Sunday, 3 January 2016

[amdavadis4ever] પોલીસ સ્ટેશનની એ ક યાદગાર મુલાકાત

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક વાર મારી સાઇકલ ખોવાઈ. સાઇકલનું અપહરણ થયું હોવાની મને શંકા ગઈ.

પોલીસને જાણ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નહોતો.

હું પોલીસચોકીએ ગયો. સામેની ખુરશીમાં ગણવેશમાં સજ્જ પોલીસ-અધિકારીને જોઈ ઘડીભર તો હું ગભરાઈ ગયો, પણ એમના ટેબલ પર 'મે આઇ હેલ્પ યુ?'નું પાટિયું જોઈ મારામાં થોડી હિંમત આવી. મેં કહ્યું, 'મારે આપની થોડી મદદ જોઈએ છે.'

'બોલો.' એમણે કાગળપેન હાથમાં લીધાં.

'સાહેબ! મારી સાઇકલ ખોવાઈ છે.' મેં ગરીબડા અવાજે કહ્યું.

'ખોવાઈ છે કે ચોરાઈ છે?'

'હું મોટા ચોક પાસે આવેલી લગ્નની વાડીના દરવાજે સાઇકલ ભૂલી આવ્યો હતો એટલે પ્રથમ દૃષ્ટિએ તો સાઇકલ ખોવાઈ છે એમ જ કહેવાય. પણ હવે સાઇકલ ત્યાં નથી એટલે ચોરાઈ જવાની આનુષંગિક ઘટના બની હોવાનો સંભવ પણ ગણાય. આમ છતાં, કશા આધાર વગર ચોરાઈ હોવાનું કહેવામાં ઔચિત્ય પણ ન ગણાય.'

'તમે શું કરો છો?'

'સંસ્કૃતનો પ્રોફેસર છું.'

'તમે ભલે સંસ્કૃતના પ્રોફેસર હો, પણ અહીં ગુજરાતીમાં બોલો. હં, તો સાઇકલ ક્યારે ખોવાઈ?'

'બે દિવસ પહેલાં.'

'બે દિવસ પહેલાં? ને ફરિયાદ કરવા છેક આજે આવ્યા?'

'સાહેબ! સાઇકલ ખોવાયા અંગેની સંપ્રજ્ઞતા પ્રાપ્ત કરતાં એટલે કે સાઇકલ ખોવાઈ છે એવું યાદ આવવામાં એક દિવસ ગયો ને એક દિવસ સાઇકલ શોધવામાં ગયો.'

'સાઇકલને તાળું માર્યું હતું?'

'ચાવી મારી પાસે છે એટલે તાળું માર્યું હશે એવું કહી શકાય. પણ તાળું માર્યા પહેલાં ચાવી સાઇકલમાંથી નીકળી શકે છે ખરી, એટલે તાળું માર્યાં પહેલાં જ ચાવી કાઢી લીધી હોય એ પણ શક્ય છે. આમ છતાં, શક્યાશક્યતાની દૃષ્ટિએ વિચાર કરીએ તો તાળું માર્યું હોવાની શક્યતા વિશેષ ગણાય.'

'તમે સહેલું બોલો ને ટૂંકું બોલો. કહો, સાઇકલનો ફ્રેમ નંબર શું છે?' આ સાંભળી હું એકદમ ગભરાઈ ગયો. સાઇકલની ફ્રેમ કોને કહેવાય એની જાણકારી મને સાઇકલ લીધા પછી દોઢેક વરસે મળેલી. સાઇકલની ફ્રેમનો કોઈ નંબર પણ હોય છે એવું મને પ્રશ્ર્ન પુછાયો તે ક્ષણ સુધી કશું જ્ઞાન નહોતું. મેં એકદમ ઢીલા પડી જઈ કહ્યું, 'સાહેબ! સાઇકલમાં ફ્રેમ નંબર આવે છે એની તો આપ કહો છો ત્યારે જ મને ખબર પડે છે.'

'સાઇકલ નવી લીધી હતી?'

'હા સાહેબ!'

'બિલ સાચવ્યું છે?' જે માણસ સાઇકલ સાચવી ન શક્યો એણે બિલ સાચવ્યું હોય એવી અપેક્ષા ચોક્કસ વધુપડતી હતી, પણ તે અંગે વિવરણાત્મક ભાષામાં વાત કરવામાં ઘણું જોખમ હતું એટલે મેં 'ના સાહેબ!' એટલું જ કહ્યું.

મારી પાસેથી માહિતી મેળવીને સાઇકલ શોધવાનો પ્રયત્ન કરવાનું નિરર્થક છે, ઊલટું મારા જવાબોને કારણે સાઇકલ શોધવાનું વધુ અઘરું બનશે એવું લાગતાં પોલીસ-અધિકારીએ વાત ટૂંકાવીને કહ્યું, 'ચાલો મારી સાથે'. આ સાંભળી હું એકદમ ગભરાઈ ગયો. સાઇકલ ખોઈ નાખનારને લૉકઅપમાં પૂરી દેવાનો નવો કાયદો અસ્તિત્વમાં નહિ આવ્યો હોયને એવી મને બીક લાગી. પણ એવું કશું બન્યું નહિ. એમણે કહ્યું, 'છેલ્લાં બે દિવસમાં પોલીસચોકીમાં આવેલી સાઇકલો સામે પડી છે તે તમે જોઈ લો. એમાં તમારી સાઇકલ હોય તો કહો. મોડી રાત સુધી રસ્તામાં પડી રહેલી સાઇકલો અહીં લાવવામાં આવી છે.'

સામે પચ્ચીસ-ત્રીસ સાઇકલો પડી હતી. એકસરખા પાંચ નળને જોઈને દમયંતી મૂંઝાઈ ગઈ હતી ત્યારે અહીં તો દમયંતી કરતાં અનેકગણા ઓછા ચતુર એવા માણસની સામે લગભગ એકસરખી દેખાતી પચીસ-ત્રીસ સાઇકલો હતી! મારી મૂંઝવણનો પાર ન રહ્યો. મેં કહ્યું, 'આમાં મારી સાઇકલ હોય એમ લાગતું નથી.'

'લાગતું નથી કે ખરેખર નથી?'

'ઘણું કરીને નથી છતાં નથી જ એમ પણ કહી શકવાની સ્થિતિમાં નથી. પણ હું બીજા કોઈની સાઇકલ પોલીસચોકીમાંથી ઉપાડી જાઉં એ ઠીક ન કહેવાય. તમારી કારકિર્દી પર પણ એથી પ્રતિકૂળ અસર થાય. એમ કરો; બીજાં બધાં પોતપોતાની સાઇકલ લઈ જાય ને એક સાઇકલ જો પડી રહે તો પછી એ મારી સાઇકલ જ છે એમ માનીને લઈ જઈશ. બે-ચાર દિવસ રાહ જોવામાં મને વાંધો નથી.' પોલીસ-અધિકારી ખરેખર મૂંઝાઈ ગયા હોય એવું એમના ચહેરા પરથી લાગતું હતું. એમની આટલાં વરસની નોકરી દરિમયાન જટિલ કેસો તો ઘણા આવ્યા હશે, પણ આવા ફરિયાદીનો સામનો કદાચ તેઓ પહેલી જ વાર કરી રહ્યા હતા! પણ તેઓ ઘણા ભલા હતા. એમણે કહ્યું, 'એમ કરો, તમે કાલે આવો. રાત્રિફરજ પરના કોઈ પોલીસે વાડીની આજુબાજુમાં ક્યાંય સાઇકલ મુકાવી હશે તો મળી જશે.' પછી હસીને કહ્યું, 'ત્યાં એક જ સાઇકલ હશે એટલે ઓળખવાનું સહેલું પડશે!'

બીજે દિવસે હું પોલીસચોકીએ ગયો. 

પેલા સાહેબે કહ્યું, 'આ જોશીભાઈએ એક સાઇકલ વાડીની સામે મુકાવી છે. તમે એમની સાથે જાવ.'

જોશીભાઈ સાઇકલ પર રવાના થયા. હું પેલા અધિકારી સમક્ષ કૃતજ્ઞતાની લાગણી લંબાણપૂર્વક પ્રગટ કરવા માગતો હતો, પણ તેઓ અંદર જતા રહ્યા એટલે હું લૂના પર બેસી જોશીભાઈની પાછળ-પાછળ મોટા ચોકમાં પહોંચ્યો. વાડીની સામેના ડેલામાં જોશીભાઈ મને લઈ ગયા. અંદર જઈને જોયું તો એક સાઇકલ પડી હતી : 'લાલ રંગનું સીટકવર,

બેબીસીટ... વાગતી નહોતી એવી ટોકરી... બસ આ જ... આ જ મારી સાઇકલ.' આત્માનો અવાજ સાંભળી મેં એ સાઇકલ મારી હોવાની સત્તાવાર જાહેરાત કરી. જોશીભાઈએ કહ્યું, 'તમે સાંજે પોલીસચોકીએ આવજો. કોઈ સાક્ષીને લેતા આવજો.'

સાંજે અમારા પડોશીને લૂના પર બેસાડી હું પોલીસચોકીએ ગયો. જરૂરી લખાણ કરી આપી મેં સાઇકલનો કબજો સંભાળ્યો. આ પછી અમારા પડોશીને મેં કહ્યું, 'તમે સાઇકલ લઈને ઘેર જાઓ. હું લૂના પર આવું છું.' પડોશી સાઇકલ લઈને રવાના થયા. પેલા અધિકારી, જોશીભાઈ અને અન્ય પોલીસોનો આભાર માની હું પોલીસચોકીની બહાર આવ્યો... પણ... પણ... એટલી વારમાં કોઈ મારું લૂના ઉપાડી ગયું હતું! :((

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment