Tuesday, 26 January 2016

[amdavadis4ever] સ્વતંત્રતા : સ્ત્રીની, પુરુષની, વ ્યક્તિની...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૨૬ જાન્યુઆરીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતીય સંવિધાનને ઑથોરાઇઝ્ડ સ્વરૂપ આપ્યું. ભારતીય બંધારણમાં સ્ત્રી અને પુરુષ માટે જુદા કાયદા નથી. ભારતીય બંધારણ સૌને સમાન અધિકાર આપે છે. વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય. કાયદો કોઈને નાના કે મોટા, ઊંચા કે નીચા થવા દેતો નથી. આઝાદીનાં ૬૯ વર્ષ પૂરાં થયાં પછી આપણે હિન્દુસ્તાનમાં વસ્તીવૃદ્ધિ અને નિરક્ષરતા સામે લડી શક્યા નથી. બેજવાબદાર સાંસદો, ધારાસભ્યો હજીયે આપણે જ ચૂંટીને લોક્સભામાં મોકલીએ છીએ. ગરીબીનો ઉકેલ જડ્યો નથી. દુનિયાઆખી આપણાં બજારોમાં ઠલવાઈ છે, ચાઇનીઝ માલ ઠેરઠેર મળતો થઈ ગયો છે અને છતાંય આપણે 'મેક ઇન ઇન્ડિયા'ના મુદ્દાને સિરિયસલી લઈ શક્તા નથી...

'સ્વતંત્રતા' શબ્દની વ્યાખ્યા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરે સંવિધાનમાં કરી છે, "ભારતીય સંવિધાન ભારતને સાર્વભૌમ, સમાજવાદી ધર્મનિરપેક્ષ, લોકશાહી, ગણતંત્ર તરીકે જાહેર કરે છે. આ દેશના દરેક નાગરિકને ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાનો અધિકાર છે. આપણે આ વાક્યને કાયદાની દૃષ્ટિએ કદાચ સાચું માની લઈએ તો પણ આપણી માનસિક્તા આ વાક્યને પચાવી શકી છે ખરી ? આપણે વ્યક્તિ તરીકે આજે પણ સાર્વભૌમ કે ધર્મનિરપેક્ષ રહી શક્યા છીએ? મત આપતી વખતે આપણે ધર્મને બાજુએ મૂકીને વ્યક્તિને જાણવા, ઓળખવાનો કે સમજવાનો પ્રયાસ કરીએ છીએ ખરા ? ન્યાય માગતી વખતે આપણે સ્ત્રી કે પુરુષને બદલે વ્યક્તિ બનીને વિચારી શકીએ છીએ ? નવાઈની વાત એ છે કે સ્ત્રી સ્વાતંત્ર્ય માગતા માગતા આપણે એટલા આગળ વધી ગયા છીએ કે સ્ત્રી સમાનતાની વાત કરતાં કરતાં આપણે પુરુષહીનતાની વાત કરવા લાગ્યા છીએ. આપણને આ વાતની ખબર પણ નથી પડતી તેમ છતાં જો ઝીણવટથી તપાસવામાં આવે તો આપણને સમજાય કે સ્ત્રી સન્માનનું યુદ્ધ હવે પુરુષ અપમાનના યુદ્ધ સુધી પહોંચ્યું છે. જ્યાં સ્ત્રીને સમોવડી બનાવવા નીકળ્યા છે ત્યાં પુરુષને નીચે ઉતારીને, રિડિક્યુલ કરીને, અપમાનિત કરીને ક્યાંક સ્ત્રીની ભીતર રહેલો આક્રોશ હવે વધુ ને વધુ વેરવૃત્તિમાં પલટાતો જાય છે. 

સાચું પૂછો તો સ્વતંત્રતા શબ્દને જેન્ડર અથવા જાતિ સાથે કોઈ નિસબત જ નથી. સ્વતંત્રતા તો વ્યક્તિગત વિચાર છે. દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતાની વ્યાખ્યા અને જરૂરિયાત સાવ જુદી છે. આપણે બધા જ સ્વતંત્ર ભારતમાં જન્મેલા લોકો સ્વયંને 'સ્વતંત્ર' માનીએ છીએ, પરંતુ સાચે જ આપણે સ્વતંત્ર છીએ ખરા ? આપણી ભીતર રહેલી હરીફાઈની ગુલામી, આપણી ભીતર રહી ગયાની લાગણી, આપણી ભીતર લઘુતાગ્રંથિ અને બીજા પરત્વેના ધારી લીધેલા, માની લીધેલા કેટલાય અણગમા આપણને સ્વતંત્ર રહેવા દે છે ખરા ? સાડીમાંથી જીન્સ પહેરતી, કમાતી, લિપસ્ટિક લગાડતી, ગાડી ચલાવતી કે પોતાની આવકને પોતાની જુવાની સાચવવા માટે ખર્ચી શક્તી સ્ત્રી સ્વતંત્ર છે ? પતિના ફોનને ચોરીછૂપી તપાસતી, પતિ કે પ્રેમી કોની સામે જુએ છે, કોની સાથે વાત કરે છે, ક્યાં જાય છે ને ક્યારે આવે છે એનો હિસાબ રાખતી - સતત અસલામત અને અભાવમાં જીવતી, બીજી સ્ત્રીઓ સામે પોતાની જાતને અધૂરી અનુભવતી અને ઝઘડ્યા કરતી, કકળાટ કરતી સ્ત્રીને સ્વતંત્ર કહીશું ? આપણો સમાજ સતત પુરુષના અત્યાચાર સામે ફરિયાદ કર્યા કરે છે. સ્ત્રી બિચારી છે, અબળા છે, અત્યાચારનો ભોગ બનતી રહી છે... કદાચ સાચું હોય તો પણ આ સો ટકા સત્ય છે ખરું ?

'૪૯૮-એ'નો દુરુપયોગ કરનારી સ્ત્રી પણ અબળા જ છે ? દહેજની ફરિયાદ કરીને સાસુ-સસરાને જેલમાં પુરાવવાની ધમકી આપતી અને એ શસ્ત્રનો ઉપયોગ કરીને પતિને જુદા રહેવાની ફરજ પાડતી ી પણ અત્યાચારનો ભોગ બની કહેવાય? ચેસ્ટિટી બેલ્ટ અને બુરખો સ્ત્રીની સ્વતંત્રતા પર બહુ મોટી તરાપ છે, તો પછી પતિને એના બાળપણના મિત્રોને નહીં મળવાની કે એની કોઈ ગર્લફ્રેન્ડ સાથે સંબંધ નહીં રાખવાની ફરજ પાડવામાં આવે એ એની સ્વતંત્રતા પર તરાપ નથી ? પ્રેમિકાના ગમા-અણગમાનો ખ્યાલ રાખીને એક પુરુષ બિચારો બને ત્યાં સુધી એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરતો જ હોય છે, દુનિયાના કોઈ માણસને કકળાટ-ઝઘડો-મનદુ:ખ પસંદ નથી. પોતાની પ્રિય વ્યક્તિ દુ:ખી થાય એને બદલે નાનું-મોટું સમાધાન દરેક માણસ કરવા તૈયાર હોય છે, પરંતુ એ નાના-મોટા સમાધાનને ધીમે ધીમે એની ફરજ બનાવવામાં આવે કે એની સારાઈને, સમજદારીને સ્ત્રીની સ્વતંત્રતાના નામે બાર્ટર કરવામાં આવે ત્યારે એક પુરુષની સ્વતંત્રતા જોખમાતી નથી ? સેક્સ્યુઅલ એબ્યુઝ આજકાલ બહુ વગોવાયેલો અને વપરાતો શબ્દ બની ગયો છે. સ્ત્રીઓ ઑફિસમાં થતી જાતીય સતામણીની ફરિયાદ કરે છે. કોર્પોરેટ ક્ષેત્રમાં, ફૅશનની દુનિયામાં અને ટી.વી., સિનેમાની દુનિયામાં પુરુષ જ્યારે પોતાની પ્રોડ્યુસર, ડિરેક્ટર, બોસ કે હીરોઇનને ખુશ રાખીને પ્રમોશન કે રોલ મેળવે છે ત્યારે એ જાતીય સતામણી નથી ? પતિનાં માતાપિતા પુત્રવધૂથી ડરે, આત્મહત્યાનો ભય કે જુઠ્ઠી પ્રેગ્નન્સીનો દાવો કરીને પુરુષને બ્લેકમેઇલ કરતી પત્ની, પ્રેમિકા કે મા પુરુષની સ્વતંત્રતાને પોતાની મુઠ્ઠીમાં બાન નથી રાખતી ?

સ્વતંત્રતા શબ્દને આપણે ચ્યુઇંગ ગમની જેમ ચાવી ચાવીને બેસ્વાદ કરી નાખ્યો છે. છાશવારે થતા વુમન એમ્પાવરમેન્ટના પ્રોગ્રામ્સ અને નારી સુરક્ષા અને સ્ત્રી સન્માનના જાતજાતના કાર્યક્રમો જ્યાં થવા જોઈએ ત્યાં નથી થતા. નાનકડાં ગામડાંઓમાં, જ્યાં મામલતદાર કે ડિસ્ટ્રિક્ટ ઑફિસરને ખુશ કરવા માટે પત્નીને ભેટ ધરી દેતા પતિને વુમન એમ્પાવરમેન્ટ કોણ સમજાવે ? જે ઘરમાં બાળકોને ખાતર પતિ પોતાની પત્નીનું ગમે તેવું વર્તન ચલાવી લે છે, વારંવાર પિયર ભાગી જતી પત્નીને હાથ-પગ જોડીને મનાવે છે ત્યાં કઈ સ્વતંત્રતા કોના ભાગે આવે છે ? જ્યાં સ્ત્રીને ચપ્પલ પહેરવાની છૂટ નથી એવાં ગામો અથવા જ્યાં દીકરીને પ્રાથમિક શિક્ષણ પણ નથી આપવામાં આવતું એવા પરિવારો, જ્યાં પ્રેમમાં પડેલી દીકરીને સીધી ચિતા પર સુવડાવી દેવામાં આવે છે એવી જાતિ અને પંચાયતો... વુમન એમ્પાવરમેન્ટ કે નારી સુરક્ષા જેવા શબ્દોને ઘોળીને પી ગયા છે. ચાલી ન શક્તાં માતાપિતા પુત્રવધૂના કકળાટને કારણે ખાટલામાં પડ્યા પડ્યા પોતાના મૃત્યુની ભીખ માગે ને પતિ કંઈ બોલી પણ ન શકે એને આપણે શું કહીશું ? વૃદ્ધાશ્રમમાં ધકેલી દેવાતાં સાસુ-સસરા કે પરણેલી દીકરીને માતાપિતાની ખબર કાઢવા પણ ન જવા દે એવા પરિવારો... કઈ સ્વતંત્રતાની વાત કરે છે ? પડોશીના ઘરનું મોટું ટી.વી. કે સગાંવહાલાંને ઘેર લગ્નમાં દેખાડવા માટે કરાતા ખર્ચા, પતિને કરપ્શનની ફરજ પાડતી પત્ની કે પિતાના ઘરના પૈસાનું અભિમાન કરીને સાસરિયાંને ઉતારી પાડતી, પતિને અપમાનિત કરતી પત્નીની સ્વતંત્રતા વિશે શું માનવું છે આપણું?

દુનિયાનો કોઈ શબ્દ કોઈ એક જાતિ માટે સાચો કે ખોટો ન હોઈ શકે, સ્વતંત્રતા વ્યક્તિગત છે, વિચારોની, વર્તનની, વાણીની, વ્યવહારની... એક માણસ પોતે જેવો છે તેવું જીવી શકે, એક સ્ત્રી પોતે જે ઝંખે છે તેવું વર્તી શકે... એક પતિ જુઠ્ઠું બોલ્યા વગર પોતાના સ્ત્રી કે પુરુષ મિત્રને મળી શકે, એક સ્ત્રી પોતાનાં માતાપિતાને પોતાના પગારમાંથી થોડીક રકમ આપી શકે, એક પુરુષ પત્નીથી ડર્યા વગર પોતાની મા સાથે વાતો કરી શકે, એક સ્ત્રી પોતાના પતિથી ડર્યા વગર પોતાની સ્કૂલની બહેનપણી કે મિત્રો સાથે એક સાંજ વિતાવી શકે... માણસ પોતાને ગમે તે પહેરી શકે, ખાઈ શકે, પી શકે, ઇચ્છે ત્યારે હસી શકે, પોતાના શોખ પૂરા કરી શકે કે પોતાના મનની વાત પોતાના જીવનસાથી સાથે ડર્યા વગર વહેંચી શકે એને જ સ્વતંત્રતા કહેવાય !

ભારતીય સંવિધાનમાં જે સ્વતંત્રતાનો ઉલ્લેખ કરાયો છે એ બહુ અઘરી અને મોટી સ્વતંત્રતા છે, લોકશાહીનાં ૬૯ વર્ષ પછી પણ આપણે એ સ્વતંત્રતાને સમજી કે પામી શક્યા નથી, પરંતુ જિંદગીની સાદી સ્વતંત્રતા જો પરસ્પર આપી અને લઈ શકાય તો સવારથી સાંજ સુધીનો દિવસ શાંત અને રાત નિરાંતમાં પસાર થઈ શકે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment