Sunday 31 January 2016

[amdavadis4ever] કચ્છ મુલકજ ી ગાલ - કી ર્તિ ખત્રી ...વતનનો ઝ નૂની લગાવ નામે ‘ભોજા ય એક જીવંત દસ્તાવેજ’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કચ્છીઓના વતનપ્રેમને ઇઝરાયલીઓના વતનપ્રેમ સાથે સરખાવાય છે. વાત સાચી છે, પણ કચ્છીઓનો વતનપ્રેમ અહિંસક છે; જ્યારે ઇઝરાયલી તો વતન માટે ગમે તે કરી છૂટવા તૈયાર થઇ જાય છે. અલબત્ત આ તફાવત સંજોગો આધારિત છે. બાકી રોજીરોટી અને વેપારધંધાની ખોજમાં દેશવિદેશ અને સાત સમંદર પાર કર્યા પછીયે કચ્છીમાડુ વતનને ક્યારેય ભૂલ્યો નથી એ એક સર્વસ્વીકૃત સત્ય છે. દુકાળથી માંડીને ભૂકંપ સહિતની કુદરતની બેરહમ આફતો સામે ઝઝૂમતા કચ્છને જ્યારે પણ પીડા થઇ છે ત્યારે દેશવિદેશના કચ્છીમાડુ મદદ માટે દોડી આવ્યા છે અને પીડામાં સહભાગી બનવામાં કાંઇ બાકી રાખ્યું નથી એ પણ એક ઐતિહાસિક સત્ય છે.

વતન પ્રત્યેનો આ લગાવ અનેકરૂપે જોવા મળે છે. ધાર્મિક, સામાજિક ઉત્સવો વખતે બેવતન કચ્છી પોતપોતાને ગામ પહોંચી જાય છે. પર્યુષણ વખતે જૈનો તો અન્ય હિન્દુ જ્ઞાતિઓ નવરાત્રિ વખતે માતાના મઢની પદયાત્રામાં ઊમટી પડે છે. વિદેશી લેઉવા પટેલો ઉનાળામાં, જ્યારે ભારતભરના કડવા પાટીદારો વરસાદને પગલે પોતાની ધરતી પર પહોંચી જાય છે. બાળપણમાં મુંડન કરાવવાનું હોય કે લગ્ન પછી છેડાછેડી છોડવાની ક્રિયાઓ પણ કચ્છીઓ પોતાને ગામ પોતાના ખેતરપાળ દાદા કે માતાજીના સ્થાને જઇને કરાવે છે. એ જ રીતે મુસ્લિમ જાતિઓ પણ સમૂહલગ્ન કે એવા કોઇ પ્રસંગે દોડી આવે છે.

મહાનગર મુંબઇ તો બીજું કચ્છ છે. અહીં જુદી જુદી જ્ઞાતિ-કોમના સામાજિક મંડળ, સંગઠનો વર્ષોથી રચાયેલા છે. જ્ઞાતિની લગ્નવાડીઓએ બંધાઇ છે, પણ ધ્યાન ખેંચે એવા સંગઠન વિવિધ ગામના છે. નાત-જાતના ભેદભાવ વિના કચ્છના ગામોના વતની પોતાના ગામના નામે મંડળ રચે છે. એટલું જ નહીં વાર્ષિકોત્સવે ઉજવે છે. લંડનમાં લેવા પટેલોના માધાપર, માનકૂવા ગામના સંગઠન પ્રખ્યાત છે. કહેવાનો સાર એ કે પોતાના વતન, પોતાના ગામ પ્રત્યેનો લગાવ, ઝુરાપો સતત એક યા બીજારૂપે પ્રદર્શિત થતો રહે છે. 

પણ તાજેતરમાં વતનપ્રેમના, પોતાના ગામ, ગામાઇ અને ગામના પ્રાકૃતિક પરિવેશ પ્રત્યેના ઝનૂની લગાવનો એક અજોડ દાખલો માવજી મહેશ્ર્વરી કૃત 'ભોજાય એક જીવંત દસ્તાવેજ' નામક ગ્રામગ્રંથ રૂપે પ્રગટ્યો છે. ગામની ગઇકાલ અને આજના ઇતિહાસની સાથે સાથે ગામને વીંટળાઇ વળેલી તમામ બાબતો અને કલ્પનામાં ન આવે એવા વિષયોમાં ઝીણવટપૂર્વક ઊંડા ઊતરીને વૈજ્ઞાનિક ઢબે તેનું દસ્તાવેજીકરણ એવું તો ખૂબીપૂર્વક કરાયું છે કે વાંચીને આફરિન પોકારી જવાય. દા.ત. ભોજાયની સીમમાં થતા ઘાસના જુદા જુદા પ્રકાર. અમુક ઘાસ તો માત્ર અને માત્ર કચ્છમાં જોવા મળે છે અને હવે આ પૈકી કેટલાક લુપ્ત થઇ ચૂક્યા છે અગર તો લુપ્ત થવાની અણી પર છે. આવા સંજોગોમાં ભોજાયની સીમમાં મહિનાઓ સુધી રખડપટ્ટી અને સંશોધન કરીને ૬૪ જાતના ઘાસની તસવીરો અને એના ઉપયોગ સહિતની માહિતી અપાઇ છે એ બદલ તો સો સો સલામ ભરવા પડે. આ માહિતી માત્ર ભોજાય ગામ માટે જ નહીં પણ કચ્છની સમગ્રતયા પ્રાદેશિક વિશિષ્ઠતાઓની નજરેય દીવાદાંડીરૂપ દસ્તાવેજીકરણ છે.

ભોજાય આમ તો આરોગ્ય સેવાની દૃષ્ટિએ પ્રખ્યાત છે પણ એનું નામ પડે કે તરત જ બે વ્યક્તિઓ યાદ આવી જાય; લીલાધર ગડા 'અધા' અને માવજી મહેશ્ર્વરી. બંનેએ ભૂકંપ પછી કાઠું કાઢ્યું છે. કચ્છની આરોગ્ય સેવા ક્ષેત્રે 'અધા' અને સાહિત્યમાં માવજીએ મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. ભૂકંપ વખતે ભુજ અને પૂર્વ કચ્છની આરોગ્ય સેવાઓ ધરાશાયી થઇ ગઇ હતી તેવા કપરા કાળમાં બિદડાની સાથે ખાસ તો ભોજાયની હોસ્પિટલે ઘાયલોને સારવાર આપવાની ઉત્તમ કામગીરી 'અધા'ના નેતૃત્વ હેઠળ કરી હતી. પણ એ સમયે 'લોકોને ઊભા કરો, ઘર આપોઆપ ઊભા થઇ જશે'નું સૂત્ર લીલાધરભાઇએ આપ્યું એની જાદુઇ અસર કચ્છીમાડુની મનોદશા પર થઇ હતી.

માવજીને સંબંધ છે ત્યાં સુધી ભૂકંપ વખતે ગામડાથી માંડીને શહેરો સુધી યાતનાઓ વરસી પડી હોવા છતાં કચ્છીમાડુ ઊભો થવાની મથામણ કરવા લાગ્યો તેના આંખે દેખ્યા હેવાલ જેવી સાચી કથાઓ પર આધારિત કટાર 'તિરાડ' 'કચ્છમિત્ર'માં શરૂ થઇ અને લોકોમાં ભારે લોકપ્રિય બની. અલબત્ત તેનું સ્વરૂપ અડધું સાહિત્ય અને અડધું હેવાલ લેખન જેવું હતું પણ એમાં એક સબળ સર્જકની ઝલક સ્પષ્ટપણે જોઇ શકાતી હતી. બસ પછી તો માવજીએ પાછા વળીને જોયું નથી. એની કલમ પરિપકવ બનતી ગઇ અને ગુજરાતમાં એક હોનહાર નવલકથાકાર, વાર્તાકાર અને નિબંધકાર તરીકે માવજીની ગણના થવા લાગી. આજે તો આ ત્રણેય ક્ષેત્રે સમકાલીન સર્જકોની હરોળમાં માવજી આવી ગયો છે. અકાદમીના એવૉર્ડો જ નહીં કબીર એવૉર્ડ પણ એને મળી ચૂક્યો છે.

પણ મકરસંક્રાંતિના દિવસે જેનું લોકાર્પણ ભોજાય ગામમાં થયું છે, એ 'ભોજાય એક જીવંત દસ્તાવેજ' ગ્રંથે એક નવા માવજીની કચ્છને ભેટ ધરી છે. એક એવો માવજી જેને પોતાની ધરતી, પોતાના ગામ, ગ્રામજનો અને ગામની પ્રકૃતિ સાથે કલ્પી ન શકાય એવો લગાવ છે. ગામની માટીના એકેક કણ અને એકેક જણ સાથે એને જન્મોનો નાતો હોય એ રીતે ગ્રંથ નિર્માણ કર્યું છે. ભૂકંપ પછી આમેય દસ્તાવેજીકરણની અનેક વાતો થઇ છે. પણ વૈજ્ઞાનિક અભિગમ સાથે કોઇ એક ગામ, એની વિશિષ્ઠતાઓ, એના વતનીઓ અને એની અસ્મિતાનું અધિકૃત અને તટસ્થ નિરૂપણ થયું હોય તો તે એકમાત્ર ભોજાયનું થયું છે. એનો યશ માવજી, એના મુખ્ય માહિતી સ્રોત સમા સાથીદાર કેશર હાજા સંઘાર, લીલાધરભાઇ ગડા, દાતા લીલાધરભાઇ ગાલા અને સમગ્ર ગ્રામજનોને જાય છે.

અઢી વર્ષ પહેલાં 'ધરતીનો છેડો ધ્રબ' શીર્ષક હેઠળ પ્રગટ થયેલી ગ્રામકથાનોયે આ સંદર્ભે ઉલ્લેખ જરૂરી છે. કચ્છમાં વિસ્તૃત દસ્તાવેજીકરણ રૂપે કોઇ એક ગામની વાત પહેલીવાર ધ્રબવાસીઓએ કરી છે. ધ્રબના તુર્ક સમાજે પોતાના પૂર્વજો ક્યારે અને કેવા સંજોગોમાં બેવતન થઇને કચ્છ આવ્યા ત્યારથી માંડીને આજ સુધીના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કર્યું છે, એ કાબિલે દાદ છે, પણ ધ્રબ અને ભોજાય વચ્ચે મોટો ફરક છે. ધ્રબમાં ૯૫ ટકા વસતિ માત્ર એક જ તુર્ક સમાજની છે, એટલે એની માહિતી એકઠી કરવાનું કામ મુશ્કેલ નથી. પણ ભોજાયની વાત અલગ છે. અહીં તો હિન્દુ, જૈન અને મુસ્લિમ કોમની અનેકાનેક જ્ઞાતિઓનો કુંભમેળો છે, તેથી તેમની સૌથી આધારભૂત માહિતી મેળવીને તેને તટસ્થતાપૂર્વક પેશ કરવાનું કામ 

ભારે જહેમત, ઊંડી સૂઝ અને ધીરજ માગી લે તેવું છે. વળી ધ્રબની કથામાં ખેતીની વાત માત્ર ગામ પૂરતી મર્યાદિત છે. તેમાં સીમાડાની અન્ય વનસ્પતિઓ અને કચ્છની પહેચાન સમી વનસંપદાની વાત નથી. બીજા અર્થમાં કહીએ તો દસ્તાવેજીકરણની દૃષ્ટિનો વ્યાપ સમગ્ર પ્રદેશની રીતે જોવા મળતો હોય તો તે ભોજાયના ગ્રંથમાં છે. તેથી જ તો ભોજાયની ગ્રામકથા લખવાનો સંકલ્પ કર્યો અને કામ પૂરું થયું ત્યાં સુધીમાં ત્રણ-ત્રણ વર્ષના વહાણા વીતી ગયા.

સમગ્ર ગ્રંથ પર નજર કરીએ તો લાગે છે કે, ત્રણ-ત્રણ વર્ષના મંથન પછી આપણા હાથમાં ખરે જ અમૃત આવ્યું છે. ગ્લેઝ પેપર પર બહુરંગી છાપકામમાં ૭૯૦ જેટલી તો ગામના ધાર્મિક સ્થાનો, વન સંપદા, વ્યક્તિવિશેષો, ખેતી, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ અને અન્ય વિષયોની અભ્યાસપૂર્ણ માહિતી સાથેની તસવીરો છે. એને જોતાં-વાંચતાં જ લાગે છે કે ખરે જ ભોજાયની અસ્મિતા ગ્રંથરૂપે પ્રગટી છે.
 

'ભોજાય એક જીવંત દસ્તાવેજ' ગ્રંથમાં કુલ્લ ૧૨ પ્રકરણ છે, જેમાં ભોજાયની સ્થાપના સંદર્ભના તથ્યો અને વાયકાઓ, ગામનો જ્ઞાતિ મેળો, ભોજાયની ધાર્મિક ભાવના અને આસ્થાસ્થાનો, ભોજાયની આગવી ઓળખ -વીશા ઓસવાળ, જીવતરના પદચિહ્નો, ભોજાયની શિક્ષણવ્યવસ્થા-ભૂતકાળ અને વર્તમાન, પીવાનું પાણી અને જળાશયો, ભોજાયની ખેતી ગઇકાલ અને આજ, ભોજાયનું પશુપાલન, ભોજાયની વનસંપદા, ભોજાય સર્વોદય ટ્રસ્ટનો ઉદય અને તેની પ્રવૃત્તિઓ અને ભૂકંપ પછીનું ભોજાય સહિતના પ્રકરણોનો સમાવેશ થાય છે.

દરેક પ્રકરણમાં વિષયને અનુરૂપ ઝીણામાં ઝીણી માહિતી મેળવવાનો પ્રયાસ થયો છે. વળી દરેક પ્રકરણના આરંભે અમારી અખબારી ભાષામાં કહીએ તો સમગ્ર હેવાલનો ટૂંકસાર આપતો 'ઇન્ટ્રો' ચોક્કસાઇપૂર્વક લખવામાં આવ્યો છે. એને વાંચતાં જ સમગ્ર પ્રકરણનો પ્રાથમિક સંકેત મળી જાય છે. એકેએક પ્રકરણમાં ટૂંકી પણ એટલી તો સચોટરૂપે માહિતીનો ભંડાર અપાયો છે કે એને જ એક વિષય બનાવીને બાર લેખ લખી શકાય. તેથી ટૂંકાણમાં તેના ચમકારા જ રજૂ કર્યા છે.

ગામની ભૌગોલિક, આર્થિક માહિતીની સાથે સાથે ગામને રસ્તા, વીજળી જેવી માળખાગત સુવિધાઓ ક્યારે મળી એની વિગતો ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નૉલૉજીની આગેકૂચની સાથે સાથે વ્યક્તિગત ધોરણે અદ્યતન સાધનો વસાવવાની પહેલ કોણે ક્યારે કરી એની યાદી તસવીરો સાથે અપાઇ છે. દા.ત. પહેલો ટ્રાન્ઝીસ્ટર કોણે ખરીદ્યો, પહેલી મોટર, ટ્રેક્ટર કોણે વસાવ્યા. પહેલો ડૉક્ટર, વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ બન્યો... અરે, ગામમાં પહેલા પ્રેમલગ્ન કોણે કર્યા, એનુંયે દસ્તાવેજીકરણ થયું છે.

પણ આજે ભારતમાં 'અસહિષ્ણુતા'ના મુદ્દે ગરમાગરમ ચર્ચાઓ થઇ રહી છે ત્યારે ભોજાયના જ્ઞાતિમેળા અંગેના પ્રકરણમાં માવજીએ લખેલી વાત નોંધનીય છે. તેણે લખ્યું છે 'બાળપણ યાદ કરું તો રોમાંચિત થઇ જાઉં છું... મેં મારા ભોજાયના ચોકમાં ચૌરે-ઓટલે બેઠેલા વિવિધ જ્ઞાતિના લોકો વચ્ચે થતી મશ્કરીઓ તેમ ધર્મ અને સંપ્રદાય વિશેની સાંભળી છે. એક બીજાની જાતિ વિશે અવળવાણીથી નિર્દોષ આનંદ લૂંટતા માણસોને મેં જોયા છે. આજે પણ એ નિર્દોષતા ક્યાંક સચવાઇ રહેલી જોઉં છું ત્યારે વિચારું છું કે શબ્દ ત્યારે જ વિષમય બને છે જ્યારે મનમાં ઝેર ભરેલું હોય છે.

કેટલી સાચી વાત છે આ. આજે એવી ખેલદિલી કે નિર્દોષતા મતબેન્કના રાજકારણે ભૂંસી નાખી છે. ખેર, પણ આ ગ્રંથમાં ગામના ઉચ્ચ તેમ જ પછાત જાતિના મોવડીઓની તસવીરો સારી રીતે પ્રસિદ્ધ થઇ છે, પણ આજના સમયમાં પ્રેરણારૂપ કહી શકાય એવી વાત ધાર્મિક સદ્ભાવનાની છે. ભોજાયમાં હિન્દુ, જૈન અને મુસ્લિમ એમ ત્રણેય ધર્મની જુદી જુદી જ્ઞાતિઓ વર્ષોથી એકબીજા સાથે, એકબીજાના સહારે એકબીજા માટે જીવતી આવી છે. ગામની કોમી એક્તાના જવલંત ઉદાહરણ સમી વાત એ છે કે, જૈન, દલિત, મુસ્લિમ, સંઘાર અને ક્ષત્રિય સમાજના ચોક્કસ પાંચ ધાર્મિક દિન કે ઉત્સવ સમયે આખું ગામ 'પાંખી' પાળે છે. એ દિવસે ન કોઇ ખેતરે જાય કે ન અન્ય ધંધે. અરે, અનાજ દળવાની ઘંટીયે બંધ રહે. મંદિરો કે દરગાહોના નિર્માણ કે ર્જીણોદ્ધારમાં જૈનો ક્યારેય ફાળો આપતાં અચકાતા નથી. ભોજાય સત્યનારાયણ મંદિરના ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમ યુવાન ટ્રસ્ટી છે. આવા જ એક કિસ્સામાં એક જૈન, હિન્દુ ભગવા પહેરી સાધુ બન્યા છે.

આ ગ્રંથમાં ઊડીને આંખે વળગે એવું પ્રકરણ વ્યક્તિ વિશેષનું છે. અમુક વ્યક્તિઓ પોતાની વિશેષ પ્રતિભાને લીધે ગામ પર અમીટ છાપ છોડી ગઇ છે. એનું તસવીર સાથે એકદમ ટૂંકાણમાં પાત્રાલેખન, શબ્દચિત્ર અપાયું છે. આવી વ્યક્તિ શ્રીમંત પણ છે, મધ્યમ વર્ગીય છે, પછાતે છે, કલાકાર છે, સુયાણીયે છે; હજામ, ઢોલી કે હૉટેલવાળાયે છે. જૈન અને જૈનેતર ૭૦ પુરુષો ઉપરાંત ૨૧ મહિલાઓ મળીને કુલ ૯૧ વ્યક્તિઓ પોતાના પદચિહ્નો છોડી ગઇ છે તેની માહિતી માવજીએ કેવી રીતે મેળવી હશે ? આ પૈકી કેટલીક તો એવી છે જેને તેમણે જોઇ સુધ્ધાં નથી, માત્ર સાંભળ્યું છે. દરેકના વ્યક્તિત્વમાં કાંઇક એવું છે, જે બીજામાં નથી, આગવું છે અને એને બખૂબી શબ્દદેહ અપાયા છે. આ પ્રકરણમાં એક સંપાદક તરીકે માવજી ખીલી ઊઠ્યો છે. શીર્ષક જ એવા આપ્યા છે જે સૂચક છે. દા.ત. દામજી કાળા કોટવાળા, બહાદુરીનું બીજું નામ લીલાધર વરજાંગ ગડા, ભોજાયનો નરસિંહ મહેતો ગંગુ ભગત, વટનો કટકો બબો મહારાજ, અંગ્રેજી જાણનાર અભણ સરપંચ આમદ ઇસ્માઇલ સંઘાર, જન્મે ક્ષત્રિય-સ્વભાવે બ્રાહ્મણ પ્રતાપસિંહ જાડેજા... વગેરે.

ભોજાયની પ્રાથમિક શાળાઓમાં અગાઉ અસ્પૃશ્યતા હતી એની નોંધ લેવાની સાથે સાથે ગામના જૈન શ્રેષ્ઠી ઉમરશી ગડાએ અસ્પૃશ્યો માટે અલગ કૂવો બંધાવી આપ્યો, તેનીયે માહિતી આપી છે. ગામમાં લોહાણા કે ભાટિયા વસ્યા જ નથી. તેમ મીઠાઇની દુકાને ભોજાયમાં ટકી નથી.

ખેર, પણ ગામના ખેતી, પશુપાલન અને વનસંપદા સાથે સંકળાયેલા ત્રણ પ્રકરણ સમગ્ર ગ્રંથના સૌથી મહત્ત્વના અને દીર્ઘદૃષ્ટિપૂર્વક લખાયેલા છે એને પુસ્તકના હાર્દ કહીએ તો પણ ચાલે. ભૂતકાળ અને વર્તમાનને સાથે સાંકળીને જે રીતે ખેતીના ઓજારો, સાધનો, એની સાથે સંકળાયેલી માન્યતાઓ અને પ્રથાઓની સવિસ્તાર માહિતી આપવામાં આવી છે, એના પર નજર કરતાં તે દસ્તાવેજીકરણના એક યાદગાર નજરાણા સમાન છે. અગાઉ ક્યારેય કોઇએ આવું ઊંડાણપૂર્વકનું સૂઝબૂઝ ભરેલું કામ કર્યું નથી.

પશુપાલનના પ્રકરણમાં ત્રણ બાબતો વિશિષ્ઠ છે, જેમાં પશુપાલનની વ્યવસ્થાઓ અને પ્રથાઓ તેમ જ પશુપાલનના વ્યવસાયમાં વપરાતા કચ્છી ભાષાના શબ્દ પ્રયોગોનો સમાવેશ થાય છે. દા.ત. કચ્છીમાં ગાયને 'ગોં' અને ગાય ચારનારને 'ગોવાર', ભેંસને 'મેં' અને ચારનારને 'મેયાર', બકરીને 'પો' અને બકરી ચારનારને 'પોંઆર', જ્યારે ઊંટને 'ઊઠ' અને ચારનારને 'ઉઠાર' કહે છે. આવા કચ્છી શબ્દ પ્રયોગોની યાદી લાંબી છે. પશુ સંબંધી ભોજાયની કેટલીક નવતર બાબતોય છે. દા.ત. દિવાળીના દિવસે ગામની ગાયોને મુક્ત રીતે સીમમાં તેમ જ ખેતરોમાં ચરવાની છૂટ અપાતી.

વનસંપદા વિભાગમાં ગામના સીમાડામાં થતી વનસ્પતિઓ અને તેમાંયે ખાસ કરીને કચ્છની તળપદી ઔષધીય વનસ્પતિઓ, વૃક્ષો અને ઘાસની વિગતે માહિતી અપાઇ છે. લાલશીમળો એટલે કે શાલ્મલીનું ૭૦થી ૮૦ વર્ષ જૂનું એકમાત્ર વૃક્ષ કચ્છમાં છે તે ભોજાયમાં છે, પણ આશ્ર્ચર્યની વાત એ છે કે ગામમાં હાથલોથોર કે આવળનું નામોનિશાન નથી. છ કિ.મી. દૂર દેઢિયામાં થોકબંધ થાય છે, પણ ભોજાયમાં બિલકુલ નથી. છેલ્લા બે પ્રકરણમાં ભોજાયની સર્વોદય ટ્રસ્ટની હૉસ્પિટલની પ્રવૃત્તિઓ અને ભૂકંપ પછી ગામની કાયાપલટનો ખયાલ અપાયો છે.

કચ્છના ગામોની લાક્ષણિક્તા સમાન એની વસતિના આંકડા રસપ્રદ છે. સ્થાનિક રોજગારીના અભાવે મુંબઇ કે દેશ-વિદેશમાં સતત સ્થળાંતર થતું રહે છે, એની પ્રતીતિ કરાવતા આંકડા અનુસાર ભોજાયની વસતિ ૧૮૭૧માં ૧૧૨૦ની હતી અને ૨૦૧૧ની વસતિ ગણતરી અનુસાર ૧૨૩૬ની હતી. આમ ૧૪૦ વર્ષમાં ગામની વસતિમાં માત્ર ૧૧૬નો વધારો થયો છે. બીજા અર્થમાં કહીએ તો એક વર્ષમાં એક જણનોયે વધારો વસતિમાં થઇ શક્યો નથી. કચ્છમાં આવા ઘણાં ગામો હશે.

એકંદરે જોવા જઇએ તો ભોજાય વિશે આ ગ્રંથમાં જે કામ થયું છે તે અજોડ છે. ભોજાયવાસી જાતે પણ તેની વિગતો વાંચશે તો એને લાગશે કે ૫૦ વર્ષથી ભોજાય સાથે 

નાતો હોવા છતાં પોતે આ પ્રજામાંની ઘણી બધી વિગતો જાણતા નથી. ખરે જ આ પુસ્તકને 'ભોજાય એક ખોજ...' નામ આપીએ તો કાંઇ ખોટું નથી. ગામનો આ એન્સાઇક્લોપિડિયા છે, સર્વસંગ્રહ છે. તેથી જ એમ લાગે છે કે આ ગ્રંથમાંથી પ્રેરણા લઇને કચ્છના અન્ય ગામો પણ આવું દસ્તાવેજીકરણ કરશે તો આખા કચ્છનો સર્વસંગ્રહ બની શકશે.

છેલ્લે વાત લોકભાગીદારીની. ગ્રંથમાં ઝીણામાં ઝીણી માહિતી જે રીતે હાંસલ કરવામાં આવી છે, એને ધ્યાને લેતાં તેમાં જબ્બરજસ્ત લોકભાગીદારીના દર્શન થાય છે. પોતાના ગામ વિશે, પોતાના લોકો વિશે દરેક જણને કાંઇને કાંઇ કહેવું હતું અને માવજીએ એમના મોંએ કહેવડાવીને નોંધ કરી લીધી, પણ ગ્રંથરૂપે આપણા સુધી પહોંચી એના માટે આખેઆખા પ્રકાશનના ખર્ચની જવાબદારી એક જ વ્યક્તિ-પરિવાર ઝવેરચંદ લીલાધર ગાલાએ ઉપાડીને ગામને એક અનોખું નજરાણું ભેટ ધર્યું છે. ગામે આ ભેટ એટલા જ ઉમળકાથી સ્વીકારી છે એનો પુરાવો મકરસંક્રાંતિના દિવસે ગ્રંથના લોકાર્પણ વખતે આખું ગામ ઊમટી પડ્યું તેમાંથી મળી રહે છે. અરે, લોકાર્પણ કાર્યક્રમના યજમાનપદેય આખું ગામ હતું, ગામની એક્તા-સંપને સો-સો સલામ...

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment