Wednesday, 27 April 2016

[amdavadis4ever] ભાગ્યે ભાંગ્યા ભાગ્યે બાંધ્યા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'ભલું થજો આ દારૂબંધી લાવનારાઓનું, આ દારૂબંધીને કારણે મારા પતિએ પીવાનું છોડી દીધું એટલે અમે ફરી ભેગાં થયાં', એમ બિહારના વતની વિજયંતીદેવી કહે છે. ગયા સોમવારે એટલે કે ૧૮મી એપ્રિલે વિજયંતીદેવી જયગોવિંદ સિંહ સાથે ફરી લગ્નગાંઠથી બંધાયાં હતાં. ૧૬ વર્ષ પહેલાં પતિનાં શરાબનાં વ્યસનને કારણે વિજયંતીદેવીએ પતિથી છેડો ફાડ્યો હતો. હવે બિહારના દારૂબંધી કાયદાએ ૫૮ વર્ષના જયગોવિંદ સિંહની શરાબની લત છોડાવી દીધી છે. આથી વિજંયતીદેવીએ ત્યજેલા પતિ સાથે લગ્ન કરી લેવાનો વિચાર કર્યો. દંપતી છૂટું પડ્યું ત્યારે તેમની પુત્રી ગુડ્ડીકુમારી એક વર્ષની હતી. છોકરીએ માતાને પોતાના પિતા સાથે ફરી જીવન જોડવા માટે સમજાવી હતી. કુટુંબે બકાયદા તેમનાં લગ્નની કંકોત્રી છપાવી, વહેંચી અને બિહારના સાસારામમાં મોહડીગંજમાં રંગેચંગે લગ્નોત્સવ ઉજવાયો હતો.

"અગાઉ તેમની દારૂની લતને કારણે અમારું કુટુંબ લગભગ ખતમ થઈ ગયું હતું. હવે અમે ફરી એક સુખી કુટુંબ છીએ, એમ વિજયંતીદેવી કહે છે. બિહારના મુખ્ય પ્રધાને અમારા કુટુંબને બચાવ્યું એમ કહેતા કુટુંબ આખું ખુશી વ્યક્ત કરે છે. ગુડ્ડીકુમારીએ કહ્યું હતું કે, "હું કદાચ પહેલી એવી પુત્રી હોઈશ જેણે પોતાના માતાપિતાની કંકોત્રીઓ વહેંચી હોય... અમારા મુખ્ય પ્રધાનના કારણે એ શક્ય બન્યું. અગાઉ લગ્નમાં લોકો પીને ધૂત થઈ જતા એટલે વરઘોડો ક્યારેય સમયસર પહોંચતો નહીં. ઉપરથી પીધેલી અવસ્થામાં તોફાન કરતા, ધમાલ મચાવતા. વરઘોડા સાથે લાવેલા બૅન્ડને 'નાગિન ડેન્સ' બજાવવા કહીને કલાકો સુધી ફાવે તેમ નાચતા રહેતા હતા અને હવામાં ગોળીબાર કરતા રહેતા હતા. આ કિસ્સામાં દારૂબંધી થઈ ગઈ હોઈને વરઘોડો 'બીફોર ટાઈમ' આવી પહોંચ્યો હતો, નાચગાન મર્યાદામાં રહીને થયા હતા, એમ એક બારાતી કહે છે. ખેર, દારૂની લત છૂટાછેડાં લેવા માટેનુંં ચોક્કસ કારણ તો છે જ, એ સાથે દારૂબંધી લગ્ને ફેરલગ્ન કે ફરી એ જ માણસ સાથે લગ્ન કરવાનું કારણ ખરું કે નહીં!

હવે વાત કરીએ સ્કોટલૅન્ડના અબેરડીન શહેરાનાં છૂટાછેડાં પછી ૨૩ વર્ષે ફરી પરણનારાં યુગલની. રોઝ અને ઈયાન એલીઝ પહેલીવાર ૧૯૬૭માં લેન્કેશાયરમાં મળ્યા હતા. આજે ૬૬ વર્ષનાં શ્રીમતી એલીઝ (રોઝ) કહે છે, "એક દિવસ અમે ડાન્સ કાર્યક્રમમાં ગયા હતાં. એ મને ઘરે મૂકવા આવ્યો અને ઈતિહાસ બની ગયો. એ કંઈ પહેલી નજરના પ્રેમ જેવું કશું નહોતું ૩૦ નવેમ્બર, ૧૯૬૭ના અમારી સગાઈ થઈ, ૨૧ ડિસેમ્બર, ૧૯૬૮માં લગ્ન થયાં. તેમને ઈયાન, સ્ટીવર્ટ અને ઈવાન નામે ત્રણ પુત્રો થયા. વખત જતા પુત્રોને ઘરે સંતાનો થયા, પણ સ્વભાવ-મેળ પડતો નહોતો એટલે ૧૯૯૧માં બેઉ જણે છૂટાછેડાં લીધાં. આ વિશે શ્રીમતી એલીઝ કહે છે કે, "એમાં ખાસ કશું નહોતું, પણ અમે એકબીજાથી દૂર થતા ગયાં ને એક દિવસ કાયમનું 'આવજો' કહી દેવાનું નક્કી કરી નાખ્યું. અમે મિત્રો તરીકે સંબંધ જાળવ્યો હતો. કૌટુંબિક પ્રસંગે મળતાં પણ ખરા. ઈયાન દક્ષિણમાં દૂર ગયો અને હું સ્કોટલૅન્ડમાં રહી. મારા પુત્ર સ્ટીવર્ટના લગ્ન સમયે અમારી વચ્ચેનો પ્રેમનો ઝરો ફરી ફૂટી નીકળ્યો અને અમે ફરી પરણ્યાં. અત્યારે ઈયાન એલીઝની વય ૭૧ વર્ષની છે.

હવે વાત છે એવા દંપતીની જેઓ ૨૦ વર્ષ અગાઉ છૂટાં પડ્યા, પણ એક બેકરીમાં અચાનક, અકસ્માતે ફરી મળવાનું થયું અને પરણ્યાં. બેકરીના કામની ૩૭ વર્ષની નિષ્ણાત કલેર વુડવર્ડનો ૧૯૯૦માં તેના બૉયફ્રેન્ડ સાથેનો સંબંધ તૂટ્યો હતો. થોડા સમય અગાઉ એના બૉસે તેની કાયમના સ્થાન પરની નોકરીમાં ફેરબદલ કરી એક દિવસ પૂરતી લગભગ ૪૦ કિલોમીટર દૂરની કંપનીની બેકરીમાં મોકલી હતી. બપોરના લન્ચના સમયે ૪૦ વર્ષનો ગેરી સ્ટેધમ કેટલીક ચીજો ખરીદવા આવ્યો અને કાઉન્ટર પર એણે ભૂતકાળની પોતાની ગર્લફ્રેન્ડને ક્લેરને જોઈ. જોતાની સાથે ઓળખી લીધી. ગેરી ઈંગ્લૅન્ડમાં ડર્બીના એ વિસ્તારમાં એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતો હતો. "એનામાં કોઈ ફરક નહોતો પડ્યો, અરે એ પહેલા કરતા જુદી દેખાય છે એવું પણ મને નહોતું સમજાયું. એ પહેલેથી જ સુંદર હતી અને તે દિવસે તો વુધુ સુંદર લાગતી હતી. મને એ દિવસે મારી વાનગી સાથે મારી વહાલી પણ મ્ળી ગઇ. આખરે એ મારી પત્ની બની, એમ ગેરીએ કહ્યું હતું.

કલેરનું કહેવું પણ લગભગ ગેરી જેવું જ હતું, "એમ અચાનક એકબીજાને અકસ્માતે મળી જવું ખરેખર લાખોમાં એક એવી તક હતી. મને મારા બૉસે ક્યારેય આમ બીજા સ્થળે મોકલી નથી, તે દિવસે કેમ મને મોકલી એ તો ખબર નથી, પણ મારા માટે ભાગ્યનું ચક્ર ફર્યું હતું એ નક્કી. મેં ગેરીને એના અવાજ પરથી ઓળખ્યો નહીં તો એ ઓળખાય એવો રહ્યો નહોતો. મારી માને આ વાત કરી તો એ બહુ ખુશ થઈ હતી, એને ગેરી બહુ ગમતો હતો, પણ ગેરીના ઘરે એવી ઉષ્મા નહોતી જોવા મળતી. સમય જતા અમે દૂર થવા લાગ્યા હતા.

જોકે, આ ૨૦ વર્ષમાં ગેરી એક વાર પરણ્યો હતો અને છૂટાછેડા પણ લીધા હતા. એને સાત વર્ષનો એક પુત્ર પણ હતો. ક્લેર નહોતી પરણી. ગેરી કહે છે કે, "ત્યારે ક્લેર બહુ વ્યસ્ત રહેતી. અમે ડેટ પર ગયા હોઈએ તો પણ વચ્ચે વચ્ચે એ મને પડતો મૂકીને ફોન કરવા ઉપડી જતી. છેવટે અમે દૂર જવા લાગ્યા હતા. ક્લેરને મિત્ર સાથેની વાતચીતમાં ખબર પડી કે ગેરી સ્ટેધમ હવે સિંગલ છે એટલે એણે ગેરીની ઑફિસમાં જઈ ડિનર પર સાથે જવાનો સંદેશો મૂક્યો હતો... ડિનર ડેટ પરથી આગળ જતા મેરેજ ડેટ નક્કી થઈ ગઈ હતી.

જોકે, અન્ય કારણોસર કે સંજોગવશાત્ લોકો છૂટા પડ્યા હોય, વિખૂટા થયા હોય અને ભાગ્ય ફરે એટલે ફરી ભેગાં થાય અને 'ખાધું, પીધું અને રાજ કીધું'ના રાગે જીવી જાય છે. આવા કેટલાક પ્રસંગો વિશે જાણવાથી ભાગ્ય વિશે ભરોસો ઊભો થાય છે.

વર્ષ ૧૯૬૨માં ભારત-ચીનનું યુદ્ધ થયું. યુદ્ધના પગલે મૂળ ચીનની પણ આસામના માકુમમાં વસતી છ વર્ષની લ્યોંગ લિન્ગી ઉર્ફ પ્રોમીલા દાસ પોતાના કુટુંબથી વિખૂટી પડી ગઈ હતી. ગયા સપ્તાહે એ પોતાનાં માતાપિતાને મળવા ચીન ગઈ, એમ ગૌહાતીના આસામ ટ્રિબ્યૂન નામના અખબારે જણાવ્યું હતું. બ્રિટિશ શાસનમાં અંગ્રેજો કેટલાક ચીની કુટુંબોને માકુમમાં વસાવ્યા હતા. યુદ્ધકાળમાં તેમની કડકાઈથી તપાસણી-ચકાસણી થતી હતી અને તેમાંનાં કેટલાકની ધરપકડ કરી અટકાયત-છાવણીમાં રાખવામાં આવ્યા હતા. યુદ્ધ દરમિયાન અનેક ચીની કુટુંબો વિખૂટા પડ્યા હતા. સાહિત્ય એકેડેમીનો અવૉર્ડ મેળવનારાં ડૉ. રિટા ચૌધરીએ લખેલી નવલકથા 'માકામ'માં ચીની જમાતનાં લોકોની ત્યારની મુશ્કેલીઓ અને સંઘર્ષ વિશે લખ્યું છે. લ્યોંગ લિન્ગીની પિતા લ્યોંગ કાક હોઈ અને માતા સાનુ લ્યોંગ અને સાત સહોદરો સાથે મિલન યોજવામાં લેખિકાનો ફાળો મોટો છે. લિન્ગીની માતા લુશૈ જાતિની છે. લ્યોંગ એની દાદીના ઘરે હતી ત્યારે પોલીસે એનાં ઘરે દરોડો પાડ્યો હતો. માતાપિતા અને કેટલાક સહોદરો ૫૪ વર્ષના લાંબા કાળ માટે વિખૂટા પડી ગયા હતા. માતાપિતાને છેલ્લે જોયા ત્યારે લિન્ગી છ વર્ષની હતી. એ કહે છે કે, "તેમના તરફથી આસામી ભાષામાં લખેલો પત્ર મળ્યા પછી તો હું તેમને મળવા બહુ ઉત્સુક હતી. એ ખુશી અને શોકની બેવડી લાગણી હતી. આખરે લિન્ગી માતાપિતાને મળી!

આમ લોકો ભાગ્યને બળે વિખૂટા પડે અને ભાગ્યના બળે ફરી મળી જાય એ ખરેખર ભાગ્યની વાત કહેવાય! (હિન્દી ફિલ્મવાળાઓ આ વાત પોતાની રીતે બરાબર સમજ્યા છે.)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment