Thursday, 28 April 2016

[amdavadis4ever] અંશ - (ટૂં કી વાર્તા)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રત્નાદેવી કઠોડા પરની તેની હાથની પકડ સહેજ ઢીલી થઈ ગઇ. તેણે ચહેરો ઊંચો કર્યો અને ન્યાયમૂર્તિ તરફ જોયું. 

સામે બેઠેલા ન્યાયમૂર્તિ, કાળો કોટ પહેરેલા વકીલ, તે ઊભી છે તે કઠોડાની બિલકુલ ઉપર જ ફરતો પંખો, ગાંધીબાપુની મોટા કદની છબિ,બધું, બધું જ તેનું તે છે. ક્યાંય પણ કશું બદલાયું નથી. તો...તો રત્ના બદલાઇ છે?

તેના સરકારી વકીલે તેને ખૂબ જ સમજાવીને કહ્યું છે, રત્નાદેવી, ગુના કબૂલી લેજો પણ ન્યાયમૂર્તિ પાસે રહેમની ભીખ માંગજો...

પરંતુ હવે શું જીવવું? કોના માટે તેણે જીવવું જોઇએ? તેની આંખોમાં સાતેય સમંદરનું પાણી ફેલાઇ રહ્યું છે પણ તે રડી નથી શકતી. ખરેખર તો તેણે ખૂબ રડી લેવું જોઇએ, પેલા બનાવ પછી તો તેણે વરસતા વરસાદ જેવું ખૂબ રડી લેવું જોઇએ, જેથી તેના હૈયા પર જામેલી ખારાશ દૂર થઇ જાય!

જ્યારે જ્યારે કેસની સુનાવણી થાય છે ત્યારે ત્યારે તે આ રીતે કોર્ટમાં ઊભી રહી જાય છે. તે રડતી નથી! કદાચ રડી શકતી નથી. કદાચ બધાના નસીબમાં રડીને હૈયાને હળવું કરવાનું હોતું નથી. તેનો વકીલ તેને ઓછામાં ઓછી સજા થાય તે માટે કઇ પરિસ્થિતિમાં તેણે ગુનો કર્યો છે તે વિષે વારંવાર કહે છે. કોર્ટની કાર્યવાહી થંભતી જ નથી. કેટલા બધા પ્રશ્ર્નો વચ્ચે તે ઘેરાઇ ગઇ છે!

ન્યાયમૂર્તિને લાગે છે કે તેણે આવું અંતિમ પગલું નહોતું લેવું જોઇતું. બીજો કોઇ રસ્તો લઇ શકત, પણ...!

એવું લાગે છે કે આ પથ્થરોનાં શહેરમાં લાગણીનો વરસાદ કેટલાંય વર્ષોથી વરસ્યો જ નથી. તેથી જ તો તેણે ક્યાંય સ્નેહની એક નાની સરખી કૂંપળ પણ જોઇ નથી. જિંદગીનાં કેટલાં બધાં વર્ષો તે જાણે રણમાં ચાલી છે, નહીં તો ધોધમાર વરસાદમાં પલળવાનો તેનો શોખ છતાં તે બિલકુલ કોરી જ રહી! વરસાદ કેમ ક્યારેય નહીં વરસ્યો હોય! તેની કોરીધાકોર આંખોમાં ભય ફેલાઇ ગયો. લાગણીના વરસાદ વગર સ્નેહનો દુષ્કાળ પડ્યો હતો? તેની હથેળી પરસેવાથી ભીની ભીની થઇ ગઇ. તેણે કઠેડો છોડી દીધો.

સરકારી વકીલ તેને ધોધમાર સવાલો પૂછે છે અને તેને તેના સ્પષ્ટ જવાબો દેવાના હોય છે. 'બહેન, બધું સાચું જ કહેજો.' એવું તેને બધા કહે છે, પણ એ તો ક્યાં કદીયે ખોટું બોલી છે? હૈયુ ધ્રુજી જાય, આંખે અંધારાં આવી જાય તેવું વરવું દૃશ્ય તેઓએ તેની પાસે કેટલીયે વાર ફરીફરી ભજવાવ્યું છે. વાત તો સાવ સ્પષ્ટ છે. તો વાતને તેઓ અટપટી કેમ બનાવે છે? વાતનો કેમ કોઇ ફેંસલો લાવતા નથી? કે પછી કોઇ તેને એ વાત ભૂલવા દેવા જ નથી માંગતું કે તેણે... તેની અંદરથી એક ઊબકો આવ્યો. તેણે હોઠ ભીડી દીધા. ટટ્ટાર ઊભા રહેવાની ખૂબ જ ઇચ્છા છતાંય તે કમરેથી સહેજ ઝૂકી ગઇ. 

તેને યાદ આવ્યું કે તેના અને રાકેશના છૂટાછેડા આવી જ કોઇ કોર્ટમાં મંજૂર થયા હતા. ખાધાખોરાકીનો પહાડ જેવો મોટો પ્રશ્ર્ન હતો. પણ,રાકેશ! ક્યાં કદીએ કશું કમાયો હતો? તે એને શું આપવાનો હતો! નથી જોઇતું કંઇ પણ આ વર પાસેથી...

તેનો હાથ તેણે પહેરેલા મંગળસૂત્ર પર ગયો. તે રાતે તે રાકેશ પર સહેજ ઢળી હતી અને ડોકમાં ઝૂલતું મંગળસૂત્ર પણ રાકેશની દિશામાં ઢળ્યું હતું. પછી તો મંગળસૂત્ર ઝૂલ્યા કર્યું હતું. આગલી રાતે જ રાકેશે તેને તે પહેરાવ્યું હતું. જાણે સુખની એકમાત્ર ક્ષણ તેના જીવનમાં અશબ્દ બનીને ઝૂલી હતી. પછી... પછી બધું જ વેરાન થતું ચાલ્યું. કોઇ સુખ તેના હાથની રેખાને જાણે મંજૂર નહોતું. 

પહેલો તમાચો ગાલ પર પડ્યો ત્યારે તે વળ ખાઇ ગઇ હતી. "તમે... તમે મને માર્યું?

ત્યારે દારૂના નશામાં તે બોલ્યો હતો, "હા...હા... રત્નાદેવી મેં તમને માર્યું! પૂછે છે તે જો જાણે મોટાં મહારાણી ન હોય...! મહારાણી રત્નાદેવી!... રત્નાદેવી તમારા પર આરોપ છે કે...

રત્ના જ્યાં સુધી રાકેશ સાથે રહી ત્યાં સુધી તેનો ભરપૂર માર ખાધો...ખૂબ જ ચીવટ રાખી હોવા છતાંય રાકેશનો અંશ તેનામાં પાંગર્યો. 

અને પછી તો... દીકરાનો જન્મ, પૈસાની અસહ્ય તંગી, રાકેશનો માર...હું તારાથી છૂટી પડી જઇશ રાકેશ, હવે હું સહન નહીં કરું. મારા આ દીકરાનો ઉછેર હું કરીશ. હું...

'બહેન તમારા પતિ કંઇ પણ કમાતા નથી. તમારા જીવનનિર્વાહ માટે તેમની પાસેથી...'

"તેમની પાસેથી મારે કંઇ પણ નથી જોઇતું, સાહેબ. કાલ સવારે તો મારો આ દીકરો મોટો થઇ જશે. તે શું મને નહીં સાચવી લે? સાહેબ, ત્યાં સુધી હું કમાઇને મારા આ દીકરાને ઉછેરીશ. મારા આ દીકરાને હું મારી રીતે ઉછેરીશ સાહેબ! કેવા આત્મવિશ્ર્વાસ સાથે તેણે દીકરાને લઇને નવજીવન શરૂ કર્યું હતું!

તેણે શેનો ગુનો કર્યો છે! કેમ તેને કંઇ જ યાદ નથી આવતું? છૂટાછેડા લેવા તે કંઈ ગુનો છે?તે પતિનો ત્રાસ ન સહી શકી તે કંઇ ગુનો છે? પણ ના...આ વકીલ તો તેને કંઇક બીજું જ પૂછી રહ્યો છે!

તેને નથી સમજાતું કે પોતે હતભાગીએ આવું અંતિમ પગલું કેમ લીધું? કેટલાય દિવસોથી તે લોકઅપમાં છે. પણ તે ક્યારેય રડી નથી. રડી શકી નથી. દીકરાને લઇ ગયા હશે, દીકરાનો અગ્નિદાહ થયો હશે. પણ તેણે તે વિષે કંઇ કલ્પના પણ નથી કરી. સન્ન થઇ ગયું છે તેનું મન! જ્યારે જ્યારે કેસની સુનાવણી થાય છે ત્યારે ત્યારે તે આ રીતે જ કઠેડો પકડીને ઊભી રહી જાય છે. કદાચ વિશાળ ફેલાયેલા આ આકાશ નીચે તે યુગોથી એકલી ઊભી છે. 

તેના હાથ ખાલી છે અને હૈયાનાં ચારેય ખાનાંમાં લોહી સાથે પીડા ભળીને વહે છે! હવે તો રાત વિસ્તરતી જાય કે દિવસ વિસ્તરતો જાય, તેને કોઇ ફરક પડતો નથી. તેને એક ઇચ્છા છે. કોઇના ખભા પર માથું ઢાળીને તે ભરપૂર રડી લે! પોતાની વરસોની પીડાને આંખો વાટે વહાવી દે! પણ કોના ખભા પર?...

બધાની નજર તેના પર જ સ્થિર હોય તેવું તેને લાગે છે. કોઇ તેની ટીકા કરી રહ્યું છે - સગી મા થઇને આવું અંતિમ પગલું?

મા તો મમતાની મૂર્તિ!મા...

અરેરે...જુવાન દીકરાના માથા પર હથોડી ઝીંકી દીધી? ફટ રે...જનેતા...

જુવાન દીકરાની ખૂની. જુવાન એટલે કેવો? બાવીસ વર્ષનો દીકરો. લાલ બૂશર્ટ, બ્લેક પેન્ટ અને પગમાં બૂટ સજાવી ફરતો, ક્યારેક સિગારેટ પણ પીતો હશે...ગંધ આવતી!

બેટા, ભણવામાં તો તે ધ્યાન આપ્યું નહીં! પણ હવે તો તું જુવાન થયો છે. ક્યાંક આછીપાતળી નોકરી કરી કમાતો થાય તો સારું. મારા દીકરા, હું હવે ખૂબ થાકી છું. પણ તે તેની કોઇ વાત સાંભળતો નથી, બસ પોતાની ધૂનમાં રહે છે. ઘરમાં રહે છે જ ખૂબ ઓછું!

મા...થોડીક મૂડી દે...પાંચેક હજાર...મારે ધંધો શરૂ કરવો છે. 

બેટા, હું પૈસા ક્યાંથી લાવું?

તું ગમે ત્યાંથી મને પૈસા લાવી દે. મારે કોઇ નોકરી નથી કરવી. મારે ધંધો શરૂ કરવો છે સમજી? દીકરો માને હુકમ કરતો હતો.

આ પણ બાપ જેવો જ છે ને!

દીકરાની રોજની પૈસાની ઉઘરાણીથી તે ત્રાસી ગઇ અને ઉછીના ત્રણેક હજાર ભેગા કરીને દીકરાને દઇ દીધા... હવે બિલકુલ વધારે ના માગીશ. હવે મારી પાસે નથી...

થોડા દિવસ તો તે પણ કંઇ ન બોલ્યો. તેણે પણ તેને કંઇ ન પૂછ્યું. પણ તેનાથી ન રહેવાયું. એક દિવસ હૈયામાં માંડ બચી હતી તેટલી મમતા અને મીઠાશ ભેગા કરીને પૂછ્યું, 'બેટા, શેનો ધંધો શરૂ કર્યો?'

દીકરાએ વાત જ ઉડાવી દીધી. થોડા દિવસ પછી તેણે ફરી પૂછ્યું હતું. 'તને કંઇ સમજ ન પડે.' એક તોછડો જવાબ અને બૂટ ચમચમાવતો તે ચાલ્યો ગયો! 

'ન જા દીકરા! અરે કોઇ તો રોકો આ દીકરાને!' અકાળે વૃદ્ધ થયેલી રત્ના ચિત્કારી ઊઠી. તેની આંખોમાં આસું ઊભરાઇ આવ્યાં. તેણે તેના ફાટેલા સાડલા વડે આંસુ લૂછ્યાં. 

મા-દીકરા વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ પહોળી થઇ રહી હતી. મા, મમતામય તે તિરાડને પૂરવા લાખ કોશિશ કરતી હતી પણ દીકરો વધારે ને વધારે નિષ્ઠુર થતો જતો હતો. 

હદ તો ત્યારે થઇ જતી જ્યારે દીકરો તેને તિરસ્કારીને કહેતો, 'તારામાં ત્રેવડ નહોતી તો મારા બાપુથી છૂટાછેડા કેમ લીધા? તું જ તેવી છો મા. મારા બાપુ તો સારા હશે...'

'રત્ના તારી આ કાનની રીંગ દઇ દે, મારે દેવું ચૂકવવું છે!'

'અને ન દઉં તો?' રાકેશનો માર ખાવા જ જાણે રત્ના તેની સામે થઇ જતી. આ ધણી!

તે બારી બહાર પીળાં થઇ ગયેલાં પીપળાનાં પાનને જોઇ રહી! હમણાં જ પવનના ઝોકે બધાં જ પાન ખરી પડશે કે શું?...

...'મા, તને કહું છું, મને બીજા ચાર હજાર લાવી દે. અને હા, કંઇ પણ પૂછવાની જરૂર નથી.' તે ગર્જના કરીને તેની પાસે પૈસા માગતો અને ક્રોધથી ગાંડી થઇ ગઇ! તેના ગાલ વરસો બાદ ફરી એક વાર અદૃશ્ય તમાચાથી લાલચોળ થઇ ગયા. તેણે ગાલ પર હાથ ફેરવ્યો! વર્ષો પહેલાંનો ધણીએ મારેલો પ્રથમ તમાચો ચચરી ઉઠ્યો...

સરસ હવા ફેંકતો પંખો થંભી ગયો. લાઇટ ગઇ કે શું? તે પરસેવાથી રેબઝેબ થઇ ગઇ. આટલી બધી ગરમી તેને પહેલાં ક્યારેય નહોતી લાગી. આજે કેમ આવું થાય છે? તેનું ગળું સુકાઇ ગયું છે. આટલો બધો શ્ર્વાસ તો આ પહેલાં તેણે ક્યારેય નથી અનુભવ્યો! કદાચ રણ વચ્ચે તે ઊભી છે અને વિસ્તરતા રણ વચ્ચે ક્યાંય મૃગજળ પણ નથી દેખાતું!

પાણી પીને ઘરની બહાર ચાલી ગઇ હોત તો સારું હતું, પણ ન તેણે પાણી પીધું, ન તેણે ઘરની બહાર જવાનું વિચાર્યું. તેના હૈયામાં ઊંડા ઊંડા શ્ર્વાસ ભરતી તે ઊભી રહી અને તેના હૈયામાં બધા જ પ્રકારનો શ્ર્વાસ એક સાથે જાગી ઉઠ્યો. 

મા...મા... માતૃત્વની શીતળ લાગણી જાણે કાળઝાળ થઇ ગઇ... આ દીકરો... તેનો આ ભર્યા ભર્યા સંસારમાં એકમાત્ર સાથી, છેલ્લા વીસ વીસ વર્ષનો એકમાત્ર સાથી! આ એક એવો દીકરો છે કે જેના કોઇ કાર્યથી તેને ક્યારેય ગર્વ થયો નથી.

તેની આસપાસ સફેદ ફીણનો અફાટ સમુદ્ર ઘૂઘવી રહ્યો. કેમ ક્યાંય પાણી નહોતું? તે ફીણને તાકતી ઊભી રહી ગઇ. આટલાં બધાં વર્ષો, શું તે મૃગજળની પાછળ જ દોડી હતી! સતત દોડતા રહેવાથી તેના પગમાં છાલાં પડી ગયાં હતાં અને તેને ખૂબ વેદના થતી હતી. 

સામે ખૂબ જ ભયંકર લાગે તેવું તે હસતો, પૈસા માગતો નફ્ફટ બનીને ઊભો હતો. 

- પણ આટલા બધા પૈસા હું ક્યાંથી લાવું? જુવાનજોધ દીકરો થઇને માને સતાવે છે? તારી મા હોવાની પણ મને શરમ આવે છે દીકરા!

ફરીને તે હસ્યો! તે એની હાંસી ઉડાવી રહ્યો હતો! ધીમે ધીમે તેનો દીકરો જાણે રાકેશ બની રહ્યો હતો. દીકરામાં રાકેશનો કોઇ અંશ ન આવે તેટલા માટે તો તે તેનાથી અલગ થઇ ગઇ હતી. પણ અત્યારે તો લાગે છે રાકેશ જ તેની સામે આવીને ઊભો છે. તેને પોતાની જાત પર જ તિરસ્કાર આવ્યો. આ દીકરાને આટલાં બધાં કષ્ટ વેઠીને મોટો કર્યો? શા માટે? તેણે તેને કોઇ અનાથ આશ્રમના દ્વારે એકલો મૂકી દીધો હોત તો? તે કેમ ત્યારે તેમ 

નહીં કરી શકી હોય? મા હતી માટે?

એક અશક્ત મજબૂર મા પાસે બિલકુલ લાજ વગરનો બનીને દીકરો પૈસા માગતો હતો. હાથ ફેલાવીને ઊભેલો આ દીકરો! તેના હાથ ભાંગી ન નખાય? તેણે પહેરેલા લાલ શર્ટમાંથી લોહી ટપકતું હોય તેવું નથી લાગતું! તે તેની તરફ ધારીને જોવા લાગી. 

આ રીતે શું જુએ છે મારા તરફ? દીકરાની વાણીમાં નર્યો તિરસ્કાર પડઘાઇ રહ્યો. અને...

તેના હૈયામાં ખુન્નસ ભરાઇ આવ્યું! મા...તે આ છોકરાની મા છે તે વાત જ જાણે વિસરી ગઇ! લાલચોળ આંખો તેણે નાનકડી રૂમમાં ફેરવી અને દીકરાના શર્ટ પર લોહી! દીકરો કંઇ પ્રતિકાર કરે, કંઇ સમજે તે પહેલાં તો તેણે તેના માથા પર દસ્તો ઝીંકી દીધો. મા આવું અંતિમ પગલું ભરશે એવું દીકરાએ કદી નહીં ધાર્યું હોય. તે ઊંધો ફરી ને ઊભો હતો. આ દીકરો ન હોય તો પણ શું? હવે તો દીકરાનું લાલ લાલ શર્ટ સાચ્ચે જ લોહીથી ખરડાઇ ગયું હતું. તેની આંખો ફાટી ગઇ હતી અને ડોક ઢળી પડી. તે ધબાક્ દઇને નીચે પડ્યો. એણે તેને પડવા દીધો. જાણે અદબ વાળીને ઊભી ઊભી તે તેને પડતો જોઇ રહી. અને પછી તે ઘરની બહાર દોડી ગઇ. 

જેલમાં જ તેના ઘણા ઇન્ટરવ્યૂ ચાલ્યા. દરેકને તે પૂછવું હતું, પણ તેના પાસે હવે ક્યાં કોઇ જવાબ હતો. નારીનિકેતનવાળાં બહેન તેને પૂછતાં હતાં, 'સગાં દીકરાને તે હણી નાખ્યો, ભૂંડી તને કોઇ પસ્તાવો થતો નથી?'

નારી સુરક્ષા સંઘ તેને સાદ દઇને ઢંઢોળતો હતો,'રે નારી...તે આવું કુકર્મ કેમ કર્યું? માના પવિત્ર નામને લજાવ્યું ને?'

વિકાસ ગૃહનાં ગૃહમાતા તેનો ઇન્ટરવ્યૂ લેવા ખાસ જાતે આવ્યાં હતાં. કહેતાં હતાં દીકરાને પ્રેમથી સુધારવાને બદલે રહેંસી નાંખ્યો?ક્રૂર... અખબારોવાળાએ તો મોટા મોટા અક્ષરોમાં છાપ્યું હતું, 'સગી જનેતાએ એકના એક દીકરાને રહેંસી નાંખ્યો.'

તેનાથી આવું કેમ થઇ ગયું! ક્યાંક પૃથ્વીના પેટાળમાંથી તેનો ધણી પણ નીકળી આવી તેને પૂછશે ફટ રે ભૂંડી તે આ શું કર્યું!

આટલાં બધાં દુ:ખો વચ્ચે પણ તે સહેજ હસી. હા...આ...દીકરો! આ દીકરા જેવો હવે બીજો દીકરો નહીં થાય ! વંશ જ અટકી ગયોને.

... 'રત્નાદેવી, તમારા સાબિત થઇ ચૂકેલા આ ખૂન કેસમાં તમારે કંઇ તમારા સ્વબચાવ માટે કહેવાનું છે?'

'ના...' જોરથી તેણે માથું ધુણાવ્યુંં 'ના...'!

જ્યારે તે રાકેશથી અલગ થઇ ત્યારે તેેને હતું કે રાકેશના કોઇ અંશને તે તેના પુત્રમાં ફાલવા નહીં દે. પોતાની રીતે પોતાના પુત્રને ઉછેરશે. તેનામાં સંસ્કાર રેડશે. મહાન બનશે તેનો લાડલો! ભણશે ત્યારે કેટલાય ચંદ્રકો મેળવશે અને આવા હોનહાર દીકરાની મા બનવાનો ગર્વ તે અનુભવશે. કમાવા લાગશે ત્યારે તે એક અત્યંત આદરણીય ઓફિસર હશે...

પરંતુ અફસોસ...પાંચ...છ...આઠ...દશ...વર્ષો તો વીતતાં જતાં હતાં અને દીકરાને તે પોતાની રીતે નહોતી ઘડી શકી. તેને સમજાતું હતું કે જ્યારે પતિથી તે છૂટી પડી ત્યારે જ દીકરો તો ઘડાઇ ચૂક્યો હતો. અને લોકો તેને પૂછતા હતા...

'જવાબ દે રત્ના...તે આ ખૂન શા માટે કર્યું?'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment