Friday, 29 January 2016

[amdavadis4ever] અને સત્યની અ તિશયોક્તિ...તમ ામ તકલીફો બાવજ ૂદ એ માણસ ખુશમ િજાજ શું કામ હતો........... ..ગુડ મોર્નિંગ - સૌરભ શાહ...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રાજ કપૂરના જીવન વિશે કોઈ ફિલ્મ બનાવે અને ડૉક્યુમેન્ટરી નહીં પણ કમર્શિયલ ફીચર ફિલ્મ બનાવે જેમાં 'મેરા નામ જોકર' ફ્લોપ ગયા પછીની એમની કપરી આર્થિક પરિસ્થિતિનું બયાન કરતો સીન આવે. સીનમાં રાજ કપૂરને હાથમાં ટોપી લઈને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ભીખ માગતા દેખાડવામાં આવે તો? તો હિન્દી ફિલ્મોના ચાહકો શહેરમાં રમખાણો કરે, થિયેટરો પર પથ્થરમારો કરે અને ફિલ્મ પર પ્રતિબંધ મુકાવે.

ડાયરેક્ટર કે રાઈટર બચાવ કરવા જાય કે આ તો સિનેમેટિક લિબર્ટી છે. ફિલ્મમાં અસરકારકતા લાવવા આવાં નાટકીય દૃશ્યો તો ઉમેરવાં જ પડે. બાકી, હકીકત તો એ જ છે ને કે 'મેરા નામ જોકર' પછી રાજ કપૂર પૈસેટકે સાવ પાયમાલ થઈ ગયા હતા. તો પછી હાથમાં ટોપી લઈને એમને મુંબઈ સેન્ટ્રલ પર ઊભા રાખ્યા એવા દૃશ્ય માટે કોઈને શું કામ વાંધો હોવો જોઈએ?

એક વાર નહીં, હજાર વાર વાંધો હોવો જોઈએ. ફિલ્મના માધ્યમ દ્વારા તમે કોઈની ટોપી ન ઉછાળી શકો. સત્યની અતિશયોક્તિ કરવામાં પણ મર્યાદા જાળવવાની હોય. કીડી જેટલા સત્યની અતિશયોક્તિ કરીને તમે કીડીના સ્થાને હાથી બતાવો તે હરગિજ ન ચાલે.

મોત્ઝાર્ટ પર બનેલી અફલાતૂન ફિલ્મ 'અમાડિયસ' જોયા પછી આ વિચારો દૃઢ થયા. સ્વતંત્રપણે એક ફિલ્મ તરીકે 'અમાડિયલ' અદ્ભુત ફિલ્મ છે, બધું જ અફલાતૂન. આઠ-આઠ ઑસ્કાર એવૉર્ડ એને વાજબી રીતે જ મળ્યા હતા. પણ મોત્ઝાર્ટના જીવન સાથે એને કેટલી નિસબત છે? વૂલ્ફગાં અમાડિયલ મોત્ઝાર્ટ ચાઈલ્ડ પ્રોડિજિ હતો અને ચાર વર્ષની ઉંમરથી જ સંગીતરચનાઓ કરવા માંડ્યો હતો, ૭ વર્ષની ઉંમરે તો જાહેરમાં કાર્યક્રમો કરીને કમાણી કરતો થઈ ગયો હતો અને ૧૬ વર્ષે તો ભલભલા પ્રોફેશનલ સંગીતકારોને હંફાવે એટલું કામ એના નામે નોંધાઈ ચૂક્યું હતું. ફિલ્મમાં આટલી રિયલ લાઈફની હકીકત પછી જે મેજર વાત ઉમેરવામાં આવી છે જે ફિલ્મનો મુખ્ય આધાર છે તે એન્ટોનિયો સાલિબેરી નામના સમકાલીન સંગીતકારની એના માટેની ઈર્ષ્યા. હકીકત એ છે કે સાલિબેરી સાથે મોત્ઝાર્ટને એવી કોઈ સ્પર્ધા નહોતી ે સાલિબેરી એને ડગલે ને પગલે નડ્યા કરે, એનું અહિત કર્યા કરે અને છેવટે એનું મોત પ્લાન કરે અને એની પાસે એનું જ મરસિયું કમ્પોઝ કરાવે.

આ વાતની મને ખબર નહોતી. પણ 'અમાડિયસ' ફરી જોતાં જોતાં મોત્ઝાર્ટ વિશે ઊંડાણથી જાણવાની ઈચ્છા થઈ અને પેન્ગવિને પબ્લિશ કરેલી મોત્ઝાર્ટની જીવનકથા મગાવી જે ૨૪ કલાકમાં, છવ્વીસ જાન્યુઆરીના દિવસે જ ઘેરબેઠાં મળી ગઈ. આ ઉપરાંત મોત્ઝાર્ટના પત્રોના આધારે લખાયેલું પુસ્તક ક્ધિડલ પર વિનામૂલ્યે ડાઉનલોડ કરવા મળતું હતું તે કર્યું.

જીવનકથા પૉલ જ્હોન્સને લખી છે એટલે તરત મગાવી દીધી. પૉલ જ્હોન્સન બહુ મોટા ગજાના ઈતિહાસકાર છે અને એમનું બહુચર્ચિત દળદાર પુસ્તક 'ધ

હિસ્ટરી ઑફ ક્રિશ્ર્ચિાનિટી' મારી પાસે છે. આ ઉપરાંત 'ધ ઈન્ટલેક્ચ્યુઅલ્સ' નામનું એક પુસ્તક એમનું બહુ જાણીતું છે જેના વિશે મેં એક કરતાં વધારે વાર લખ્યું છે અથવા એના ઉલ્લેખો કર્યા છે. 'ધ ઈન્ટલેક્ચ્યુઅલ્સ'માં પૉલ જ્હોન્સને તોલ્સ્તોય, કાર્લ માર્કસ અને ચાર્લ્સ ડિક્ધસથી માંડીને અનેક મોટી હસ્તીઓની ઉધાર બાજુઓ વિશે વિગતવાર સંશોધનપૂર્ણ પ્રકરણો લખ્યાં છે.

પૉલ જ્હોન્સન 'મોત્ઝાર્ટ: અ લાઈફ'માં સ્પષ્ટ લખે છે કે 'અ ગ્રેટ ડીલ ઑફ નોનસેન્સ હૅઝ બીન રિટન અબાઉટ મોત્ઝાર્ટ્સ ફેટલ ઈલનેસ, ડેથ એન્ડ ફયુનરલ.'

'અમાડિયસ' ફિલ્મનો અંત જુઓ તો તમે એ જમાના પર ફિટકાર વરસાવો કે અરેરે, આ માણસ આવી ભૂંડેહાલ મર્યો.

ફિલ્મમાં બતાવાયું છે કે મોત્ઝાર્ટની અંતિમક્રિયા માટે સ્મશાનમાં ઘોરખોદિયાઓ સિવાય કોઈ નહોતું. એક કૉફિનમાં એનો મૃતદેહ લાવીને કબરની ઉપરથી કૉફિનનો આગલો દરવાજો ખોલીને મોત્ઝાર્ટના મૃતદેહને નીચે ફંગોળી દેવામાં આવે છે. એ સમૂહ કબર છે. પાદરી બે મંત્રો બોલી લે છે એટલે ખુલ્લી કબર છોડીને, જેમાં બીજા પણ મૃતદેહો હતા એવી ખુલ્લી કબર છોડીને, ઘોરખોડિયાઓ જતા રહે છે.

પૉલ જ્હોન્સન લખે છે કે મોત્ઝાર્ટની અંતિમ માંદગી વખતે એને વિયેનાના બેસ્ટ ડૉક્ટરોમાંથી બેની સારવારનો લાભ મળ્યો હતો. સાલિબેરી એના મોત માટે જવાબદાર હતો એ વાત તો સરાસર જૂઠ છે એટલું જ નહીં સાલિબેરી જેવા હાર્ડ વર્કિંગ અને પરફેક્ટલી ઈનોસન્ટ આદમીનું આમાં ઘોર અપમાન જ નહીં, એની ભયંકર મોટી બદનક્ષી પણ છે.

મોત્ઝાર્ટના મૃતદેહને વિયેના શહેરના પાદરે આવેલા સેન્ટ માર્કના ચર્ચયાર્ડમાં તે વખતના રીતિરિવાજો મુજબ વિધિસર દફનાવવામાં આવ્યો હતો અને સાલિબેરી સહિતના બીજા ઘણા મ્યુઝિસીન્સ તે વખતે હાજર હતા. મોત્ઝાર્ટના અવસાન પછી થોડા જ દિવસોમાં ૧૪ ડિસેમ્બર ૧૭૯૧ના રોજ પ્રાગમાં બહુ મોટી પ્રાર્થનાસભા યોજાઈ હતી જેમાં ૧૨૦ સંગીતકારો સહિત ૪,૦૦૦ લોકોએ હાજરી આપી હતી. એના દસેક દિવસ પછી, ૨૩ ડિસેમ્બરના રોજ વિયેનામાં મોત્ઝાર્ટની વિધવાના લાભાર્થે એક કોર્ન્સ્ટ યોજાઈ હતી જેમાં ૧,૫૦૦ ગોલ્ડન (તે વખતનું સુવર્ણ મુદ્રાનું ચલણ) ભેગા થયા હતા અને આમાંના ૧૨૦ ગોલ્ડન ખુદ ત્યાંના સમ્રાટે આપ્યા હતા.

મોત્ઝાર્ટની કંગાલિયત વિશેની વાતો મેં 'અમાડિયસ' જોઈને લખી હતી અને મને કહેતાં આનંદ થાય છે કે પૉલ જ્હોન્સનના સંશોધન મુજબ આ વાતો ખોટી છે, ટ્વિસ્ટેડ છે અથવા કીડીમાંથી હાથી બનાવવા જેટલી અતિશયોક્તિભરી છે. એકચ્યુલી તો હું ખોટો પડ્યો તેનો અફસોસ થવો જોઈએ પણ આનંદ થયો એનાં ઘણાં સોલિડ કારણો છે. 
મોત્ઝાર્ટની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરતાં પૉલ જ્હૉન્સન લખે છે કે જિંદગીના અંતિમ અગિયાર વર્ષ દરમ્યાન એની કુલ સરાસરી (વાર્ષિક) આવક ૩,૫૦૦ ગોલ્ડન હતી. આ આવક કેવી ગણાય એનો અંદાજ આપવા માટે પૉલ જ્હૉન્સન કહે છે કે એ જમાનામાં પુરુષ નોકરોને ૧૨૦ ગોલ્ડનનો અને શાળાના શિક્ષકને ૧૦૦ ગોલ્ડનનો (વાર્ષિક) પગાર મળતો. મોત્ઝાર્ટના દેવાઓ વિશે પૉલ જ્હૉન્સન લખે છે કે એ આખી સદીની આર્થિક વ્યવસ્થા એવી હતી કે માણસે દેવું કરવું પડે અને જ્યારે એની પાસે આવક આવે ત્યારે એ વ્યાજ સહિત નાણાં ચૂકવી દે. મોત્ઝાર્ટે જીવનમાં બહુ ઓછાં વર્ષ રાજદરબારમાં નોકરી કરી એટલે એની કોઈ સ્થિર ઈન્કમ નહોતી. દરબારમાં સ્થિર રહ્યો હોત તો એના પર 'બહારનું કામ' કરવા પર પાબંદી હોત જે એને પસંદ નહોતું. એને બદલે એણે સ્વતંત્ર રહીને કામ કર્યું - આવકની અનિશ્ર્ચિતતા તથા અનિયમિતતાનો સામનો કરીને પણ એણે સ્થિર પગારવાળી પ્રતિષ્ઠિત પણ પરતંત્ર બનાવી દે એવા હોદ્દા સ્વીકાર્યા નહીં.

છત્રીસ પૂરાં થવાને બે અઠવાડિયાંની વાર હતી ને મોત્ઝાર્ટ ગુજરી ગયો. યંગ એજમાં એનું અવસાન થયું એ બદલ ઘણા લોકો અફસોસ કરે છે, પણ પૉલ જ્હૉન્સન કહે છે કે એક તો મોત્ઝાર્ટે બહુ નાની ઉંમરે સંગીત કમ્પોઝ કરવાનું શરૂ કર્યું હતું, બીજું યુવાવસ્થાથી જ એણે પ્રોલિફિક કામ કરવાનું શરૂ કર્યું. ૩૬ વર્ષની ઉંમર સુધીમાં એ એટલું કામ કરીને ગુજરી ગયો જેટલું કામ કરવું એના કરતાં બમણું આયુષ્ય ભોગવનાર સંગીતકાર પણ ન કરી શકે. આમ છતાં મોત્ઝાર્ટ દુનિયાની ભૌતિક મોજમજાઓથી પોતાની જાતને દૂર નહોતો રાખતો. એને બિલિયર્ડસ રમવાનો શોખ હતો. ઘરમાં મોંઘું બિલિયર્ડસ ટેબલ વસાવ્યું હતું. મોટા અને મોંઘા રાચરચીલાવાળા ઘરોમાં રહેતો. અપર ક્લાસને છાજે એવાં કપડાં પહેરતો. નાનપણથી જ એ બહારગામ જવા-આવવા માટે કે શહેરમાં ફરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ કે કૉમન ટ્રાન્સપોર્ટ વાપરવાને બદલે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ ભાડે કરતો.

મોત્ઝાર્ટનાં કેટલાંક મ્યુઝિક કમ્પોઝિશન્સને જાણકારો મોત્ઝાર્ટની કક્ષાનાં નથી ગણતા. મોત્ઝાર્ટની એ સંગીત રચનાઓ બી-ગ્રેડની છે એવું કહે છે. આમ છતાં કબૂલે છે કે આ રચનાઓ પણ અન્ય મહાન સંગીતકારોની રચનાઓની સમકક્ષ તો છે જ. દુનિયાભરમાં આજે પણ જેણે સંપૂર્ણ સંગીતકાર તરીકે પોંખાવું હોય અને એ માટે જે જે સંગીતરચનાઓ પર હથોટી મેળવવી પડે એની યાદીમાં સૌથી વધારે રચના મોત્ઝાર્ટની હોવાની. અઢીસો વર્ષ પછી પણ એનું આ મહત્ત્વ છે.

આનું કારણ શું? સંગીત-રચનાઓની બાબતમાં એ મનમાં એકદમ સ્પષ્ટ રહેતો. એણે પોતાના હસ્તાક્ષરે લખેલાં નોટેશન્સમાં ભાગ્યે જ છેકછાક જોવા મળે છે. બીજું, ગમે એવા નાના, ચાલુ કે મામૂલી કામને એ ક્યારેક નાણાં કમાવવા સ્વીકારતો ત્યારે પણ એ કામમાં એવો જાદુ ભરતો કે એનું આખરી સ્વરૂપ એક ઉત્કૃષ્ટ કલાકૃતિ બની જતું. એના જમાનાએ કદાચ એની કરવી જોઈએ એટલી કદર નહીં કરી હોય - પૈસે ટકે કે પછી પ્રસિદ્ધિની દૃષ્ટિએ - પણ મોત્ઝાર્ટે કોઈ દિવસ પોતાના એકપણ કામમાં દિલચોરી નથી કરી. જીવનમાં ઘણા માઠા બનાવો બન્યા, સતત હાર્ડ વર્ક કરવું પડ્યું, પણ કામ પ્રત્યેની એની એકાગ્રતા ઓછી નહોતી થઈ. એને કામ કરવાનું ખૂબ ગમતું અને એટલે જ, પૉલ જ્હૉન્સન તારણ કાઢે છે કે, મોત્ઝાર્ટ હૅપી માણસ હતો, સાચા અર્થમાં ખુશમિજાજ હતો.

કોઈપણ વ્યક્તિના જીવનનું આકલન કરતી વખતે એ કયા જમાનામાં જીવે છે અને કયા સમાજમાં જીવે છે તેના સંદર્ભો મેળવવા બહુ જરૂરી હોય છે. ૨૦૧૬ની સાલમાં જે કંઈ સ્વીકાર્ય હોય તે ૧૯૧૬માં કે ૧૮૧૬માં કે ૧૭૧૬માં અસ્વીકાર્ય હોય એવું બને અને એના કરતાં ઊલટું પણ બને કે આજે જે સ્વીકાર્ય નથી તે એ જમાનામાં સ્વીકાર્ય હોય. ઉપરાંત, ભારતમાં જે સ્વીકાર્ય ન હોય તે પેરિસ, લંડન કે વિયેનામાં સ્વીકાર્ય હોય એવુંં પણ બને. સમય અને સમાજના સંદર્ભો મેળવ્યા વિના કરેલું આકલન અધૂરું, અતિશયોક્તિભર્યુંનું કે સંપૂર્ણપણે જુઠ્ઠું હોવાનું.

મોત્ઝાર્ટની રચનાઓમાં 'ડૉન જિયોવાની' અને 'મૅરેજ ઑફ ફિગારો' આજની તારીખે ખૂબ પોપ્યુલર પુરવાર થઈ છે. મોત્ઝાર્ટના જીવતેજીવ આ બંને રચનાઓ કાં તો ફલોપ ગણાતી કાં એ લોકપ્રિયતાથી વંચિત રહી. યુ ટ્યુબ પર તમે ફોર્ટીએથ (૪૦મી) સિમ્ફની એટલું જ નાખશો તો તમને મોત્ઝાર્ટની એક ખૂબ જાણીતી સિમ્ફની જોવા-સાંભળવા મળશે. જગતભરની વિવિધ ટૉપની સંગીતહસ્તીઓએ આ રચના ક્ધડક્ટ કરી છે. ઍટ રેન્ડમ પાંચ-છ ક્લિપ જોશો તો ખ્યાલ આવશે કે ધૂન એની એ જ છે, વાજિંત્રો એનાં એ જ છે છતાં ક્ધડક્ટર કેટલા જુદા અંદાજથી વાદ્યકારો પાસે કામ કઢાવે છે. મોત્ઝાર્ટ પોતે વાયોલિન તેમ જ પિયાનો ખૂબ ઉમદા કક્ષાએ વગાડતો. નોર્મલ કક્ષાએ તો લગભગ તમામ વાદ્યો પર એની હથોટી હતી. એટલું જ નહીં પિયાનો અને વાયોલિન સહિતનાં અનેક વાદ્યો વિશેની એની ટેક્નિકલ જાણકારી બેમિસાલ હતી.

સંગીતમાં થોડા ઘણા ખૂંપેલા લોકોને પણ જાણકારી હોવાની કે વાતાવરણમાં ઠંડી ઓછીવત્તી હોય ત્યારે તાલવાદ્યોનું ટ્યુનિંગ ફેરવાઈ જાય. મોત્ઝાર્ટ જેવા તમામ સંગીતકારોને આની ખબર હોવાની, પણ એક મોત્ઝાર્ટ જ એવો કમ્પોઝર હતો જે તાલવાદ્યોના બદલાયેલા ટ્યુનિંગને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પોતાના કમ્પોઝિશનમાં ફેરફારો કરીને નવાં નોટેશન્સ વાદ્યકારોને આપીને એમને તકલીફમાંથી ઉગારી લેતો અને પોતાની સંગીતરચનાને નબળી ન પડવા દેતો.

મોત્ઝાર્ટ વિશેની આ બધી જાણકારી પૉલ જ્હૉન્સન જેવા નામી ઈતિહાસકારે લખેલી બાયોગ્રાફીમાંથી પ્રાપ્ત થાય છે. પૉલ જ્હોન્સન અત્યારે ૮૭ વર્ષના છે. આ બાયોગ્રાફી બે વર્ષ પહેલાં પ્રગટ થઈ. પુસ્તકમાં એક જગ્યાએ તેઓ લખે છે કે મોત્ઝાર્ટે એક મહત્ત્વનું કામ પૂરું કર્યા પછી પેરિસની જે દુકાનમાં જઈને ટુટીફ્રુટીની જયાફત ઉડાવી હતી તે જગ્યાએ હવે તો કોઈ રેસ્ટોરાં છે, પણ જો હું આ બાયોગ્રાફીનું કામ મારા જીવનકાળમાં પૂરું કરી શક્યો તો ત્યાં જઈને મોત્ઝાર્ટને યાદ કરીને આઈસક્રીમ જરૂર ખાઈશ!

એંશી પ્લસની ભવ્ય ઉંમરે પણ મોત્ઝાર્ટને આ રીતે ચાહનારા બાયોગ્રાફર મળ્યા એ મોત્ઝાર્ટનાં સદ્નસીબ ગણાય. પીટર શેફરે 'અમાડિયસ' નાટક તેમ જ એ જ નામની ફિલ્મનો સ્ક્રીનપ્લે લખીને તેમ જ મિલોફ ફોર્મેને ફિલ્મનું દિગ્દર્શન કરીને ખૂબ નામ તથા દામ કમાયાં એની આપણને ઈર્ષ્યા નથી, પણ એક જમાનામાં જે જીવતી જાગતી હતી અને દુનિયામાં દુર્લભ ગણાય એવી વિરાસત જેણે પોતાની પાછળ છોડી એવી હસ્તીની જિંદગી સાથે નાટકવેડા અને ફિલ્મી ચેડાં કર્યાં તેનો અફસોસ જરૂર છે, કારણ કે પૉપ્યુલર માધ્યમ હોવાને લીધે 'અમાડિયસ' ફિલ્મ જેટલા લોકો સુધી પહોંચવાની તેના એક ટકા લોકો સુધી પણ પૉલ જ્હૉન્સને લખેલી મોત્ઝાર્ટની બાયોગ્રાફી પહોંચવાની નથી. આને કારણે મોત્ઝાર્ટ વિશેનું પૉપ્યુલર પર્સેપ્શન, જે ફિલ્મમાં ચિત્રિત થયું છે તે જ રહેવાનું, નહીં કે ઓથેન્ટિક એવી આ જીવનકથામાં.

નાટ્યકારો કે ફિલ્મકારોને જ્યારે જ્યારે ક્રિયેટિવ લિબર્ટી લેવાની ચળ ઉપડે ત્યારે એમણે શું ધ્યાનમાં રાખવું તે હવે સ્વયં સ્પષ્ટ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment