Friday 8 January 2016

[amdavadis4ever] સુખાકાકાની પ્રતિજ્ઞા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુખાકાકાની ચાસાચીસથી આખી સોસાયટી ગાજી ઊઠી. સુખાકાકા જોરજોરથી મારા નામની બૂમો પાડી રહ્યા હતા: 'દિનેશ! દિનેશ!, હું ઊંઘમાંથી સફાળો જાગી ગયો. સવારના સાડાઆઠ થઈ ગયા હતા. પણ રાત્રે મોડે સુધી વાંચવાની ટેવને કારણે મારાથી વહેલા ઉઠાતું નથી. કોઈ ન જગાડે તો નવ-સાડાનવ પણ થઈ જાય! પણ આજે સુખાકાકાની બૂમોથી જાગી ગયો ને ઊઠીને એમ જ સુખાકાકાના ઘેર ધસી ગયો. સુખાકાકાનું ઘર મારા ઘરથી સાવ નજીક-મારી પછી એક ઘર મૂકીને-હતું, અમારા બેના ઘરની વચ્ચેનું ટેનામેન્ટ બંધ રહેતું હતું. હું પહોંચ્યો ત્યારે આજુબાજુનાં રહીશો પણ પહોંચી ગયાં હતા. પણ સુખાકાકાને મારી સાથે એકદમ ઘરોબો એટલે એમણે મારા નામના પોકારો કર્યા. ચીરહરણ સમયે દ્રૌપદીના પોકારોમાં જે આર્ત્તતા હતી. એનાથી સહેજે ઓછી આર્ત્તતા સુખાકાકાના પોકારોમાં નહોતી. 

સુખાકાકાના ઘેર પહોંચી મેં જે દૃશ્ય જોયું એનાથી હું હેબતાઈ ગયો. કાકાના નાકમાંથી તેમજ બંને ગાલમાંથી-લોહી દદડતું હતું. 

'કાકા, શું થયું?' મેં પૂછ્યું.

'કૂતરું કરડી ગયું.'

કાકાના ગાલે કૂતરું કરડી ગયું એ જાણીને એ કરુણ સ્થિતિમાં પણ હાસ્યરસ નિષ્પન્ન થયો. શિષ્ટતાની દૃષ્ટિએ એ ઉચિત નહોતું તોય સૌ હસી પડ્યાં-મારા સહિત. 

'મોઢા પર કૂતરું કેમનું કરડી ગયું?' સુખાકાકાના એક સમવયસ્ક પડોશીએ પૂછ્યું. 

'બારણાં ખુલ્લાં હતાં ને હું શીર્ષાસન કરતો હતો, મારી આંખો મીંચેલી હતી, ને તમારાં કાકી બહારગામ ગયાં છે-એટલે કૂતરાને અટકાવે એવું કોઈ નહોતું.'

વિપરીત પોઝિશનમાં રહેલા કાકાને કૂતરું વિપરીત રીતે કરડી ગયું એ ઘટના અવશ્ય કરુણ હતી, પણ અત્યારે એ ઘટના અકાળે ને અસ્થાને હાસ્ય નિષ્પન્ન કરી રહી હતી. તેમ છતાં સૌએ હાસ્ય પર કાબૂ રાખવાનો મહદ્અંશે સફળ એવો પ્રયત્ન કર્યો. 

સોસાયટીમાં જ અમારા સૌના ફેમિલી ડોક્ટરનું ક્લિનિક હતું, હું ને બીજા એક ભાઈ કાકાને બાવડે ઝાલીને દવાખાને લઈ ગયા. આમ તો કાકાનું શરીર કસરતી શરીર છે, સિત્તેર વરસની ઉંમરે સુખાકાકા હટ્ટાકટ્ટા છે, યુવાનીમાં અખાડામાં દંડ-બેઠક કર્યા છે હવે દસેક વરસથી નિયમિત રીતે યોગાસનો કરે છે. કાકાને નખમાંય રોગ નથી એમ કહેવાય, પણ આજે કાકા હેબતાઈ ગયા હતા એટલે અમારી સહાયનો વિરોધ ન કર્યો. અલબત્ત, હાથ છોડાવી એમણે અમારા ખભાનો ટેકો લીધો. 'મનુ ગાંધી અને આભા ગાંધીના ખભે હાથ મૂકીને પ્રાર્થનાસભામાં જતા ગાંધીજી જેવા શોભો છો!'-આવું કહેવાનો વિચાર મને સ્ફૂર્યો પણ મેં સંયમ રાખ્યો. 

* * * 

અમે દવાખાને પહોંચ્યા. ડોક્ટર બહારગામ હતા, પરંતુ અનુભવી કમ્પાઉન્ડરે પાટાપિંડી કરી દીધાં ને કહ્યું, 'કાલે સવારે સાહેબ આવી જવાના છે. તમે કાકાને અચૂક લાવજો. ઈન્જેક્શન લેવાનાં કે નહીં-લેવાનાં તો કેટલાં લેવાનાં એ સાહેબ કહેશે.'

દવાખાનેથી કાકાને હું મારા ઘેર લઈ આવ્યો. ઈન્જેક્શનની વાત સાંભળી કાકા થોડા ઢીલા પડી ગયા હતા. સમુદ્રમાંથી નીકળેલાં ચૌદ રત્નો જેવાં એ ચૌદ ઈન્જેક્શનો કેમ ખમાશે એની ચિંતા એમને સતાવતી હતી. મેં કહ્યું, 'કાકા, હજુ ડોક્ટર કાલે આવવાના છે. ઈન્જેક્શનની વાત કાલે થવાની છે. આજે લહેર કરો.' મારી વાતથી કાકાને થોડી રાહત થઈ, હોય એવું લાગ્યું. 

કાકા થોડીવાર એમ જ જાણે ઊંડા ચિંતનમાં ડૂબી ગયા હોય એમ બેસી રહ્યા. ચા આવી એટલે એમનો સમાધિભંગ થયો. ચા પીને કાકા બોલ્યા, 'દિનેશ, હું એક પ્રતિજ્ઞા લેવા માગુંં છું.'

'કદી શીર્ષાસન નહીં કરવાની?' મારાથી પૂછાઈ ગયું.

'અસંભવ! યોગાસનો તો હું મર્યા પછી સ્વર્ગમાંય ચાલુ રાખીશ.'

'તો?'

'મને કરડનાર કૂતરાને સૂર્યાસ્ત પહેલાં...'

'નહીં કાકા, સૂર્યાસ્તની વાત જવા દો. અર્જુને આવેશમાં આવી સૂર્યાસ્ત પહેલાં જયદ્રથને વધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી એમાં કેવો પ્રોબ્લેમ થયો હતો! આ તો અર્જુન શ્રીકૃષ્ણનો બેસ્ટ ફ્રેન્ડ હતો, એટલે ભગવાને કૃત્રિમ સૂર્યાસ્ત કરાવ્યો, નહીંતર શું થાત? ને ભગવાન આપણા માટે આ જમાનામાં આ કે તે સ્પેશિયલ ફેવર કરે એવું મને લાગતું નથી.'

'તારી વાત તો સાચી છે. સૂર્યાસ્તની વાત જવા દઈએ, પણ મારે શ્ર્વાનવધની પ્રતિજ્ઞા તો લેવી જ છે. પણ દિનેશ તું મને કહે-લાકડીઓ ભાડે ક્યાં મળે? મારે વીસ-પચ્ચીસ લાકડીઓ જોઈએ છે.'

'એક કૂતરાને મારવા માટે આટલી બધી લાકડીઓ?' વીસપચ્ચીસ લાકડીઓની વાત સાંભળી મને આશ્ર્ચર્ય થયું. 

'એનું કારણ છે,' કાકાએ સ્પષ્ટતા કરતાં કહ્યું, 'મને કૂતરાની બહુ બીક લાગે છે. કોઈ પણ કૂતરાની પાસેથી નીકળવાનું થાય છે ત્યારે હું ગભરાઈ જાઉં છું એટલે હું શ્ર્વાનગ્રસિત લોકોની એક સેના ઊભી કરવા માગું છું.'

'આઈડિયા સરસ છે કાકા! પણ આટલી બધી સંખ્યામાં શ્ર્વાનગ્રસિત લોકો મળશે?' મેં શંકા પ્રગટ કરી.

'આ પેઢીનાં લોકોને કૂતરું નહીં કરડ્યું હોય તો એમના પિતાશ્રીઓને, એમના પિતામહોને કે પ્રપિતામહોને તો કરડ્યું જ હશે. વારુ, દિનેશ, તને ક્યારેય કૂતરું કરડ્યું છે?'

'ના, મને ક્યારેય કૂતરું કરડ્યું નથી, પણ મારા દાદાના પિતાને કૂતરું કરડ્યું હતું, એટલું જ નહીં, મારા એ પરદાદાનું એ કારણે અવસાન પણ થયું હતું. એ વખતે તો ઈન્જેક્શનો ક્યાં હતાં?'

મારા પરદાદાની મરી જવાની વાત સાંભળી કાકા પાછા નર્વસ થઈ ગયા, પણ પછી તુરત સ્વસ્થતા ધારણ કરી બોલ્યા, 'દિનેશ, આમ વાત હોય તો-તો તું શ્ર્વાનવધસેનાનો સેનાપતિ થવાને લાયક છે. હું તને સેનાપતિપદે નીમું છું, અને સાંભળ, લાકડીઓ ભાડે લાવીશું, પણ સાથેસાથે એક મોટો શંખ પણ ખરીદી લઈશું. તું શંખધ્વનિ કરજે અને પછી આપણે એ શ્ર્વાનાધમ શ્ર્વાન પર આક્રમણ કરીશું. હું એ કૂતરાને બરાબર ઓળખું છું. બાજુની સોસાયટીનું જ છે.'

'પણ કાકા, પહેલાં તો કાલે આપણે ડોક્ટરને મળીએ ને તમારી ટ્રીટમેન્ટ કરાવીએ. આમેય આજે રવિવાર છે. દુકાનો બંધ હશે એટલે લાકડીઓનું પણ કાલે જ થઈ શકશે. આજે તો તમે આરામ કરો. કાકી આવે ત્યાં સુધી અહીં મારે ત્યાં જ જમો ને રહો.'

'સારું! પણ શ્ર્વાનવધની મારી પ્રતિજ્ઞા અફર જાણજે.' જયદ્રથના વધની અર્જુનની પ્રતિજ્ઞાની યાદ આપે એવા જુસ્સાથી કાકાએ કહ્યું.

*

સોમવારે સવારે દવાખાનું ખૂલતાં જ હું કાકાને દવાખાને લઈ ગયો. 'કૂતરું માણસને કરડે'-એ સમાચાર નથી, પણ 'માણસ કૂતરાને કરડે' એ સમાચાર છે-એમ વર્તમાનપત્રોની દુનિયામાં ભલે કહેવાતું, પણ શીર્ષાસન કરતા કાકાને કૂતરું કરડી ગયું-એમાં સમાચારનું રોમાંચક તત્ત્વ અવશ્ય હતું! ડોક્ટરને આ સમાચારથી આશ્ર્ચર્ય થયું જ-સહેજ હસવું પણ આવી ગયું. પણ એમને સંયમ દાખવ્યો. 

ડોક્ટરે કાકાને ફરી ડ્રેસિંગ કરી આપ્યું ને પછી કહ્યું, 'કાકા, હું કાલે નહોતો, તો તમારે કોઈ બીજા ડોક્ટરને બતાવી દેવું જોઈતું હતું. બાય ધ વે, કૂતરું જીવે તો છે ને?' કૂતરાના જીવંત હોવા અંગે ડોક્ટર આટલા સચિંત કેમ છે એ કાકાની કે મારી સમજમાં આવ્યું નહીં, પણ એના તરફ દુર્લક્ષ કરી કાકાએ દૃઢતાથી કહ્યું, 'જીવે છે, પણ જીવશે નહીં.'

'એટલે?' હડકાયું કૂતરું છે?'

'એ તો ખબર નથી,' મેં કહ્યું, 'પણ કાકાએ કૂતરાને મારવાની પ્રતિજ્ઞા લીધી છે.' 

'અરે જોજો, કાકા! કૂતરું હડકાયું હશે તો આજકાલમાં એની મેળે મરી જશે. જોકે બીજાને કરડે નહીં એટલા માટે મ્યુનિસિપાલિટીમાં જાણ કરી કૂતરાને પકડાવી તો દેવું જ જોઈએ અને હા અત્યારે કાકાને એક ઈન્જેક્શન આપી દઉં છું, પણ કૂતરું હડકાયું હશે તો ઈન્જેકશનનો કોર્સ પૂરો કરવો જોઈશે. મારે કાકા, કૂતરું જીવે એ તમારા લાભમાં છે.'

ડોક્ટરને ત્યાંથી અમે બાજુની સોસાયટીમાં ગયા. સોસાયટીના ઝાંપે જ અમે કૂતરાને ઊંઘતું દીઠું. કાકા કૂતરાને ઓળખી ગયા. જે કૂતરાને મારી નાખવા કાકા કટિબદ્ધ થયા હતા એ કૂતરાને જીવતું જોઈ કાકાને નિરાંત થઈ. પણ એ નિરાંત ક્ષણજીવી નીવડી. કાકાને પ્રતિજ્ઞા યાદ આવી. પ્રતિજ્ઞા યાદ આવતાં જ રડમસ અવાજે એ બોલ્યા, 'દિનેશ, કૂતરું સાદું છે, જીવે છે, એ બધું ખરું, પણ મારી પ્રતિજ્ઞાનું શું?'

'જુઓ કાકા, આપણે હજુ પ્રતિજ્ઞાની સાર્વત્રિક જાણ કરી નથી. માત્ર હું ને તમે-બે જ જણ જાણીએ છીએ!'

'તેથી શું? હું એકલો જાણતો હોઉં તોય લીધેલી પ્રતિજ્ઞા પાળવી તો પડે.' પ્રતિજ્ઞાપાલનની કાકાની નિષ્ઠા જોઈ મને કાકા માટે વિશેષ આદર થયો. પણ પ્રતિજ્ઞાપાલનમાંથી કાકાને પીછેહઠ કરાવવાનું અનિવાર્ય હતું. થોડો વિચાર કરી મેં કહ્યું, 'કાકા, તમે પ્રતિજ્ઞ જરૂર પાળો, પણ પ્રતીકાત્મક રીતે!'

'એટલે?' કાકાને મારી ગૂઢ વાણી ન સમજાઈ. 

'જુઓ, કાકા!' મેં મારી યોજના સ્પષ્ટ કરતાં કહ્યું, 'હું સ્કૂટરના સામાનની મારી પેટીમાંથી ડિસમિસ લઈ આવું. તમે ડિસમિસની અણી કૂતરાને સહેજ ખૂંચાડો એટલે પ્રતીકાત્મક રીતે તમારી પ્રતિજ્ઞાનું પાલન થઈ જશે.'

મારી વાત ગળે ઉતારવાનું કાકા માટે મુશ્કેલ હતું. પણ બીજો ઉપાય પણ ક્યાં હતો? એટલે કચવાતે જીવે કાકા સંમત થયા.

ઘેર જઈને હું મોટું ડિસમિસ લઈ આવ્યો. ડિસમિસ લઈને કાકા કૂતરા તરફ આગળ વધ્યા. પણ... પણ... કાકા સૂતેલા કૂતરાને ડિસમિસની અણી ખૂંચાડે એ પહેલાં કૂતરું જાગી ગયું, ડિસમિસ ધારણ કરી પોતાના તરફ ધસી રહેલા કાકાને જોયા કે તરત એ છલાંગ મારી કાકાને ચોંટી પડ્યું. કાકાની રાડ ફાટી ગઈ: 'દિનેશ! દિનેશ!' હું દોડ્યો-પણ કાકા સુધી હું પહોંચું એ પહેલાં કાકાને ઠેકઠેકાણે કરડીને કૂતરું નાસી ગયું. સખત રીતે ઘાયલ થયેલા કાકાને લઈને હું ફરી દવાખાને પહોંચ્યો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment