Saturday 30 January 2016

[amdavadis4ever] રોમાન્સ શ હેરનો અને ગામડાંનો Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રોમાન્સ શહેરનો અને ગામડાંનો
પંચાશી વર્ષે મારી યુવાનીને યાદ કરું છું. મારા ઝાંઝમેર ગામની રજપૂત કન્યા સાથે છૂપો છૂપો રોમાન્સ કરતો. રમેશ પારેખની કવિતા આજે જન્મભૂમિમાં છપાયા પછી 70 વર્ષે વાંચીને મને ગામડાંના અને આજના રોમાન્સની ચટાકેદાર વાતો યાદ આવી ગઈ. કયો રોમાન્સ વધુ લિજ્જતદાર હતો તે તો આજના પ્રેમીઓ જ નક્કી કરે. રોમાન્સ કંઈ નવી વાત નથી. મહાભારતના વખતથી આ રોમાન્સ ચાલ્યો આવે છે. દ્રૌપદીને ખરેખર તો અર્જુન પ્રત્યે જ પ્રેમ હતો. મને એક વખત હળવા મૂડમાં તારક મહેતા હતા ત્યારે અમે આ વાત ચર્ચતા હતા. ત્યારે કહેલું કે જ્યારે નીચે મોઢે તીર મારીને માછલીને વીંધવાની હતી ત્યારે દૂર બેઠા દ્રૌપદીએ અર્જુનને ઈશારો કરીને કઈ એક્ઝેક્ટ દિશામાં તીર મારવું તે ઈશારાથી કહી દીધેલું!
આજના રોમિયો મુંબઈથી લંડન સુધી રોમાન્સ કરે છે પણ સાહસ કરીને ભાગી જતાં આવડતું નથી. વળી લંડનમાં કનુભાઈ શાહ નામના મારા મિત્ર હતા તેને તેની સાળી સાથે પ્રેમ થયો ત્યારે લંડનમાં છૂપા છૂપા રોમાન્સ કરતા. તેની પ્રથમ પત્નીએ કહેલું કે આવાં છાનગપતિયાં કરતા શરમાતા નથી? મારી નાની બહેનને પરણી જાઓને? અને કનુભાઈ તેની સાળીને પરણી ગયા. એ કંઈ હરીન્દ્ર દવે જેવા કોમળ, સહૃદયી અને સજ્જન કવિ નહોતા. ઘણા આવા સમાજથી ડરનારા લોકો પ્રેમ થતા પરણતા નહીં. અમારા ભાવનગર રાજ્યમાં કાદુ મકરાણી નામનો બહારવટિયો હતો. તેનાં બહારવટાંને નવાજવા રાસડા ગવાતા 'બબ્બે બંદૂકો કાદુડો રાખતો...' અને સાહેબ! બબ્બે બંદૂકો જ નહીં પણ ચાર ચાર પ્રેમિકાઓ પણ કાદુડો રાખતો.
ભાવનગર, જૂનાગઢ અને બે ગામડાંમાં તેની બેગમો હતી. પણ છાનગપતિયાં ન કરતો અને ખુલ્લંખુલ્લા રોમાન્સ અને પછી લગ્ન કરીને બંધાતો. એ કાંઈ કવિ નહોતો! મારા પાડોશમાં 75 વર્ષ પહેલાં ચમનિયો રહેતો હતો. અમારા ગામમાં મુંબઈથી ગ્રેજ્યુએટ પછી એમ.બી.એ. થઈને આવેલી કન્યા મામાને ઘરે વેકેશન ગાળવા મહુવા આવી અને ચમનિયાના પ્રેમમાં પડી ગઈ. બન્ને ગુપચુપ ઝાંઝમેરને દરિયાકાંઠે રોમાન્સ કરવા આવતાં. ચમનિયો મુંબઈથી આવેલી રત્નાને કહેવડાવતો, શું આજે મોખ છે? જવું છે દરિયે? તો રત્નાએ મામાને પૂછ્યું 'મામા, આ 'મોખ' એટલે શું? તો મામાએ કહ્યું મોખ એટલે ઈચ્છા, વિચાર, સ્પૃહા, લાલસા, અનુકૂળતા આવવી! રત્ના વિચારમાં પડી ગઈ. અમે તો મુંબઈમાં એક જ શબ્દ જાણીએ છીએ 'આજે ચાન્સ છે?'
આજના મોબાઈલ યુગના યુવાનિયા રોમાન્સ કરવાય નવરા નથી. સૌ બાપિકા ધંધા કે નવા નવા ધંધામાં પડ્યા છે. રોમાન્સ હવે માત્ર વાર્તાકારો અને કવિઓનો વિષય જ રહ્યો છે. આ જે મેં ઉપર નામ લખ્યાં તે યુવાનો ઈશ્ક, મહોબ્બત કે પ્રેમ એ શબ્દો સમજે છે વાંચે છે પણ તેમની મહોબ્બત ધંધા સાથે છે, પૈસા કમાવામાં છે. કેરિયરને ઉજાળવામાં સૌ પડ્યા છે. રોમાન્સ બિચારો રેઢો પડ્યો રહે છે.
બહુ બહુ તો વેલેન્ટાઈન ડે આવે ત્યારે મોંઘામાં મોંઘા કાર્ડ 'પ્રેમિકા'ને લખે છે પછી પ્રેમિકાને ભૂલીને ધંધા-ધાપામાં પડી જાય છે. રોમાન્સ એ માત્ર પુસ્તકોની વાત રહી છે. કવિની વાત રહી છે... અરે અરે ભૂલ્યો. આજના ગુજરાતી કવિઓ કેટલા છે? જેનાં પ્રખ્યાત થયેલાં નામો તમે જાણો છો? કવિ વેપારી બન્યા છે.
બહુ વહેલાસર અમે જોયેલું કે કવિઓએ રોટલો કમાવા નોકરી કરવી પડતી. આજે 'કવિતા' કરનારા કવિ રહ્યા નથી. અમારા વખતમાં જ કવિ વેણીભાઈ પુરોહિત જન્મભૂમિમાં 'સબએડિટર'ની પોસ્ટ ધરાવતા પણ રોઈટર કે યુ.એન.આઈ.ના જે સંદેશા અંગ્રેજીમાં આવે તેના ટ્રાન્સલેશન કરવા પડતા. રિઝર્વ બેન્કે લોનના વ્યાજ વધાર્યા હોય તે સમાચારનું કવિ વેણીભાઈ પુરોહિતે ગુજરાતી કરવું પડતું પછી અકળાઈ જાય ત્યારે ખિસ્સામાંથી ઘોલરૂં કાઢે. ચૂના સાથે મસળીને તમાકુ મોઢામાં ચઢાવે અને પછી ટ્રાન્સલેશન કરવામાં લાગી જાય! આજે રોમાન્સને કોમ્પ્યુટરો અને મોબાઈલો હોઈયા કરી ગયા છે. હાલતે ચાલતે મોબાઈલના વાતોડિયા રોમાન્સ રહ્યા છે. ઋતિકાનો મોબાઈલ રણકે અને એ રોમાન્સ કરવા તૈયાર થતી હોય છે પછી ઉમેશનો મોબાઈલ રણકે છે. આમ આજના પ્રેમીઓ મોબાઈલિયા યુગમાં જીવે છે. બધા જાણે મોબાઈલના પ્રેમમાં છે. પ્રેમીઓના રોમાન્સની વેળાને મોબાઈલ હોઈયા કરી ગયો છે.
રેયમોન્ડ રે કર્ઝવેલ નામના અમેરિકન લેખક, ઈન્વેન્ટર અને ફ્યુચરિસ્ટ જે 'ગૂગલ' કંપનીના ઈજનેર છે તે મોડર્ન જ્યોતિષી છે. તેણે 'એનઓઈજ ઓફ ઈન્ટેલિજન્સ મશીન' નામનું પુસ્તક લખ્યું છે. તેણે ભવિષ્ય ભાખ્યું છે કે હવે પછી રોબોટ યંત્રો જ એકબીજાને પ્રેમ કરશે. આપણા જીવતા પ્રેમી હવે રોમાન્સ કરે ત્યારે  'ઝણઝણાટી' ઓછી થાય છે પણ રોબોટ પ્રેમી પ્રેમ કરશે ત્યારે દુનિયા આખી માથે લેશે. હા રોમાન્સ હવે બે રોબોટ યંત્રાે કરશે. 'ગૂગલ'ની ડિરેક્ટર મી. રે કુર્ણવેલની આગાહી છે કે હવે પછી પંદર વર્ષમાં રોબોટ યંત્રો ઈન્ટેલિજન્ટ માનવો કરતાં વધુ સ્માર્ટ હશે. બીજાં યંત્રોના અનુભવ ઉપરથી રોબોટ યંત્રો રોમાન્સ શીખશે. મતલબ કે બીજાં યંત્રોના અનુભવ ઉપરથી રોબોટ યંત્રો રોમાન્સ શીખી જશે પણ આપણા પ્રેમીઓ રોમાન્સ કરવામાં બૂડથલ રહેશે. આજનો સેન્સિટિવ માનવપ્રેમી તેની એક પ્રેમિકાએ દગો દીધો હશે તો બીજા રોમાન્સને ચાળે ચડશે. પણ રોબોટ યંત્રો એક કડવા અનુભવ પછી બીજા કોમ્પ્યુટરાઈઝ્ડ- રોમાન્સને રવાડે નહીં ચઢે. કોમ્પ્યુટરો માનવીના રોમાન્સનો કબજો લેશે.
'ગૂગલ'ના ડિરેક્ટરે કહે છે કે રોબોટ યંત્રો જોક કહેશે. તમારે તારક મહેતાની જરૂર નહીં પડે. તમને ટુચકા કહીને રોબોટ હસાવશે. અરે! ટોમ લીઓનાર્ડ નામના 'ડેઈલી મેઈલ'ના પત્રકાર કહે છે કે રોબોટ યંત્રો ફલર્ટ પણ કરશે. ગૂગલના રે કર્ઝવેલ 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ'ના એક્સપર્ટ છે. ગૂગલ આજે 57 અબજ પાઉન્ડની સ્વામી કંપની છે. મને, તમને અને ઘણા પત્રકારોને ઉદ્યોગપતિ વગેરેને આજે 'ગૂગલ'ની સાથે પનારા પડ્યા છે. એ ગૂગલનો સૌથી મોટો ઉથલો રોમાન્સ કરવા રોબોટથી થશે. 'ગૂગલ' કંપનીને આજે 99 અબજ ડોલરની મૂડી છે, તેનાથી ઘણી કંપનીઓ ખરીદવા માંડી છે. અરે, અમેરિકન સરકાર પણ લડાઈ લડવા માટેનાં રોબોટ યંત્રો ખરીદે છે કે બનાવડાવે છે. આજે રે કર્ઝવાનને 66 વર્ષ થયા છે. તેણે આગાહી કરેલી (1990) કે 1998 સુધીમાં કોમ્પ્યુટરો ચેસની રમત રમશે. સામે સાથીદારની જરૂર નહીં પડે અને તમે એકલા હો તો રોબોર્ટ તમારો સાથીદાર બનશે! હવે આવો જમાનો આવ્યો છે ત્યાં પ્રેમલા-પ્રેમલીની વાતો કવિઓને ક્યાંથી સૂઝે? અને કવિઓને કવિતા સૂઝે તો એ વાંચશે કોણ? વાચકોનો કબજો કોમ્પ્યુટરો અને મોબાઈલે લઈ લીધો હશે!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment