટરની આદેશાત્મક સૂચનાઓનું પાલન કરવું પડે, તમે બંગલાના માલિક હો અને તમારા ફળિયામાં ગાય, ભેંસ કે ઘોડો બાંધો તો પરમિશન લઈને આ પશુઓને પાળવા-પોષવાના નિયમોનું પાલન કરવું પડે. એની વખતોવખત દાકતરી તપાસ કરાવવી, રસી મુકાવવા, નવરાવવા, ધોવડાવવા આ બધાનું તમારે પાલન કરવું જોઈએ. જો આવું કરવામાં તમે બેદરકારી રાખો અને ઈન્સ્પેક્ટર ચેકિંગ માટે આવી ચડે તો કાં તો તમારે ઈન્સ્પેક્ટરને બંધ મુઠ્ઠી વચ્ચે અદલબદલ કરીને રાજી કરવો પડે અથવા દંડ ભરવો પડે.

રેલવેની માલગાડીમાં ચોપગાં ઢોરને એક ગામથી બીજે ગામ લઈ જવામાં આવે છે. આ ચોપગાં પશુને સુપેરે સગવડપૂર્વક લઈ જવાય એટલા માટે માલગાડીના ચોક્કસ નિયમો છે. રેલવેની પરિભાષામાં જેને ફોર વ્હીલર વેગન કહે છે એમાં એક કે બે ભેંસ, ગાય, ઘોડા કે પછી દશ-વીસ બકરાં નિશ્ર્ચિત સંખ્યામાં પરિવહન કરવામાં આવે છે. આની સાથે એક કે બે રખેવાળ ફરજિયાત હોય છે અને એમને રસ્તામાં પૂરતાં ખોરાકપાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી પેલા રખેવાળો ઉપર લાદવામાં આવી હોય છે. જો ઢોરોની સંખ્યા નિશ્ર્ચિત ધોરણથી વધી જાય તો ફોર વ્હીલર વેગનને બદલે એઈટ વ્હીલર બોગી ભાડે કરવી પડે છે.

હવે આ જ રેલવે ગાડીના પેસેન્જર ડબ્બાઓની હાલત જુઓ. જનરલ ડબ્બાઓમાં "૧૧૨ પ્રવાસીઓ માટે એમ લખ્યું તો હોય છે પણ એ જ ડબ્બામાં ઠાંસી ઠાંસીને ભરેલા પ્રવાસીઓની સંખ્યા ત્રણ ગણી હોય છે. આ બધા જ પ્રવાસીઓએ ટિકિટનાં પૂરતાં નાણાં ખર્ચ્યાં હોય છે અને છતાં એ જ ગાડીના પાછળના વેગન કે બોગીમાં પ્રવાસ કરી રહેલાં ઢોરઢાંખર કરતાં વધુ બદતર હાલતમાં ગૂંગળાઈને ઊભાં હોય છે. (એક ઘડીક થોભીને થોડોક વિચાર કરશો? આવી રહેલી બુલેટ ટ્રેનમાં બે કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચાશે એ સપનું સોહામણું છે કે પછી વર્તમાન રેલવે વ્યવસ્થામાં એક એક પેસેન્જરને ઓછામાં ઓછી આરામદાયક બેઠક વ્યવસ્થા મળે અને પ્લેટફોર્મ ઉપર ઊતરતી વખતે પ્લેટફોર્મ અને ગાડીનાં પગથિયાં વચ્ચેના પોલાણમાં કમોત ન આવે એની વ્યવસ્થા કરવી વધુ જરૂરી છે?

આ બધી લાંબી ચર્ચાનો સારાંશ કદાચ તમે એટલો જ પકડ્યો હશે કે સરકારી કાયદાઓ પશુઓ માટે જેટલા માનવીય છે એટલા આપણા કે તમારા માટે માનવીય નથી. આ ઉપરછલ્લો અર્થ છે. સહેજ ઊંડા ઊતરો અને તમારી જાતને પૂછો કે તમે પોતે તમારી જાત સાથે કે પછી તમારાં સંતાનો સાથે માનવીય છો ખરાં? પ્રશ્ર્ન કદાચ ચોંકાવી મૂકે એવો લાગશે પણ તમામ પૂર્વગ્રહોને કે અવધારણાઓને સુધ્ધાં એક તરફ હડસેલીને આ પ્રશ્ર્નનો ઉકેલ ખોળવા તમારા વર્તનને તપાસી જોશો ખરા?

એક જૈન મુનિએ લખેલું કોઈક પુસ્તક ઘણા વખત પહેલાં વાંચવામાં આવ્યું હતું. પુસ્તક સરસ હતું પણ એની વિગતે ચર્ચા અહીં કરવી નથી. એનો એક પ્રસંગ આરપાર ઊતરી જાય એવો છે. પ્રસંગ આ પ્રમાણે હતો -

સુખી-સંપન્ન ઘરના એક ગૃહસ્થની તરુણ વયની રૂપાળી અને શિક્ષિત પુત્રી ગાડીના ડ્રાઈવર સાથે નાસી ગઈ. પિતાને ભારે આઘાત લાગ્યો. પુત્રીએ તો ડ્રાઈવર જોડે લગ્ન પણ કરી લીધાં. પિતાએ મુનિ મહારાજ પાસે પોતાની હૈયાવરાળ ઠાલવી.

'મહારાજશ્રી, મેં મારી આ એકની એક દીકરીને દોમદોમ સાહેબીમાં રાખીને હથેળીમાં ઉછેરી છે, એણે આવું કેમ કર્યું?'

"તારી વાત સાચી છે ભાઈ! બહુ ખોટું થયું! કદાચ તું એને ખિસ્સાખર્ચી માટે પૂરતા પૈસા નહિ આપતો હોય!

"એવું નથી ભગવંત! હું એને જોઈએ એટલા પૈસા આપતો હતો. એ પૈસા એ ક્યાં વાપરે છે એનો હિસાબ ફણ લેતો નહોતો.

"તો પછી તેં એને મોડી રાત્રે કલબો કે પાર્ટીઓમાં જવા ઉપર પ્રતિબંધ મૂક્યો હશે!

"ના રે ના! એને આવવા-જવાની મેં પૂરેપૂરી સ્વતંત્રતા આપી હતી, ક્યારેય કશું પૂછતો નહિ.

"એમ? મહારાજશ્રી બોલ્યા. "તો પછી તેં એના ટી.વી. કાર્યક્રમો, મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ આ બધું જોવા નહિ દીધું હોય.

"અરે, હોય કંઈ મહારાજ! મેં તો એને બધી જ છૂટ આપી હતી. મારા તરફથી એને કોઈ રોકટોક નહોતી.

"તો પછી ભલા માણસ, એ ભાગી ન જાય તો બીજું કરે પણ શું? તને દીકરીનો ઉછેર કરતાં જ નથી આવડ્યો. એને રોકટોક વિના સ્વચ્છંદ જીવન તેં જીવવા દીધું પછી સારું જીવન શી રીતે જિવાય એની શીખ એને મળી જ નહિ. આ પરિણામ તને તારા કુકર્મને કારણે મળ્યું છે. તેં જ એને જીવન જીવતાં શીખવાડ્યું નથી.

પ્રિવેન્શન ઑફ એનિમલ ક્રુઆલિટી એક્ટ અને એનિમલ વેલ્ફેર બોર્ડ આ સરકારી સંસ્થાઓ પશુ-પંખીઓની જેટલી સંભાળ લે છે એટલી કદાચ આપણાં ઊગીને ઊભાં થતાં બાળકોની સંભાળ લેતાં નથી. આનું કારણ એ છે કે પશુપંખીઓની સંભાળ લેવા માટે એમનાં કોઈ પાલક માતાપિતા હોતાં નથી. માનવબાળના ઉછેર માટે માતાપિતા હયાત હોય છે. એક કબૂતરનો પગ ઊડતા પતંગના માંજાથી કપાઈ જાય તો એની સંભાળ લેવા માટે દશ-વીસ દયાળુઓ રસ્તામાં ટોળું વળીને એકત્રિત થઈ જાય છે અને એની સંભાળ લેવા માટે સરકારી તંત્રો પણ દોડી આવે છે. આ જખમી કબૂતરની બરાબર સામે રસ્તાના છેડે એક અનાથ બાળક ભૂખ્યું તરસ્યું અને તાવથી ધગધગતું પડ્યું હોય તો એના તરફ કોઈનું ધ્યાન જતું નથી. એટલું જ નહિ, પણ કયા સરકારી તંત્રની સંભાળ હેઠળ એ આવે એ વિશે પણ કોઈ નિશ્ર્ચિતતા હોતી નથી.

શિયાળાની વહેલી સવારે કે પછી ચોમાસાની વરસતી સવારે ઊંઘરેટી આંખે, પોતાના વજન કરતાં અરધા વજનનો ભાર પીઠ ઉપર લાદીને મમ્મીની પડખે ઊભા રહીને સ્કૂલ બસની રાહ જોતાં બાળકોને જોયાં છે? જે ઘરમાં વડીલો આઠ વાગ્યા પછી ઊઠે છે એ ઘરના બાળકને વહેલી સવારે સાત વાગ્યે સ્કૂલમાં તો મોકલી જ દેવામાં આવે છે. બપોરે બે વાગ્યે સ્કૂલ બસમાં પાછા ફરેલા આ બાળકને લૂસ લૂસ ખવડાવીને ટી.વી. સામે બેસાડી દેવામાં આવે છે. એને બપોરની નીંદર લેવાનો સમય આપવામાં આવતો નથી, કેમ કે સાડાત્રણ વાગ્યે એણે ટ્યુશનમાં જવાનું હોય છે. સાડાત્રણ વાગ્યે ટયુશનમાં ગયેલું બાળક સાડાપાંચ વાગ્યે પાછું ફરે છે અને દૂધનાસ્તાના નામે કશીક અપૌષ્ટિક બજારુ ચીજ ખાઈને તરત જ બીજા ટ્યુશન માટે એ રવાના થાય છે. આ બીજું ટ્યુશન રાત્રે નવ વાગ્યે પૂરું થાય છે અને આવા વખતે આ બાળક ભોજન પામે છે અને પછી આવતી કાલે સવારે સાત વાગ્યે જવાનું છે એ ભય હેઠળ દફતર સમેટીને સૂઈ જાય છે. માતાપિતા ત્યારે ટી.વી.ના પડદા ઉપર આંખ ઠેરવીને રસપૂર્વક જોતાં હોય છે અથવા તો પિતા ધંધાદારી કે અન્ય બેઠકો કે ટેલિફોનિક સંવાદોમાં મશગૂલ હોય છે અને માતા બીજા દિવસ માટે કિટ્ટી પાર્ટી, શોપિંગ, બ્યુટી પાર્લર ઈત્યાદિની યોજનાઓ કરી રહી હોય છે. એમના માટે બાળકનું અસ્તિત્વ ટી.વી.ના રસદાયક પ્રોગ્રામની સરખામણીએ નોંધપાત્ર હોતું નથી.

આટલું અઘરું હોય એમ બાળકે વર્ગમાં પહેલો નંબર જ લાવવો જોઈએ અને એને બધું જ આવડવું જોઈએ એવા દુરાગ્રહ સાથે બાળકને કેલિગ્રાફી, સ્કેટિંગ, ડાન્સિંગ, ચિત્રકામ ઈત્યાદિ ઈતર પ્રવૃત્તિઓમાં પણ સાંકળી દેવામાં આવે છે. આનું પરિણામ એ આવે છે કે ખુલ્લા મેદાનમાં પરસેવો વળી જાય ત્યાં સુધી ખોખો, હુતુતુતુ, સાતતાળી કે થપ્પો આ બાળક માટે કોઈક બીજા જ ગ્રહત રમત બની જાય છે. આ બધો સમય એ ટી.વી.ના પડદા સામે ગાળે છે, વિડિયો ગેમ્સ રમે છે. આ વિડિયો ગેમ્સ મોટા ભાગે ઢિશૂમ ઢિશૂમના હિંસક દૃશ્યોથી જ ભરપૂર હોય છે. રમતના મેદાનમાં રમતું બાળક રમવાની ક્ષણે નિર્ણયશક્તિ કેળવે છે અને ડ્રોઈંગરૂમમાં વિડિયોગેમ્સ રમતા બાળક ઉપર હિંસાનાં દૃશ્યો સવાર થઈ જાય છે.

આતંકવાદીઓને આપણે ચોક્કસ નામ આપીને ધિક્કારીએ છીએ. બાળકો ઉપર પરોક્ષ આતંકવાદ ફેલાવનારાઓમાં માતાપિતા ઉપરાંત સરકાર પણ છે. તમારાં બાળકોનાં પાઠ્યપુસ્તકો તમે ક્યારેય ધ્યાનથી જોયાં છે? વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલના દાદા હતા એવી જાણકારી તમને એમાંથી મળશે. આ તો એક ઉદાહરણ છે. સીબીએસસી અને આઈસીએસસીનો પ્રવાહ હવે વધ્યો છે. આર્જેન્ટિનાનું પાટનગર રીઓડીજાનેરો છે કે બ્યુઓનેસએરીસ છે આ વાત આઠ વરસના બાળકને ગોખાવવામાં આવે છે. આર્જેન્ટિનાના કોઈ પાઠ્યપુસ્તકમાં ભારતના પાટનગર વિશે કોઈ ખણખોદ કરે છે ખરું? ત્રાસવાદના કાયદા હેઠળ આ બધું આવરી લેવું જોઈએ એવું તમને નથી લાગતું?

મુસલમાન, જૈન અને સ્વામીનારાયણ સંપ્રદાયના પરિવારનાં બાળકો વિશે મેં એક નિરીક્ષણ કર્યું છે. આ પરિવારનાં સાંપ્રદાયિક વલણો સાથે કદાચ આપણને મતભેદ હોય પણ આ પરિવારના વડીલો એમનાં સંતાનોને પોતપોતાના ધાર્મિક ગ્રંથોથી અવગત કરાવે છે અને લાગતાવળગતા સ્ત્રોતો પણ શીખવે છે. હિંદુ ધર્મના અન્ય સંપ્રદાયોમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. આ સંપ્રદાયનાં માતાપિતાઓએ પોતાની જાતને જ આ પ્રશ્ર્ન પૂછવા જેવો છે કે તમે તમારાં સંતાનોને રોજ રાત્રે અર્ધા કલાક માટે પાસે બેસાડીને કોઈ ધર્મ, સંસ્કૃતિ, ઈતિહાસ કે શિક્ષણની વાત કરો છો ખરાં? જો તમારો જવાબ નામાં હોય તો તમારાં બાળકને માનવબાળ તરીકે નહિ પણ એનિમલ વેલ્ફેર એક્ટ નીચે રક્ષણ મળે એવું પ્રાવધાન કરવું જોઈએ. કવિ કરસનદાસ માણેકે લગભગ પોણોસો વરસ પહેલાં લખેલી એક કવિતા 'હરિનાં લોચનિયાં' જરાક ધ્યાનપૂર્વક વાંચી જોજો. - 'તે દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં!'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment