Saturday, 30 April 2016

[amdavadis4ever] વિકટ સંજોગો ઊભા થાય ત્યારે ...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક યુવાન વેપારીએ દેવું થઇ જવાને કારણે જીવન ટૂંકાવી લીધું...જાણીતી ટીવી અભિનેત્રીએ જીવનથી થાકીને આત્મહત્યા કરી લીધી... પેપર નબળું ગયું એટલે એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ લીધો... સગાઇ તૂટી ગઇ એટલે એક યુવતીએ આપઘાત કરી લીધો...

છેલ્લા થોડા દિવસોમાં આવા એકાદ ડઝનથી વધુ કિસ્સાઓ વાંચીને એક અનોખી મહિલા યાદ આવી ગઇ. તે યુવતીના જીવનમાં ઘણી વાર હતાશાજનક સ્થિતિ ઊભી થતી હતી, પણ તેણે વિપરીત સંજોગો સામે ઝઝૂમીને અકલ્પ્ય સફળતા હાંસલ કરી છે. તે મહિલાની જીવનકથામાંથી પ્રેરણા લેવા જેવી છે. 

૩૧ જુલાઇ ૧૯૬૫ના દિવસે ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરની બાજુના એક ગામમાં એક મધ્યમ વર્ગીય કુટુંબના ઘરમાં એક દીકરીનો જન્મ થયો. એ છોકરી મોટી થઇ ત્યારે ગામમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. માધ્યમિક શિક્ષણ બ્રિસ્ટોલની વાયેડીન સ્કૂલમાં મેળવ્યું અને એક્સેટેરે યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચ ભાષા સાથે આર્ટ્સ ગ્રેજ્યુએટ તરીકે ડિગ્રી મેળવી. તેણે એ જ યુનિવર્સિટીમાં ક્લાસિક્સની પણ ડિગ્રી મેળવી. એ પછી બ્રિટિશ અમેરિકન ડ્રામા એકેડેમીમાં તાલીમ લેવા માટે તે પેરિસ ગઇ. પેરિસમાં એક વર્ષ અભ્યાસ કર્યા પછી તેણે વિશ્ર્વવિખ્યાત ઓર્ગેનાઇઝેશન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલમાં એક સંશોધક અને દ્વિભાષી સેક્રેટરી તરીકે ફરજ બજાવી. 

એ છોકરી સામાન્ય છોકરીઓ જેવી જ જણાતી હતી. તેને તેની માતા પ્રત્યે બહુ લગાવ હતો. પણ ૧૯૯૦માં તે ૨૫ વર્ષની થઇ ત્યારે તેની માતા મૃત્યુ પામી. તેની માતાને સોરાયસિસની બીમારી થઇ ગઇ હતી અને તેની માતાની ચામડી સતત ખરતી રહેતી હતી. પણ તેની માતા આટલી જલદી મૃત્યુ પામશે એવી એ છોકરીએ કલ્પના પણ કરી નહોતી. માતાના અકાળ મૃત્યુથી તે માનસિક રીતે પડી ભાંગી. તેને ઇંગ્લેન્ડમાં ક્યાંય ગોઠતું નહોતું. માતાની યાદથી તે વિહવળ બની જતી હતી. આ દરમિયાન ૧૯૯૦માં જ તેણે માંચેસ્ટરથી લંડન જવા માટે ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક તેને એક ટીનએજર છોકરાની વાર્તા લખવાનો વિચાર આવ્યો હતો. તેણે પોતાના ઘરે જઇને એ વિચાર અમલમાં મૂક્યો. તેણે વાર્તા લખવાની શરૂઆત કરી પણ માતાના મૃત્યુને કારણે તેના એ અભિયાનમાં અવરોધ ઊભો થયો. માતાની યાદ ભુલાવવા માટે ૧૯૯૧માં તે પોર્ટુગલ ચાલી ગઇ અને ત્યાં શિક્ષિકા તરીકે નોકરી મેળવીને તે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા માંડી. પોર્ટુગલમાં તેણે પેલી વાર્તા ફરી હાથ પર લીધી. હવે તેના મનમાં એક નવલકથા આકાર લઇ રહી હતી. એ દિવસો દરમિયાન જ તે યુવતીના ઉદરમાં એક શિશુ પણ આકાર લઇ રહ્યું હતું. તે યુવતી પોર્ટુગલના એક પત્રકારના પ્રેમમાં પડી હતી. એ પ્રેમના આવેગ દરમિયાન શારીરિક સંબંધના પરિણામરૂપે પ્રેગનન્ટ બની ગઇ હતી. ૧૯૯૩માં તે યુવતીએ એક પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ તેણે જેસિકા પાડ્યું. તે યુવતી લગ્ન કર્યાં પહેલાં જ માતા બની ચૂકી હતી પણ તેનો તેને કોઇ ક્ષોભ નહોતો. પુત્રીના જન્મ પછી તેણે પોતાના પોર્ટુગિઝ પત્રકાર પ્રેમી સાથે લગ્ન કર્યા. જોકે એ લગ્નજીવન લાંબું ટકી શક્યું નહીં. તે યુવતીને પ્રેમી તરીકે આકર્ષી શકેલો પોર્ટુગિઝ પત્રકાર પતિ તરીકે સારો ન બની શક્યો. તેની સાથે જીવન વીતાવવું મુશ્કેલ બનશે એવું લાગતા તેણે શિક્ષિકા તરીકે રાજીનામું આપી દીધું હતું. વળી એક વાર તે હતાશ થઇ પણ તેની નાની બહેને તેને સંભાળી લીધી. તે યુવતીની નાની બહેન એડિનબર્ગમાં રહેતી હતી. યુવતી તેની પુત્રી સાથે નાની બહેનના ઘરે રહેવા ચાલી ગઇ. રહેવાની વ્યવસ્થા તો થઇ ગઇ હતી પણ તે સ્વમાની યુવતી પોતાની નાની બહેન પર આર્થિક રીતે બોજ બનવા માગતી નહોતી. પણ તેની બહેને તેને સધિયારો આપ્યો. એ દરમિયાન તે યુવતીએ ફરીવાર પેલી, એક છોકરાની વાર્તાવાળી નવલકથા આગળ ધપાવી. તેણે ૧૯૯૫માં નવલકથા પૂરી કરી નાખી. તેની પાસે કમ્પ્યુટર લેવાના પૈસા તો હતા નહીં એટલે ખખડી ગયેલા ટાઇપરાઇટરની મદદથી નવલકથા પૂરી કરવી પડી હતી. 

નવલકથા લખાઇ ગયા પછી એ નવલકથાનું પ્રકાશન કેમ કરવું એ મોટો પ્રશ્ર્નાર્થ તે યુવતી સામે ઊભો થયો. તેણે ઘણા લિટરરી એજન્ટ્સનો(પુસ્તકો માટે 

પ્રકાશક શોધી આપતા એજન્ટ્સ)સંપર્ક કર્યો. છેવટે ક્રિસ્ટોફર લિટલ લિટરરી એજન્ટ્સ નામની એક લિટરરી એજન્સી તેની નવલકથા માટે પ્રકાશક શોધવા સંમત થઇ. પ્રકાશક શોધવા માટે એક વર્ષ સુધી જોકે એ એજન્સીએ પણ મહેનત કરવી પડી. છેવટે પ્રકાશન કંપની બ્લુક્સ બેરીના સંચાલક અને સંપાદક બેરી કિનંગહેમ તે યુવતીની નવલકથા છાપવા તૈયાર થયા. તેમણે લેખિકા બનેલી યુવતીને નવલકથાની રોયલ્ટી પેટે આગોતરા ૧૫૦૦ પાઉન્ડ(આશરે રૂપિયા એક લાખ) ચૂકવ્યા. એ નવલકથા છપાઇને માર્કેટમાં આવી એવી તેની તમામ કોપી ચપોચપ વેચાઇ ગઇ. પ્રથમ પુસ્તકની સફળતાથી ખુશ થઇ ગયેલી લેખિકાએ ફટાફટ બીજી નવલકથા લખી નાખી. તે પુસ્તક પણ ફટાફટ વેચાવા માડ્યું. તે યુવતીએ પછીના નવ વર્ષ દરમિયાન એક પછી એક એમ સાત નવલકથા લખી અને દરેક વખતે આગળના પુસ્તકના વેચાણના આંકનો વિક્રમ તૂટતો ચાલ્યો. તે લેખિકાની પ્રથમ છ નવલકથાના પુસ્તકોની અત્યાર સુધીમાં કુલ ત્રેંત્રીસ કરોડ કોપી વેચાઇ ગઇ અને એ નવલકથાઓનો વિશ્ર્વની ૬૫ ભાષાઓમાં અનુવાદ થયો. તે લેખિકાના સાતમા પુસ્તકનું તો વેચાણ શરૂ થયું એ સાથે માત્ર ૨૪ કલાકમાં જ ૮૩ લાખ નકલો વેચાઇ ગઇ!

૧૯૯૮ સુધીમાં તે લેખિકાના બે પુસ્તકો સફળ થઇ ગયાં એ પછી હોલીવૂડની જગવિખ્યાત ફિલ્મ નિર્માણકંપની વોર્નર બ્રધર્સના સંચાલકોને એવો વિચાર સૂઝ્યો કે આ લેખિકાનાં પુસ્તકો વાંચવા માટે લોકો આટલા પાગલ થયા હોય તો ફિલ્મના માધ્યમથી પ્રેક્ષકોને ખેંચવાનું કામ અત્યંત સરળ બની જાય. એટલે વોર્નર બ્રધર્સે ફિલ્મ બનાવવા માટે જંગી રકમ ચૂકવીને તે યુવાન લેખિકા પાસેથી તેના પ્રથમ બે પુસ્તકના રાઇટ્સ ખરીદી લીધા. 

૨૦૦૧ના નવેમ્બર મહિનાની ૧૬ તારીખે તે લેખિકાની પ્રથમ નવલકથા પર આધારિત ફિલ્મ રિલીઝ થઇ અને વિશ્ર્વભરમાં ધમાલ મચી ગઇ. વિશ્ર્વભરના ટીનએજર છોકરાછોકરીઓની નજરમાં તે ફિલ્મનો માસૂમ અનાથ હીરો જાદુ આંજી ગયો અને સાથે સાથે પેલી લેખિકાનું બેન્ક બેલેન્સ તગડું બનાવી ગયો. 

આ દરમિયાન તે યુવતી ફરી વાર પરણી ગઇ અને તેણે ૨૦૦૩માં એક દીકરાને અને ૨૦૦૫માં બીજી દીકરીને જન્મ આપ્યો. અત્યંત સફળ લેખિકા તરીકે જગમશહૂર બની ગયેલી યુવતી ફોર્બ્સ જેવા પ્રતિષ્ઠિત મેગેઝિનની વિશ્ર્વની શ્રીમંત મહિલાઓની યાદીમાં ચમકી ગઇ. 

સ્માર્ટ વાચકો સમજી ગયા હશે કે અમે હેરી પોટરની સર્જક જે.કે.રોલિંગની વાત કરી રહ્યા છીએ. જે.કે.રોલિંગ આટલી પ્રચંડ અને કલ્પનાતીત સફળતા પછી એક સામાન્ય વ્યક્તિની જેમ જીવે છે અને તે પોતાનો ૮૦ ટકા સમય ગૃહિણી અને માતા તરીકે બાળકો પાછળ અને કુટુંબ પાછળ વીતાવે છે. 

જે.કે.રોલિંગ કહે છે કે મેં પૈસા કમાવાના આશયથી હેરી પોટર પુસ્તક શૃંખલા લખવાની શરૂઆત નહોતી કરી. જીવનમાં પૈસાની અછતથી તો હું ટેવાઇ ગઇ હતી અને હેરી પોટર પર પહેલી નવલકથા લખી ત્યારે મેં એવી કલ્પના પણ નહોતી કરી કે હેરી પોટર મને કરોડપતિ બનાવી દેશે. 

જે.કે.રોલિંગ્સની જીવનકથા ટૂંકમાં કહ્યા પછી અત્યંત ટૂંકમાં એટલી જ કમેન્ટ કરવી છે કે જીવનમાં વિપરીત સંજોગો આવે ત્યારે માણસે લમણે હાથ દઇને બેસી રહેવા કરતા પોતાને ગમે એવું કામ હાથ પર લેવું જોઇએ અને પૂરી ઉત્કટતાથી એ કામ હાથ ધરવું જોઇએ. તમે દિલથી તમને ગમતું કામ કરશો તો એ કામ કરવાની મજા તો પડશે જ પણ સાથે સાથે તમારું ક્વોલિટી વર્ક બાય પ્રોડક્ટ તરીકે રૂપિયાની રેલમછેલ પણ કરી શકે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment