Tuesday, 5 April 2016

[amdavadis4ever] કૂંચી ફરે, તાળાં ખૂલ ે ને શબ્દન ું ઘર ઉઘડે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પેલા બે-ચાર પ્રચલિત શબ્દો જેના ડિક્શનરી મીનિંગ્સ સાવ જુદા જ છે તે શબ્દો વિશે ફરી એક વાર વાત કરી લઉં. 'આગ્રાના તાજમહાલ જેવી ખખડધજ ઈમારત દુનિયામાં મેં બીજે ક્યાંય જોઈ નથી.' સ્કૂલમાં ગુજરાતીના શિક્ષક 'ખખડધજ' શબ્દ વાપરીને એક વાક્ય બનાવી લાવવાનું કહે અને તમારો દીકરો આવું વાક્ય લખીને આવે તો શિક્ષકે એને કેટલા માર્ક્સ આપવા જોઈએ?

પૂરેપૂરા. શરત એટલી કે શિક્ષકે 'સાર્થ ગુજરાતી જોડણીકોશ' સાથે પરિચય કેળવ્યો હોવો જોઈએ. જોડણીકોશ મુજબ ખખડધજનો પ્રથમ અર્થ: (ખાસ કરીને વૃદ્ધ છતાં) મજબૂત બાંધાનું અને બીજો અર્થ: દમામદાર, ભવ્ય.

શબ્દોની દુનિયા ગજબની છે. કેટલાક શબ્દો એના સાચા અર્થમાં વપરાઈ વપરાઈને એટલા ઝાંખા થઈ ગયા છે કે હવે એ શબ્દ સાંભળીએ કે વાંચીએ ત્યારે એના અર્થ સાથે સંકળાયેલું એક પણ સંવેદન આપણા હૃદય સુધી પહોંચતું નથી. છાપામાં કોઈ 'ગોઝારી ઘટના' કે 'ક્રૂર હત્યા' વિશે વાંચીએ છીએ ત્યારે આપણું 'રૂંવાડુંય ફરકતું નથી' અને મુંબઈમાં 'મૂશળધાર વરસાદ' પડે કે દેશમાં 'બારે મેઘ ખાંગા' થાય ત્યારે 'હૈયું પુલકિત થતું નથી. એટલે જ હસમુખ ગાંધી આવા શબ્દોને પોતાનાં લખાણોમાંથી, પોતાના છાપામાંથી દૂર રાખતા. એ કહેતા કે હત્યા તો ક્રૂર જ હોય ને, પછી ક્રૂર વિશેષણની શું જરૂર છે. હત્યા કોઈ દિવસ મઝાની થોડી હોય! ટ્રેન, પ્લેન કે માર્ગ અકસ્માતની આગળ ગંભીર કે ગોઝારો ન લખાય કારણ કે આવા એક્સિડન્ટો ક્યારેય સુખદ હોય એવું બને?'

શબ્દો વિશેની અને શબ્દકોશો વિશેની આ બધી માહિતીઓની પ્રાપ્તિથી જો તમને સંતોષ થયો હોય તો ભવિષ્યમાં તમે જ્યારે આપના વિશ્ર્વાસુને મળો ત્યારે કહેતા નહીં કે 'તમને મળીને અમે તો અભિભૂત થઈ ગયા!' અભિભૂતને અત્યાર સુધી ભાવવિભોરના અર્થમાં વાપરનારાઓ માટે જાણકારી કે સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ અભિભૂતના માત્ર બે જ અર્થ છે: (૧) હારેલું, (૨) અપમાનિત. હવે તમારે નક્કી કરવાનું કે તમારે કોને મળીને અભિભૂત થઈ જવું છે.

સોશ્યલ મીડિયામાં, ખાસ કરીને ફેસબુક પર નકરી મવાલીગીરીમાં માનતા રાઉડી મિજાજના જે એક ટકો જેટલા ફેસબુકિયાઓ ફૂટી નીકળ્યા છે તે સિવાયના સોશ્યલ મીડિયાના તમામ વપરાશકારો મારા માટે પનોતી સમાન છે. ના, ખોટું નહીં લગાડવાનું. પનોતીનો અર્થ જોડણીકોશમાં જોશો તો સમજાશે કે પનોતું એટલે શુભ અને મંગળકારી તેમ જ પનોતી એટલે ભાગ્યશાળી સ્ત્રી, જેનું એકે છોકરું મરી નથી ગયું એવી સ્ત્રી.

વાચકોના પ્રેમને જાળવી રાખવાનું કારણ એટલું જ કે મારે બિસમાર નથી બની જવું. બિસમાર એટલે ભાંગ્યુંતૂટ્યું એવું તમે માનતા હતા? બિસમાર એટલે વિસ્મૃત, વિસારી મૂકેલું. અને હા, એક ખાસ રિક્વેસ્ટ તમને કરવાની. ક્યારેય તમારા મિત્રને ઘરે આવવાનું આમંત્રણ આપો ત્યારે સાહિત્યિક ભાષા બોલવાના ઉત્સાહમાં કહેતા નહીં કે, 'તમે સપત્ની આવજો અમારે ત્યાં.' સાર્થ ગુજરાતી જોડણીકોશ કહે છે કે સપત્ની એટલે શોક્ય અથવા પતિની બીજી પત્ની! પત્નીની સાથે આવજો એવું કહેવું હોય તો બોલવાનું કે સપત્નીક આવજો. આ પૂંછો લગાડેલો 'ક' 'જિંદગીમાં બહુ મોટો ડિફરન્સ લાવી શકે એમ છે.'

ડિક્શનરીઓની દુનિયામાં વધુ ઊંડા ઊતરીએ. ગુજરાત વિદ્યાપીઠે પચાસ-સો પાનાંની સાવ નાના કદનાં પાનાંની પુસ્તિકારૂપે ખાસ વિષ્ાયોની પરિભાષાના શબ્દકોશો પ્રગટ કર્યા છે. દાખલા તરીકે: ગણિતની પરિભાષા, અર્થશાસ્ત્રની પરિભાષા, વિજ્ઞાનની પરિભાષા, વનસ્પતિશાસ્ત્રની પરિભાષા, સાહિત્યની પરિભાષા, યૂફેમિઝમ - શબ્દનો અર્થ શોધવા મોટી ડિક્શનરીનાં પાનાં ન ઉથલાવવાં હોય તમારે ડૉ. ઉપેન્દ્ર ર. ભટ્ટ સંપાદિત 'સાહિત્યની પરિભાષા'નું ૨૮મું પાનું ખોલીને જાણી લેવાનું કે એ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય: માટૂક્તિ અર્થાત્ કઠોર-કડવી હકીકત કોમળ કે મીઠા શબ્દોમાં કહેવી તે. ડૉક્ટરની સલાહથી તમારે સવારે સેવ-મમરાથી અને બપોરે ખાખરા-મગથી અને રાત્રે કાકડી-ગાજરના સલાડથી ચલાવી લેવું પડે એમ હોય તો તમે યુફેમિસ્ટિકલી કહી શકો કે હવે મહિના સુધી આ જ મારાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર છે!

બૅરિસ્ટર ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (૧૮૫૭ - ૧૯૩૮) રચેલો 'પૌરાણિક કથાકોશ' ૧૯૮૮માં બે ભાગમાં ફરી વાર પ્રગટ કરવામાં આવ્યો. ભારતનાં તમામ પૌરાણિક પાત્રોનાં નામ જે ૧૦,૦૦૦ કરતાં વધુ છે અને તેની સાથે જોડાયેલી કથાઓ, ઉપકથાઓ તમને કુલ છસો પાનાંના આ કોશમાંથી મળી રહે. પાત્રોનાં નામ ઉપરાંત પૌરાણિક સ્થળો તેમ જ સંદર્ભો પણ તમને આ કોશમાંથી મળે. દાખલા તરીકે 'સુયોધન' કોણ હતો? આ કોશ મુજબ દુર્યોધનનું બીજું નામ સુયોધન હતું કારણ કે યુધિષ્ઠિર દુર્યોધનને સુયોધન કહેતા.

યુધિષ્ઠિર જેવું જ કવિ હરીન્દ્ર દવેનું હોવું જોઈએ. સુરેશ દલાલે એક વખત હરીન્દ્રભાઈ વિશે કહેલું કે એ તો ક્યારેય કોઈનું ખરાબ ન બોલે અને એનું ચાલે તો બૅડમિંટનને પણ ગુડમિંટન કહે!

સુમિત્ર નામના ૧૩ પાત્રો પુરાણોમાં જાણીતાં છે. એક અભિમન્યુનો સારથિ હતો, બીજો દ્રુપદ રાજાનો પુત્ર હતો જેને સૌમિત્ર પણ કહેતા અને જયદ્રથે એની હત્યા કરેલી. આ ઉપરાંત શ્રીકૃષ્ણના જાંબુવતીની કૂખે થયેલા પુત્રનું નામ પણ સુમિત્ર હતું. બાકીના સુમિત્રોના પરિચય તમને કોશમાંથી મળી રહેશે.

પ્રાધ્યાપક ડૉ. જયંત કોઠારીએ 'મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ' પ્રગટ કર્યો છે જે એમણે પોતાના ગુરુવર્ય ભૃગુરાય અંજારિયાને અર્પણ કર્યો છે. બારમીથી ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધીના ગુજરાતી સાહિત્યનો જેમને અભ્યાસ કરવો હોય એમના માટે આ કોશ છે. દુલેરાય કારાણીએ એક નાનકડો પણ ખૂબ ઉપયોગી એવો 'કચ્છી-ગુજરાતી શબ્દકોશ' એકલા હાથે તૈયાર કર્યો છે જે ૧૯૮૨માં પુસ્તકરૂપે છપાયો. થોડાં અઠવાડિયાં પહેલાં આ કૉલમને અંતે જે લટકણિયાં મૂકું છું તેમાં નિયાણી જેવો કચ્છી શબ્દ છોકરીના અર્થમાં મૂક્યો ત્યારે કોઈએ ટકોર કરી હતી કે નિયાણી એટલે દીકરી. દુલેરાય કારાણીના કોશમાં નિયાણીનો પરફેક્ટ સ્પેલિંગ આપ્યો છે, યા ઉપર અનુસ્વાર નિયાંણી અને અર્થ છે બહેન કે દીકરી.

છેક ૧૮૯૮માં ભોગીભાઈ ભીખાભાઈ ગાંધીએ તૈયાર કરેલા અને અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રગટ કરેલા 'રૂઢિપ્રયોગ કોશ'ની અત્યંત ર્જીણશીર્ણ થઈ ગયેલી નકલ મારી પાસે છે જેની છાપેલી કિંમત પોણા બે રૂપિયા છે. તે જમાનામાં ૧ પછી ત્રણ વાર 'લાકડી' માત્રાની નિશાની મુકાતી - પોણા બે રૂપિયા લખવા માટે. અનેક નવા (એટલે કે આપણા માટે અપરિચિત થઈ ગયા હોય એટલા જૂના!) રૂઢિપ્રયોગો એમાં છે. કોઈ સ્નેહી-સગું જો જરૂરી પ્રસંગે પણ કામમાં ન આવે ત્યારે એને વિશે બોલતાં એમ કહેવાય કે, 'તો શું એ ઘસીને ગુમડે ચોપડવા કામ લાગવાનો છે?' બીજો એક રૂઢિપ્રયોગ છે: પેટ પેટલાદ જવું / પેટ પાટણ જવું. અર્થાત્ ભૂખ લાગવી. 'ના રે મહારાજ, એમ તે થાય. એટલામાં શું પેટ પાટણ જાય છે? આપણે બધાં જોડે બેસીશું.'

મોભાગ્ર બુદ્ધિ એટલે મોભના છેડા જેવી સ્થૂળ બુદ્ધિ, જડ બુદ્ધિ. એથી ઊલટું કુશાગ્ર બુદ્ધિ. મોભનો અર્થ તો તમે જાણો જ છો. કુશ એટલે એક જાતનું ઘાસ, દર્ભ જેની અણી, જેનો છેડો અતિ સૂક્ષ્મ કે તીણો હોય.

આ ઉપરાંત રતિલાલ સાં. નાયકે પણ 'રૂઢિપ્રયોગ કોશ' તથા 'કહેવત કોશ'નાં સંપાદનો કર્યાં છે. અરવિન્દ નર્મદાશંકર શાસ્ત્રીના 'બૃહદ્ કહેવત કથાસાગર'માં કહેવતો સાથે સંકળાયેલી વાર્તાઓ પણ છે.

શબ્દોની દુનિયા, એના અર્થનું જગત ફેસિનેટિંગ છે. ફિલ્મ જોવાની જેટલી મઝા આવે એટલી જ મઝા એના શૂટિંગને જોવામાં કે એના શૂટિંગનો અહેવાલ જોવા-વાંચવામાં ક્યારેક આવે. પણ ક્યારેક જ. બસ.

ગુજરાતીને, આપણી માતૃભાષાને ખૂબ વહાલ કરતા ઋષિકવિ રાજેન્દ્ર શુકલનો એક શેર મને ખૂબ ગમે છે:

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઉઘડે

કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઉઘડે

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment