Friday, 1 April 2016

[amdavadis4ever] પંખીઓની લાગણી ઓ સ્વરથી વ્યક ્ત થતી હોય છે , શબ્દોથી નહીં

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક વખત અમારા ઘરમાં ઢેલે ઈંડા મૂક્યાં હતાં. તે વખતે હું થોડા વખત માટે અમદાવાદ રહેવા ગયો હતો. અમદાવાદના ઘરમાં ટેરેસમાં મોર આવતા. એને દાણા ખવડાવવા ચણની બરણી ભરીને રાખતા. તમારી હથેળી ધરો તો એમાંથી પણ દાણા ખાય. ઘરમાં એક બાલકની સાથે ફ્લાવર બેડ હતું, જ્યાં ઢેલે ઈંડા મૂક્યાં હતાં. બચ્ચાં પણ જન્મ્યાં હતાં. એમની સગવડ માટે કાર્ડ બોર્ડનું એક બૉક્સ કાપીને ગોઠવી આપ્યું હતું, જેથી બચ્ચાં નીચે ન પડી જાય. પણ બચ્ચાં બહુ સતપતિયાં હતાં. વારે વારે બૉક્સમાંથી બહાર નીકળીને ફ્લાવર બેડની કિનારી સુધી પહોંચી જાય. ઉપાડીને પાછાં મૂકવાં પડે. એક દિવસ સવારે એ બચ્ચાંલોકની ગિનતી કરી તો ખબર પડી કે એક ફરાર હતું. હાંફળાંફાંફળાં થઈને નીચે ઊતરીને જોયું તો ગ્રાઉન્ડ ફલોર પર મઝેથી બેઠું હતું. નીચે બિલાડીઓ શિકાર કરી જાય. ઉપાડીને ઉપર લઈ આવ્યા. બીજા માળેથી પડ્યું છતાં બિલકુલ ઘાયલ થયું નહોતું. હજુ ઊડતાં તો નહોતું જ આવડતું. થોડા દિવસો થયા. મા-બચ્ચાં બધાં જ ગાયબ. ઊડીને ક્યાંક બીજે જતાં રહ્યાં હશે. માળો સૂનો થઈ ગયો.

કહેવાય છે કે મોર તમારા ઘરમાં ઈંડા મૂકે તે અપશુકનિયાળ કહેવાય. મોર એટલે કે ઢેલ. આવું કોઈએ કહ્યું હતું. આવા બધામાં માનતો નહોતો અને હજુ પણ નથી જ માનતો, પણ ઘરમાં ઢેલની સુવાવડ થઈ એ પછી મારા જીવનમાં એક ખૂબ મોટો અશુભ બનાવ બની ગયો. ઢેલે ઈંડા ન મૂક્યાં હોત તો એ બનાવ શું બન્યો હોત?

શહેરીજનો માટે પક્ષીઓની દુનિયા કાગડા- કબૂતર- ચકલીથી બહુ દૂર જતી નથી. જોકે, એક જમાનામાં મેં મુંબઈમાં પાર્લામાં ડઝનબંધ પોપટોનાં ટોળાં નિયમિત જોયાં છે. અમારે ત્યાં પવઈમાં કાબર પણ ઘણી. અહીં એક જંગલ પાર્ક નામે ગાર્ડન છે. અંદર પ્રવેશીને સેલ્ફી પાડીને મિત્રોને મોકલો તો એમ જ લાગે કે માથેરાન- મહાબળેશ્ર્વરથી ફોટો પાડીને મોકલ્યો છે એવું ગાઢ જંગલ. મુંબઈ જેવા શહેરમાં આવી કોઈ જગ્યા હોવી દુર્લભ છે. અમે સદ્ભાગી. ત્યાં દૂરબીન સાથે જાઓ તો સો કરતાં વધુ જાતનાં પંખીઓ, સિઝન પ્રમાણે, જોવા મળે એવું પવઈ વિશેની ડૉક્યુમેન્ટરી નૅશનલ જ્યોગ્રાફિક ચેનલ પર આવી ત્યારે સાંભળ્યું હતું. આંખ- કાન ખુલ્લાં રાખીને ફરીએ તો શહેરમાં પણ અનેક પંખી જોવા મળે. શહેર છોડીને બહાર ગયા પછી એક આખું નવું વિશ્ર્વ ખૂલી જાય.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફોટોગ્રાફર એલ. એમ. પોમલને આસાનીથી જોવા મળતાં દૃશ્યોની તસવીરો ખેંચવાને બદલે કષ્ટ વેઠીને દુર્લભ ફોટા પાડવાનો શોખ. શોખ શું, એ ક્ષેત્રમાં એમની માસ્ટરી. સુરખાબની તસવીરોએ એમને ખૂબ નામના અપાવી. ચાર ચાર દિવસ સુધી છાતી સમા કીચડમાં પ્રયાસ કરી, ધીરજ ધરીને બેસો ત્યારે સુરખાબનાં દર્શન થાય. પોમલસાહેબે ખેંચેલી એક તસવીરમાં બાળસુરખાબો માથું નીચું નાખીને ચાલતાં દેખાય છે. આગળનું મોટું સુરખાબ એમની નેતાગીરી કરે છે. વસાહતમાં બધાંઓને ખોરાક શોધવાની તાલીમ માટે એ કવાયત કરાવે છે. વચ્ચે બીજું એક સુરખાબ નીચેથી ખોરાક શોધવાને બદલે ચારે તરફ ડોક ફેરવી રહ્યું છે. આ એ ટોળાનો ચોકીદાર છે. સહેજ જોખમી હિલચાલ જણાય કે તરત જ એના ગળામાંથી ચેતવણી નીકળે..

સલીમ અલી, ધર્મકુમાર સિંહ, ખુશવંત સિંહ, વિજયગુપ્ત મૌર્ય આદિ પક્ષીશાસ્ત્રીઓએ આ વિષયને વધુ લોકો સુધી પહોંચાડ્યો. આ સૌએ પોતપોતાના જ્ઞાનની પરબ માંડતા, આ વિષય પર સ્વતંત્ર પુસ્તકો લખ્યાં. 'કુમાર'માં 'વનેચર'ના ઉપનામે હરિનારાયણ આચાર્ય પશુપક્ષીઓ વિશે લેખમાળા લખતા. છોટુભાઈ સુથાર આકાશદર્શન ઉપરાંત આ વિષયના પણ નિષ્ણાત હતા.

દૈયડ, શ્યામા, બુલબુલ, લેવાં, હરેવા, કાળિયોકોશી, દરજીડો, ભીમરાજ, ફૂલચકલી, સક્કરખોરો અને બિલબટેરથી માંડીને સારસ, બપૈયો, લક્કડખોદ, સુગરી, બતક, દશરથિયું, ઘુવડ, ગીધ, સમડી, ગરુડ અને કાબર સુધીની સૃષ્ટિને પુસ્તકોમાંથી બહાર જઈને કુદરતી માહોલમાં પહોંચી ઓળખવાની હોય. દરેક પક્ષીને પોતાની એક આગવી ભાષા છે. આ ભાષામાં સ્વર હોય, શબ્દ નહીં. પાંખ અને માથાનું હલનચલન પણ એમની ભાષાનો એક ભાગ છે. આ ભાષાનો ઉપયોગ તેઓ પોતાનાં જાતભાઈઓ/ બહેનો સાથે વાતચીત કરવા માટે કરે છે. આનંદ, ભય, ચેતવણી, બીક, આમંત્રણ ઈત્યાદિ મનોભાવો તેઓ એકબીજાની પાસે વ્યક્ત કરે છે.

નાનકડા પક્ષીને ઓળખવા માટે તમે એના શરીરમાં વિવિધ અંગોનું નિરીક્ષણ કરી શકો. માત્ર અવાજો, ઉડ્ડયન કે ખોરાક પરથી પક્ષીને પારખી જવાની કળા આ ક્ષેત્રમાં આગળ વધ્યા પછી હસ્તગત થાય. પક્ષીની ચાંચ, એનું કપાળ, એની ડૉક, પાંખ, એનું પેટ, એના પગ, એની પૂંછડી, એનાં પીંછાં વગેરે કુલ ૩૫ વિભાગોમાં પક્ષીનું આખું શરીર વહેંચીને એ દરેક અંગનું બારીકાઈથી નિરીક્ષણ કરી પક્ષીની જાત, એની ન્યાત અને પેટાન્યાત નક્કી થાય.

દરેક વર્ગના પંખીની ટેવ જુદી જુદી હોય. ઘુવડ શરમાળ હોય છે, પણ એના અવાજથી અજાણ્યો માણસ ધ્રૂજી ઊઠે છે. સામાન્ય ચકલીથી એક ઈંચ મોટો કલકલિયો (એનું અંગ્રેજી નામ વર્તમાન સમયમાં લેવા જેવું નથી, વિજય માલ્યા સાથે જોડાયેલું છે) મચ્છીમાર છે. નદી, તળાવ, ખાબોચિયા કે ખાડીમાં કોઈ નાની માછલી જુએ કે તરત કલકલિયો પાણીમાં ઝુકાવે અને બહાર નીકળે ત્યારે એની ચાંચમાં આડી પકડેલી એક માછલી તરફડતી હોય. પછી કલકલિયો એને કઠણ જમીન કે પથ્થર પર જઈને, ચાંચથી પકડી રાખી આમથી તેમ વીંઝે અને માછલીનો જીવ શાંત થાય કે તરત એને ગળી જાય.

પહાડી મેના સૌથી સુંદર બોલતું પંખી છે. માણસના અવાજની હૂબહૂ નકલ કરવામાં એ પાવરધું છે. ચાતકને સૌરાષ્ટ્રમાં મૉતીડો કહે. ચાતક માત્ર વરસાદનું ઝીલેલું પાણી જ પીએ અને વરસાદ ન હોય ત્યારે એ સાવ તરસ્યું રહે એવી કવિ કલ્પના લોકવાયકામાં પલટાઇ ગઇ છે. હકીકત એ છે કે ચાતક બધાં પંખીની જેમ પાણી પીતું હોય છે, પણ એનો ખોરાક એવો છે કે એને ઝાઝા પાણીની જરૂર નથી પડતી. 

વિજયગુપ્ત મૌર્યે પક્ષી નિરીક્ષણના નવા નિશાળિયાઓ માટે સલાહ આપી છે કે પક્ષીઓને જોવા અને ઓળખવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવાર છે. માણસોની અવરજવર ન હોય એવું સ્થાન પસંદ કરીને બહુ ફર્યા કરવાને બદલે એક જ જગ્યાએ ધીરજથી બેસી રહેવું. ક્યા પક્ષીને ક્યાં જોવાની અપેક્ષા રાખવી તેની જાણકારી પહેલેથી મેળવી લેવી સારી. પક્ષી ઝાડનું છે કે ધરતીનું, જંગલનું છે કે વેરાનનું, આકાશમાં વિહરનારું છે કે મુખ્યત્વે જમીન પર રહેનારું છે, પાણીકાંઠાનું છે કે પાણી પર તરનારું, પ્રવાસી છે કે સ્થાનિક - એ બધું જાણી લીધા પછી તેને ક્યાં જોવાની અપેક્ષા રાખવી તે નક્કી થઇ શકે. 

કૌતુક પ્રેરે એવાં રૂપાળાં દેખાતાં પક્ષીઓનું જ માત્ર નિરીક્ષણ કરવાનું ન હોય. કાર્ટૂનિસ્ટ સ્વર્ગસ્થ આર. કે. લક્ષ્મણે ઘરઆંગણના કાગડાનાં ડઝનબંધ રેખાચિત્રો દોર્યા છે, જેમાં કાગડાનાં વિવિધ મૂડ, એની વિવિધ મુદ્રાઓ અને છટાઓ જોઇને તમે છક થઇ જાઓ. વિજયગુપ્ત મૌર્યે તો ત્યાં સુધી નોંધ્યું છે કે કાગડાની ખાસિયતો વિશે એક આખું અલગ પુસ્તક લખી શકાય. કાગડાને તમે અન્ય કેટલાંક પંખીઓની જેમ પ્રજનન ક્રિયા કરતો ક્યારેય નહીં જોયો હોય. કાગડો આ બાબતમાં સંયમી અને સંસ્કારી છે, થોડોક સંકોચશીલ પણ ખરો. મોટે ભાગે એ પોતાના માળામાં જઇને કાગડી સાથે સંવનન કરતો હોય છે. 

એક આડ વાત: બત્રીસ લક્ષણા માણસમાં પાંચ લક્ષણો કાગડાનાં હોવા જોઇએ : અવિશ્ર્વાસ, લાજ, સમયપરીક્ષા, ચંચળતા અને જ્ઞાતિ સંમેલન એવું ભગવદ્ ગોમંડળ કોશમાં લખ્યું છે. આ ઉપરાંત સાત લક્ષણ મોરનાં હોય : ઉચ્ચ સ્થાને રહેવું, શત્રુને મારવો, મધુર ભાષણ કરવું, સ્વરૂપે સુંદર હોવું, સુઘડતા રાખવી, યુક્તિ-પ્રયુક્તિ જાણવી તથા શીળા રહેવું. 

પાંચ વત્તા સાત બરાબર બાર થયાં. કૂકડાનાં ચાર લક્ષણ હોવાં જોઇએ. વહેલા ઊઠવું, યુદ્ધમાં અડગ રહેવું, પરિવારનું પોષણ કરવું, સ્ત્રી પર પ્રીતિ રાખવી. બગલાનું એક લક્ષણ : એકધ્યાન રાખવું. બાર ને ચાર સોળ ને એક સત્તર. એ પછીનાં લક્ષણો પ્રાણીઓમાંથી લેવાયાં છે. કૂતરાનાં છ લક્ષણ : સંતોષ, અલ્પનિદ્રા, તરત સમજી જવું, સ્વામીભક્તિ, સાહસ અને કૃતજ્ઞતા. ગધેડાનાં ત્રણ : મહેનત કરવી, દુ:ખને ગણકારવું નહીં અને સંતોષી રહેવું. સિંહનું એક : પરાક્રમ કરતાં રહેવું. આમ કુલ ૨૭ લક્ષણોમાં હવે છેલ્લે માણસનાં પાંચ લક્ષણો ઉમેરાય ત્યારે તે બત્રીસ લક્ષણો કહેવાય. સ્વમાન, ધીરજ, વાક્પટુતા, ક્ષમા અને સત્ય. આડ વાત પૂરી થઇ. 

કોયલ પોતાનાં ઇંડા કાગડાના માળામાં મૂકી આવે અને એને સેવવાનું કામ કાગડી પાસે કરાવી લે એ માત્ર દંતકથા નથી. ખુશવંત સિંહે તો પોતાના પક્ષી નિરીક્ષણ વિષયક પુસ્તકમાં આ વાત નોંધી જ છે. અને એમણે લખ્યું એ પહેલાંથી આ વાત જાણીતી છે. ગયા વરસે પવઇના ઘરના એક રૂમની બારીની બહાર કાગડીના માળામાં અમે એવું જ થતાં જોયું. એની વીડિયો લીધી અને ફોટા પણ પાડ્યા. 

ખુશવંત સિંહ નોંધે છે કે કોયલના ટહુકા એક સરખા નથી હોતા. પરોઢે પૂર્વનું આકાશ ભુખરૂં થવા આવે કે નર કોયલ એકસરખું ઉરૂક, ઉરૂક, ઉરૂક બોલ્યા કરે. અડધો ડઝન વખત આ જ સ્વરનું પુનરાવર્તન કરીને નર કોયલ અન્ય કોયલો સમક્ષ પોતાની સત્તા હેઠળના આકાશની સીમા લખાવી દે છે. બીજાઓ માટે આટલા વિસ્તારમાં પ્રવેશબંધી છે. પછી આખો દિવસ એનું એકધારું કૂઉ... કૂઉ... કૂઉ... ચાલે. સંવનન માટે કિક-કિક, કિક-કિક, કિક-કિક કરીને એ માદા કોયલને આમંત્રણ આપે. માદા ગર્ભવતી થઇ જાય અને ઇંડા મૂકવાનો વખત નજીક આવે ત્યારે નર કોયલ એને કાગડાના માળા સુધી દોરી જાય. માદા કોયલ ઝડપભેર કાગડાના માળામાં બેસીને ઇંડા પાડે ત્યારે કાગડીનાં ઈંડા ઑલરેડી ત્યાં જ હોય. માદા કોયલ તરત જ ઊડી જાય અને પોતાનું કામ સફળ રીતે પાર પડ્યું છે તે નર કોયલને જણાવવા અવાજ કરે : ક્યુઇલ, ક્યુઇલ, ક્યુઇલ...

કોયલે આ બદમાશી કરતાં પહેલાં કાગડાનો એવો માળો શોધવો પડે જ્યાં ઇંડા હોય અને એ ઇંડા સાવ તાજાં ન હોય, કારણ કે કાગડાનાં ઇંડા સેવાતાં પંદર દિવસ લાગે જ્યારે કોયલના ઇંડા થોડાં વહેલાં સેવાઇ જાય. કોયલનાં બચ્ચાં જન્મે ત્યારે એ પણ પોતાનાં મા-બાપ જેવાં જ લુચ્ચાં અને જબરાં હોય. તેઓ પાલકપિતા કાગડા જેવો જ અવાજ ગળામાંથી કાઢે જેથી કાગડો એને પોતે શોધી લાવેલો ખોરાક ખવડાવે. કાગડાનાં બચ્ચાં પર બળજબરી કરીને એનો ખોરાક ઝૂંટવી લેવામાં પણ કોયલનાં બચ્ચાં ઉસ્તાદ હોય. કોયલનાં બચ્ચાંનો અવાજ ઉઘડે ત્યાં સુધીમાં એની પાંખો તૈયાર થઇ ગઇ હોય અને હજુ કાગડાને ખબર પડે કે પોતાની સાથે કેવી છેતરપિંડી થઇ છે એ પહેલાં તો કોયલનું બચ્ચું માળામાંથી ઊડીને પોતાનો નવો સંસાર શરૂ કરી દે. 

કુદરતની આ ઘટમાળ અખંડપણે ચાલતી રહે છે. માણસો પાસેથી કોયલો કંઇ નહીં ને આ જ શીખી?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment