Friday 8 January 2016

[amdavadis4ever] નટસમ્રાટ: ચંદ ્રવદન ભટ્ટથી સિદ્ધાર્થ રાં દેરિયા સુધી.. ......તોફાન હ વે થાકી ગયું છે, તોફાનને હ વે ઘર જોઈએ છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૧૯૭૦ના દાયકામાં વિ.વા. શિરવાડકર ઉર્ફે 'કુસુમાગ્રજ'નું 'નટસમ્રાટ' મરાઠી રંગભૂમિ ગજવતું હતું એ ગાળામાં ગુજરાતીમાં ઉપેન્દ્ર ત્રિવેદી 'અભિનય સમ્રાટ' લઈને આવ્યા. આજે પણ ઘણાંને ગેરસમજ છે કે એ બંને એક જ નાટક છે. 'તો મી નવ્હે ચ' પ્રભાકર પણશીકરના અભિનયને લીધે મરાઠીમાં ધૂમ મચાવતું હતું અને એનું ગુજરાતી રૂપાંતર 'અભિનય સમ્રાટ.'

'નટસમ્રાટ' ગુજરાતીમાં ચંદ્રવદન ભટ્ટે ભજવ્યું, કાન્તિ મડિયાના દિગ્દર્શન હેઠળ 'બહોત નાચ્યો ગોપાલ'ના નામે. લેખક અનિલ મહેતાએ મરાઠીમાંથી એના રાઈટ્સ મેળવેલા. આ ભજવણીના વર્ષો પછી ફરી એકવાર આ નાટક સિદ્ધાર્થ રાંદેરિયાએ ભજવ્યું. 'અમારી દુનિયા, તમારી દુનિયા' શીર્ષકથી. મૂળ નાટકમાં કેટલાક ફેરફારો કરીને પ્રવીણ સોલંકીએ એને ગુજરાતીમાં ઉતાર્યું.

'નટસમ્રાટ' એક અભિનેતાના જીવનની વાત કરતું નાટક છે. પણ એની યુનિવર્સલ અપીલ છે. દરેક માણસ આખરે તો પોતાની દુનિયાનો સમ્રાટ જ હોય છે. 'નટસમ્રાટ'નો નાયક અપ્પાસાહેબ ગણપતરાવ બેલવલકર રંગમંચનો ધુરંધર અભિનેતા છે. ચાળીસ વર્ષની ઝળહળતી કારકિદી બાદ એ નિવૃત્તિ લે છે. એના વિદાયમાન સમારંભ સાથે નાટકનો આરંભ થાય છે. અપ્પાસાહેબનાં જીવનનાં બાકીનાં વર્ષોની વાત આ નાટકની થીમ છે.

આખા નાટકનું હાર્દ અપ્પાસાહેબનાં દીકરીજમાઈના નાટ્યશોખીન ઘરનોકરના આ સંવાદમાં વ્યક્ત થાય છે. એક સંઘર્ષમય, લાગણીશીલ દૃશ્યની ક્લાઈમેક્સ પહેલાં આ નોકર અપ્પાસાહેબનાં દીકરી અને જમાઈની નોકરી છોડીને જતાં જતાં સંભળાવે છે:

'માફ કરા, બાઈસાહેબ, અપ્પાસાહેબાંકડે આપણ આપલે વડીલ મ્હણૂન પાહતા, આમ્હી આમચ્યા રાજ્યાચે સમ્રાટ મ્હણૂન પાહતો ત્યાંચ્યાકડે. શિવાજી મહારાજ વારલે તેવ્હા ત્યાંચ્યા ચિતેમધ્યે ત્યાંચ્યા કુત્ર્યાં નં ઊડી ઘાતલી, બાઈસાહેબ. ત્યાંચ્યા મુલાનં કિંવા કોણા નાતેવાઈકાનં નાહી ઘાતલી. હે કરાર વેગળે, હે કાયદે વેગળે...'

એક મહાન અભિનેતા કે પછી સંગીતકાર, સાહિત્યકાર, ચિત્રકાર કે કોઈપણ કળાકારના કુટુંબીજનો માટે એ માત્ર પોતાના પિતા છે, પુત્ર છે, કાકા-મામા-મિત્ર છે. પણ એના ચાહકો માટે એ મહાન કળાકારની મૂૂર્તિ સદાને માટે પૂજવા યોગ્ય રહે છે. ચાહે એ મૂર્તિ આરતીના દીવાથી ઝગમગતી હોય, ચાહે એ પેડેસ્ટલ પરથી પડીને ખંડિત થઈ ચૂકી હોય.

અપ્પાસાહેબ એક જમાનામાં પોતાના વાચિક, આંગિક અભિનયથી રંગમંચ ગજાવતા. ઈતિહાસનાં તમામ પાત્રોને લાખો પ્રેક્ષકોના મનમાં અમરતા બક્ષવામાં એમના અભિનયનો સિંહફાળો. અને અપ્પાસાહેબ માત્ર અભિનેતા જ નથી, એક વિચારશીલ - લાગણીશીલ બુદ્ધિજીવી પણ છે. પરિવાર માટે અપાર પ્રેમ ધરાવે છે અને એટલે જ નિવૃત્તિ બહુમાન વખતે એમના જાહેર સન્માન સમારંભમાં એનાયત થયેલી ચાળીસ હજાર રૂપિયાની થેલી સહિતનું બધું જ તેઓ પોતાનાં દીકરા-પુત્રવધૂ તેમ જ દીકરી-જમાઈના નામે કરી દે છે. આખી જિંદગી મારા પરિવારે મને સંભાળ્યો. હું તો દિવસ-રાત રંગમંચની સેવા કરવામાં ડૂબેલો રહેતો. નાટકમંડળી સાથે હજારો માઈલોનો પ્રવાસ કર્યો મેં. આ દરમિયાન મારા રસિક પ્રેક્ષકોને ધ્યાનમાં રાખ્યા. પરિવાર પર ધ્યાન ન આપ્યું. આમ છતાં આ પરિવારે મને સાચવી લીધો. હવે બાકીની જિંદગી હું મારી આ મૂડી અને મૂડીના વ્યાજ સાથે ગાળવા માગું છું. દુન્યવી જવાબદારીમાંથી મુક્ત થઈ જવા માગું - કંઈક આવી જ ભાવના સાથે ગણપતરાવ બેલવલકર જીવન દરમિયાન અર્જિત કરેલી સમગ્ર પૂંજીમાંથી કશુંય પોતાની પાસે રાખ્યા વિના દીકરા-દીકરીના પરિવારને સોંપી દે છે. પુત્ર-પુત્રી પિતાની આ ઉદારતાથી ચકિત થઈ જાય છે, પિતા પાસેથી કશુંય લેવાની ના પાડે છે, તેઓ પોતપોતાની રીતે સુખી છે. સમૃદ્ધ છે. પણ ગણપતરાવ જે નક્કી કરે તેને દેવ પણ ઉથાપી ન શકે એવો એમનો સ્વભાવ. દીકરા-દીકરીએ નમતું જોખવું પડ્યું. ગણપતરાવ ને એમના પત્ની કાવેરી (જેમને ગણપતરાવ 'સરકાર'ના માનભર્યા કરતાં વધારે લાડભર્યા સંબોધનથી બોલાવે) તથા દીકરો-પુત્રવધૂ-પૌત્રી અને દીકરી-જમાઈ સૌ કોઈને એકબીજાં સાથે અને એકબીજાને કારણે સુખી-સંતોષી જોઈને તમને લાગે કે પૃથ્વી પર જો ક્યાંય સ્વર્ગ છે તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.

પણ જિંદગીની જેમ નાટકમાં પણ અણધાર્યા વળાંકો આવતા હોય છે.
નટસમ્રાટ અપ્પાસાહેબના જીવનમાં એવા એવા પ્રસંગો સર્જાય છે જેને કારણે એમનો માળો વિખેરાઈ જાય છે. એ એકલા પડી જાય છે. રસ્તા પર આવી જાય છે. એવું તે શું બન્યું એમના જીવનમાં તે જાણવા માટે તમારે 'નટસમ્રાટ' ફિલ્મ જોવી પડે, અંગ્રેજી સબ ટાઈટલ્સ છે એટલે મરાઠી કાચીપાકી સમજાતી હશે તો પણ ફિલ્મનું હાર્દ સમજમાં આવી જશે.

'નટસમ્રાટ' નાટકની સ્ક્રિપ્ટ વાંચીને, ડૉ. શ્રીરામ લાગુના અભિનયવાળું નાટક યુ ટ્યુબ પર જોઈને અને નાના પાટેકરવાળી ફિલ્મ જોઈને માણસ વિચારતો થઈ જાય. જરૂરી નથી કે જે કારણોસર અપ્પાસાહેબ જેવો મહારથી એકલો પડી જાય છે તે જ કારણોસર બધા એકલા પડી જાય, સમાજમાંથી ફેંકાઈ જાય, રસ્તા પર આવી જાય. અપ્પાસાહેબના જીવનમાં સોશિયલ - પારિવારિક કારણો એ ભાગ ભજવ્યો. બીજા કોઈના જીવનમાં અન્ય કારણો ભાગ ભજવી શકે. પ્રસંગો અને કારણો અગત્યનાં નથી હોતાં, છેવટનું પરિણામ મહત્ત્વનું છે. ચાળીસ વર્ષોથી પોતાના ક્ષેત્રના બેતાજ બાદશાહ સમો અને લાખો લોકોનો પ્રેમ મેળવી ચૂક્યો હોય એવો અને જીવનના ઉત્તરાર્ધમાં બે પાંદડે થઈ ચૂક્યો હોય એવો માણસ રાતોરાત મુફલિસ, કંગાળ અને ભિખારી જેવો બની જાય; એની આસપાસનાં તમામ લોકોથી એ દૂર થઈ જાય, એની પાસ્ટ ગ્લોરી યાદ કરીને એ જીવતો રહે, પોતાના હે-ડેઝમાં ભોગવેલી બાદશાહીની ક્ષણો વીજળીના ચમકારાની જેમ એના જીવનમાં ગડગડાટ સાથે આવતી રહે અને છેવટે એને કે એના કામને ન ઓળખતો હોય એવો તદ્દન અજાણ્યો છોકરો એની વહારે ધાય - આવું તો કોઈનાય જીવનમાં બની શકે, જેણે પોતાની પાસેની તમામ ભૌતિક માલમત્તા સ્વજનોમાં લૂંટાવી દીધી છે એની સાથે પણ બની શકે અને જેણે આ બધું જ પોતાની છાતીએ વળગાડીને દિવસરાત એની ચિંતા કરી છે એની સાથે પણ બની શકે. કોઈની પણ સાથે બની શકે.

આવા સંજોગો સર્જાય ત્યારે સિંહ જેવી છાતી ધરાવનારાની ખુમારી કઈ હદ સુધીની લાચારીમાં પલટાઈ જાય એની એકોક્તિ કહો તો એકોક્તિ અને

કવિતા કહો તો કવિતા કુસુમાગ્ર જે 'નટસમ્રાટ'માં લખી છે. ડૉ. શ્રીરામ લાગુના સ્વરમાં, નાટકમાં અને નાના પાટેકરના અવાજમાં ફિલ્મમાં એને જોવા-સાંભળવાનો લહાવો ચૂકતા નહીં:

કુણી ઘર દેતા કા ઘર?

એકા તુફાનાલા

કુણી ઘર દેતા કા ઘર?

માણસાચ્યા માયેવાચૂન દેવાચ્યા દયેવાચૂન


જંગલા જંગલાત હિંડતં આહે

જેથૂન કુણી ઉઠવણાર નાહી

અશી જાગા ધુંડતં આહે -

કુણી ઘર દેતાકા ઘર!

ખરંચ સાંગતો, બાબાંનો,

તુફાન આતા થકૂન ગેલંય

ઝાડાઝુડપાંત ડોંગરદર્યાંત

અર્ધંઅધિક તુટૂન ગેલંય

સમુદ્રાચ્યા લાટાંવરતી

વણવ્યાચ્યા જાળાવરતી

ઝેપ ઝુંજા ઘેઉન ઘેઉન

તુફાન આતા ખચલં આહે...

... તુફાનાલા મહલ નકો

રાજવાડ્યાચા સેટ નકો

પદવી નકો, હાર નકો

થૈલીમધલી ભેટ નકો

એક હવં લહાન ઘર...

ના, આનું ગુજરાતી નહીં થાય. કુસુમાગ્રજની આ સો ટચની અભિવ્યક્તિને એની મૂળ ભાષામાં જ જેટલી માણી શકાય એટલી માણી લેવી. આ ચોવીસ કૅરેટના સુવર્ણમાં ભેગ કરવાની જરૂર નથી. અને જરૂર હોય તોય મારે એ ધૃષ્ટતા કરવી નથી, કારણ કે મારી એવી કોઈ ત્રેવડ નથી આટલી સટિક ભાષા હું ગુજરાતીમાં લાવી શકું.

ડૉ. શ્રીરામ લાગુ એક દિવસ 'ગિધાડે' (વિજય તેન્ડુલકરનું નાટક)નો સવારનો શો પૂરો કરીને તેજપાલ ઑડિટોરિયમમાંથી નીકળી રહ્યા હતા ત્યારે ગોવા હિંદુ અસોસિયેશનના એક પદાધિકારીએ આવીને એમને કહ્યું કે સંસ્થાની રજત જંયતીની ઉજવણી નિમિત્તે શિરવાડકરનું એક નવું નાટક કરવાનું નક્કી કર્યું છે અને તમે એમાં કામ કરો એવી અમારી ઈચ્છા છે. આમ કહીને નાટકની સ્ક્રિપ્ટની ફાઈલ એમણે ડૉ. લાગુને આપી ૧૯૭૦ની સાલની આ વાત.

શિરવાડકર જેવા સાહિત્યકારના નવા નાટક વિશે સૌ કોઈને ઉત્સુકતા હોય. મરાઠી નાટકમાં આટલું અદ્ભુત લખાણ મેં અગાઉ ક્યારેય વાચ્યું નથી એવું ડૉ. લાગુ કહે છે અને ઉમેરે છે: એ પછી પણ આવું નાટક વાંચ્યું નથી. કોઈપણ ભોગે મારે આ નાટક કરવું હતું. મને પૂછવામાં આવ્યું કેટલી 'નાઈટ' લેશો? એ વખતે ડૉ. લાગુને એક શોનું કવર સોમાંથી વધીને સવાસો રૂપિયા મળતું થઈ ગયું હતું. ડૉ. લાગુએ પોતાના વડીલ નાટ્યકાર મિત્ર વસન્તરાવ કાનેટકર દ્વારા સંદેશો મોકલ્યો: 'શૂન્યથી સવાસો રૂપિયાની વચ્ચે જે આપશો તે, પણ આ નાટક મારે કરવું છે.'

૧૯૭૦ના ડિસેમ્બરની ૨૩મીએ 'નટસમ્રાટ'નો પહેલો શો ભજવવાનું નક્કી થયું હતું. નવેમ્બરમાં રિહર્સલ શરૂ થયાં. એ વખતે ડૉ. લાગુનાં ત્રણ નાટકો ચાલે: 'ગિધાડે', 'કાચેચા ચંદ્ર' અને 'ઈથે ઓશાળલા મૃત્યુ' (આ ત્રણેય નાટકોને મરાઠી રંગભૂમિમાં લૅન્ડમાર્ક પ્લેઝ તરીકે આજે પણ લોકો માનપૂર્વક યાદ કરે છે). આવા ત્રણ-ત્રણ નાટકોનાં શોઝ કરવાના અને બાકીના સમયમાં 'નટસમ્રાટ'નાં રિહર્સલ ડૉ. લાગુએ રિહર્સલ શરૂ થાય તે પહેલાં જ 'નટસમ્રાટ'ની આખી સ્ક્રિપ્ટ મોઢે કરી લીધી હતી, જેઓ 'નટસમ્રાટ'થી પરિચિત છે એમને ખબર છે કે મુખપાઠ માટે કેટલી કઠિન સ્ક્રિપ્ટ છે આ - લેખકે લખેલો એક શબ્દ આડોઅવળો થઈ જાય કે ચૂકાઈ જાય તો એમાંનો નાટ્યરસ ઓછો થઈ જાય. બહુ ઓછાં નાટકો આવાં લખાય.

રિહર્સલ શરૂ થયાં. ડૉ. લાગુ સિવાય સૌ કોઈનો મત એવો કે નાટકની શરૂઆતમાં જ અપ્પાસાહેબની જે એકોકૃતિ આવે છે તે ખૂબ લાંબી છે, એને ટુંકાવવી જોઈએ નહીં તો ઑડિયન્સ કંટાળી જશે. ડૉ. લાગુને અપ્પાસાહેબની નિવૃત્તિવાળું એ ભાષણ ખૂબ ગમતું. ઘણી દલીલો થઈ. છેવટે નક્કી કરવામાં આવ્યું કે અત્યારે ભલે એ આખું રાખીએ પણ શો વખતે પ્રેક્ષકોને કંટાળો આવે છે એવું લાગશે તો કાપકૂપ કરીને નાનું બનાવી દઈશું, પણ દરેક શોમાં આ એકોકૃતિને વધાવી લેવામાં આવતી. એક શોમાં તો ખુદ સ્વરરાજ છોટા ગંધર્વ આવ્યા હતા. (મરાઠી નાટ્ય-સંગીતની પરંપરામાં બાલ ગંધર્વ, સવાઈ ગંધર્વ અને કુમાર ગંધર્વ થઈ ગયા. છોટા ગંધર્વ ઉર્ફે સૌદાગર નાગનાથ ગોરે ૭૯ વર્ષની ઉંમરે ૧૯૯૮માં સ્વર્ગવાસ પામ્યા). પહેલો અંક પૂરો થયા પછી છોટા ગંધર્વ બૅક સ્ટેજમાં આવ્યા અને ખૂબ પ્રેમથી ડૉ. લાગુનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યા: 'તમારી એકોકૃતિમાં એક સુંદર સંગીત જલસો સાંભળવાની મઝા આવે એવી મઝા પડી!'

બીજો વિવાદ ત્રીજા અંકમાં 'ઘર દેતા કા ઘર' અને બીજા એક કાવ્યની રજૂઆત માટે થયો. દિગ્દર્શક પુરુષોત્તમ દારવ્હેકર એવા મતના કે આ બે કાવ્યોને કારણે નાટકમાં ઝોલો પડે છે, કાપી નાખીએ. આખી ટીમ દિગ્દર્શકના આ સૂચનની વિરુદ્ધ. દિગ્દર્શકે એ બે કાવ્યોને બદલે પોતે એક સીન લખી નાખ્યો અને કહ્યું કે આ જ ભજવો. પુરુષોત્તમ દારવ્હેકર કોઈ મામૂલી માણસ નહોતા. 'નટસમ્રાટ'ના રિહર્સલ ચાલતા હતા તેના ત્રણેક વર્ષ પહેલાં રિલીઝ થયેલા મરાઠીમાં લૅન્ડમાર્ક પુરવાર થયેલા 'કટ્યાર કાળજાત ઘૂસલી' નામના સંગીત - નાટકના લેખક - દિગ્દર્શક હતા. એમનો વિરોધ કરવો એટલે સિંહને કહેવું કે તું કોલગેટથી બ્રશ કરીને આવ, પણ ડૉ. લાગુ સહિત સમગ્ર ટીમે સત્યાગ્રહ કર્યો અને મૂળ સ્ક્રિપ્ટ મુજબની ભજવણી ચાલુ રહી. આજે તમે જુઓ છો કે એ જ કવિતા નાના પાટેકર ફિલ્મના પડદે બોલે છે ત્યારે લોકો પિન ડ્રૉપ સાયલન્સ સાથે સાંભળતા રહે છે અને આજ કવિતાનો અછડતો ઉલ્લેખ મેં બે દિવસ પહેલાં ચોપાટીના ભવન્સમાં વડીલમિત્રો સાથેની અંગત બેઠકમાં કર્યો ત્યારે પ્રવીણ સોલંકી, દીપક મહેતા, નિરંજન મહેતા અને લલિત શાહ - ચારે ચાર દિગ્ગજો એક સાથે આખી કવિતા બોલવા લાગ્યા:

કુણી ઘર દેતા કા ઘર?

એકા તુફાનાલા

કુણી ઘર દેતા કા ઘર?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment