Saturday, 30 January 2016

[amdavadis4ever] બોલ બેટા, તને મમ ્મી ગમે કે પપ્પા?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડાયવોર્સ ખરાબ જ હોય છે. હું પોતે એક ભણેલીગણેલી મનોચિકિત્સક છું અને છૂટાછેડા લીધેલા દંપતીની દીકરી છું. ૧૯૭૦ના દાયકામાં માનસશાસ્ત્રીઓએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે ડાયવોર્સથી બાળકો પર કોઈ અસર પડતી નથી પણ એવું નથી. બાળકો બુદ્ધિશાળી હોય, સમજદાર હોય, નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના મા-બાપે લીધેલા છૂટાછેડાની અસર તેમના પર થાય જ છે. એક લાંબા સમય સુધી બાળકો એવી લાગણી સાથે જીવે છે કે તેમના મા-બાપ વચ્ચેના ઝઘડાનું કારણ તેઓ જ છે. તેમના ભણતર પર અસર થાય છે. મોટાભાગે મા ડિપ્રેશનમાં સરી પડે છે અને ઘરની સાફસફાઈ, રસોઈ, બાળકોના ભણતર બધા પર અસર થાય છે. બાળકોના તેમના મિત્રો સાથેના સંબંધો પર પણ આની અસર થાય છે. તેઓ મા સાથે રહેતા હોય તો તેઓ જેને વહાલ કરતા હોય છે એવા પિતાની અને પિતા સાથે રહેતા હોય તો માની ખોટ તેમને સતત સાલે છે. 

એક તબક્કે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ એવી થિયરી ચલાવેલી કે પોતાના અંગત વિકાસ માટે ડાયવોર્સ લેવામાં કશું ખોટું નથી. પોતાના આનંદ માટે કે ખુશીનું જે સપનું પોતે જોયું હોય એ પૂરું કરવા માટે પરિવારને છોડી દેવામાં કંઈ ખોટું નથી, પરંતુ આ નર્યો સ્વાર્થ છે. બાળકો અસહાય હોય છે, મા-બાપ પર નિર્ભર હોય છે. મા-બાપ છૂટાછેડા લે છે ત્યારે એની બાળકના માનસ પર દૂરગામી અસર પડે છે. બાળકોના બીજાઓ સાથેના સંબંધો પર એની બહુ જ માઠી અસર પડે છે. મારી પોતાની જ વાત કરું તો મેં લગ્ન કર્યા ત્યારે મારા મન પર એ વાત સતત હતી કે મારા પણ છૂટાછેડા થઈ શકે છે. મારા મા-બાપે લીધેલા છૂટાછેડાના પરિણામો દાયકાઓ પછી પણ હું ભોગવી રહી છું. એક બાળક તરીકે, મારા લગ્નજીવનમાં અને આજે પણ એ મારા માટે પીડાદાયક છે. અમેરિકાની મનોવૈજ્ઞાનિક અને કેલિફોર્નિયા યુનિવર્સિટીની પ્રોફેસર જેન ગ્રમ્બાઇનરે પોતાના અને પોતાના પેશન્ટ્સના અનુભવોના આધારે છૂટાછેડાની બાળકો પર કોઈ અસર થતી નથી એ વાતને ઘસીને નકારી છે.

જાણીતા અંગ્રેજી કોલમિસ્ટ અને લેખિકા શોભા ડેએ પોતાની કોલમમાં લખ્યું છે કે શું આજકાલ જેટલી શાદીઓ થાય છે એનાથી વધુ તો તલ્લાક થઈ રહ્યા છે? સેલિબ્રિટી શાદીઓ અને તલ્લાકો વિશે અખબારોમાં પાનાંઓ ભરી-ભરીને લખાય છે. છેલ્લામાં છેલ્લો કિસ્સો ચર્ચાઈ રહ્યો છે તે ફરહાન અખ્તરના ડાયવોર્સનો. આમીર ખાન, રિતિક રોશન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર ડાયવોર્સ લેનારા બોલીવૂડ કપલ્સની યાદી તો બહુ લાંબી છે. ફક્ત સેલિબ્રિટીઝ જ નહીં, પણ સર્વસામાન્ય લોકોમાં પણ છૂટાછેડાનું પ્રમાણ ખૂબ બધું વધ્યું છે. દેશમાં અસહિષ્ણુતા હોય કે ન હોય પણ સંબંધોમાં અસહિષ્ણુતાનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે એ નિર્વિવાદ હકીકત છે. 

કેટલાક લોકો તો કપડાં બદલે એનાથી પણ વધુ સહેલાઈથી જીવનસાથી બદલતા હોય છે. એક બહુ જ જાણીતા ગુજરાતી લેખક અને કોલમિસ્ટે એટલા જ જાણીતા પત્રકાર વિશે ટીકા કરતા કહ્યું હતું કે જેને છાશ પણ પચતી નથી એવા પત્રકારો આરોગ્ય વિશે લેખ લખે છે. એ જ ઢાળમાં કહી શકાય કે જેમના પોતાના લગ્નજીવનના ઠેકાણા નથી એવા લોકો લગ્નજીવનની વ્યાખ્યા કરતા અને લગ્નજીવન અંગે સલાહ-સૂચન આપતા લેખ લખે છે. અમારા એક પરિચિત પત્રકારે તેની પત્નીને એવું કહીને છૂટાછેડા આપ્યા હતા કે તું મારી સાથી બનવાને લાયક નથી. પત્ની પોતાની જીવનસાથી બનવાને લાયક નથી એવી જાણ આ બૌદ્ધિક પત્રકારને દસ વર્ષ અને બે સંતાનના જન્મ બાદ થઈ હતી! 

જોકે અહીં આપણે કોણે કોની સાથે અને શું કામ છૂટાછેડા લીધા એની પંચાત કે કૂથલી નથી કરવી પણ એક દંપતી અને ખાસ તો જેઓ સંતાનોના માતા-પિતા બની ચૂક્યા હોય એવા દંપતી છૂટાછેડા લે છે ત્યારે તેમના બાળકોની શું હાલત થાય છે એની જ વાત કરવી છે. 

ઘણી વાર ઘણા મૂર્ખાઓ ચાર-પાંચ વર્ષના ટેણિયાઓને એવો સવાલ પૂછતા હોય છે કે તને કોણ ગમે મમ્મી કે પપ્પા? આવા સવાલથી નાનું બાળક મુંઝાઈ જાય છે પણ જ્યારે મમ્મી-પપ્પાના છૂટાછેડાની વાત આવે ત્યારે આ ભૂલકાંઓના નાના-નાના મગજ એ નક્કી કરવામાં અટવાઈ પડે છે કે ભૂલ કોની? મમ્મીની કે પપ્પાની? આટલું ઓછું હોય એમ આ બાળકોને કોર્ટમાં ઘસડી જવામાં આવે છે. તેમને પૂછવામાં આવે છે કે તને કોની સાથે રહેવું છે પપ્પા સાથે કે મમ્મી સાથે? કેટલીક વાર પોતાનાથી અડધી ઉંમરની યુવતીઓ સાથે રંગરેલિયા મનાવવા પોતાના માસૂમ બાળકોને આવી સ્થિતિમાં મૂકી દેતા પપ્પાઓ કે પછી વધુ પૈસાદાર કે પ્રતિષ્ઠિત પુરુષ માટે પેટના જણ્યાંઓને વિસારે પાડતી મમ્મીઓને પોતાનું સુખ પામવાની લાહ્યમાં આ નાના-નાના બાળકોની પીડા નજરે પડતી નથી. આવા બાળકો એટલા બધા મુંઝાયેલા રહે છે અને જીવનમાં ગોઠવાઈ શકવામાં બહુ જ મુશ્કેલી અનુભવે છે.

ધૂમ્રપાન કરનારી ૧૯,૦૦૦૦ અમેરિકન વ્યક્તિઓ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે એ વાત ધ્યાનમાં આવી કે છૂટાછેડા લીધેલા દંપતીઓનાં સંતાનો બહુ વહેલા સિગારેટ ફૂંકવા માંડે છે. એમાંના ૪૮ ટકા એવા હતા જેમના મા-બાપે છૂટાછેડા લીધા હતા. બીજી એક બહુ જ મહત્ત્વની વાત એ નોંધવામાં આવી હતી કે જે દંપતીઓએ છૂટાછેડા લીધા હોય તેમના બાળકોના માનસિક સ્વાસ્થ્યને અસર થઈ હતી અને તેમાંના કેટલાકને તો માનસિક તકલીફ માટે દવાઓ પણ ખાવી પડતી હતી. ૨૦૧૧માં એક અભ્યાસમાં એવું પ્રસ્થાપિત થયું હતું કે જેમના માતા-પિતાએ છૂટાછેડા લીધા હોય તેમના બાળકો ગણિતમાં નબળા હોય છે એટલું જ નહીં, પણ તેમના સામાજિક સંબંધોમાં પણ એની અસર થાય છે. આવા બચ્ચાઓ એન્ક્ઝાઈટી, તનાવ અને પોતાના વિશે હીનતાની ભાવના સાથે જીવતા હોય છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું તારણ નીકળ્યું હતું કે છૂટાછેડા લીધા હોય તેવા દંપતીના બાળકોને અન્ય બાળકોની સરખામણીમાં જુદા-જુદા રોગ થવાની સંભાવના ૩૫ ટકા વધુ હોય છે. આનું તાર્કિક કારણ એવું આપવામાં આવ્યું હતું કે આ બાળકો ખૂબ જ તનાવભરી સ્થિતિમાંથી પસાર થતા હોય છે જેની અસર તેમની રોગપ્રતિકારક શક્તિ પર આવે છે. સુરક્ષિત વાતાવરણનો અભાવ તેમ જ બંને વાલીઓની દેખરેખ ન હોવાને કારણે તેમના લાગણીતંત્ર પર અસર થાય છે અને જેનું પરિણામ શારીરિક સ્તરે પણ જોવા મળે છે. 

મા-બાપ છૂટા પડી જાય અને પુનર્લગ્ન કરે એવા સંજોગોમાં સ્વાસ્થ્યની સાથે-સાથે તેમના ભણતર પર પણ બહુ જ અસર પડે છે એવું વિવિધ અભ્યાસ દ્વારા સ્પષ્ટ થયું છે. જે બાળકોને મા-બાપના છૂટાછેડાની તકલીફદાયક સ્થિતિમાંથી પસાર થવું પડે છે તેમાંના ઘણાંબધા ઉચ્ચ શિક્ષણ લઈ શકતા નથી. 

ગુલઝાર દિગ્દર્શિત અને લિખિત અદ્ભુત ફિલ્મ ઇઝાઝત ફિલ્મમાં એક સંવાદ છે જ્યાં તે ફિલ્મની નાયિકા કહે છે- મૈંને બહુત તરહ કે રિશ્તે દેખે હૈં. ખત્મ હો જાતે હૈં, તૂટ જાતે હૈં, લેકિન શાદી જબ ખત્મ હો જાતી હૈ ના તો સડને લગતી હૈ, ગંદી હોને લગતી હૈ. આવા સડેલા અને ગંદા થઈ ગયેલા રિશ્તાઓમાંના ઝઘડા, લડાઈઓ, આક્ષેપબાજીઓ એ બધું આ માસૂમ બચ્ચાંઓએ જોવું પડે છે. કેટલીક વાર તો આ બાળકોએ પોતાના મા-બાપના વાલી હોય એ રીતે તેમને સમજાવવા પડે છે. આ ઝઘડતાં મા-બાપ અનેક વાર બાળકોને પ્યાદા તરીકે વાપરે છે અને બાળકો જેમના કબજામાં હોય એના કહેવાથી બીજા સાથે જુઠ્ઠું બોલવું પડે છે. ૨૦૦૯માં એક લૉ કંપનીએ જ્યારે આવા ૨૦૦૦ બાળકો સાથે વાત કરી ત્યારે એમાંના ૮૦ ટકા બાળકો (જે પુખ્તવયના થઈ ચૂક્યા હતા) તેમણે કોઈક અપરાધ કર્યા હતા અથવા એક તબક્કે આત્મહત્યા કરી લેવાનો પ્રયાસ કર્યો હતો અથવા આત્મહત્યા કરી લેવા વિશે વિચાર્યું હતું.

મા-બાપના છૂટાછેડા થયા હોય એવા બાળકો અન્ય બાળકોની સરખામણીમાં વહેલા પરણે છે અને તેમના છૂટાછેડા થવાની સંભાવના અનેકગણી વધુ હોય છે એવું તારણ પણ આ બાળકો પર કરવામાં આવેલા અભ્યાસ દરમિયાન બહાર આવ્યું છે. આ બાળકો સંબંધોમાં સતત સ્થિરતા અને સલામતી ઝંખતા હોય છે પણ તેઓ પોતે જ એટલી અસુરક્ષિતતા અને અસ્થિરતા અનુભવતા હોય છે કે તેમના સંબંધોમાં અસ્થિરતા સર્જાય છે. ૧૫૦૦ છોકરા-છોકરીઓના જીવન પર આઠ દાયકા સુધી સંશોધન કર્યા બાદ લખવામાં આવેલા ધ લોન્જેટિવિટી પ્રોજેક્ટ પુસ્તકમાં એવી નોંધ કરવામાં આવી છે કે જે દંપતીઓએ છૂટાછેડા લીધા હોય તેમના બાળકોની આવરદા પ્રમાણમાં ઓછી હોય છે.

પશ્ર્ચિમના દેશ કરતાં આપણા દેશમાં છૂટાછેડાનું પ્રમાણ આજેય ઓછું જ છે એટલે આપણે ત્યાં આવા સર્વેક્ષણો કે અભ્યાસ ઓછા થયા છે જેને કારણે આપણે વિદેશમાં થયેલા અભ્યાસ પર જ આધાર રાખવો પડે છે. અન્ય અનેક બાબતોમાં આપણે અમેરિકા અને યુરોપના દેશોનું અનુકરણ કરી રહ્યા છીએ એમ છૂટાછેડામાં પણ થઈ રહ્યું છે. ડાયવોર્સ લેવા એ ફેશનેબલ થઈ ગયું છે પણ આ કિસ્સામાં તો રીતસર બે પાડા લડે એમાં કુમળા છોડનો ખો નીકળી જતો હોય છે. 

૧૯૭૦માં હિન્દી ભાષાના જાણીતા લેખક મન્નુ ભંડારીએ 'આપકા બંટી'નામની એક અતિશય સંવેદનશીલ નવલકથા લખી હતી. આ નવલકથામાં પતિ-પત્નીના દ્વંદ્વમાં સૌથી અધિક પીસાઈ રહેલા નિતાંત નિર્દોષ, માસૂમ અને અસુરક્ષિત બાળક બંટીના મનોવિશ્ર્વને બહુ જ સંવેદનશીલતાથી રજૂ કરવામાં આવ્યું હતું. આ નવલકથામાં છૂટા પડી ગયેલા મા-બાપ બંને પુનર્લગ્ન કરી લે છે અને એ બધા વચ્ચે બિચારો બંટી અટવાતો રહે છે, પીસાતો રહે છે, પીડાતો રહે છે.

જે રીતે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે આવા બંટીઓ અને બબલીઓની સંખ્યા પણ વધી રહી છે જે નિશ્ર્ચિતપણે એક સ્વસ્થ સમાજનું સર્જન તો નહીં જ કરી શકે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment