Saturday, 2 April 2016

[amdavadis4ever] ભેજામાં નહીં , ગોળીને જ ગ ોળી મારો... હકીકતની આ કડ વી ગોળી આપણે જેટલી જલદી ગળી લઈએ એટલુ ં વધુ સારું!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમે બંદૂકની ગોળીની નહીં દવાની ટીકડીઓની વાત કરી રહ્યાં છીએ. આતંકવાદીઓની ગોળીઓ તો આપણને મારશે કે નહીં એની ખબર નથી પણ એ પહેલાં જ આપણે ગોળીઓ ગળી-ગળીને આપણી જાતને મારી રહ્યા છીએ. વેલ, અમારી વાત તમને અતિશયોક્તિભરી લાગે છે? તો સાંભળો, આ જાન્યુઆરી મહિનામાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન-એફડીએ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે નોન-એસ્પરિન નોનસ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ લેનારાઓને હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાની સંભાવના બહુ વધારે છે.

નોન-એસ્પરિન નોનસ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ જેવું અટપટું મેડિકલ નામ સાંભળીને તમને એવું લાગતું હોય કે આવી કોઈ દવાઓની અમને ખબર નથી કે અમે આવી કોઈ દવા ખાતા નથી તો કહી દઈએ કે એફડીએ પેઇનકીલર્સની વાત કરી રહ્યું છે. સાંધાના દુખાવા, માસિક ધર્મ વખતે થતો પેટનો દુખાવો, માથું દુખતું હોય કે શરીરમાં કળતર થતું હોય કે પછી તાવ આવ્યો હોય કે આવી અન્ય કોઈ નાની-મોટી તકલીફોમાં આપણને ડોક્ટરો જે દવાઓ લખી આપે છે અને મોટાભાગે તો આપણે જાતે જ કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વિના કેમિસ્ટ પાસે જઈને જે દર્દશામક દવાઓ ખરીદી લાવીએ છીએ એને કારણે હૃદયરોગનો હુમલો, શ્ર્વાસોચ્છવાસની તકલીફ થવી, ગભરામણ અને સ્ટ્રોક આવવાની સંભાવના બહુ જ વધુ છે એવું અમેરિકાના એફડીએ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને એની સત્તાવાર વેબસાઈટ પર પણ એ મૂકવામાં આવ્યું છે.

ઘણાં લોકો તો ચણા-મમરા ફાકતા હોય એમ આવી ગોળીઓ ગળતા રહેતા હોય છે. ઘણી સ્ત્રીઓના પર્સમાં આવી દવાઓના ઢગલાબંધ પત્તાં મળી આવે છે. જરાક અમથી પણ શારીરિક તકલીફ થાય તો આપણે પટ્ દઈને એકાદ ગોળી ગળી લેતા હોઈએ છીએ. ઘણા ખરા ડોક્ટરોને જો રાતે કે કસમયે કોઈ દર્દીનો ફોન આવે અને તે કોઈ શારીરિક તકલીફની ફરિયાદ કરે તો તેઓ આવી એકાદ દવા લખાવીને કહી દે છે કે આ બે ગોળીઓ ગળી જજો. પછી કાલે મને આવીને મળજો. બિચારો દર્દી સીધો કેમિસ્ટ પાસે જઈને આવી ટીકડીઓ લઈ આવે છે અને ગળી જાય છે. અમુક અપવાદ બાદ કરતા મોટા ભાગે તો આ દવાઓનું સૂચન કરનારા ડોક્ટરો એટલા અભણ હોય છે કે એમબીબીએસ કે એમડી થઈ ગયા પછી ધીકતી કમાણી કરવામાં વ્યસ્ત થઈ ગયા હોવાથી આ દવાઓની આડઅસરો વિશે બિચારા તેઓ પોતે જ અજાણ હોય છે. 

અમેરિકાની એફડીએ દ્વારા કબૂલ કરવામાં આવ્યું છે કે આ દવાઓ મતલબ કે મોટાભાગની પેઇનકીલર્સ વિશે ૨૦૦૫ની સાલથી જ એ વાત ધ્યાનમાં આવવા માંડી છે કે આ દવાઓ જોખમી પુરવાર થઈ શકે છે. ૨૦૧૪ની સાલમાં એફડીએની એક સમિતિ દ્વારા આ બધી દવાઓ પર ચર્ચા વિચારણા થઈ છે. આ દવાઓ પર થયેલા વિવિધ અભ્યાસ બાદ એફડીએના ધ્યાનમાં આવ્યું છે કે આવી એનએસએઆઈડી, જેને આપણે સાદી ભાષામાં પેઇનકીલર્સ કહીશું ,એ દવા શરૂ કર્યા બાદના એક જ અઠવાડિયામાં હાર્ટ એટેક કે સ્ટ્રોક આવવાનું જોખમ વધારે હોય છે. જો આ દવાઓનો લાંબો સમય ઉપયોગ કરવામાં આવે તો આ જોખમ અનેકગણું વધી જાય છે. જો આ દવાઓ લાંબા સમય સુધી અને વધુ માત્રામાં લેવામાં આવે તો કોઈ ગુંડા કે આતંકવાદીની ગોળીની આપણને જરૂરત જ ન રહે એટલી હદે આ ગોળી આપણા દિલ પર વાર કરે છે.

એફડીએને પહેલાં એવું લાગ્યું હતું કે કદાચ અમુક જ પેઇનકીલર્સ કે દવાઓથી આવું થતું હશે પણ તેમની પાસે જે માહિતી આવવા માંડી છે એના પરથી તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચી રહ્યા છે કે કેટલીક દવાઓ દુખાવામાં ઓછી કે વધુ રાહત આપતી હશે પણ નુકસાન કરવામાં તો એકસરખો જ ફાળો આપે છે. એફડીએનું અ સરક્યુલર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે એનએસએઆઈડી દવાઓ એવી વ્યક્તિઓ માટે પણ હૃદયરોગનો હુમલો લાવી શકે છે જેમને અગાઉ હૃદયના કોઈ રોગ થયા ન હોય કે પછી એની જીવનશૈલી અથવા શરીરની સ્થિતિ એવી ન હોય કે તેને હૃદયરોગનો હુમલો આવી શકે. મતલબ તમને બાકી કોઈ બીમારી ન હોય, તમારું હૃદય સ્વસ્થ હોય તો પણ આવી ગોળીઓ તમારા માટે વણનોતર્યા મહેમાન હાર્ટ એટેકને સાથે લઈને આવી શકે છે. કઈ દવાથી કેટલું જોખમ છે એ અંગે અનેક અભ્યાસ થયા છે પણ આ બધા અભ્યાસનું એક તારણ તો છે જે કે વધતા-ઓછા અંશે પણ આ દવાઓ તમારા દિલ માટે જોખમકારક પુરવાર થઈ જ શકે છે.

એફડીએ એવી પણ ચેતવણી ઉચ્ચારે છે કે જેમને પહેલાં જ હૃદય સંબંધિત રોગ હોય તેમના માટે તો આ ગોળી વધુ ખતરનાક પુરવાર થઈ શકે છે.

આમાં સૌથી કરુણ વાત તો એ છે કે ઘણા દર્દીઓને જ્યારે હાર્ટ-એટેક આવે છે ત્યારે એનએસએઆઈડી દવાઓ જ આપવામાં આવે છે. જેમને હાર્ટ-એટેક આવ્યા બાદ આવી દવાઓ ગળાવવામાં આવી હોય એવા દર્દીઓ આ દવા શરૂ કર્યાના એક જ વર્ષમાં સ્વર્ગવાસી થઈ ગયા હોય એવું જાણવા મળ્યું છે. આની સરખામણીમાં જેમને હાર્ટ-એટેક બાદ આવી દવાઓ ખવડાવવામાં નથી આવી તેઓ જીવી ગયા હોય એવા કિસ્સાઓ વધુ છે.

એફડીએ દ્વારા કરવામાં આવેલા આ જાહેર નિવેદનના અંતમાં ફરી એકવાર ઠોકીબજાવીને કહેવામાં આવ્યું છે કે આ દવાઓ ખાવાથી તમારું દિલ બેસી જઈ શકે છે.

આપણે ત્યાં તો ગાડરિયો પ્રવાહ છે કે અમેરિકા જે કરે એ બધું બરાબર અને આપણે આંખ મીંચીને એને અનુસરીએ છીએ. પશ્ર્ચિમના દેશોની પાછળ-પાછળ આપણે પણ ધડાધડ ગોળીઓ (દવાની ટીકડીઓ, ધેટ્ ઇઝ) ખાવા માંડ્યા હતા અને હવે તેમને અક્કલ આવી કે પછી ગમે તે કારણ હોય આપણી સરકારને ય ભાન થયું કે આવી ગોળીઓ ન ખવાય. સરકારનું સ્વાસ્થ્ય મંત્રાલય ઊંઘમાંથી જાગ્યું અને આવી ૩૦૦ પ્રકારની દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો. સ્વાભાવિક છે કે આને કારણે દવાઓ ઉત્પાદન કરનારી કંપનીઓનો ગરાસ લૂંટાઈ ગયો. માર્ચની ૧૦ તારીખે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પ્રતિબંધ જાહેર થયો એના દસ જ દિવસમાં તો આ દવાઓનું ઉત્પાદન કરનારી કંપનીઓ દ્વારા આ પ્રતિબંધને પડકારતી ૧૧૩ પિટિશન હાઈ કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી છે. જેમની દવાઓ પર પ્રતિબંધ આવી ગયો છે તેમાંની કેટલીક કંપનીઓને તો કોર્ટે વચગાળાની રાહત આપી દીધી છે મતલબ હવે લાંબા-લાંબા કાનૂની દાવપેચ ખેલાશે અને જ્યાં સુધી અદાલતનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી બેરોકટોક આ દવાઓનું વેચાણ ચાલુ રહેશે. જે દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેમાં હાં ભઈ હાં, સરદર્દ અને શરદી બન્ને પરેશાનીઓથી રાહત અપાવવાનો દાવો કરતી વિક્સ એક્શન ૫૦૦ કે ના રહે દર્દ ના રહે પીડા અને અંદરથી સિરદર્દનો ઈલાજ કરવાનો દાવો કરતી સેરિડોન, બંધ નાક, ગળાનું દર્દ, શિર દર્દ અને શરીરના દર્દમાં ચપટી વગાડતાંમાં રાહત આપવાનું ગાઈ-વગાડીને કહેતા ડી કોલ્ડ ટોટલનો પણ સમાવેશ થયો હતો પણ આ કંપનીઓ કોર્ટ પાસે દોડી ગઈ. તેમણે કોર્ટ પાસે કરગરતા કહ્યું, માઈબાપ, રહેમ કરો, રહેમ કરો. અમારા બાળબચ્ચાં ભૂખે મરી જશે (અથવા બિચારા સ્વિત્ઝરલેન્ડ ફરવા નહીં જઈ શકે કે પછી વિદેશની યુનિવર્સિટીઓમાં ભણી નહીં શકે) 

અને સરકારે તો અમને અમારી વાત કહેવાનો મોકો આપ્યા વિના જ આ પ્રતિબંધ ઠોકી બેસાડ્યો છે. કોર્ટે પણ આ બિચારાઓની વાત તરત જ કાને ધરી અને કોર્ટમાં ધૂળ ખાતા પડેલા અસંખ્ય કેસ પરની સુનાવણી બાજુ પર મૂકીને પહેલા આ ફાર્માસ્યુટિકલ કંપનીઓની પિટિશન દાખલ કરીને તેમના પરનો પ્રતિબંધ તત્પૂરતો ઉપાડી લીધો છે.

શક્ય છે કે આ કંપનીઓ મોટી-મોટી ફી ચૂકવીને પ્રતિષ્ઠિત અને બાહોશ વકીલો રોકશે. લાંબી-લાંબી દલીલો ચાલશે. તારીખ પે તારીખ થશે અને સંભવ છે કે જો આ દવાઓ ખરેખર જોખમી હોય તો અત્યાર સુધી જેમને નુકસાન પહોંચાડી ચૂકી હશે એમાં વધારો થશે અને તેમની તિજોરીઓમાં પણ નાણાંનો ઉમેરો થશે.

આ બધી દર્દશામક ટીકડીઓ દર્દમાં રાહત આપે કે ન આપે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે એવું તબીબી જગતના ડાહ્યા લોકો તો ઘણા વખતથી કહેતા રહ્યા છે. એનએસએઆઈડી અને આપણે જે દવાઓ વગર વિચાર્યે પટાપટ ગળી જતા હોય છે એ બધી કેવી અને કેટલી હદે હાનિકારક છે અને કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ અમુક ડોક્ટરો સાથે મળીને તમારા અને મારા સ્વાસ્થ્યના ભોગે આપણને શું-શું ખવડાવતા હોય છે એની વાત...
અમારા એક પરિચિત વડીલ બે-ત્રણ મહિના ન્યુ જર્સીમાં તેમની દીકરીના ઘરે રહેવા ગયા હતા. ત્યાં તેમને દાંતનો દુખાવો ઉપડ્યો. જૂના વખતના માણસ એટલે વિચાર્યું કે અહીં ડેન્ટલ ટ્રીટમેન્ટના આટલા બધા પૈસા ખર્ચવા અને દીકરીના માથે આર્થિક બોજ નાખવો એના કરતા પેઇનકિલર લઈને ચલાવી લઈશું. તેમણે ગોળીઓ ગળીને ચલાવ્યું અને તેમનો દાંતનો દુખાવો તો કાબૂમાં રહ્યો પણ ભારત પાછા ફર્યા ત્યારે તેમને ખબર પડી કે તેઓ પોતાની બંને કિડનીઓ ગુમાવી બેઠા છે. આ તેમણે ગળેલી પેઇનકિલર્સનો કમાલ હતો!

અમેરિકાના એફડીએ વિભાગે દર્દશામક દવાઓ વિશે ચેતવણી ઉચ્ચારી અને એના પછી હિંદુસ્તાનમાં પણ ૩૪૪ બ્રાન્ડ પર પ્રતિબંધ આવી ગયો એની વાત આપણે ગયા વખતે કરી રહ્યા હતા. આપણે ત્યાં જે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ છે અને એમાંની કેટલીક જે પ્રકારની દવાઓ વેચે છે જે આપણે વખાંના માર્યા કે ડોક્ટરના દોરવ્યા અથવા આપણી બેવકૂફીને કારણે ગળતા રહીએ છીએ એ કેટલી હાનિકારક છે એનો આપણને અંદાજ પણ નથી. આપણો એકમાત્ર એવો દેશ છે જ્યાં એક લાખ બ્રાન્ડની દવાઓ વેચાય છે! આ આંકડો કોઈના દિમાગની પેદાશ નથી પણ ખુદ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિયેશનના ઉપાધ્યક્ષ અને કમ્યુનિટી ફાર્મસી ડિવિઝનના અધ્યક્ષ તેમ જ ફાર્મસી કોલેજના ઉપ આચાર્ય મંજરી ઘરત કહે છે.

આ વિષયની કેટલીક ટેક્નિકલ બાબતો પણ એટલી જ જાણવા યોગ્ય છે, પણ એની વાત પછી. અત્યારે તો દવાનું ઉત્પાદન કરનારી કંપનીઓ અને તબીબી જગતના કેટલાક લોકો આપણા આરોગ્યના ભોગે કેવી-કેવી દવાઓ ખવડાવે છે અને એનાં પરિણામ કેટલા ઘાતક હોઈ શકે એની વાત કરીએ.

આજે દર ત્રીજી વ્યક્તિને એસિડિટીની તકલીફ હોય છે. આવામાં ઘણા લોકો એન્ટા-ઓસિડ ગોળીઓ ચગળવા માંડે છે અથવા સિરપની બાટલી ગટગટાવે છે. પરંતુ આ એન્ટા-એસિડ જે તમને પેટની બળતરા કે ખાટા ઓડકાર જેવી સમસ્યાઓમાંથી મિનિટોમાં રાહત આપવાની વાત કરે છે એ શરીરને કેટલી હદે નુકસાન કરી શકે છે એનો આપણને અંદાજ પણ નથી. ડો. ભાવના ઘેસોટિયા કહે છે આપણા શરીરમાં ભોજન પચાવવા માટે અમુક માત્રામાં એસિડ જરૂરી છે પણ આ દવાઓ આપણે વારે-તહેવારે ગટગટાવવાતા રહીએ તો એસિડનું ઉત્પાદન ઘટવા માંડે છે. આવી એન્ટા-એસિડ નિયમિત કે પછી સમજદાર ડોક્ટરની સલાહ વિના જો લીધા કરીએ તો જેને પેટની પેરીસ્ટૈલ્સિસ મૂવમેન્ટ કહે છે એના પર અસર થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ભોજન પચી ગયા પછી મળ નીચેની તરફ ધકેલવા માટે આંતરડામાં આકુંચન અને શિથિલ થવાની પ્રક્રિયા થાય છે જે સમુદ્રમાં મોજાંના આવનજાવન પ્રકારની હોય છે. એન્ટા-એસિડ ઢિચ્યે રાખવાથી આંતરડાંના આ હલનચલન પર અસર થાય છે. જેના પરિણામે કબજિયાત થવા માંડે છે અને કબિજયાત પોતે જ અનેક રોગનું મૂળ છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. કેમિસ્ટને ત્યાં આસાનીથી મળતી સફેદ-ગુલાબી રંગની ગોળીઓ કે સિરપ આપણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે એની સમજણ ન તો આપણને ડોક્ટરો કે ન તો કેમિસ્ટ આપે છે અને આને આપણે નિર્દોષ દવાઓ સમજી ખાતા રહીએ છીએ. એક જાણીતી હોસ્પિટલ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ ડોક્ટર તો એટલી હદ સુધી કહે છે કે લાંબા સમય સુધી આવી એન્ટા-એસિડ દવાઓ ખાધા રાખવાથી વ્યક્તિની વિચારશક્તિને અસર થાય છે એટલું જ નહીં પણ ડિમનેશિયા જેવો રોગ પણ થઈ શકે છે. ડિમનેશિયાને સાદા શબ્દોમાં કહીએ તો મગજનું સંકોચાતા જવું. જેના અનેક લક્ષણો છે અને એમાંનું એક લક્ષણ છે યાદદાસ્ત ઓછી થતી જવી અથવા એકની એક વાત રિપીટ કર્યા કરવી. મેડિકલ જરનલમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસ મુજબ તો એન્ટા-એસિડના આડેધડ ઉપયોગને કિડની પર અસર થવા સાથે પણ સીધો સંબંધ છે. 

કેટલાક લોકો વળી કબજિયાતથી પરેશાન હોય તો જીવનશૈલીમાં કે ખાવા-પીવામાં સંયમ રાખવાને બદલે પાચક ગોળીઓ ખાતા રહે છે. જુદા-જુદા પ્રકારના જુલાબ અને જુલાબની ગોળીઓ દુકાનોમાં આસાનીથી ઉપલબ્ધ હોય છે. પેટ ફાટી જાય એટલું આડેધડ ખાઓ અને પછી જુલાબની ગોળી લો એટલે પત્યું એવી તેમની થિયરી હોય છે. વારંવાર જ્યારે આવી દવાઓ પેટમાં ઠલવાયા કરે છે ત્યારે આતંરડા પ્રાકૃતિક રીતે કામ કરવાનું બંધ કરી દે છે અને પરિણામે આપણે અનેક બીમારીઓને ફક્ત આમંત્રણ જ નહીં પણ કાયમી વસવાટ કરવાનું કારણ આપી દઈએ છીએ. 

પેઇનકિલર્સની વાત તો આપણે ગયા અઠવાડિયે કરી જ ચૂક્યા છીએ પણ આ દર્દશામક દવાઓથી એસિડિટી, અલ્સર, કિડની અને લિવર પર અસર થવી, હૃદયરોગનું જોખમ, મગજને અસર થવી વગેરે અનેક આડઅસરો થઈ શકે છે. આમાં તાવ આવે ત્યારે જે પેરાસિટામોલ કે શરદી-તાવમાં અથવા જરાક પણ કમર કે પગ દુખે તો આપણે પટ્ દઈને ગળી જતા હોઈએ છીએ એ દવાનો પણ સમાવેશ થાય છે.

એન્ટા-એસિડ, પેઇન-કીલર્સ કે જુલાબની જેમ જ લોકો ટ્રાન્કિવલાઇઝર્સ એટલે કે ઊંઘ આવવા માટેની દવાઓ ખાતા રહે છે. તનાવપૂર્ણ જીવન જીવતા લોકો માટે અનિદ્રાની ફરિયાદ બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે. આ સ્લીપિંગ પિલ્સની આડઅસર કેટલી ભયાનક છે એનો આપણને ખ્યાલ પણ નથી. ગ્લોબલ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. અગ્રવાલે એક જગ્યાએ કહ્યું હતું કે સામાન્ય રીતે વ્યક્તિ એક ગોળીથી શરૂ કરે છે પણ પછી ધીમે-ધીમે તેઓ એટલા બંધાણી થઈ જાય છે કે એક ગોળીથી તેમને ઊંઘ નથી આવતી અને તેઓ બે, ત્રણ કે ચાર ગોળી સુધી પહોંચી જાય છે. ડો. ભાવના ઘેસાટિયા કહે છે કે મારો એક ૩૩ વર્ષનો પેશન્ટ ૪ વર્ષથી સ્લીપિંગ પિલ્સ લે છે. આ ગોળીઓની અસર માણસની નિર્ણય લઈ શકવાની શક્તિ પર પડે છે એટલું જ નહીં આ દવાઓને કારણે ભૂખ બહુ લાગે છે અને વજન વધવા માંડે છે. ઊંઘ આવવા માટે આપણે જે દવાઓ ગળીએ છીએ એની અસર સ્મરણશક્તિ પર તેમ જ મગજની કાર્યપ્રણાલી પર પડે છે કારણ કે મગજમાં પણ લહેરો આવતી હોય છે એની ગતિ મંદ પડી જાય છે. અન્ય એક જાણીતી હોસ્પિટલ સાથે સંકળાયેલા ડોક્ટર બાલાની તો એટલી હદ સુધી કહે છે કે લાંબા સમય સુધી આવી દવાઓ લેવાથી શરીરમાં ધ્રુજારી, શારીરિક અસ્થિરતા, શરીરના અવયવો અને મગજ સાથે કોર્ડિનેશનનો અભાવ તેમ જ ચક્કર આવવા, જીભના લોચા વળવા જેવી તકલીફો સર્જાઈ શકે છે.

કફ સિરપને આપણે નિર્દોષ દવા ગણીએ છીએ પણ એ નિર્દોષ નથી એવું ડો. ભાવના ઘેસાટિયા ભારપૂર્વક કહે છે. કફ સિરપમાં હળવી માત્રામાં કેફિન હોય છે. ખાસ કરીને આધુનિક માતાઓ બાળકોને ઉધરસ આવે તો કફ સિરપ પીવડાવીને ઉંઘાડી દેતી હોય છે પણ આ કફ સિરપની અસર બાળકોના કુમળા મગજ પર કરે છે. કફ સિરપના પણ બંધાણી થઈ જવાય છે અને ગુજરાતમાં તો દારૂબંધી હોવાને કારણે કેટલાક લોકો દારૂને બદલે નિયમિત કફ સિરપ પીધે રાખે છે. વારંવાર કફ સિરપ લેવામાં આવે તો કેટલાક કિસ્સાઓમાં હાઇ બ્લડપ્રેશર અને મગજમાં રક્તસ્રાવ થવા જેવી બીમારીઓ અને અમુક વખતે હાર્ટ-એટેક પણ આવી શકે છે એવું ડોક્ટરો કહે છે.

એન્ટિ-બાયોટિક્સ પણ છૂટથી આપનારા ડોક્ટરોની કમી નથી અને કેટલાક દોઢ ડાહ્યાઓ ડોક્ટરને ફી ચૂકવવી ન પડે અથવા તેમની પાસે જવાની આળસને કારણે જૂના પ્રિસ્ક્રિપ્સનના આધારે સ્વ ઇલાજ કરતા રહે છે. આ રીતે એન્ટિબાયોટિક્સ લેવાનું સૌથી પહેલું નુકસાન તો એ છે કે એક સમય બાદ આ દવાઓની જે અસર થવી જોઈએ એ થતી જ નથી. હા, આડઅસર જરૂર થાય છે. ઘણા વાચકો એ વાતથી અજાણ હોય છે કે જુલાબ થઈ ગયા હોય ત્યારે આપણે જે ગોળી કેમિસ્ટ પાસેથી જાતે જ લાવીને ગળી જતા હોઈએ છીએ એનો પણ આમાં જ સમાવેશ થાય છે. આવી આડેધડ લીધેલી એન્ટિબાયોટિક્સથી વ્યક્તિ પોતાની શ્રવણશક્તિ એટલે કે સાંભળવાની શક્તિ ગુમાવી બેસે છે એવી ચેતવણી ડોક્ટર ઉચ્ચારે છે.

આટલું સમજી લીધા પછી સ્વાભાવિકપણે જ પ્રશ્ર્ન ઉપસ્થિત થાય કે તો પછી બીમાર પડીએ તો કરવાનું શું? દવાઓ તો લેવી જ પડેને? આનો જવાબ છે ના અને હા. 

સૌથી પહેલાં તો આપણા શરીરની જવાબદારી આપણે જ લેવાની અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના ભરોસે નહીં રાખવાની. આપણી જીવનશૈલી એવી રીતે ગોઠવવાની કે બીમારીને પ્રવેશવાની બહુ જગ્યા જ ન રહે. આધુનિક બીમારીઓનું સૌથી મોટું કારણ છે માનસિક તનાવ. એમાંથી મુક્ત રહેવા માટેના શક્ય એ સાધનો કરવાના. શરીરને નિરોગી રાખવા માટે યોગાસન કે વ્યાયામનો કોઈ પર્યાય નથી. તનાવ પછીનું બીજું સૌથી મોટું કારણ છે જીભ. જીભને ખુશ રાખવા માટે આપણે ગમે તે પેટમાં ઓરતા રહીએ છીએ અને બીમારીનું ઘર થઈ જઈએ છીએ. સૌથી મોટી અને મહત્વની ચાવી છે ચિંતાઓને આપણા અસ્તિત્વમાંથી તડીપાર કરીને મસ્ત થઈને જીવવાનું. આમ છતાંય કોઈક કારણોસર જેવા કે પ્રદૂષણ અથવા ખાવા-પીવામાં આવતા રસાયણોને કારણે બીમારી આવી જ પડે તો શક્ય હોય ત્યાં સુધી એલોપેથીને બદલે આયુર્વેદ કે હોમિયોપથીના આશ્રયમાં જવું. ઇમર્જન્સી હોય એ સ્થિતિમાં ઉપર વર્ણવેલી દવાઓ લેવી જ પડે તો કોઈ સમજદાર ડોક્ટરના હાથ નીચે સારવાર લેવી અને શક્ય એટલી ઓછી દવાઓ ગળવી. સૌથી મહત્વની વાત કે પોતાની જાતે તો દવાઓ લેવી જ નહીં. ધાર્મિક સહિષ્ણુતા હોય કે ન હોય, તમે હિન્દુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ કોઈ પણ હો શારીરિક વેદનાઓ પ્રત્યે થોડા સહિષ્ણુ થવું એટલે કે સહનશીલ બનવું. જરાક અમથા દરદમાં એલોપેથી દવાઓ તો ન જ ગળવા માંડવી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment