Saturday, 30 January 2016

[amdavadis4ever] શું તમારી જ િંદગી આજે એવ ી જ છે જેવી તમે ધારી હતી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વર્ષે એક વાર, કમ સે કમ એક વાર, એક ખાસ સવાલ પોતાની જાતને પૂછવાની ટેવ રાખવી જોઈએ. એ દિવસ બેસતા વર્ષનો દિવસ હોઈ શકે, પહેલી જાન્યુઆરી હોઈ શકે, તમારી વર્ષગાંઠ હોઈ શકે કે લગ્નજયંતી પણ હોઈ શકે. સવાલ: મારી જિંદગી અત્યારે જેવી છે એવી જ મેં એને જોવા માગી હતી?

ધ્રુજાવી નાખે એવો સવાલ છે. કેટલાક લોકોને જીવનના સાઠમા કે પંચોતેરમાં જન્મદિને પોતાની જિંદગીનું સ્ટૉક ટૅકિંગ લેવાની ઔપચારિકતા કરવાનું ગમતું હોય છે. પાછલા છ કે સાડા સાત દાયકાનું જમાઉધાર અને અત્યાર સુધી જિવાઈ ગયેલી જિંદગીની કિતાબમાં રહી ગયેલી પ્રૂફ રીડિંગની ભૂલો, જો નવી આવૃત્તિ પ્રગટ કરવાની થાય તો, સુધારી લેવાની ઈચ્છા થતી હોય છે. છેક એ ઉંમરે તો બહુ મોડું કહેવાય.

મુંબઈથી ટ્રેનમાં ઊપડ્યા હો અને મણિનગરનું સ્ટેશન આવે ત્યારે તમને રિયલાઈઝ થાય કે તમારે અમદાવાદ નહોતું પહોંચવું, તમે તો દિલ્હી જવા માગતા હતા - એવું ક્યારેક બનતું હોય છે. આયુષ્યના છેક છેવાડા સુધી પહોંચી ગયા પછી જિંદગીની તરાહનું શીર્ષાસન થઈ જાય એવા ફેરફારો નથી થઈ શકતા. જિંદગીની તરાહ એટલે લાઈફસ્ટાઈલ. અને આપણે અહીં જ્યારે લાઈફસ્ટાઈલની વાત કહી રહ્યા હોઈએ ત્યારે એમાં કાર, ફૅશન કે ઈન્ટિરિયર ડૅકૉરેશનની વાતો નથી આવતી. માનસિક લાઈફસ્ટાઈલની વાત છે.

માણસને ક્યારેક ખૂબ મોડું થઈ ગયું હોવાની પ્રતીતિ થાય છે ત્યારે એ પોતાના મનને મનાવવા આ સવાલના જવાબમાં પોતાને આશ્ર્વાસન આપી દે છે: હા, મેં જેની કલ્પના કરી હતી એવી જ જિંદગી તો હું જીવ્યો છું.

ક્યાં સુધી છેતરતા રહીશું જાતને, ભલા માણસ. પોતાની નબળાઈઓને પોતાની જાત આગળ કબૂલ કરવાની છે. આવી કબૂલાત કર્યા વિના ખબર ક્યાંથી પડવાની કે જિંદગીમાં સુધારાની ક્યાં જરૂર છે, કેટલી જરૂર છે.

પંચોત્તેરમે વર્ષે કદાચ મણિનગર પર આંખ ખૂલે ત્યારે એ સ્વીકારી લેવામાં જ ડહાપણ છે કે હા, મેં દિલ્હી નહીં, અમદાવાદ જવાનું જ ધાર્યું હતું. પણ આયુષ્યના આગલા વળાંકો પર - જિંદગી વીસ, ત્રીસ, ચાળીસ કે પચાસના આરે આવીને ઊભી હોય એવા વળાંકો પર-જરા અટકીને, પાછા ફરીને, નક્કી કરેલા ગંતવ્ય સ્થાન (મીન્સ કે ડેસ્ટિનેશન) તરફ ગતિ કરી શકાય છે. મણિનગરથી વડોદરા જંકશને પાછા આવીને, આ ત્રિભેટેથી આગળ વધતો નવો રસ્તો પકડવાનો - એ રસ્તો જે રસ્તે જવા તમે ધાર્યું હતું, પણ વચ્ચે ક્યાંક ફંટાઈ ગયા, પછી વારંવાર ફંટાતા જ રહ્યા. મૂળ રસ્તે પાછા જવા મળેલી અનેક તક અણસમજ, અસલામતી અને આળસને કારણે વેડફતા રહ્યા.

માનસશાસ્ત્રીઓ તેમ જ મનોચિકિત્સકો પાસે જનારા દર્દીઓ કરતાં એમને નહીં મળનારા મનોરોગીઓની સંખ્યા અનેકગણી વધારે હોય છે. આવા મનોરોગીઓને ક્યારેય ભાન નથી થતું કે પોતાના માનસ સાથે ક્યાંક કશુંક ભયંકર રીતે ખોટું થયેલું છે.

જેઓ પોતાની માનસિક સમસ્યાઓ પ્રત્યે સભાન બન્યા પછી માનસ ઉપચારક પાસે જાય છે. એમાંના મોટા ભાગનાઓ કોઈક માનસિક વિકૃત્તિના ઈલાજ માટે નહીં, પણ જીવનમાં તીવ્રતાભેર અનુભવાઈ રહેલી હેતુવિહીન પરિસ્થિતિને કારણે જાય છે.

સિગ્મંડ ફ્રોઈડ જેટલા જ મોટા, પણ એમનાથી ઘણી જુદી દિશામાં કામ કરનારા વિશ્ર્વ વિખ્યાત માનસચિકિત્સક કાર્લ યુંગે મોડર્ન મેન ઈન સર્ચ ઑફ અ સૉલ (એસ.ઓ.યુ.એલ.સૉલ. આત્મા) પુસ્તકમાં લખ્યું હતું કે, 'મારી પાસે આવતા દરદીઓમાંથી ત્રીજા ભાગના દરદીઓ કોઈ નિશ્ર્ચિત માનસિક બીમારીનો ભોગ નથી બન્યા હોતા પણ એમને જિંદગીમાં સતત ખાલીપણુંં ખટક્યા કરતું હોય છે એટલે, હંમેશાં કોઈક વાતનો અભાવ સતાવ્યા કરતો હોય છે એટલે, જિંદગી દિશાવિહીન બની ચૂકી છે એવું લાગતું હોય છે એટલે તેઓ દરદી તરીકે મારી પાસે સલાહ-સારવાર માટે આવતા હોય છે. આજના જમાનાનો સૌથી સામાન્ય માનસિક રોગ કદાચ આ જ છે - ખાલીપણું, અભાવ.' 

કાર્લ યુંગની વાત સો ટકા સાચી. જિંદગીમાં કશુંય અગાઉથી ભર્યું ન હોય ત્યારે ખાલીખમ હોવાની લાગણી ન થાય તો જ નવાઈ. ભરેલું બધું જ ખૂટવા આવી ગયું હોય ત્યારે પણ આ જ લાગણી થવાની. પૈસા જેવી તદ્દન સાદીસીધી ચીજ માટે પણ આપણે માનતા હોઈએ કે જો જો એ તિજોરીમાં કે ગજવામાં કે બૅન્કના ખાતામાં હશેે તો જ વાપરી શકાશે અને એ જ જો તળિયાઝાટક હશે તો વાપરીશું શું? તો પછી જિંદગીને ખાલીખમ રાખી હશે તો કોઈ એક તબક્કે તીવ્ર ખાલીપો અનુભવાય એમાં વાંક કોનો? ઈનપુટ અને આઉટપુટની સાદી ભાષા ઈન્ડસ્ટ્રી કે ફેક્ટરીઓને જ લાગુ પડે છે? જીવવા માટેનો કાચો માલ સતત ભેગો નહીં કર્યો હોય તો સંતોષનું, જીવવાના આનંદનું ઉત્પાદન ક્યાંથી થવાનું.

કયા કાચા માલની અપેક્ષા છે? અત્યારે તમે શેનું પ્રોડ્કશન કરવા ધારો છો એના પર બધો આધાર છે. કઈ પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો? સવાલ તો પૂછી લીધો કે શું મેં મારી જિંદગી આવી જ બનાવવા ધારી હતી? સારું થયું કે સવાલ પુછાઈ ગયો. તો હવે બે વાત કહો કે કેવી બનાવવા ધારી હતી? અને કેવી બની ગઈ છે?

આ બે સવાલો બીજા કોઈનીય આગળ નહીં, માત્ર જાત આગળ ખુલ્લા થઈને પૂછવાના. ઘણું બધું જાણવા મળશે તમને તમારા જ વિશે. અંદરની કોઈક અજાણી વ્યક્તિને મળી રહ્યા હો એવું લાગશે. એની સાથે દોસ્તી કરવાનું મન થશે. જિંદગી સુધી ચાલે તેવો નાતો બાંધવાનું મન થશે.

આપણો સૌથી સાચો અને સારો દોસ્તાર એ જ છે એવું લાગશે. જાત સાથેનો સંબંધ જ સૌથી મોંઘામાં મોંઘો સંબંધ છે એવી ખાતરી થશે. પછી બીજાઓની નજરે તમે બદલાઈ ગયેલા જણાશો, પણ તમારી જાત સમક્ષ તો જેવા છો એવા, અણિશુદ્ધ અને પારદર્શક, પ્રગટ થતા રહેશો.

લોકો અત્યાર સુધી પોતાની સગવડિયા નજરે તમને જોતા રહ્યા અને તમે પણ એમની આંખમાં બદલાતા જતા ભાવને અનુકૂળ થાય એવી રીતે જિંદગી જીવતા રહ્યા. એમાં ને એમાં મણિનગર આવી ગયું. પાછા વડોદરા જંકશનના ત્રિભેટે જવું છે. એક દિવસ જરૂર મણિનગરના સ્થાને નિઝામુદ્દીન સ્ટેશનનું પ્લેટફોર્મ દેખાશે અને ત્યારે મનમાં ભરપૂર સંતોષ છલકાતો હશે કે હવે દિલ્હી દૂર નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment