Tuesday, 26 April 2016

[amdavadis4ever] ઓળખ......... ટૂંકી વાર્તા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દીકરીનો પત્ર હતો.

વહાલી મા,

આજે કેતન મળવા આવ્યો હતો. તેને જોતાં જ ગામ,ઘર, બાપુ અને તું યાદ આવી ગયાં. મા,તું તો કેમે કરીને ભુલાતી જ નથી, અમે ઘણી ઘણી વાતો કરી. બાપુએ તેને આંકણીથી મારેલો તેના ઘાનું હજી સુધી રહી ગયેલું નિશાન પણ કેતન મને દેખાડતો હતો. વાતમાં ને વાતમાં તારી તબિયતની વાત નીકળી. મને કહે, માસી છે તો આમ મજામાં. પણ હવે ઉમ્મર થઇ. લગભગ સિત્તેર થવા આવ્યાં. એ તો ઠીક છે કે જૂના જમાનાનું ઘી ખાધું છે એટલે ગમે તેમ તોય એકલે હાથે જીવી જાણે છે, પણ આ ઉંમરે કોકનો સથવારો તો જોઇએ. 

વળી પાછો કહે, તારે એક ભાઇ હોત તો સારું થાત. પરણીને વહુ તો લાવ્યો હોત ઘરે! કંઇ નહિ તો, માસીને રોજ ને રોજ રાંધવાની રામાયણ તો ન જ હોત. આ તો વહેલા ઊઠીને દેવદર્શન જવાનું, પાછા ફરતાં શાકભાજી ખરીદવાની, કરિયાણાની દુકાનેથી દાળ-મસાલા લેવાના ને ઘરે આવીને રાંધવાનું. આ ઉંમરે માસી એકલે હાથે આ બધું કેમ કરતાં હશે તેની તો મને નવાઇ લાગે છે. એક માણસ રાખી લેતાં હોય તો? આખું ઘર માથે ઉપાડ્યું છે. તું કેમ કંઇ કહેતી નથી, દીકરી થઇને?

બસ.આટલું કહીને એ તો ચાલ્યો ગયો પણ મારી આંખોમાંથી મોતી છલકવા લાગ્યાં. બાપુની મૂડીનું વ્યાજ ઠીક ઠીક આવે છે. તારે પૈસાની કોઇ ચિંતા નથી. પણ બેન્કની યે પળોજણ તો ખરી જ ને!

હવે આ ઉંમરે તારે આવી બધી પળોજણ શીદને? એકલી છે તો અહીં મારી સાથે રહેવા આવી જા ને!ઘણી વાર તો મને થાય છે કે હું જ તને ઘસડી લાવું, પણ તારું મન...!દીકરીના ઘરનું પાણી ન પીવાય એ જમાનો તો ગયો, મા અને તું આવીશને ફતો એમને ય આનંદ થશે. એ તો ઘણીવાર કહે છે કે મા અહીં આપણી સાથે રહેવા આવતાં હોય તો? તેમનેય નિરાંત અને આપણનેય નિરાંત આપણુંય ઘર સચવાય અને તારાં પોતરાંની જીભ તો સુકાતી જ નથી. તે બે તો ઘણીવાર કહે છે કે બા અહીં આપણી સાથે રહેવા આવતાં હોય તો? વારંવાર ક્યા કરે છે ને કે બાને આપણે ઘેર તું લઇ આવને, મમ્મી કે તારાં મમ્મી નથી?

મા!તું આવી જાને.તને શો વાંધો છે? હવે ત્યાં આપણાં રહ્યું છે કોણ? એકલે હાથે આટલો બોજ વેંઢારવા કરતાં તો તું અમારી સાથે રહેવા આવી જા. આ મુંબઇ જેવા મોટા શહેરમાં તારું બધું સચવાશે. અહીં ઉછળતો-ઘૂઘવતો દરિયો છે, ફીણનાં ફૂલ છે, ભાતભાતના માણસો છે ને રંગબેરંગી દુનિયા છે.મા! અહીં નવી દુનિયા જોવા મળશે-તેં કે બાપુએ નહિ જોઇ એવી દુનિયા.

જૂના જમાનાની જીદ હવે છોડી દે મા!

જવાબ જલદી આપજે. 

લિ. 

તારી રમા

બાલુબહેન હોંશે હોંશે પડોશીઓને પત્ર વંચાવ્યો. ગર્વભેર તે દીકરીનાં વખાણ કરતાં હતાં. પડોશણોને લાગ્યું કે દીકરી હોય તો આવી હજો. એ પણ તેમને તે જ સલાહ આપતાં હતાં કે અહીં એકલપંડ જીવન જીવવા કરતાં ત્યાં ચાલ્યાં જાવને!

એક જણ કહેતું 'આ લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે તો શીદ કપાળ ધોવા જાવ છો?'

તો બીજું કહેતું, 'અમારે આવી દીકરી હોય ને તો ભવ તરી જઇએ.આજના જમાનામાં આવાં છોકરાં ક્યાં મળે?'

ત્રીજાએ ટાપશી પૂરી,'સાચી વાત છે. આપણે પાંખ આપીએ પછી, એ લોકો તો ઊડી જ જવાનાં, પોતાનું ગગન અને પોતાની લગન. 

પણ બાલુબહેનનો એક જ ઉત્તર હતો,'હું દીકરીને ત્યાં રહેવા નથી જવાની.'

'પણ કંઇ કારણ?હવે તો જમાનો બદલાઇ ગયો.પરદેશ રહેતી છોકરીઓ સુવાવડ પછી છોકરાં મોટાં કરવા માને નથી બોલાવતી? અને માઓ હોંશે હોંશે ઊડીને નથી જતી? પછી તો વતન ન સાંભરે ત્યાં લગ અઠે દ્વારકા!'

'ના.પણ હું રમાને ત્યાં રહેવા નથી જવાની.'

'તું તો બાઇ, જિદ્દીને જિદ્દી જ રહેવાની.'

પડોશીઓ વિખેરાઇ ગયાં, બાલુબહેનનું આજ સુધી અકબંધ રહેલું મન વિખરાઇ ગયું. 

'તું તો સાવ જિદ્દી. તને કોઇ પહોંચી ન વળે.' અનંતરાયે કહ્યું હતું. 

પતિના શબ્દો સાંભળી બાલુબહેન મલકાતાં હતાં. 

'શું મારી સામે ટીકી ટીકીને જોયા કરે છે? તારી જીદ છોડને.'

'જીદ છોડાવવી છે કે લાજ શરમ તોડાવવી છે તમારે?

'આમાં લાજશરમની વાત ક્યાં આવી ? આ રમાને દસ વર્ષ થયાં.'

'દીકરો દેવો હોત તો દેવે કે દિ'નો દીધો હોત, પણ ભગવાનની એવી ઇચ્છા નથી અને હવે તમે મને કહો છો કે ચાલ, દાક્તરને બતાવીએ. શું ધૂળ બતાવવાનું આ ઉંમરે ?

'ઉંમર ક્યાં વહી ગઇ છે આપણી?'

'દીકરા દીકરાની માળા શું કામ જપો છો? દીકરો તમને વૈતરણી તારશે, દીકરો તમને ઓલા ક્યા નરકમાંથી ભૂલી ગઇ,તો તે તમને નરકમાંથી બહાર કાઢી સ્વર્ગ અપાવશે, એમ ને? ખાંડ, ખાવ છો ખાંડ હવે ગયા, એ જમાના ગયા. 

'દીકરો હોય તો ઘડપણમાં તો સુખ...?'

'હા,હા,સુખ મોટું સુખ,સુખનાં ઝાંઝવાં જોવાં રહેવા દો, સુખની મધમાલ પાડવી રહેવા દો. આ આપણી બાજુના દિનુભાઇની દશા જુઓ. દીકરાએ મકાન પડાવી લીધું, પૈસા પડાવી લીધા અને મૂકી આવ્યા ઘરડા ઘરમાં ને તમારા ઓલા ભાઇબંધ કોણ?તમે જ કે'તા તા ને કે દીકરાઓએ તેમનું જીવન જેલ જેવું કરી દીધું. ખાવા આપે તે ખાવાનું અને પહેરવા આપે તે પહેરવાનું. હવે કંઇ શ્રવણ જનમવાના નથી.'

અનંતરાયનો છૂટકો નહોતો મૌન રાખ્યા સિવાય. 

ત્યાં જ બાલુબહેન બોલ્યાં,'ને માનો...આ માનવાની જ વાત કરું છું. હું તમને અડકવા દેવાની નથી. પણ માનો કે તમારી વાત મેં સ્વીકારી લીધી તો ય હવે દીકરો જ જનમશે તેની શી ખાતરી, બોલો, લખી આપો છો? તો મૂકો હવે માયા.ભગવાનનું નામ દો. તે જીવાડે તેમ જીવો.'

તું તારી જીદ નહીં મૂકે. અનંતરાયે કહ્યું. 

મા!'તું તારી જીદ નહિ મૂકે. હું તને કહી કહીને થાકી,કાગળો લખી લખીને થાકી. તોય તું તારી જીદ નહિ જ મૂકે.' દીકરીનો પત્ર બોલતો હતો. પત્રના શબ્દો આગળ સરતા હતા,'તને મારા પર શું ખોટું લાગ્યું છે, મા? ગયે વર્ષે તારા ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું.જુની ઢાંકણી કાઢી નાખી નવી મુકાવી. હોસ્પિટલ જતાં સુધી તેં મને ખબર ન આપી. તે પહેલાં તને કેટલી પીડા પહોંચી હશે? પણ,તું કોઇને કશું ન કહે. હું જાણું છું ને મા, કે તને તારી જાતનું માન-અભિમાન છે, હોસ્પિટલમાં પણ તું જાતે ગઇ, એકમાત્ર કેતનને લઇને. 

સારું થયું કે કેતને મને જાણ કરી ને હું દોડી આવી,નહિતર લોકોમાં મારું કેવું નીચાજોણું થાત? ખેર!જવા દે એ વાત હોસ્પિટલમાં તું હતી ત્યાં સુધી ત્યાં રહી-તારી પાસે ઝાંઝું રહેવાનું મન હતું પણ ન રહી શકી. તું જાણે છે ને કે પરણેલી દીકરીને તેની પોતાની જંજાળ હોય છે. 

ત્યારે પણ મેં તને મારી સાથે આવવાનું કહ્યું. એ પણ આવ્યા'તા તારી ખબર કાઢવા, અરે, તને લેવા.એમણે ય તને હાથ જોડી જોડીને વિનંતી કરી. પણ તું તો હસતી જ રહી, હસતાં હસતાં ના પાડતી જ રહી. અમને તેં કેવાં છોભીલાં બનાવી દીધા. તેં તો કહ્યું- હું ક્યાં એકલી છું? તારા બાપુ હજી અહીં વસે છે. 

ભલેને એ સરગે ગયા હોય, પણ રોજ રાતે મને મળવા આવે છે. હોસ્પિટલમાંય ઓપરેશન પછી એ મારું માથું પંપાળતા હતા. કહેતા'તા -તું તારી રીતે જીવને તું દુ:ખી નહિ થાય. તું કેવી ગાંડી.ગાંડી વાત કરતી'તી. કહેતી'તી કે તારા બાપુ આ ઘર છોડશે ત્યારે હું ઘર છોડીશ. તને કોઇ છે સમજાવી નહિ શકે. એ ય તને કોઇ છે સમજાવીને થાક્યા તો મારું શું ગજું? અને ત્યાર પછીના મારા કાગળોનો તો તેં જવાબ જ નથી આપ્યો. મારો શો વાંક છે એ તો કહે, મા!તારે પેટે દીકરી જન્મીને મેં કંઇ ગુનો કર્યો પછે? તારે દીકરો જોઇતો'તો ને હું દીકરી જન્મી એટલે ? આજ સુધી તેં મને એવું તો નથી લાગવા દીધું. તો પછી?

આ કાગળનો જવાબ તારે આપવો જ પડશે. આજે કેતનનો કાગળ મળ્યો. તેમાં લખ્યું હતું કે મા ઘરડાં થતાં જાય છે. આંખે ખૂબ ઝાંખપ વળે છે અને ઓપરેશન કરાવેલા પગે વળી પાછો દુ:ખાવો શરૂ થયો છે. બીજો પગ પણ હવે ઝાઝો સાથ આપતો નથી. હમણાં શાક લઇને પાછાં ફરતાં એક રિક્ષા સાથે અથડાઇ પડ્યાં, એ તો રિક્ષાવાળો સારો હતો કે ઘરે મૂકી ગયો. સાંજે હું ગયો ત્યારે સૂતાં હતાં.શરીર દુ:ખતું હતું.મૂંઢમાર પડ્યો'તો. કેતન પણ લખે છે કે હવે તું તેમને તારી સાથે રહેવા લઇ જા.

મા, હવે જીદ મૂકી દે, પુરાણા,વહેમીલા ખ્યાલો મૂકી દે. તારાં પોતરાં પણ મને કહે છે કે તું તો કેવી દીકરી છે કે માની દયા નથી આવતી. જા, તેડી લાવ. 

આ કાગળનો જવાબ તારે આપવાનો જ છે. કેતન પાસે લખાવજે કે ક્યારે હું તને તેડવા આવું.

જવાબ જલદી આપજે. 

લિ.

તારી રમા. 

પત્ર વાંચીને બાલુબહેન મરક મરક હસ્યાં. કેતનને બોલાવ્યો ધમકાવ્યો. 'વાંચ આ. તારે આ બધી પંચાત કરવાની શી જરૂર હતી? '

કેતને પત્ર વાંચ્યો.

'પણ મેં શું ખોટું કર્યું?'

'આ પંચાત કરીને મારી દીકરીને દુભવી.'

'આમ મારી દીકરી, મારી દીકરી કરો છો તેનું માનતા કેમ નથી?'જાવને તેને ત્યાં રહેવા. જમાઇ પણ બોલાવે છે. આમ તો, વાંરવાર કહો છો મેં દીકરી આપીને દીકરો લીધો છે. તો તે તમારો દીકરો નથી.'

'મારે નથી જવું.'

'પણ કેમ? હું કહું છું કે તમારે હવે જવું જોઇએ. રમાએ તેડવા આવવાની જરૂર નથી. હું જ મૂકી આવીશ.'

'એટલે તું મૂકી આવીશ? મારે રમાને ત્યાં રહેવા જવાનું ? ત્યાં રહેવાનું? એમ?'બાલુબહેન તોળીતોળીને બોલતાં હતાં. 

કેતન ડઘાઇ ગયો. ત્યાં જ બાલુબહેન બોલ્યાં,'હું નથી જવાની, મારે નથી જવું.'

'કેમ?'

'ત્યાં જઇને મારે મારી જાત ખોઇ નાખવાની?તેના ઘરની તેણે બતાવેલી ઓરડીમાં મારે રહેવાનું?તે કહે તે સમયે મારે બહાર જવાનું? તે કહે ત્યારે જ ઓરડીમાંથી બહાર નીકળવાનું? તે કહે તેટલા વાગ્યે જ સુવાનું ને ઊઠવાનું? તે જ રાંધે તે ખાવાનું? મારે ખીચડી ખાવી હોય તો હું કરી ના શકું અને તેણે બનાવેલી દાળ-ઢોકળી મારે ખાવાની?બરાબરને? દીકરી જમાઇની, આવી સેવા મારે સ્વીકારવાની ?'

'પણ તેમાં ખોટું શું?ઘડપણમાં તો...'

'ઘડપણમાં મારે મારી જાત ભૂલી જવાની ?અત્યાર સુધી જે જીવી તે જીવન ભૂલીને ગુલામ બનવાનું ? અને તે ય જાત ચાલતી હોય તો ય? તે ન બને. કેતન,હજી મારી જાત ચાલે છે, ભલે ઘરડી થઇ હોઉં. 

મૌન.

'આમ મારી સામે જોઇ શું રહ્યો છે. લખ.જવાબ લખ ને ટપાલમાં મોકલ.લખ:

'દીકરી રમાને માલૂમ થાય કે હું અહીં મજામાં છું.તું,જમાઇ, પોતરાં સહુ મજામાં હશો. તારે મારી ચિંતા કરવી નહીં. એ તો થાય. ઘડપણમાં દેહને આવું ન થાય તો ક્યારે થાય? ધીરી બાપુડિયો. 

તું મારી ફકર શીદને કરે છે. તારી વાડીની સંભાળ રાખને,મને કશું થવાનું નથી.અને છઠની સાતમ ક્યારેય કોઇથી થઇ નથી. એ તો જેવા છઠ્ઠીના લેખ. 

તારા કાગળો મળે છે. પણ વારે ઘડીએ કોઇને બોલાવીને જવાબ અપાય છે કંઇ? ને તારા કાગળો એટલે ધોધમાર વરસાદ,કેતનને ય તેનો સંસાર હોય કે નહિ?

પણ તારા કાગળો વાંચુ છું ત્યારે સઘળાં દખ વિસરાઇ જવાય છે. કેટલી વ્હાલુડી છે તું! તું નથી અળખામણી કે નથી તારો કંઇ વાંકગુનો. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે આવતે ભવે તું જ મારી દીકરી હજો. તારા જેવી દીકરી મળે તે તો ગયા જનમનું પુન.

હું જીદ નથી કરતી.પણ હું ત્યાં નથી આવવાની. હવે જેટલાં વરસ રહ્યાં તેમાં મારે હું જીવી છું તેવું જીવન જીવવું છે. મારે મારી ઓળખ નથી ખોવી. હવે પાકે ઘડે ક્યા કાંઠા ચઢાવવાં? એટલે જીવને દખ ન પહોંચાડતી ને ખોટું ન લગાડતી. હું તો કહું છું કે આ આવતી દિવાળીએ તમે બધાં આવો, દિવાળી કરવા હવે કેટલી દિવાળી મારે જોવાની? 

એજ લિ.

તારાં મા

કેતન પત્ર બીડતો હતો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment