Sunday, 3 January 2016

[amdavadis4ever] સલામ, મંગેશ પાડગાંવકરન ે, સલામ, મર ાઠી પ્રજાને

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મંગેશ પાડગાંવકરને ગુજરાતી સાહિત્યરસિકો સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય સુરેશ દલાલે કર્યું. સુરેશ દલાલના જ કોઈ કાર્યક્રમમાં સાડા ત્રણ - ચાર દાયકા પહેલાં પાટકર હૉલમાં મંગેશ પાડગાંવકરના સ્વમુખે સાંભળેલી આ પંક્તિઓ એના આરોહ - અવરોહ સહિત સ્મૃતિમાં જડાયેલી છે: 'પ્રેમ મ્હણજે પ્રેમ મ્હણજે પ્રેમ અસતં, તુમચં આણિ આમચં અગદી સેમ અસતં!'

૩૦ ડિસેમ્બર ૨૦૧૫ના બુધવારે મંગેશ પાડગાંવકર અક્ષરવાસી થયા. ૮૬ વર્ષનું ભરપૂર આયુષ્ય માણ્યું. ગુજરાતી સાહિત્યને લગતા અનેક કાર્યક્રમોમાં સુરેશ દલાલે એમને મંચ પર માનભર્યું સ્થાન આપ્યું. મરાઠી સાહિત્યરસિકો તો એમના આ કંઠ પ્રેમમાં ખરા જ. છેક ગયા વર્ષ સુધી મરાઠી દૈનિક 'લોકસત્તા'માં અવારનવાર જાહેરખબરો આવતી રહેતી કે મંગેશ પાડગાંવકર લિખિત ભાવગીતોનો કાર્યક્રમ છે. આ બધા ગાયકો ગાવાના છે અને પછી બોલ્ડ લેટર્સમાં ઉમેરવામાં આવતું કે આ કાર્યક્રમમાં કવિ પોતે ઉપસ્થિત રહેવાના છે.

કવિ, લેખક, સાહિત્યકાર, કે કોઈપણ કળાકારનું બહુમાન કરતાં મરાઠી પ્રજાને સારી રીતે આવડે. ૩૧મી ડિસેમ્બરે મંગેશ પાંડગાંવકરના સમાચાર 'મહારાષ્ટ્ર ટાઈમ્સે' ફ્રન્ટ પેજ પર લીડની આયટમ તરીકે આપ્યા અને સાથે બે કૉલમના બૉક્સમાં લતા મંગેશકરની બાય લાઈનથી પાડગાંવકર વિશેનો સંપૂર્ણ લેખ. આટલું જ નહીં એ દિવસના કુલ ૨૪ પાનાંના અંકમાંથી ૯ (નવ) પાનાં મંગેશ પાડગાંવકરને ફાળવવામાં આવ્યાં હતાં. સાહિત્યકારને આનાથી મોટી બીજી અંજલિ કઈ હોઈ શકે. આ તમામ પાનાંની પીડીએફ મને વિવેચક - સાહિત્યકાર દીપક મહેતાએ મોકલી જે મેં મિત્રો સાથે શૅર કરી. કેટલીક પ્રતિક્રિયા મને એવી મળી કે આવું ગુજરાતી છાપાંઓ કોઈ દિવસ આપણા સાહિત્યકાર માટે કરે ખરા? મેં એ મિત્રોને કહ્યું, 'ના કરે. અને એ માટે છાપાંવાળાઓ જવાબદાર નથી, પ્રજા તરીકે આપણે જવાબદાર છીએ. જો કોઈ છાપું એવું કરે તો વાચકો જ તંત્રીને ખખડાવીને કહેશે કે એક લેખક - કવિ મરી ગયો એમાં આટલાં બધાં પાનાં કેમ બગાડ્યાં!'

મરાઠીની જેમ ગુજરાતી પ્રજા પણ એમના સર્જકોને માથે ઊંચકીને ચાલતી હોય તો છાપાવાળાઓને તો શું છે, શેરબજારના ભાવને બદલે એ દિવસે કવિ - લેખક વિશે છાપે. જે વંચાય, જે વેચાય તે છાપવું એ એમનો ધર્મ છે. શેરબજાર વિશેની માહિતી વંચાય તો તે છાપવી અને સાહિત્યકારો વિશેની માહિતી ન વેચાય તો તે ન છાપવી. દોષ ગુજરાતી છાપાવાળાઓનો નહીં, ગુજરાતી પ્રજાનો છે.

દોષ ન કહીએ, માત્ર આ ભેદ છે બે પ્રજા વચ્ચે એટલું જ કહીએ. લક્ષ્મીને જીવનમાં સર્વોચ્ચ સ્થાને બેસાડતી આપણી પ્રજા કળાકારને કે સર્જકને પણ એ જ માપદંડથી મૂલવતી આવી છે. સાહિત્યકાર તરીકે કે નાટ્યકાર કે સંગીતકાર તરીકે એણે કેવું સર્જન કર્યું છે એના કરતાં વધારે માણસ આપણા માટે એ કઈ ગાડીમાં ફરે છે, કેવા ઘરમાં રહે છે, કેવાં કપડાં પહેરે છે, કેવી પાર્ટીઓ થ્રો કરે છે એનું રહેલું છે. આને કારણે જાણેઅજાણ્યે, સબકૉન્શ્યસલી કળાકાર કે સર્જક પર પણ પહેલેથી જ એ પ્રેશર રહેતું હોય છે કે એણે પોતાની કળા દ્વારા માત્ર આજીવિકા નથી ચલાવવાની, કમાવવાનું છે, ખૂબ કમાવાનું છે. અર્નિંગ મનીમાંથી મેકિંગ મની તરફ જવાનું છે. પોતાની આસપાસના લોકો અને સમાજમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે એણે પણ બીજાઓની જેમ પૈસા પાછળ દોટ મૂકવી પડે છે જેને કારણે પહેલો ભોગ કળાનો લેવાય છે. કારણ કે એ કોમ્પ્રોમાઈઝ કરતો થઈ જાય છે.

મરાઠી પ્રજા આવું પ્રેશર એના કળાકારો પર ઊભું નથી કરતી. એટલે ત્યાં કળાકારોએ ઓછા કૉમ્પ્રોમાઈઝીસ કરવા પડે છે. એટલે જ એમનાં નાટકો આપણાં કરતાં બહેતર છે, એમનું સાહિત્ય આપણા કરતાં બહેતર છે, એમનું સંગીત, એમની ફિલ્મો - ચિત્રકળા, બધું જ આપણા કરતાં બહેતર છે. બહેતર છે એનો અર્થ એ નથી કે આપણું સ્તર નિમ્ન છે. આપણી પાસે પણ દિગ્ગજ નાટ્યકારો, સાહિત્યકારો વગેરે છે જ પણ આપણા કરતાંય વધારે સારા અને વધારે મોટી સંખ્યામાં સારા નાટ્યકારો, સાહિત્યકારો વગેરે એમની પાસે છે.

તેજસ્વી ગુજરાતી યુવાન કારકિર્દી તરીકે નાટ્ય, સંગીત, સાહિત્ય વગેરેનું ક્ષેત્ર લેતાં અચકાશે. એની પહેલી પસંદગી 'પૈસા

બનાવી શકાય' એવા ક્ષેત્રમાં જવાની હશે જે પ્રેશર એનાં માબાપે, એની આસપાસના લોકોએ એના પર ઊભું કરેલું હોય છે. આમાં કેટલાક અપવાદો હોવાના પણ અપવાદોથી નિયમો નથી બનતા.

મરાઠી માતૃભાષાવાળો તેજસ્વી યુવાન જો 'પૈસા બનાવી શકાય' એવા ક્ષેત્રમાં જવાને બદલે કળાના ક્ષેત્રમાં કૂદકો મારવા માગતો હશે તો એનાં માબાપ વગેરે પણ એને રોકવાની કોશિશ જરૂર કરશે પણ ગુજરાતી યુવાન કરતાં એના પરનું પ્રેશર સહેજ ઓછું હશે. હું આવી અનેક મરાઠી પ્રતિભાઓના ટચમાં છું. એમના ક્ષેત્રમાં ખૂબ મોટું, તોતિંગ કહી શકાય એવું એમનું નામ હોય પણ પૈસા એમના ગુજરાતી કાઉન્ટરપાર્ટ્સ જેટલા ના હોય. સાદી રહેણીકરણી હોય, ખર્ચા ઓછા હોય. પણ જ્યારે સર્જન કરવા બેસે ત્યારે એવું કામ કરે તમે કલ્પના પણ ન કરી શકો. 'પૈસા બનાવવાનું' પ્રેશર ઓછું હોય ત્યારે ઉત્તમ કળાનું સર્જન થવાની શક્યતા ઘણી વધી જતી હોય છે એવું હું માનતો થયો છું. હા, એ સર્જન થકી ભવિષ્યમાં ખૂબ બધા પૈસા મળે એ શક્ય છે પણ પૈસાને જ ફોકસમાં રાખીને સર્જન કરો તો કળાના ક્ષેત્રમાં સેક્ધડ ગ્રેડનો માલ તૈયાર થાય એમાં કોઈ શંકા નથી. (અહીં એક સ્પષ્ટતા કરી દઉં: પૈસાને ફોકસમાં રાખ્યા વિના જે સર્જન થાય તે હંમેશાં ઉત્કૃષ્ટ કક્ષાનું જ હોય એ જરૂરી નથી).

મંગેશ પાડગાંવકરને મરાઠી ભાષાનું અગ્રણી દૈનિક નવ પાનાં ભરીને અંજલિ આપે એમાં છાપાવાળાની મહાનતા તો ખરી જ અને સર્જકની પોતાની મહત્તા પણ ખરી પણ સૌથી વધારે મહાન મરાઠી પ્રજા કહેવાય જેણે દાયકાઓ કે સૈકાઓ દરમિયાન એવું વાતાવરણ ઊભું કર્યું જ્યાં સર્જકનું આ રીતે મરણોત્તર બહુમાન કરવાની ભૂમિકા સર્જાઈ.

મંગેશ પાડગાંવકરની કવિતાનો પ્રથમ સંગ્રહ ગુજરાતીમાં સુરેશ દલાલના અનુવાદો સાથે ગંગોત્રી ટ્રસ્ટ પ્રકાશન દ્વારા ડિસેમ્બર ૧૯૭૭માં પ્રગટ થયો છે. ઉમાશંકર જોશીએ પોતાને મળેલા જ્ઞાનપીઠ પુરસ્કારની રકમમાંથી ગંગોત્રી ટ્રસ્ટની સ્થાપના કરી હતી. પાડગાંવકર ઉપરાંત વિંદા કરંદીકર, વસંત બાપટ, આરતી પ્રભુ સહિતનાં કુલ સાત કવિઓની ચૂંટેલી કવિતાના સંગ્રહો પાંચ - પાંચ રૂપિયાની કિંમતે પ્રગટ કર્યા હતા જેની આગોતરી કિંમત માત્ર ત્રણ રૂપિયા હતી. મારી પાસે એ સાતેય કાવ્યસંગ્રહોની પ્રથમ આવૃત્તિ છે. ઉમાશંકર જોશીએ પાડગાંવકરની ખાસિયત વિશે પ્રસ્તાવનામાં નોંધ્યું છે: 'કવિ મંગેશ કાવ્યપઠન સુંદર કરે છે. વાગ્મિતાને કાબૂમાં રાખવાનો એમનો ઉદ્યમ દાદ માગી લે. એમનું એક મુખ્ય શસ્ત્ર છે વાક્યનું, વાક્યાંશનું પુનરાવર્તન.'

પ્રેમવાળા કાવ્યમાં એ ખૂબી જોઈ. 'સલામ' નામના બીજા એક કાવ્યમાં પણ તમે બે શસ્ત્ર બખૂબી વપરાયેલું જોઈ શકો છો:

સલામ,

પ્યારે ભાઈઓ ઔર બહનો સબકો સલામ.

અનેક હાથ હોત તો

અનેક હાથથી કરી હોત સલામ.

લેકિન માફ કરના ભાઈયો

હાથ તો બે જ

અને તેમાંનો ડાબો

લાતના ભયથી રાખેલા કૂલા પર

એટલે ફક્ત જમણા હાથે સલામ.

સલામ સબકો સલામ

ભાઈયો ઔર બહનો, સબકો સલામ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment