Sunday, 3 January 2016

[amdavadis4ever] પોતાના જીવનથી સંતોષ હોય તો બીજાઓની ટીકા ની પરવા ન કરવી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક ચિત્રકારે એક અદ્ભુત ચિત્ર દોર્યું. પોતાની કળા લોકો સમક્ષ મૂકવા માટે એક જાહેર સ્થળે તેણે એ ચિત્ર પ્રદર્શનમાં મૂક્યું.

એ ચિત્રકાર ખ્યાતનામ હતો એટલે તેનું ચિત્ર જોવા ઘણા લોકો પહોંચી ગયા. એમાં કેટલાક કળા-વિવેચકો પણ હતા. લોકોએ ચિત્રનાં બહુ વખાણ કર્યાં અને ચિત્રકારને શાબાશી આપી, પણ પેલા વિવેચકોએ એ ચિત્રમાં કંઈક ને કંઈક ખામી શોધી કાઢી. તેમણે કહ્યું કે આ ચિત્રમાં ફલાણી જગ્યાએ થોડો ફેરફાર કરવાની જરૂર છે. તો વળી કોઈએ કહ્યું કે ચિત્રમાં ફલાણા કલરનો વધુ ઉપયોગ થયો છે એને બદલે ઢીંકણો કલર વાપરવાની જરૂર હતી.

ચિત્રકારે શાંતિથી બધા વિવેચકોનાં સૂચનો અને વાંધાવચકા સાંભળ્યાં. ચિત્રકારને પોતાને પોતાની કળાની અભિવ્યક્તિથી સંતોષ હતો, પણ કળા વિવેચકોએ જાહેરમાં તેના ચિત્રને ઉતારી પાડતી વાતો કહી એથી ઘણા લોકોને પણ એ ચિત્રમાં ખામી જણાવા લાગી.

ચિત્રકાર થોડીવાર માટે તો વ્યથિત થઈ ગયો. તે સંવેદનશીલ કળાકાર હતો અને તેને વિવેચકોની ખોટી ટીકા-ટિપ્પણીથી તકલીફ પહોંચી હતી.

એ વખતે તે ચિત્રકારનો એક જૂનો મિત્ર આવી ચડ્યો તે પણ ચિત્રકાર હતો અને તેને કળાની પરખ હતી. તેણે ચિત્રકારનો વ્યથિત ચહેરો જોઈને પૂછ્યું: 'શું થયું? તું આટલો ઉદાસ કેમ છે?'

ચિત્રકારે કહ્યું, 'લોકોએ તો મારા ચિત્રની બહુ પ્રશંસા કરી, પણ કળા વિવેચકોએ મારા ચિત્રને ઉતારી પાડતી ટીકા-ટિપ્પણીઓ કરી એટલે હું દુ:ખ અનુભવી રહ્યો છું.

ચિત્રકાર મિત્રએ કહ્યું, 'અરે ભલા માણસ ચિત્રમાં કોઈ જ ખામી નથી, એટલે તારે વિવેચકોના શબ્દોની પરવા કરવાની જરૂર નથી. તને પોતાના કામથી, તારી કળાથી સંતોષ હોય તો બીજાઓ તને કે તારા કામને ઉતારી પાડવાની ચેષ્ટા કરે એથી તારે વિચલિત ન થઈ જવું જોઈએ. બાકી ઘણા માણસોને તો દરેકેદરેક ચીજમાંથી કંઈક વાંધો શોધી કાઢવાની આદત હોય છે અને એમાંય આ તો વિવેચકોની જાત છે! એટલે એમની બધી ટીકા-ટિપ્પણીઓ મનમાંથી ખંખેરી નાખ અને એ વાતનો આનંદ માણ કે તેં આટલું ઉત્તમ ચિત્ર દોર્યું છે.'

પોતાના ચિત્રને પ્રદર્શનમાં મૂકનારા ચિત્રકારને પોતાના ચિત્રકાર મિત્રની સલાહથી સારું લાગ્યું, પણ તેના મનની વ્યથા પૂર્ણપણે દૂર ન થઈ. તેણે કહ્યું કે, આજે બપોર સુધી બધા લોકો મારા આ ચિત્રની પ્રશંસા કરી રહ્યા હતા, કોઈને આ ચિત્રમાં કશી જ ખામી જણાઈ નહોતી, પણ આ કળા વિવેચકો અને અન્ય કેટલાક ચિત્રકારોએ મારા ચિત્રમાંથી ખામીઓ શોધી કાઢી. એ પછી લોકોમાં પણ એ વાત ફેલાઈ ગઈ અને હવે જે લોકો ચિત્ર જોવા આવી રહ્યા છે તેઓ પણ આપસમાં વાતો કરી રહ્યા છે કે આ ચિત્રમાં ફલાણી-ફલાણી ખામીઓ રહી ગઈ છે.

ચિત્રકારનો મિત્ર હસ્યો. તેણે દુ:ખી ચિત્રકારનો ખભો દબાવ્યો અને કહ્યું, 'આ બધા ટીકાકારોના મોઢાને તાળાં મારી દેવાનો રસ્તો હું તને બતાવું છું.'

તે મિત્રએ વ્યથિત ચિત્રકારને એકબાજુ લઈ જઈને તેને સમજાવ્યો. તેની વાત દુભાયેલા ચિત્રકારના ગળે ઊતરી ગઈ અને તેણે કલાપ્રેમીઓને બીજે દિવસે પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું. પેલા મિત્રની સલાહ પ્રમાણે તેણે પેલા અડિયલ વિવેચકો અને વાંક દેખા ચિત્રકારોને ખાસ બોલાવ્યા.

ભોજન સમારંભના અંતે તેણે જાહેરાત કરી કે મારે ચિત્ર વિશે અભિપ્રાયો આપનારા બધા મિત્રોનો હું આભારી છું, પણ મારે અહીં એક જાહેરાત કરવી છે. જે કોઈ મારા ચિત્ર જેવું ચિત્ર બનાવી આપશે તેમને હું મારી અડધી સંપત્તિ આપી દઈશ. શરત માત્ર એટલી જ છે કે એમાં કોઈ પણ વિવેચક કે ચિત્રકાર કે કોઈપણ કળારસિકને એકપણ ખામી ન જણાવી જોઈએ. અને જો કોઈ એકપણ વ્યક્તિ એમાં ખામી શોધી કાઢે તો ચિત્ર બનાવનારે પોતાના ગાલ પર લોકોની હાજરીમાં તમાચો મારવો પડશે.

ચિત્રકારની એ જાહેરાતથી આમંત્રિતોમાં ગણગણાટ ફેલાઈ ગયો. કેટલાક ચિત્રકારોએ કહ્યું કે અમે કોઈ બીજા ચિત્રકારની કૃતિની નકલ શા માટે કરીએ? તો વળી વિવેચકોએ કહ્યું કે, અમારું કામ વિવેચનનું છે, ચિત્રો દોરવાનું નહીં! કેટલાકે વળી કહ્યું કે આ કેવી બેહૂદી જાહેરાત છે!

જેના ઉત્તમ ચિત્રને કળાવિવેચકો અને બીજા ચિત્રકારોએ વખોડી કાઢ્યું હતું તેણે કહ્યું, 'મેં માત્ર મારી કૃતિ જેવી કૃતિ બનાવી આપવા માટે જ ઈનામ જાહેર નથી કર્યું. જો કોઈ એવું ચિત્ર બનાવી આપશે કે જેમાંથી કોઈ પણ વિવેચક કે ચિત્રકાર કે કળારસિક વ્યક્તિ એકપણ ખામી શોધી ન શકે તો હું તેને મારી અડધી સંપત્તિ આપી દઈશ.'

કોઈ માઈનો લાલ ચિત્રકારનું આવાહ્ન સ્વીકારવા તૈયાર ન થયો! બધા વિવેચકો અને ચિત્રકારો કોઈ ને કોઈ બહાનું આપીને છટકી ગયા. એ બધાને ખબર નહોતી કે ચિત્રકારે તેની જાહેરાતની અને બધા ચિત્રકારો - વિવેચકોની પ્રતિક્રિયાઓનું શૂટિંગ કરાવી લીધું હતું.

બીજે દિવસે ચિત્રકારે એક જાહેરસભાનું આયોજન કર્યું અને પોતાની જાહેરાતનું અડધી સંપત્તિ ઈનામમાં આપી દેવાની ઓફરનું અને વિવેચકો - ચિત્રકારોની પ્રતિક્રિયાઓનો વીડિયો લોકોને દર્શાવ્યો. અને ફરી વાર જાહેર કર્યું કે હજી પણ કોઈ ચિત્રકાર કે વિવેચક મારું આહ્વાન સ્વીકારવા ઈચ્છે તો આગળ આવી શકે છે, પરંતુ કોઈ ચિત્રકાર કે વિવેચક આગળ ન આવ્યો.

***

આ વાર્તા પરથી એ બોધપાઠા લેવા જેવો છે કે માણસ પોતાની જિંદગી યોગ્ય રીતે જીવી રહ્યો હોય તો તેણે કોઈની પણ પરવા કરવાની જરૂર નથી. દરેક માણસને બીજા માણસની જીવનપદ્ધતિ વિશે કે વિચારસરણી વિશે ટિપ્પણી કરવા માટે કંઈક તો મળી જ રહે છે, પણ સુખી થવું હોય અથવા તો (દુ:ખી ન થવું હોય તો) બીજાઓની ટીકા-ટિપ્પણીની પરવા ન કરવી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment