Tuesday 5 January 2016

[amdavadis4ever] સ્વાનુભવ પરથી સ ૂઝ્યું સદ્કાર્ય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સમાજસેવા કરવી છે, સમાજને ઉપયોગી થઈ શકાય તેવું કંઈ કામ કરવું છે... તો રાહ કોની જુઓ છો? અરે સમય નથી, સાધનો નથી, હાથમાં થોડા પૈસા આવે તો કોઈ સંસ્થા વગેરે ખોલીએ, સમય મળે તો એનજીઓમાં જઈએ. પાર્ટીમાં મોજમજા કરતાં, રેસ્ટોરાંમાં ખાતાં ખાતાં કે પછી થિયેટર કે ગેટ ટુગેધરમાં પોતાના સેવાભાવી સ્વભાવને વ્યક્ત કરતા લોકો આપણને જ્યાં જોઈએ ત્યાં મળશે. હોઈ શકે આપણે પણ આમાંના એક હોઈએ. પણ રમેશભાઈ વેજાભાઈ શિયાળ આમાંના નથી. રમેશભાઈ આર્થિક, સામાજિક કે કોઈ પણ મર્યાદા સામે ન જોતાં એક નવી જ રીતે સેવા કરી રહ્યા છે. રમેશભાઈ સુરતમાં રિક્ષા ચલાવે છે. સવારે તો તે આ કામ પેટિયું રળવા કરે છે, પરંતુ રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી તેઓ દરદીઓ અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને રિક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે. ગર્ભવતી મહિલાઓને તો દિવસના સમયમાં પણ આ સેવા વિનામૂલ્યે મળે છે. 

ગર્ભવતી મહિલાઓ માટેની આ હમદર્દી અને આ સેવા કરવા પાછળ તેમનો એક વ્યક્તિગત અનુભવ છે. 

સુરતથી આઠ કિમી દૂર ભરતાળામાં રહેતા રમેશભાઈનાં પત્ની પહેલી વાર ગર્ભવતી હતાં ત્યારની વાત છે. તેમનાં પત્નીને અચાનક લેબર પેઈન ઊપડ્યું. ઘરમાં કોઈ હાજર ન હતું. તેઓ રિક્ષા માટે બહાર નીકળ્યાં, પણ ક્યાંય રિક્ષા મળે નહીં. તેઓ પાછાં ઘરમાં આવ્યાં અને વેદનાને લીધે તેમની કોથળી પેટમાં જ ફાટી ગઈ. ત્યાં રમેશભાઈ આવ્યા અને તેમને હૉસ્પિટલે લઈ ગયા. સદ્નસીબે સિઝેરિયન દ્વારા ડૉક્ટરે માતા-બાળકને બચાવી લીધાં. આ અનુભવે રમેશભાઈને થોડા હચમચાવી નાખ્યા. પોતે સમયસર આવી ગયા તેથી ઘરનું માણસ ને બાળકને બચાવી શક્યા, તો જેમને સમયસર આ સુવિધા ન મળે અથવા તો જેમની પાસે રિક્ષાનું ભાડું ખર્ચવા જેટલાં પણ નાણાં ન હોય તેમની શું હાલત થતી હશે, તેવા વિચારે તેમને આ કામ તરફ દોર્યા અને તે બાદ તેમણે રિક્ષા ચલાવવાને જ પોતાનો વ્યવસાય બનાવ્યો. ૨૦૦૮થી તેઓ આ સેવાનું કામ પણ કરી રહ્યા છે. 

મૂળ કાઠિયાવાડી અને ભાવનગરના વતની રમેશભાઈ દસેક વર્ષ પહેલાં સુરતથી ૩૨ કિમી દૂર આવેલા કોસંબા ગામમાં ખેતીના કામકાજમાં સ્થાયી થયા હતા. લગ્ન બાદ તેઓ સુરત આવ્યા. 

સુરતમાં તેમણે સાડીઓના હેન્ડવર્કનું કામ કરવાનું શરૂ કર્યું હતું, જોકે પોતાના અગંત જીવનના આ અનુભવે તેમને રિક્ષાચાલક તો બનાવ્યા જ, સાથે સમાજસેવક પણ બનાવી દીધા.

જ્યારે ઘરના જ બે છેડા ભેગા ન થતા હોય ત્યાં સમાજસેવાની તો શું વાત કરવી? તેવો સામાન્ય વિચાર આપણને આવે, પણ રમેશભાઈ પાસે આનો જવાબ છે. 'મુંબઈ સમાચાર' સાથે વાતચીત કરતાં તેઓ કહે છે, 'ઘર ચલાવવા કેટલા રૂપિયા જોઈએ. બે ટંકનું ખાવાનું અને બાળકોના દૂધની જોગવાઈ થાય એટલું મળી રહે એટલે બસ. સુરત ગામમાં રોજની ૨૦૦ રૂપિયાની આવક હોય તો જીવી જવાય અને કોઈ પણ રિક્ષાવાળો દિવસના ૨૦૦-૨૫૦ તો કમાઈ જ લે છે.' પોતે જે સેવા આપે છે તે માટેનો યશ જેટલો લેવાનો છે તેટલો જ લે છે રમેશભાઈ. તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે 'મારી આ સેવા માટે અત્યાર સુધી કોઈ નાણાં ખર્ચ્યાં નથી. અમેરિકાની એક મહિલાએ તેમના કામ વિશે જાણી તેમને રૂ. ૧૦,૦૦૦ દાન તરીકે આપ્યા હતા. અત્યાર સુધીમાં મેં વિનામૂલ્યે વધારેમાં વધારે સો ફેરી કરી હશે. 

સુરત ગામમાં ગમે ત્યાં જાઓ તો પણ સો રૂપિયાથી વધારે પેટ્રોલનો ખર્ચ થતો નથી. આથી તે દસ હજાર મને કામ આવ્યા. ત્યાર પછી આફ્રિકાની એક મહિલાએ મને રૂ. ૫,૦૦૦ આપ્યા હતા. તે બેલેન્સમાં પડ્યા છે. પોતે સુરતીઓને સેવા આપે છે, પણ હજુ સુધી એકપણ સુરતીલાલો મદદ માટે ફરક્યો નથી. જોકે રમેશભાઈને આનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ માને છે કે સારા કામમાં સાથ હંમેશાં મળતો જ રહે છે.'

પોતાના અનુભવો અંગે વાત કરતાં તેઓ કહે છે 'તાજેતરમાં જ મારી પડોશમાં એક બહેનને લેબર પેઈન ઊપડ્યું. હું તેમને ઓળખતો પણ ન હતો. તેમના પતિ ભરૂચ કામે ગયા હતા. ઘરમાં પૈસાની કોઈ વ્યવસ્થા ન હતી. મેં મારી પત્નીને કહ્યું કે તેમના કપડાં ને બધું પેક કર આપણે તેમને પહેલાં હૉસ્પિટલે પહોંચાડીએ, પછી બીજું બધું જોઈશું. મેં તેમને હૉસ્પિટલ પહોંચાડ્યાં. તેમને સુંદર બાળક જન્મ્યું. તેમના પતિએ મારો આભાર માન્યો, બસ. મારે બીજું શું જોઈએ?'

તમારા આ કામમાં પત્ની-પરિવાર સાથ આપે છે કે કેમ એવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે 'અમે એવા વિસ્તારમાં રહીએ છીએ જ્યાં રાત્રે બહાર નીકળવું જોખમભરેલું છે. મારાં પત્નીને ડર લાગે છે. ત્યારે હું તેને કહું છું કે કોઈ લૂંટવાના ઈરાદે આવશે તો માત્ર રિક્ષા અને પૈસા લઈને જશે. એક જીવની ચિંતામાં બે જીવને જોખમમાં થોડા નખાય? તો હું પોલીસની વેનમાં પહેલાં દરદીને હૉસ્પિટલ પહોંચાડીશ અને પછી બીજું બધું જોઈશ.' જોઈ કાઠિયાવાડની ખુમારી!

સુરતમાં જ રહી આ સેવા આગળ ચલાવવા માગતા રમેશભાઈ સો ટચના સોનાની સલાહ આપતાં કહે છે કે 'તમે દિવસના ૫૦ રૂપિયા તો પાનમાવામાં નાખી દો છો. આમ કરી તમે પૈસા અને સ્વાસ્થ્યનું નુકસાન કરો છો. આના કરતાં દિવસમાં કોઈ એકને પણ મદદરૂપ થઈ પડશો તો જે નશો ચડશે અને જે મોજ પડશે તેવી બીજે ક્યાંય નહીં મળે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment