Thursday, 28 April 2016

[amdavadis4ever] પુનર્મિલન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નંંદિતા સાથે લગ્નવિચ્છેદ થયા પછી મિહિર ભાગ્યે જ નાટક-મૂવી કે મ્યુઝિકલ પ્રોગ્રામમાં જતો, બાકી પહેલા નંદિતા સાથેના લગ્નજીવનમાં ભાગ્યે જ કોઇ શનિ-રવિ મિહિર ઘરમાં વિતાવતો. કાં તો કોઇ નાટક અથવા નંદિતાનો મ્યુઝિકલ પ્રોગ્રામ માણવાનો હોય. સાત વર્ષનું સુખદ દાંપત્યજીવન ગેરસમજ- સમાધાન વૃત્તિના અભાવ તથા અહમના ટકરાવને કારણે નંદવાઇ ગયું. લવલી બર્ડસ ગણાતાં મિહિર અને નંદિતાએ આંતરિત સમજૂતિથી ડાયવોર્સ લઇ લીધાં.

તે રાત્રે મિહિરનો મિત્ર અજય તેને પરાણે મ્યુઝિકલ નાઇટમાં લઇ ગયો. સપના અને રાજકુમાર ગાયક બેલડીએ ગીત શરૂ કર્યું. 

'જબ કોઇ બાત બન જાયે,

જબ કોઇ મુશ્કીલ પડ જાયે, તુમ દેના સાથ મેરા ઓ હમનવાં.'

દર્શકોમાંથી બે કપલ સ્ટેજ પાસે આવીને નૃત્ય કરવા લાગ્યાં. ગાયકોને તેથી વધુ જોમ આવ્યું. એમણે ગીતનું મુખડું ફરી ગાયું પણ મિહિરના હૈયે દાવાનળ ભડકી ઊઠયો. આ ગીત તેનું અને નંદિતાનું પ્રિય ગીત હતું અને આ ગીત મોબાઇલ પર ચાલુ કરીને મિહિર સાથે એ નૃત્ય કરતાં તે ભાવુક બની જતી. 

આજે, એ જ ગીત, પણ મારી પ્રિય નંદિતા હવે મારી રહી નથી. કાશ, એ ઘટના ન બની હોત. કાશ, અમારા પ્રેમને કોઇનું ગ્રહણ ન લાગ્યું હોત.

મિહિર પોતાની જાતને સંભાળી ન શક્યો. એ હવે વધુ સમય કાર્યક્રમ માણી શકે તેવી સ્થિતિમાં જ ન હતો. એ ઊભો થઇ ગયો. તેનો પ્રિય મિત્ર અજય પણ એની સાથે જ પ્રોગ્રામ છોડીને બહાર આવ્યો.

'મિહિર, ક્યાં સુધી ભૂતકાળની સ્મૃતિ તળે દબાયેલો રહીશ? લગ્નવિચ્છેદ થયે બે વર્ષ થયા પણ હજુ તારી મન: સ્થિતિ પર તેં કાબુ નથી મેળવ્યો. જો ચલા ગયા ઉસે ભૂલ જા. તારો બિઝનેસ, તારા ભવિષ્ય વિષે વિચાર કર.'

'અજય, હું ઘણા પ્રયત્નો કરું છું, પણ.. તને ખબર છે ને કે એની સ્મૃતિ, એનો પ્રેમ.. મારા રોમેરોમમાં અનુભવું છું. અને એની બેવફાઇનું દૃશ્ય હું ભૂલી શકતો નથી. અજય, પ્લીઝ તુ એન્જોય કર. હું ઘરે જઇશ. કાલે મળીશું,' મિહિરે પોતાની લાગણીઓને દબાવી દેતાં કહ્યું.

'અરે, હું તો તારા માટે આ પ્રોગ્રામમાં આવ્યો હતો, પણ કંઇ વાંધો નહીં ચાલ આપણે કોફી પીએ. પછી હું તને તારા ઘરે મૂકી જઉ.'

અજય અને મિહિર કોફી હાઉસ ગયા. મિહિરની ઓફિસની તથા અન્ય થોડી વાતો કરતાં અજયે તેને નોર્મલ કરવા પ્રયત્ન કર્યો પછી કહ્યું: 'મિહિર, તારે યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લેવાં જોઇએ. આ રીતે આખી જિંદગી ન ચાલે.'

મિહિરે કહ્યું: 'અજય, હું નંદિતાને ભૂલી શકતો નથી. આવી મન:સ્થિતિમાં કોઇને અન્યાય થઇ જાય પણ હું પ્રયત્ન કરીશ.'

વર્સોવાના ચોથા રસ્તા પર આવેલા મિહિર દેસાઇના ઘર પાસે અજયે મિહિરને ડ્રોપ કર્યો. પછી કહ્યું 'પ્લીઝ મિહિર ટેક કેર, હું તારી સાથે જ છું પણ બી સ્ટ્રોંગ મેન. હજુ તો તું માત્ર પાંત્રીસ વર્ષનો જ છે. તારે ઘણું કરવાનું છે.'

'પ્રેમસદન, ફલેટ નં. ૨૦૫ના ઘરમાં પગ મૂકતાં જ એકલતાનો અંધકાર મિહિર દેસાઇને ઘેરી વળ્યો. રાત્રિના સાડાઅગિયાર વાગ્યા હતા. મિહિર અખબારનાં પાનાં ઊથલાવી રહ્યો હતો. અચાનક એની નજર એક ફોટા ઉપર અટકી. ફોટો હતો નંદિતા ચૌહાણનો. નીચે લખ્યું હતું:

'મુંબઇની પ્રખ્યાત ગાયિકા- મ્યુઝિકલ નાઇટની કોયલ અને નૃત્યાંગના મહાનગરી મુંબઇને અલવિદા કરીને પનવેલ નજીકના ફાર્મ હાઉસમાં રહેવા જતી રહી છે. નંદિતાએ હવે સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ તથા વૃદ્ધજનો માટે આશ્રમ શરૂ કરીને સેવા પંથે શેષ જીવન ગાળવાનું વિચાર્યું છે. ગ્લેમરસ વર્લ્ડની આધુનિક યુવતી મધર ટેરેસાને પંથે.'

મિહિરે નંદિતાના ફોટાને અનિમેષ નેત્રે જોયો. પેલું લખાણ બે ત્રણ વાર વાંચી ગયો. તેના હૃદયના અતલ ઊંડાણમાંથી શબ્દો પડઘાયા: નંદિ, પ્રિયા, સાત વર્ષના લગ્નજીવનમાં આપણે એકબીજાને ઓળખી ન શકયાં? નંદિ તને જાણી જાણી તોય તું અજાણી? એક નાનકડા વંટોળિયાથી આપણા પ્રેમનો માળો પીંખાઇ ગયો. એક સમય હતો જયારે તારો સ્પર્શ, તારી મીઠી નજર મારા સમગ્ર અસ્તિત્વને રોમાંચિત કરી દેતી હતી, પણ.. તે એકઝાટકે જ આપણા સંબંધોને છેહ દીધો? મનમેળ વગર સહજીવનનો શો અર્થ? હું જાણું છું સુકા રણમાં પ્રેમની વેલ ન પાંગરે. પણ, નંદિતા તું અર્થ વૈભવી દુનિયામાં ઊછરેલી આવું કઠણ જીવન કેવી રીતે વિતાવીશ?'

મિહિર નંદિતાની સ્મૃતિમાં૨ ખોવાઇ ગયો. 'ફેશન શો'માં આછાપીળા રંગ ઉપર રાણી કલરની એમ્બ્રોઇડરીવાળો નંદિતાનો ડ્રેસ, તેની હેરસ્ટાઇલ અને મોહક અદા તેની નજર સમક્ષ તરવરી ઊઠી. ફેશન શોમાં પોતાનું કામણ પાથરી રહેલી રેમ્પવોક કરી રહેલી આ સૌંદર્ય સમ્રાજ્ઞી નંદિતા.. મારી છે.. રંગીન લાઇટમાં ઝળહળતું નંદિતાનું સૌદર્ય પેલી હોલીવુડની એન્જેલિના જેવું મોહક છે અને મનોમન મિહિરનું હૈયું બોલ્યું હતું:

તારા આંખનો અફીણી, તારા બોલનો બંધાણી,

તારા રૂપની પૂનમનો પાગલ એકલો..

ના.. ના.. પણ.. જે પોષતું તે મારતું.. મારી નંદિતાનું રૂપ જ.. આજે એ પ્રસંગ યાદ આવતાં મિહિરની આંખો ભરાઇ આવી. કાશ, નંદિતાના જીવનમાં અવિનાશ ન આવ્યો હોત. કાશ, અમારા સંબંધોમાં તિરાડ ન પડી હોત... બીજે દિવસે સવારે ઓફિસમાં ફાઇલમાં માથું ઘાલીને મિહિર પોતાના મનના ભારને હળવો કરવા પ્રયત્ન કરતો હતો. એરકંડિશન કેબિનમાં બેઠાં બેઠાં પણ મિહિરના કપાળ પર પરસેવો બાઝી ગયો હતો. એકલતાની વેદના આપી જનાર નંદિતા આજે પણ એના હૈયે આસન જમાવીને બેઠી છે. આજે પણ એની સંવેદનાને મીઠું દર્દ આપે છે.

મિહિરે તેના મનને ટપાર્યું: 'બેવફા પત્નીને શા માટે હજુ ઝંખે છે? તારા માટે પ્રેમ હોત તો એણે છૂટાછેડા લીધા જ ન હોત. ઝાંઝવાના જળમાં અમૃત મળશે?'

મિહિરે બેલ મારીને પ્યુનને બોલાવ્યો- 'જરા કોફી મોકલ' 

'સાહેબ.. હોટ કોફી કે કોલ્ડ?' પ્યુને પૂછયું.

મિહિર પ્યુન સામું નિરુત્તર બનીને તાકી રહ્યો. એનો પ્યુન પણ મિહિરની લાગણી સમજતો હતો.. કે જયારે સાહેબ ઉદાસ હોય ત્યારે આમ મૂઢ બનીને જોયા કરે છે..

મિહિરે જ સ્વસ્થ થતાં કહ્યું: 'ના.. ના.. કોફી નથી પીવી, જા, મોસંબીનો જયુસ લઇ આવ. જોજે બરફ નહીં. સાકર પણ નહીં.'

'ભલે.. સાહેબ,' પ્યુન મીઠું સ્મિત આપીને ચાલી ગયો, 

'સર, કોલ ફ્રોમ ઓલ્ડ એજ હોમ, પનવેલ' સેક્રેટરીએ કહ્યું.

'પનવેલ, ઓલ્ડ એજ હોમ!' મિહિરના મનમાં કાલે રાત્રે વાંચેલો નંદિતા વિશેનો રિપોર્ટ યાદ આવી ગયો.. એણે કહ્યું: 'ટેક ધ ડિટેલ, હું પછી વાત કરીશ.'

સેક્રેટરીએ ફોન પરની માહિતી કાગળ પર લખી લીધી. પછી મિહિરની કેબિનમા માહિતી આપતાં કહ્યું:

'સાહેબ, ઓલ્ડ એજ હોમ પનવેલથી પ્રભુદાસ ગાંધીનો ફોન હતો. એમણે કહ્યું કે તેમના આશ્રમમાં મુંબઇની એક યુવતી છેલ્લા છ મહિનાથી સેવા આપતી હતી. ગઇ કાલે અચાનક તે બેશુદ્ધ થઇ ગઇ એટલે તેને હોસ્પિટલમાં ખસેડવી પડી છે. ડોકટરે કહ્યું છે કે તેને લંગ્સ કેન્સર છે. અને બીજા સ્ટેજ પર હોવાથી તાત્કાલિક ટ્રીટમેન્ટ કરવી પડશે. એના ટેબલના ખાનામાં માત્ર તમારુ નામ અને ફોન નંબર મળ્યો હોવાથી તમને જણાવું છું. એને સારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવી હોય તો તુરંત પનવેલ આવો.'

'તમે એ આશ્રમનું સરનામું, ફોન નંબર નોંધી લીધું છે ને? મિહિરે પૂછયું.

સેક્રેટરીએ બધી માહિતી આપી. મિહિરને થયું: 'લાવ, નંદિતાના ભાઇને જણાવું. પછી થયું કે ખબર નહીં એ શું પ્રતિસાદ આપશે. એના પિતાના અવસાન પછી એણે કયારેય નંદિતા સાથે સંબંધ રાખ્યો જ ન હતો. નંદિતાનું કેટલું અપમાન કર્યું હતું, ના, મારે એમની વાતમાં ન પડવું જોઇએ. પણ નંદિતા, મારી પત્ની હતી. પ્રેમિકા તો આજે પણ છે. કદાચ, ભગવાનની ઇચ્છા છે અમારું પુનર્મિલન થાય. કદાચ પેલા અવિનાશે એને માનસિક ત્રાસ આપ્યો હશે શું થયું હશે મારી નંદિતાની સાથે?'

એણે અજયને ફોન કર્યો: 'અજય, નંદિતા પનવેલની હોસ્પિટલમાં છે.' આટલું બોલતા એનું ગળું રુંધાઇ ગયું.

અજયે મિહિરને કહ્યું: 'મિહિર, માનવતાની દૃષ્ટિએ આપણે મદદ કરવી જોઇએ, પણ.. તું એના ભાઇને ઓળખે છે. અંડરવર્લ્ડનો ખતરનાક માણસ છે. ક્યાક તને ફસાવી ન દે. અને ખબર નહીં, નંદિતાએ પનવેલના આશ્રમમાં જવાનો નિર્ણય કેમ લીધો હશે?' એની વે, તું શું વિચારે છે?

'અજય આવી પરિસ્થિતિમાં આપણે મદદ કરવી જોઇએ. કોઇપણ જાતની અપેક્ષા વગર.. નિ:સ્વાર્થભાવે' મિહિરે કહ્યું.

'ઓ કે, ચાલ, આપણે બંને પનવેલ જવા નીકળીએ' ઓફિસમાં મૂકેલી ગણપતિની મૂર્તિ સામે માથું નમાવતાં મિહિરે કહ્યું: 'હે .. વિઘ્નહર્તા, પ્રભુ, સહાય કરો, મારી નંદિતાનું રક્ષણ કરો.'

સેક્રેટરી પ્રેમા શેટ્ટીને તેણે જરૂરી સૂચના આપી દીધી, પોતાની ઓફિસના બાહોશ યુવક હિતેન શુકલને ટાટા હોસ્પિટલમાં મોકલ્યો, જેથી આગળની કાર્યવાહી થઇ શકે. એમ્બ્યુલંસની વ્યવસ્થા કરી તેને પનવેલ આશ્રમ તરફ રવાના કરી દીધી. પનવેલની ક્લિનિકમાં નંદિતા બેશુદ્ધ અવસ્થામાં હતી. ડોકટર્સ પાસે બધા રિપોર્ટસ લઇને ટાટા હોસ્પિટલ પાસે એમ્બ્યુલંસ આવી પહોંચી. મિહિરના હૈયે અનેક ચિંતા ઊઠતી હતી. પણ પ્રેમના નવા અંકુરો ફૂટવાની આશા પણ બળવત્તર બની.

ડોક્ટરે દર્દીની ટ્રીટમેન્ટ શરૂ કરવા માટેના કેસપેપર તૈયાર કર્યા. કેસ પેપર પર કયા સંબંધે સહી કરશો? કોણ સહી કરશે?

મિહિરે જ તોડ કાઢયો. ડોકટરને કહ્યું: 'હું નંદિતાનો પૂર્વ પતિ, પણ.. હમણાં મિત્ર તરીકે સહી કરું તો ચાલશે?' એમના બ્લડ રિલેશનમાં કોઇ હોય તો વધુ સારું?' ડોકટરે કહ્યું.

મિહિરે ડોકટરને નંદિતાના ભાઇનો નંબર આપ્યો, ડોકટર ફોન જોડયો. સામેથી ઉત્તર મળ્યો:

'મારે મારી બેન નંદિતા સાથે કોઇ સંબંધ નથી. તમે તમારી રીતે જે કરવું હોય તે કરો. અત્યારે હું ઓસ્ટ્રેલિયામાં છું.' નંદિતાના ભાઇએ કહ્યું.

'અહીં નંદિતાના પૂર્વ પતિ મિહિર છે, એ મિત્ર તરીકે સહી કરે છે.'

મને કોઇ રીતે જવાબદાર ઠેરવશો નહીં તમે જાણો. આખરે મિહિરે મિત્ર તરીકે સહી કરી. અને ટ્રીટમેન્ટ શરૂ થઇ.હોસ્પિટલની પંદર દિવસની સારવાર પછી મિહિરના 'પ્રેમસદન'માં ફરી નવપ્રભાત થયું.

લગભગ છ મહિનાની સારવાર પછી નંદિતા સ્વસ્થ થવા લાગી. પ્રેમના સાચા મોતીને પામી બંને જણા ધન્યતા અનુભવવા લાગ્યાં.

૧૯ ડિસેમ્બરે તેમની લગ્નતારીખ હતી. એ જ દિવસે મિહિર અને નંદિતાએ પુન: રજિસ્ટર મેરેજ કરી લીધાં. મિહિરે પાર્ટીનુ ં આયોજન કર્યું. રેકોર્ડર પર ગીત વાગતું હતું.

જબ કોઇ બાત બન જાયે, જબ કોઇ મુશ્કીલ પડ જાયે, તુમ દેના સાથ મેરા ઓ હમનવાં..

ન કોઇ હૈ.. ન કોઇ થા ઝિંદગી મેં તુમ્હારે સિવા

તુમ દેના સાથ મેરા.. ઓ હમનવાં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment