Saturday, 30 April 2016

[amdavadis4ever] ગાંધીજીના ત્ રણ વાંદરા ધબ કી રહ્યા છે આપણી જમાતમાં!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક રમૂજી મેસેજ આવ્યો છે તે પહેલાં શેર કરું:

'ગાંધીજી સ્વર્ગમાં ગયા. ત્યાં ચિત્રગુપ્તને મળ્યા તો તેમણે ધરતી પરના પોતાના ત્રણેય વાંદરાના હાલ પૂછ્યા. જવાબમાં ચિત્રગુપ્તે કહ્યું: 'એ તો મજામાં છે. પેલો આંધળો હતો એ કાનૂન બની ગયો છે, બહેરો હતો એ સરકાર બની ગયો છે અને મૂંગો હતો એ પતિ બની ગયો છે!'

વાંચતા હોઠો પર હાસ્ય ઝળકી જાય એવો મેસેજ છે ને! લોકશાહીના પાયારૂપ બે સંસ્થાઓ - આપણી જ્યુડિશિયરી (કાનૂનવ્યવસ્થા) અને એક્ઝિક્યુટિવ (સરકાર)ને તેમ જ પારિવારિક જીવનના સંસારરૂપી રથના બેમાંથી એક પૈડું ઉર્ફે પતિ નામના પાત્રની પરિસ્થિતિનો એક જ શબ્દમાં શું આબાદ ચિતાર આપી દીધો છે! 

સરકાર અને પતિ નામના પાત્રના સંપર્કમાં આવવાનું તો સૌ કોઇને બનતું જ રહે છે. ન્યાયતંત્રનો પનારો પણ જિંદગીમાં ક્યારેક્ને ક્યારેક તો પડતો હોય છે. ત્યારે ગાંધીજીના વાનરો જેવી તેમની આંધળી, બહેરી કે ગૂંગી પ્રકૃતિનો પરિચય થતો રહે છે. આ અઠવાડિયે જ વાંચ્યું કે દસ દિવસના એક બાળકને, તેની સારસંભાળ લેનાર એક ભલા દંપતી પાસેથી લઈ લેવાયું અને ચાઇલ્ડકેર સેન્ટરમાં મોકલી દેવાયું. રસ્તા પરના એક ગંદા નાલામાં કીડા-મંકોડાઓના ડંખથી પીડાતા ત્રણ દિવસના એ બાળકને એક ભલા માનવીએ અનુકંપા અને કરુણાથી દોરવાઈને ઉગાર્યું હતું. તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અને હૉસ્પિટલવાળાઓ પણ એ પરોપકારી સજ્જનથી પ્રેરાઇને સદ્નિષ્ઠાથી એ બચ્ચાની સારવારમાં લાગી ગયા હતા. અઠવાડિયા બાદ તેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો કે એ બાળકની કસ્ટડીના મુદ્દે અદાલતી આવશ્યકતા હોઇને તેના ઉદ્ધારક દંપતીને તેને લઈને ભિવંડીની કોર્ટમાં જવું પડ્યું. ત્યાં જજ સાહેબ ગેરહાજર હતા એટલે પેલા બાળકને ડોંબિવલીના કોઇક ટ્રસ્ટ સંચાલિત ચાઇલ્ડ કેર સેન્ટરમાં મૂકવું પડ્યું! એ દંપતીએ તેને પોતાના ઘરે લઈ જવા દેવા માટે વિનંતી કરી. અને તેમના ઇરાદા પર શક કરવાનું કોઇ જ કારણ નહોતું, કેમ કે એ સજ્જને અસામાન્ય માનવતા દર્શાવીને એ બાળકને બચાવ્યું હતું. આમ છતાં કાનૂનની દૃષ્ટિએ એ સહૃદય દંપતીને બદલે પેલા અજાણ્યા ચાઇલ્ડ કેર સેન્ટરના સ્ટાફને એ બાળક સોંપવાનું વધુ યોગ્ય હતું! ન્યાયતંત્રની ચક્ષુહીનતા અને સરકારી બધિરતાના આવા નમૂનાઓ નિતનવે સ્વરૂપે આપણી સામે આવતા જ રહે છે. 

અલબત્ત પતિના મૂક-પણા (મૂંગાપણા) વિશે વ્યાપક વિવિધતા જોવા મળે. કેટલાક પતિઓ ખરેખર 'ન બોલવામાં નવ ગુણ' કે 'ચૂપ રહેવામાં સાર'ની ઉક્તિને ચરિતાર્થ કરતા હોય છે, પરંતુ કેટલાક બોલવાની જરૂર હોય ત્યારે જ મોઢે ખંભાતી તાળું લગાવીને બેસી જતા હોય છે! 

ખેર, આ તો મજાકની વાત હતી, પરંતુ જરા ગંભીરતાપૂર્વક આ કમેન્ટ પર વિચારીએ તો સવાલ થાય કે શું ગાંધીજીના વાનરોની આ લાક્ષણિકતાઓ માત્ર આ ત્રણ વર્ગ પૂરતી જ મર્યાદિત છે? મને નથી લાગતું. એ વારસો આ દેશની વિરાટ જનસંખ્યાએ પણ આત્મસાત્ નથી કર્યો? પોતાનો સ્વાર્થ સધાતો હોય ત્યારે તે ત્રણેય વાનરોની લાક્ષણિકતાઓ જરૂર પ્રમાણે પ્રદર્શિત કરતી આ દેશની જનતા અસંખ્ય વાર નજરે ચડી છે. પોતાની બારી કે વરન્ડામાંથી સોસાયટીના કમ્પાઉન્ડમાં રસ્તા ઉપર કચરો ફેંકીને એ તરફ નજર પણ નહીં નાખનાર, નજર સામે કોઇ નિર્દોષ પર થતા અત્યાચાર અંગે એક શબ્દ પણ નહીં ઉચ્ચારનાર કે આસપાસના ભૂખ્યા-તરસ્યા લોકોની મદદ માટેના આરતપૂર્ણ પોકાર જેમના કાને પહોંચતા નથી એ જનસમૂહો શું ગાંધીના બંદરોના બૃહદપરિવારના જ સભ્યો ન કહેવાય?!

આપણે ઉત્સવ ઊજવવો હોય ત્યારે આપણી ઊજવણી કોઇની તકલીફો કે મુસીબતોનું કારણ બને તો પણ આપણને એમાંનું કંઇ જ દેખાય નહીં! સંક્રાન્ત પર કાચ પાયેલા કે પક્કા માંઝાથી પતંગ ઉડાડતા લોકોને એ માંઝાની અડફેટે ચડી મોતને ભેટતાં સેંકડો પંખીઓ દેખાય છે? માંઝાથી ચિરાતાં અંગોની પીડાથી થતો તેમનો કણસાટ સંભળાય છે? અરે, આપણી થાળીમાં આવતી ગરમાગરમ રોટલી માટે ઘઉં પકવવા કાળઝાળ ગરમી કે કડકડતી ઠંડી કે અંધાધૂંધ વરસતા વરસાદ વચ્ચે પણ ખુલ્લા ડીલે ને ઉઘાડા પગે મહેનત કરતા ખેડૂતની કોઇ પણ તકલીફ આપણને દેખાય છે? પોતાની નાની સગવડો કે કમ્ફર્ટ માટે દેશના કાયદાઓનું છડેચોક ઉલ્લંઘન કરીને પોતાની આવડત અંગે હોશિયારી મારતા લોકોને એક નાગરિક તરીકેની પોતાની ફરજો શું છે એ દેખાય છે? હાલતાં ને ચાલતાં દાદાગીરી કરતા અને પોતાની માગણીઓની રજૂઆત કરવા સરકારી કે ખાનગી વાહનો સળગાવતા અને જાહેર કે ખાનગી માલમતાની લૂંટફાટ કે તોડફોડ કરનારાઓને પોતાના એ બેફામ વર્તનથી બીજાઓને કેટલું નુકસાન થાય છે તે દેખાય છે? અરે, બહારની વાત છોડો, ઘરમાં પણ તિસ્મારખાં દિમાગ અને લડતાં-ઝઘડતાં મા-બાપ પોતાનાં બેફામ વર્તનથી બાળકોની લાઇફ કેટલી વિકૃત કરી રહ્યાં છે તે હકીકત જોઇ શકે છે? પોતાના કુવર્તનના પડઘા બાળકનાં વાણી-વર્તનમાં સંભળાય છે એ લોકોને? તો બીજી બાજુ જે મા-બાપે જિંદગી પોતાના ઉછેર અને ભણતર પાછળ ખર્ચી નાખી તેમની વૃદ્ધાવસ્થાની આવશ્યકતા કેટલા સંતાનોને દેખાય છે? 

આવા તો અગણિત દાખલા આપી શકાય જ્યાં આપણે જરાક રોકાઇને એક નજર કરી લીધી હોત તો શાયદ કોઇની જિંદગી થોડી બહેતર બની શકી હોત; ક્યાંક થોડું ધ્યાન દઈને કાન સરવા કર્યા હોત તો કોઇનો મદદ માટેનો સાદ સાંભળી શક્યા હોત અને કંઇક અઘટિત બનતાં અટકાવી શક્યા હોત; ક્યાંક મૂંગા રહેવાને બદલે ખોંખારો ખાઈને બોલવાની હિમ્મત કરી હોત તો કોઇ નિર્દોષને અન્યાયની પીડાથી બચાવી શકયા હોત! પણ આપણાંમાંથી કેટલાએ જરૂર પડી ત્યારે આંખો પરથી કે કાનો પરથી કે હોઠ પરથી હાથ હટાવ્યા? નથી લાગતું ગાંધીજીના તીન બંદરોની આખી બિરાદરી નવા અવતારે ધબકી રહી છે આપણી આખી જમાતમાં! 

આ સવાલોના જવાબમાં અત્યારે તો એક પંક્તિ કાનમાં ગુંજ્યા કરે છે: 

'ફૂરસત મિલે તો અપના ગિરેબાન ભી દેખ લે ઐ દોસ્ત'!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment