Friday, 1 April 2016

[amdavadis4ever] માનવીને પિછાણ વા ચશ્માં બદલો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુંદર મજાનું નગર હતું.

નગરમાં ધનવાનો તો ઘણા હતા પણ એ નગરમાં એક મોચી ભગત પણ રહેતા હતા. પોતાની પ્રમાણિક મજૂરી ઉપર જીવતા. દિવસ દરમ્યાન પ્રમાણિકતામાંથી જે કંઈ મળે એમાં આનંદ. વધારે મેળવવાની કે સંગ્રહ કરવાની કોઈ દિવસ ઈચ્છા નહીં.

બજારના એક ખૂણામાં બેસી રહે. કોઈના ફાટ્યાતૂટ્યા જોડા સાંધી દે અને ઘરે બેસીને જે એકાદ જોડ બનાવી હોય તે વેચે.

એક વખતે એ નગરમાં એક બ્રાહ્મણ આવ્યો. ભિક્ષાર્થે આવેલો એટલે સવારના પહોરમાં ભિક્ષા માટે નગરમાં નીકળ્યો. ઘણા વખત સુધી એક ઘરથી બીજા ઘરે અને એક દુકાનથી બીજી દુકાને રખડ્યો પણ એને કોઈએ મુઠ્ઠી ધાન પણ ન આપ્યું. ભૂખ અને થાકથી એ એક સ્થળે બેસી ગયો. એવામાં એક સાધુ મહાત્મા ત્યાંથી નીકળ્યા. તેમણે આ બ્રાહ્મણને નિસ્તેજ ચહેરે બેઠેલો જોયો.

મહાત્માએ પૂછયું, 'મહારાજ કેમ નિસાસા નાખો છો?'

બ્રાહ્મણે કહ્યું, 'ગઈ રાતથી કંઈ ખાધું નથી. એ નગરીમાં ઘણા ધનવાન રહે છે. મને થયું ક્યાંકથી તો મુઠ્ઠી ધાન મળી રહેશે પણ ક્યાંથી કશું જ મળ્યું નથી, હશે! મારા નસીબનો જ દોષ, બીજું શું?'

સાધુ મહાત્મા હસ્યા અને કહ્યું, 'મહારાજ! આ નગરમાં તમે માણસ સામે હાથ લાંબો કર્યો હોત તો ખપજોગું જરૂર મળી રહેત...'

બ્રાહ્મણને નવાઈ લાગી. સાધુ મહાત્મા આમ કેમ બોલો છો? શું મેં માણસ પાસે ભિક્ષા નથી માગી? શું મેં માણસો પાસે મારો હાથ લાંબો નથી કર્યો?

'મહારાજ! આપ આમ કેમ બોલો છો?'

મહાત્માએ કહ્યું, 'ભાઈ, જે બીજાનું દુ:ખ સમજી શકે છે, જોઈ શકે છે, એ માણસ પોતાના જ સુખમાં મસ્ત રહેતા હોય તે તો પશુસમાન છે. એવા પાસે માગવાથી શું મળે? જો હું તને આ ચશ્માં આપું છું, તે ચડાવીને જ્યાં માણસ દેખાય ત્યાં માગજે. તને ખપ પૂરતું જરૂર મળી રહેશે.'

મહાત્માએ પોતાની ઝોળીમાં હાથ નાખ્યો અને ચશ્માં કાઢ્યા.

'લે પહેર.' મહાત્માએ બ્રાહ્મણને કહ્યું.

બ્રાહ્મણ કંઈ ન સમજ્યો છતાં મહાત્માએ આપેલા ચશ્માં લઈ પહેર્યા. જ્યાં જોવા જાય છે તો કોઈ માણસ જ ન મળે. કોઈનું મોઢું વાઘ જેવું, તો કોઈનું વળી શિયાળ જેવું, શ્ર્વાન જેવું, કાગડા,ગીધ, બિલાડી જેવું આમ જાતજાતનાં મોઢાં દેખાયા કરે પણ ક્યાંય માણસ ન દેખાય, ચશ્મા કાઢીને જુઓ તો બધા માણસ દેખાય અને ચશ્માં પહેરીને જુએ તો બધાં પશુ-પક્ષીઓ જેવાં લાગે.

આમ ફરતાં ફરતાં સાંજ પડી ગઈ.

બ્રાહ્મણ ખૂબ જ થાકી ગયો હતો. એવામાં એની નજરે એક માણસ દેખાયો. બ્રાહ્મણે બે-ચાર વાર ચશ્માં કાઢીને અને પાછા ચડાવીને જોયું તો એક જ માણસ દેખાતો હતો- મોચી ભગતમાં એને માણસ દેખાયો.

બ્રાહ્મણને થયું કે હું ઉચ્ચવર્ણનો અને મોચી હલકા વર્ણનો મારાથી મોચી સામે હાથ કેમ લંબાવાય?

ત્યાં તો મોચીની નજર બ્રાહ્મણ તરફ ગઈ. તરત જ ઊભા થઈ તેણે કહ્યું, 'પધારો મહારાજ! પધારો, આપ ખૂબ જ થાકી ગયેલા લાગો છો. હું તો હલકો વર્ણ છું. પણ આપ મારા પર કૃપા કરો તો મારી પાસે થોડાક પૈસા છે, આપ એ સ્વીકારો તો હું મારી જાતને ધન્ય ગણીશ અથવા આપ મારી સાથે આવો તો કંદોઈની દુકાનેથી કંઈક ખાવાનું મળે એવો પ્રબંધ કરી દઉં.'

મોચી ભગતનો વિવેક અને પ્રેમ જોઈ બ્રાહ્મણ મોચી ભગત સાથે નજીકની કંદોઈની દુકાને ગયો. મોચી ભગત પાસે કમાણીના માત્ર ચાર આના હતા. એ બધા કંદોઈને આપી તેણે કહ્યું, 'શેઠ, આટલા પૈસામાં જે કંઈ ખાવાનું આવે તે આ સુપાત્ર બ્રાહ્મણદેવને આપો.'

મોચી ભગત તો એટલું કહી ચાલવા માંડ્યા...

ચાલતાં ચાલતાં થયું: ભૂદેવ પરદેશથી આવ્યા છે એને કંઈક વધુ આપી શકાય તો સારું, પણ શું કરવું, બીજું કંઈ તો પાસે છે જ નહીં.

ત્યાં તો પોતાને ઘરે પડેલી નવી બનાવેલી જોડાની એક જોડ યાદ આવી. દોડતા દોડતા ઘરે ગયા અને નવી જોડી લઈ દોડતા આવ્યા.

બરાબર એ જ વખતે ગામના રાજાને કોઈ મહત્ત્વના કામે બહાર જવાનું હતું... તેમને બૂટની જોડી મળતી નહોતી. કામદારે ગામમાં તપાસ કરી તો મોચી ભગતના હાથમાં નવી જ જોડી હતી.

તેમણે ભગત પાસે એ જોડ માગી, પણ ભગતે આપવાની ના પાડી. ભગતને લઈ કામદાર રાજા પાસે આવ્યો. રાજાએ બૂટ પહેયાર્ર્. બરાબર બંધબેસતા આવ્યા.

રાજાએ કામદારને કહ્યું, 'આ મોચીને પાંચસો રૂપિયા આપો.'

તરત જ મોચીએ કહ્યું, 'રાજાજી, ઘડીક રાહ જુઓ તો હું એક માણસને બોલાવી લાવું...'

'કેમ?'

'આ બૂટની જોડીનું જે કંઈ ઊપજે તે મેં એ બ્રાહ્મણને આપવાનો સંકલ્પ કર્યોે છે. એટલે એને જ આપજો.'

રાજા નવાઈ પામ્યો, એટલામાં મોચી ભગત પેલા બ્રાહ્મણને બોલાવી લાવ્યો અને તેના હાથમાં પાંચસો રૂપિયા મૂક્યા.

રાજાએ બ્રાહ્મણને પૂછયું, 'ભૂદેવ, તમે બ્રાહ્મણ થઈને આ મોચી પાસે કેમ હાથ લંબાવ્યો?'

બ્રાહ્મણે આખી વાત કરી અને રાજાને ચશ્માં આપ્યા. આંખ પર ચશ્માં ચડાવી રાજાએ જોયું તો કોઈ માણસ દેખાતો ન હતો. પોતાના કર્મચારીઓ પણ પશુરૂપ દેખાતા હતા. માત્ર મોચી ભગત જ માણસ જેવા લાગતા હતા. પોતાનો ચહેરો રાજાએ અરીસામાં જોયો તો પોતે પણ વાઘ જેવો દેખાતો હતો.

આ ચમત્કાર જોઈ રાજા મોચી ભગતના પગમાં નમી પડ્યો.

'ભગત, તમે જ સાચા માણસ છો, આજથી મારી સંપત્તિ તમે જ સંભાળો.'

મોચી ભગતે આકાશ સામે બે હાથ ઊંચા કરી ભગવાનને ઉદ્દેશીે કહ્યું, 'હે નાથ! એક નજીવા દાનનો બદલો તું આટલો બધો આપે છે તો તને જે પોતાનું સર્વસ્વ આપી દે છે તેના પર તારી કૃપા કેટલી વરસતી હશે! પ્રભુ! મારે તારી સંપત્તિ નથી જોઈતી, તારી કૃપા જ જોઈએ છે.'

એટલું કહી મોચી ભગત ચાલ્યો ગયો.


('સંસ્કારી સંતકથાઓ'માંથી સાભાર)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment