Saturday 9 January 2016

[amdavadis4ever] લગ્ન અને શાંતિને ક્યારે સમ ાધાન થશે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ" એને ક્યાં ખબર હતી એનાય લગન થાશે....
લેણદાર તો ઠીક બૈરીનાયે ઢીકા ખાશે..... 
મારો લગ્નનો જાત અનુભવ છે. આ આંધરે બેરુ કુટાણું એ તમે સાંભળ્યું છે? બૈરુ નહીં બહેરું. લો મારે હમણાં જ એવું થયું. અલ્યા આંધળાએ બેરાને કૂટ્યો એમ નહીં, મારે હમણાં એક લગ્નમાં જવાનું થયું ત્યાં એક મિત્રને મે કહ્યું 
"જબરી સીઝન છે કાં?" 
મને કહે "હાં, ઠંડી છે 
મેં કહ્યું "અલ્યા ભાઈ ગરમ છે 
મને કહે "તો તમે સ્વેટર કાં પહેર્યું? 
મેં કહ્યું "ઠંડી છે એટલે 
તો ભાઈએ અવાજ ઊંચો કરીને કહ્યું
"હું પણ એ જ કહું છું કે સીઝન ઠંડી છે
ત્યારે મને ખબર પડી કે આ ભાઈ એ નથી સમજતા કે હું લગ્નની સીઝનની વાત કરું છું. ધરમ સોગંદ જ્યારે એમને મારી વાત સમજાણી ત્યારે ભાઈ ગળગળા થઈ ગયા હો! મને કહે:
"પાંત્રીસે પહોંચ્યો, મારું હજુ ઠેકાણું નથી પડ્યું અને તમને ગરમ લાગે છે? આમને આમ ચાલ્યું તો આ ટેન્સનમાં ને ટેન્સનમાં પેન્સનની ઉંમર આવી જશે. 
છાતી સરસો ચાંપી માંડ આશ્ર્વાસન આપ્યું અને સમજાવ્યો. 
"જો બકા, લગન કરીને કોઈ પુરુષને શાંતિ નથી થતી, એની કદર કે કિંમત પણ નથી થાતી. એનું કારણ કહું? લગન પાછલા બે શબ્દ ક્યા આવ્યા ગન, લગન કરીને ઘરે કોણ આવે? સુહાગન, એમા પણ ગન. હવે બે બે ગન પાછળ પડી હોય ત્યારે ક્યા પુરુષને શાંતિ હોય? અને લગન પછી પત્ની ધાણીફૂટ મશીનગનની જેમ ફૂટે એ વધારાની ગન

મેં વધારામાં તેને સમજાવ્યું કે લગ્નમાં બહેનોને જ જલસા. પિયરનું ઘર છોડે, સાસરાનું મળે, મા છોડે સાસુ મળે, બાપ છોડે સસરા મળે, ભાઈ છોડે, દિયર મળે, જેઠ મળે અને શાકભાજી સાથે આદું, મરચા, લીમડો ફ્રી મળે એમ દેરાણી-જેઠાણી લટકામાં અને બહેન છોડે નણંદ મળે. કાંઈ જ છોડ્યા વગર પતિ મળે. હવે સાવ ફોગટમાં કે મફતમાં મળે એની કિંમત અને કદર કેટલી? હું તો કહું છું પુરુષે લગન જ ન કરાય. સ્ત્રીને કરવા હોય તો ભલે કરે... 

દયામણા થઈ ભાઈએ મને પૂછ્યું 

"પણ બચાડી કોને હારે કરે? 

બે મીનીટનું મૌન પાળી હું આગળ વધી ગયો. મનમાં વિચાર્યું આને પૈણવા ઊપડ્યો છે, આ નહીં સમજે. તમે વા ની બીમારી વિશે જાણતા હશો, આ એનો જ એક પ્રકાર પૈણવા. જીવ લઈને જાય....

ખરેખર લગનની સીઝન આવે એટલે ઘરનું અર્થતંત્ર બાંગ્લાદેશની ફાયનાન્સિયલ હાલત જેવું થઈ જાય. કમૂરતાની રાહ જોવાય. એમ થાય કે ચાર પાંચ ધનારકના મહિના આવતા હોય તો કેવું સારું? હજી આ વિચારીએ ત્યાં નોન રીક્વાયર્ડ ઇન્ડિયન એટલે કે એન.આર. આઇ. કૂદી પડે. એને મુહરતની ઐસી તૈસી. અને આમ પણ મહુરત કોણે જોવાનું હોય? જે લગ્ન ટકાવવા હોય એને ચિંતા. આ લોકો તો ગમે ત્યારે લગ્ન મંડપમાં ખાબકે ને આપણે એકાદ બે આમંત્રણ આવે ત્યાં ગરીબડો દેશ વિશ્ર્વબૅંક આગળ આશા ભરી નજરે આજીજી કરતો હોય એવી હાલતમાં આવી જઈએ. બચતના અરમાનો પર પાણી ઢોળ થઈ જાય...

લગ્ન ન થાય ત્યારે ઇચ્છુક ઉમેદવારો મુંબઈની લોકલ ટ્રેનમાં અંદર ઘૂસવા માગતા મુસાફરની જેમ ઘાંઘા થયા હોય પણ અંદરવાળાને મુઝારો થાતો હોય એ ન દેખાય. કેટલાયને પ્લેટફોર્મ પર ખુલ્લી હવામાં શ્ર્વાસ લેવો હોય, ઠેકડો મારીને ઊતરવા માગતા હોય પણ બિચારા! જો કે, મેં તો એવા પણ જોયા છે કે પાછા ખુલ્લી હવામાં શ્ર્વાસ લેવા પ્લેટફોર્મ પર ઊતરવામાં સફળ પણ થાય છે, પણ ફરી બીજા લોકોને ઉત્સાહ ભેર ટ્રેનમાં ચડતા જોઈ લોકલ તો લોકલ પાછા ચડી જાય છે અને ફરી એ જ ઘટમાળ, ચડવા-ઊતરવાની ચાલુ થાય છે... 

લગ્ન ન થાતા હોય એ બિચારા જ્યોતિષ આગળ જાય. હાથ, કુંડળી, કપાળ દેખાડે કે કાંઈક એકાદ ડાળ દેખાય તો વળગીયે. મારો ભાઈબંધ ચુનિયો પણ આ ડાળ શોધવા મથતો મરજીવો હતો. મને ક્હે "તમારા ભાઇબંધ લાડવા સાહેબ બહુ સારા જ્યોતિષ છે, ત્યાં લઈ જાવ તો હું પણ શાંતિથી જીવી શકુ. 

મનમાં કહ્યું રહેવા દે જો એકાદ રેખા નીકળી તો ગાંધીજીના શાંતિના સિદ્ધાંતો ઝેર થઈ જશે. ધરાસાર એક દિવસ મને બાવડુ જાલીને લઈ ગયો અને લાડવા સાહેબ સામે હાથ ધર્યો 

"જુઓ અને કહો આમાં લગ્નની રેખા છે?" 

લાડવા સાહેબે ઊભડક જવા્બ આપ્યો કેમ કે દક્ષિણાની કોઈ આશા ન હતી. 

"ના ના લગ્નની રેખા નથી હો. ચિંતા કરોમાં આખી જિંદગી જલસા છે. 

ચુનિયો કહે

"ના હો લગન તો કરવા જ છે. 

ચૂનિયાએ ચોર ખીસ્સા માંથી ૫૦૧ની દક્ષિણા કાઢી અને લાડવા સાહેબે રેખા કાઢી. 

"ઓહો તમારા જીવનમાં તો ચાર છોકરી છે 

હકીકતે એ સાચા પડ્યા. જેની સાથે લગ્ન થયા એ આંગળીએ ત્રણ છોકરી લઈ ને આવી. ઊંઘ વેંચીને ઉજાગરા લીધા આ ચુનિયાએ. જોઈએ શું થાય છે...

લગ્ન એ શણગારનો પ્રશ્ર્ન છે. ઘોડો ઘરની બહાર શણગારાય અને ગધેડો ઘરની અંદર. જેટલા ફટાકડા બહાર ફૂટે એટલા લગન જીવન દરમિયાન ઘરમાં ફૂટે. પત્નીને આનંદમાં રાખવી એની ઇચ્છાપૂર્તિ કરવી એટલે દૂર દૂરની મંઝિલ સુધી સાઇકલ પર ત્રણ સવારીમાં પહોંચવું એ પણ સ્ટેન્ડ પર ચડાવેલી સાઇકલ પર બેસીને! હાંફી જાવ પણ. મારી આ વાત સાથે બધા પુરુષો સહમત હશે પણ જો લગ્ન થઈ ગયા એટલે ડોકું ધુણાવવાની ક્ષમતા નહીં જ રહી હોય...

આમ તો દરેકને લગ્નજીવનનો પોતપોતાનો અનુભવ હોય જ પણ ઘરના જ વાંચકો છે તો મારો અનુભવ કહું તો, મારા પત્નીનું એસ.એસ.સી. વખતનું રીપોર્ટ કાર્ડ મારા હાથમાં આવ્યું જેમાં પ્રિન્સિપાલ સાહેબે ટાંચ મારેલી "મૃદુભાષી, શાંત સ્વભાવ અને પ્રેમાળ વ્યક્તિત્વ હું આ વાંચીને ત્રણ દિવસ શોકમાં રહ્યો. પ્રિન્સિપાલને શોધીને ગાળો થોડી દેવાય છે, જો કે એનો પણ શું વાંક? એને થોડી ખબર હતી કે આ સુશુપ્ત જ્વાળામુખી છે, ગમે ત્યારે ફાટે. લગ્નના એક વર્ષ પછી સતત વહેતો જ્વાળામુખી બની જશે અને હું કહું છું કે સતત વહેતો જ નહીં, આગ ઓકતો જ્વાળામુખી પણ છે! પતિદેવોએ પણ રીપોર્ટ કાર્ડ બનાવવું એવો સરકારી નિયમ આવવો જોઈએ જેથી બોલી ન શકીએ તો કંઈ નહીં પણ શબ્દોમાં તો ભડાશ કાઢી શકીએ અને મારી ઘેર આવીને જેમ સુશુપ્ત જ્વાળામુખી ફાટ્યો એમ બીજાને ત્યાં ન ફાટે અને રીપોર્ટ કાર્ડના આધારે સીલેક્શન કરતા લોકોની એક માર્ગદર્શિકા બને...

આવું બધું હોતું નથી હો. સાચુ કહું તો લગ્નમાં હસ્તમેળાપ થાય ત્યારે જ એકબીજાની હસ્તરેખાઓ એક બીજામાં ઓગળી જાય છે. બે અસ્તિત્વ મટી એક બને છે, સંલગ્ન થાય છે. લગ્ન એક અનિવાર્ય બંધન છે. દીકરી બધુ જ મૂકીને પુરુષને સુખી કરવાનો, પરિવારને ખુશ રાખવાના સંપૂર્ણ પ્રયાસ કરે છે. આપણને ઓશિકું બદલાય જાય તો આખી રાત ઊંઘ ન આવે અને બહેનો બધુ જ છોડી એક નવા જ અજાણ્યા વાતાવરણમાં આખું જીવન હસતાં હસતાં વિતાવી દે છે. સ્ત્રીનો ત્યાગ મહાન છે. ચાલો ચાલો જમવાનું શરૂ થયું. હું જે કામે આવ્યો છું એ કામે લાગુ અને એ પહેલા તપાસ કરી લઉં કે આ લોકોએ ચાંદલાનું ટેબલ તો નથી રાખ્યું ને!!!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment