Tuesday 12 January 2016

[amdavadis4ever] લોકપ્રિયતા ની આભડછેટ ........સાહિત્ય ને પ ્રજા વચ્ચે દીવાલ કોણ ે ઊભી કરી. ...(તડકભડક)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાહિત્યમાં કે લેખનમાં જે લખાણો ખૂબ લોકો સુધી પહોંચે, બહોળા સમુદાયને ગમે, તેઓ એને વખાણે, એના વિશે ચર્ચા કરે એવાં લખાણો કે એવી કૃત્તિઓને સમાજનો એક ચોક્કસ અને સાવ નાનકડો વર્ગ નાકનું ટેરવું ચડાવીને 'આ તો લોકપ્રિય સાહિત્ય' છે એમ કહીને અત્યાર સુધી ઉતારી પાડતો આવ્યો છે. આ મિડલ ક્લાસી સ્નોબિશ અને સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ વર્ગ શા માટે આવો મત ધરાવે છે ? ખબર નથી. કદાચ પોતાની મહત્તા સ્થાપવા પણ એનાં ખરાબ પરિણામો સમાજે સહન કરવાં પડે છે. આ વર્ગ માત્ર સાહિત્ય માટે જ નહીં, ફિલ્મ સહિતની અન્ય તમામ કક્ષાઓ પ્રત્યે પણ એ જ દૃષ્ટિકોણ રાખે છે કે જે સમજાય નહીં તેની કક્ષા ઊંચી, જે અગડમ બગડમ્ હોય એને જ ઈન્ટલકેચ્યુઅલનો દરજ્જો મળે.
ઈ.સ.૧૮૧૨માં જન્મેલા મહાન બ્રિટિશ લેખક ચાર્લ્સ ડિકન્સે 'ગ્રેટ એકસ્પેકટેશન્સ','ધ પિક્વિક પેપર્સ', 'ડેવિડ કોપરફિલ્ડ', 'અ ક્રિસમસ કેરોલ' કે 'ટેલ ઓફ ટુ સિરીઝ' જેવી નવલકથાઓ લખી ત્યારે શિષ્ટ સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય જેવી કોઈ વિભાવનાઓ નહોતી. ડિફન્સની આ નવલકથાઓ શિષ્ટ સાહિત્યમાં પણ સ્થાન પામે છે અને લોકપ્રિય પણ છે. જો કે, એફ.આરી. લીવિસ (૧૮૯૫-૧૯૭૮) જેવા વિવેચકો ડિફન્સની નવલકથાઓ બ્રિટિશ કે ઈંગ્લિશ નવલકથાઓની 'ધ ગ્રેટ ટ્રેડિશન'માં બંધબેસતી નથી અને ડિકન્સ એક મનોરંજનકારથી વિશેષ નથી એવું લખે છે. 'ધ ગ્રેટ ટ્રેડિશન' લીવિસના વિવેચનપણાનું ટાઈટલ પણ છે. કાગડા જેમ બધે કાળા જ હોવાના વિવેચકો પણ બધે વાંકદેખા જ હોવાના.
આજે એક સર્જક તરીકે કોઈ વિચારે કે મારે પણ ડિકન્સ કે ટ્વેઈન જેવી નવલકથાઓ લખવી છે ત્યારે એની પાસે વિકલ્પો આવી ઊભા રહે છે કે મારે અમુક ચોક્કસ પ્રકારના વિવેચકો, શિક્ષણકારો તથા કહેવાતા ઉચ્ચત્તર વર્ગના એલિટિસ્ટ લોકો જેવા પાંચસો હજાર વાચકો વાંચે અને વખાણે અને ઈનામો અપાવે એવાં તત્ત્વો આ નવલકથામાં મૂકવાં છે કે પછી લાખો લોકો જેને વાંચે, વખાણે અને જેની બહુ બધી આવૃત્તિઓ થાય અને પરિણામે સારી રોયલ્ટી મળે એ પ્રકારની લૈખનશૈલીથી નવલકથા લખવી છે. ડિફન્સ પાસે જે વિકલ્પો નહોતા તે આજના સર્જક પાસે છે અને આ કૃત્રિમતાપૂર્વક ઊભા કરેલા વિકલ્પોને કારણે મૂંઝાઈ ગયેલા સર્જકનું સર્જકત્વ ક્યાંક ખોવાઈ જાય એવો સંભવ છે અથવા તો શક્ય છે કે એની સર્જનશીલતા કોઈક આડે માર્ગે ફંટાઈ જાય.
પણ મને સુખમાં જ એવું મન થાય છે એનું શું ? મારી લાગણીઓ ખોટી ? તમારા સિદ્ધાંતો, તમારી થિયરીઓમાં જે કંઈ બંધબેસતું નથી એ બધું જ શું ખોટું ? થિયરીઓ કરતાં જિંદગી ઘણી મોટી છે. વૈજ્ઞાાનિક સંશોધનો પછી છે, વૈજ્ઞાાનિક સંશોધનો પછી નક્કી કરવામાં આવેલા સિદ્ધાંતો ભલે સાચા હોય, એનો સ્વીકાર કરીએ પણ એમાં જ કંઈ આખી દુનિયા સમાઈ જતી નથી. તમારી થિયરીમાં જે બંધબેસતું નથી એવું ઘણુંબધું આ દુનિયામાં થાય છે જેનો તમે નકાર કરી શકો નહીં. ફ્રોઇડે ભલે નક્કી કર્યું હોય કે આપઘાતના વિચારો અમુક મનોદશા દરમ્યાન જ ઉદ્ભવી શકે પણ મને જો એ સિવાયની પરિસ્થિતિમાં એવા વિચારો આવતા હોય તો તમે મને, મારી લાગણીને, ખોટાં ન કહી શકોે.
જે લખાણમાં અમુક તત્ત્વો હોય એ જ શિષ્ટ સાહિત્ય એવા ભાગલા પાડતી અનેક થિયરીઓ પશ્ચિમી પંડિતોએ ઘડી કાઢી. ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશ વગેરેમાંથી અંગ્રેજીમાં રૂપાંતરિત થતી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવતી સાહિત્યિક થિયરીઓ કે આવા સાહિત્યિક સિદ્ધાંતોને માપદંડ બનાવીને આપણા દેશી વિવેચકો નક્કી કરવા લાગ્યા કે કઈ કૃતિ લોકપ્રિય છે, કઈ શિષ્ટ છે. દેશી વિવેચકો પાસે મૌલિક વિચારણાનો છાંટોય નથી હોતો. વિદેશી વાતોને ચાટી ચાટીને તેઓ પોતાનાં અધકચરા જ્ઞાાનને વધુ ગૂંચવણભર્યું બનાવે છે અને એની ક્લિન્ટ રજૂઆત દ્વારા પોતાના થોડા ડઝન વાચકો-શ્રોતાઓને વધુ ગૂંચવી નાખે છે.
કવિ અને તત્ત્વજ્ઞાાનના અધ્યાપક અને અત્યારે સુભાષ ઘાઇની 'વ્હિસલિંગ વુડ્સ' નામની પ્રતિષ્ઠિત ફિલ્મ ઇન્સ્ટિટયૂટના વિઝટિંગ ફેકલ્ટી પ્રબોધ પરીખે એક વખત કેટલીક અદ્ભુત વાતો એમનાં પ્રવચનમાં કરી હતી. એમણે કહ્યું હતું કે નાનપણમાં ગિલ્લી-દંડા રમવાનું ગમતું હોય કે મેગેઝિન વાંચવાનું ગમતું હોય પણ મોટા થયા પછી ઉંમર વધવાની સાથે, આજુબાજુનાં વાતાવરણને લીધે કે મિત્રોની સોબતને કારણે આપણે અમુક ચોક્કસ ઢાંચામાં કેળવાયા અથવા ન કેળવાયા,જે સાહજિક રસ હતો એમાં એવી સમજ ભળી કે અમુક પ્રકારનો રસ કેળવાયો છે એવું બતાવીએ તો તરત આજુબાજુના મિત્રોની માન્યતા મળે, મને અંદરથી મન થાય છે એટલે હું કાફ્કા વાંચું છું કે મિત્રોનેેેેે ખુશ કરવા કાફ્કા વાચું છું એ આપણે નક્કી કરી શકતા નથી.
મારું માનવું છે કે પશ્વિમી સાહિત્યક સિદ્ધાંતોના વાયરાથી ડોલી ઊઠેલા મુગ્ધ સાહિત્યક શિક્ષકો(સ્કૂલના, કોેલેજના, યુનિવર્સિટીના) આ સિદ્ધાંતોના આધારે ગુજરાતી કૃતિઓનું મૂલ્યાંકન કરીને વિવેચક તો બની ગયા પણ આમાંના કેટલાક ઉત્તમ સાહિત્ય(જે લોકપ્રિય પણ પુરવાર થાય એવી શક્યતાવાળું હોય) સર્જી શકે એવા હતા છતાં તેઓ ડરતા હતા કે એવું સાહિત્ય પોતાની આસપાસનાં સબ-ગ્રૂપ તરફથી અપાયેલી માન્યતાને પાછી ખેંચી લેશે.
 આ બધાં જ લોકો ઉછીના લીધેલા પશ્ચિમી વિચારોમાંથી પ્રગટેલી અધૂરી સમજના માપદંડો દ્વારા નક્કી કરતા રહે છે, કઈ કૃતિ 'લોકપ્રિય' છે, કઈ 'શિષ્ટ' છે. યુનિવર્સિટીના અભ્યાસક્રમો તેમજ પ્રાથમિક,માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણના અભ્યાસક્રમો નક્કી કરવાની સમિતિઓમાં પણ આ જ લોકો પ્રવેશી ગયા છે અથવા તો એમના મળતિયાઓ ત્યાં પહોંચી ગયા છે અથવા તો જેઓ પહેલેથી ત્યાં છે એમના પર તેઓ પ્રભાવ પાથરવામાં સફળ થયા છે. સાહિત્યના પારિતોષિકો, ચંદ્રકો, ઈનામો આપતી સંસ્થાઓ પણ એમને જ હવાલે છે નિર્ણાયકો પણ તેઓ જ છે. આ પરિસ્થિતિને કારણે તેઓ એવી જ વાર્તા, કવિતા, નવલકથા અથવા એવા જ નિબંધો, ચરિત્રલેખો, નાટકો કે બાળસાહિત્યને માન્યતા આપશે જે એમના આયાતી અને કૃત્રિમ માપદંડોની કસોટી પર ખરા ઊતરે. સામાન્ય વાચક કહેતો હોય છે કે અમારા જમાનામાં તો જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની કે ભોમિયા વિના મારે ભમવાના ડુંગરા જેવી કેવી સરસ સરસ કવિતાઓ ભણવામાં આવતી. વાચક ફરિયાદ કરે છે કે હવે એવું સાહિત્ય સર્જાતું નથી. વાસ્તવિકતા એ છે કે હવે એવું સાહિત્ય આ પેટા જૂથની માન્યતા પ્રાપ્ત કરતું નથી એટલે એને માન્યતા મળતી નથી અને કયારેય પાઠયપુસ્તકોમાં સ્થાન પામતું નથી કે ક્યારેય ઇનામોને પાત્ર બનતું નથી, આને કારણે આ પ્રકારનાં સાહિત્યનો પ્રચાર હવે ઓછો થાય છે, લોકો સુધી પહોંચવામાં. એને આ સબગ્રૂપની મોટી ઊંચી વાડ નડતી હોય છે.
આવા સર્જકો આ પેટાજૂથમાં જોડાઈ જાય છે જેની આ પેટાજૂથને તલાશ હોય છે. આ પેટાજૂથમાંથી પણ જે સર્જકો ઊભા થાય છે તેઓ આ જ પ્રકારના હોવાના, અહીં, પરસ્પરનાં સાહિત્યને વખાણવાની, માન્યતા આપવાની પ્રક્રિયા શરૂ થાય છે. છેવટે, આ જ લખાણોમાં ખરું ગુજરાતી સાહિત્ય સમાયેલું છે એવી છાપ ઊભી થાય છે. ગુજરાતી સાહિત્યના શિક્ષણકારોના આ સબગ્રૂપની પ્રવૃત્તિઓ છેલ્લા લગભગ પાંચ-છ દાયકાથી વણથંભી ચાલી આવે છે. જરૂર છે આ પેટાજૂથમાંના જ કેટલાક સમજુએ બળવો કરીને બીજાઓની સાન ઠેકાણે લાવે એ ઉપરાંત કેટલાંક બહારનાં પરિબળોએ પણ આ પ્રકારની પ્રવૃત્તિને ખાળવાનો પ્રયાસ કરવો જોઈએ, અન્યથા હવે પછીની પેઢીના ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ગુજરાતી સાહિત્ય એટલે ન સમજાય એવું દુર્બોધ અને એબ્સર્ડ સાહિત્ય એવી ગેરસમજ ઊભી થવાની.

ઉત્તમ સાહિત્ય એ છે જેમાં વિષયનું કે શૈલીનું કે એ બેઉનું પુનરાવર્તન નથી. અગાઉ સર્જાઈ ગયેલી કૃત્તિઓ કરતાં જે કૃતિ મેટર અને મેનરની(અથવા બંનેની) બાબતમાં જુદી પડે એ કૃતિમાં ઉત્તમ સાહિત્ય બનવાની ક્ષમતા(ખાતરી નહીં)રહેલી હોય છે અને જે કૃતિનું, બીજાઓ ચાહવા છતાં અનુકરણ ન કરી શકે અથવા તો એવું કરવામાં નિષ્ફળ નીવડે એવી અંગ્રેજીમાં જેને ઇનિમિટેબલ કહીએ એવી કૃત્તિ ઉત્તમ સાહિત્યની અગ્રિમ હરોળમાં મુકાતી હોય છે. ગુજરાતીમાં આવું સાહિત્ય સર્જાયું છે, સર્જાઈ રહ્યું છે અને સર્જાતું રહેશે અને પાંચસો હજારનાં પેટાજૂથની વાડ હોવા છતાં લોકો સુધી પહોંચતું રહેશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment