Wednesday 6 January 2016

[amdavadis4ever] પતંજલિનો વિકાસ એ જ દેશનો વિકાસ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મને ખબર જ હતી કે મારા જેવા સંતની સફળતાની ઇર્ષ્યા કરનારા લોકો મારી સામે કાવતરાં ઘડશે અને મારા પતંજલિનાં ઉત્પાદનો સામે કોઇને કોઇ વાંધા કાઢશે. પતંજલિનાં ઉત્પાદનોમાં ફલાણું નીકળ્યું અને ઢીંકણું નીકળ્યું એવી ક્ષુલ્લક ફરિયાદો કરીને તેઓ પતંજલિને બદનામ કરવા માંગે છે, પરંતુ એ લોકોને ખબર નથી કે પતંજલિ એ કંઇ મારી માલિકીની કંપની નથી. એ તો ભારત માતાની કંપની છે. હું તો ફક્ત એનો એક ચાકર છું.

હું એક યોગગુરુ છું અને આખી દુનિયાએ મને એ માટે માનપાન આપ્યા છે. આ સરકારે મને ભારત રત્ન ભલે ન આપ્યો, પણ મારી કંપની માટે ઘણી સગવડો કરી આપી છે. આમ પણ આ આપણી જ સરકાર છે. છતાં ફક્ત સરકાર આપણી પસંદગીની હોય એટલું પૂરતું નથી. ક્યાંક કોઇ ઇમાનદાર અને માથાફરેલ અધિકારીને કુબુદ્ધી સૂઝે તો એ મારા પર શંકા કરવાનું પાપ પણ કરી બેસે ખરો. હરિદ્વારના ડિસ્ટ્રિક્ટ ફૂડ સેફ્ટી અધિકારી મહિમા નંદ જોશી નામના કોઇ અધિકારીને આવી જ કુબુદ્ધિ સૂઝી છે અને એમણે મારી કંપનીની ગાયના દૂધમાંથી બનેલાં ઉત્પાદનોનાં સેમ્પલો લીધાં છે. એમને એવી શંકા છે કે અમારી દૂધની પ્રોડ્કટમાં ફંગસ છે. અરે ભાઇ, તારામાં કોઇ સંસ્કાર જેવું કંઇ છે કે નહીં? જે દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવતી હોય એમાંથી બનાવેલાં ઉત્પાદનોમાં ફંગસ કઇ રીતે હોઇ શકે? અને ધારો કે ભૂલમાં એવા કોઇ ફંગસ નીકળે તો પણ એ કંઇ શરીરને નુકસાન ન કરે.

આની પહેલા કોઇએ એવું તિકડમ ચલાવ્યું કે પતંજલિના લોટમાં કીડા નીકળ્યા છે. હવે એ તો માની ન શકાય એવી વાત છે. કારણ એ કે અમારા કર્માચારીઓ બહુ જ ધાર્મિક વૃત્તિ ધરાવે છે. એ લોકો ઉત્પાદનો બનાવતા પહેલા પ્રાર્થના કરતા હોય છે અને ઉત્પાદનો બની રહ્યા હોય ત્યારે ભજનો ગાતાં હોય છે. આથી પ્રોડ્ક્ટમાં કોઇ કચાસ રહી જાય એવી શક્યતા જ નથી હોતી. આમ છતાં જો ભૂલમાં કોઇ ઉત્પાદનમાં એક બે કીડા રહી ગયા હોય તો એ કીડા પણ પવિત્ર જ હોય. આવી વાતને ગ્રાહકોએ મન પર ન લેવાની હોય. અમારા ખાદ્ય પદાર્થોનું સેવન ભગવાનનું નામ લઇને કરવાથી એ વધુ ગુણકારી નીવડે છે. 

થોડા સમય પહેલા તામિલનાડુના એક મુસ્લિમ સંગઠને પતંજલિનાં ઉત્પાદનોના ઉપોયગ સામે એક ફતવો બહાર પાડ્યો. મને બહુ જ દુ:ખ થયું. એમનું કહેવું એમ હતું કે અમારાં ઉત્પાદનોમાં ગૌમૂત્રનો ઉપયોગ થાય છે અને મુસ્લિમ ભાઇબહેનો માટે એ હરામ છે. જેમ મોટી મલ્ટિનેશનલ કંપનીઓ પોતાના ગ્રાહકોને સાચવવા માટે ગમે એ હદે જાય છે એમ હું પણ મારાં ઉત્પાદનોમાં જરૂરી ફેરફારો કરવા તૈયાર છું. મારી ઇચ્છા એવી છે કે પતંજલિનાં ઉત્પાદનોને બધી જ કોમના લોકો ખરીદે.

મૂળ પ્રશ્ર્ન એ નથી કે અમારાં ઉત્પાદનોમાં કોઇ ઊણપ છે. મૂળ પ્રશ્ર્ન એ છે કે અમારી સફળતાથી અમુક લોકો દુ:ખી થઇ રહ્યા છે અને એમને અમારી પ્રગતિ પસંદ નથી આવી. ખાસ તો બહુરાષ્ટ્રીય કંપનીઓની સામે મારા જેવો એક સશક્ત હરીફ ઊભો થયો છે એટલે પેટમાં દુ:ખે છે. એ લોકો બનાવટી રસાયણો નાખીને ભારતીય ગ્રાહકોને ઉલ્લુ બનાવે છે. અમે મનફાવે એવી પ્રોડ્કટ બનાવીને ભારતીય ગ્રાહકોને ઉલ્લુ બનાવીએ છીએ. જોકે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અમારામાં એક ફરક છે. અમે સ્વદેશી રીતે, સ્વાભિમાન સાથે ગ્રાહકોને ઉલ્લુ બનાવીએ છીએ. 

ખરેખર તો પતંજલિ આયુર્વેદ લિમિટેડની સ્થાપના આયુર્વેદની દવાઓ વેચવા માટે થઇ હતી. અમે એ દ્વારા આયુર્વેદનો પ્રચાર કરવા માંગતા હતા. હવે દવામાં તો એવું છે કે અડધા ભાગની દવા અસરકારક નીવડે અને બાકીની ન પણ નીવડે. અમારી કેટલીક દવાઓ સફળ નીવડી અને લોકો એના વખાણ કરવા માંડ્યા. બાકીનું કામ અમારા પ્રચારકોએ સંભાળી લીધું. આ રીતે પતંજલિનું નામ બહુ ગાજવા માંડ્યું.

દવાઓમાં મળેલી સફળતાને પગલે અમે અન્ય ખાદ્ય પદાર્થો બનાવવાનું પણ શરૂ કર્યું. લોટ, ઘી, બિસ્કીટ અને એવાં અનેક ઉત્પાદનો શરૂ કર્યા. થોડા સમય પહેલા મેગી નૂડલ્સ સામે વિરોધ જાગ્યો અને એના પર પ્રતિબંધ આવ્યો તો અમે નૂડલ્સ બનાવવાનું પણ શરૂ કર્યું.

હવે તો સ્થિતિ એવી થઇ ગઇ છે કે કરોડો રૂપિયાનું અમારું સામ્રાજ્ય વિસ્તરતું જાય છે. ક્યાં કયું ઉત્પાદન બની રહ્યું છે એની મને પોતાને જ ખબર નથી હોતી. દેશભરમાં હજારો દુકાનોમાં અમારાં ઉત્પાદનો વેચાવા લાગ્યા છે. બહુરાષ્ટ્રીય કંપનીઓની જેમ અમે પણ અમારાં ઉત્પાદનોની જાહેરખબરો કરીએ છીએ. એડ્વર્ટાઇઝમેન્ટ્સ માટેનું અમારું બજેટ દર વર્ષે વધતું જાય છે. મોટા ભાગની ન્યુઝ ચેનલોને અમે એડ્વર્ટાઇઝમેન્ટ્સ આપીને ખુશ કરીએ છીએ, છતાં અમે જરાક વાંકમાં આવીએ તો એ લોકો અમારી ટીકા કરવાનું ચુકતા નથી. હવે તો અમારે પોતે જ એક ન્યુઝ ચેનલ શરૂ કરવી પડશે અને અખબાર પણ કાઢવું પડશે.

યોગને ભારતમાં લોકપ્રિય બનાવવામાં મારી ભૂમિકા સૌથી મહત્ત્વની રહી છે એ જ રીતે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારવામાં પણ હું જ આગળ રહ્યો છું. પતંજલિ દ્વારા હું દેશભરમાં આયુર્વેદિક અને સાંસ્કૃતિક ક્રાન્તિ લાવવા માંગું છું. થોડા સમય પહેલા મને રાજકારણમાં રસ પડ્યો હતો. કૉન્ગ્રેસ સત્તા પર હતી ત્યાં સુધી મને તકલીફ હતી. એ લોકો મારા પર ચાંપતી નજર રાખતા હતા અને મને ફસાવવાની કોશિશ કરતા હતા. આથી કૉન્ગ્રેસ સામેની ઝુંબેશમાં મેં સક્રિય ભાગ લઇને ભારતીય જનતા પક્ષને સત્તા પર બેસાડવામાં ઘણું કામ કર્યું. કૉન્ગ્રેસના ભ્રષ્ટાચાર સામે આંદોલન કર્યું. વિદેશમાં પડેલાં ભારતનાં કાળાં નાણાંને સ્વદેશ પાછું લાવવા માટેની માંગણી કરી અને ભારતીય જનતા પક્ષની તરફેણમાં સભાઓ કરી.

હવે જોકે સ્થિતિ સાવ બદલાઇ ગઇ છે. હવે આપણી પસંદગીનો પક્ષ સત્તા પર આવી ગયો છે. આ પક્ષના નેતાઓ સામે પણ ભ્રષ્ટાચારના આરોપ થઇ રહ્યા છે, પરંતુ આપણને એમાં રસ નથી. હવે આવડી મોટી સરકાર હોય તો નાના મોટા ભ્રષ્ટાચાર થયા કરે. આપણે શું? 

ઘણા લોકો મને પૂછે છે કે હવે તમે વિદેશમાં પડેલું કાળું નાણું પાછું લાવવાની વાતો કેમ નથી કરતા. આવા પ્રશ્ર્નથી મને થોડી મૂંઝવણ થાય છે અને મારે ગલ્લાંતલ્લાં કરીને એ પ્રશ્ર્નો ઉડાડી દેવા છે. હવે હું લોકોને મારી મન કી બાત કેવી રીતે કહું કે ભાઇ, રાત ગઇ ઔર બાત ગઇ. હવે તો એવી સ્થિતિ ઊભી થઇ છે કે મારે મારા પોતાના પૈસા વિદેશની બૅન્કોમાં રાખવા પડે એમ છે. પતંજલિનાં ઉત્પાદનોનું ટર્ન ઓવર આટલું મોટું થશે એવી કલ્પના મેં ક્યારેય નહોતી કરી.

હવે બસ, એક જ ઇચ્છા છે કે કે મેગીની જેમ મારી પતંજલિ આયુર્વેદ લિમિટેડ કંપની પણ બધા જ આક્ષેપોમાંથી હેમખેમ નિર્દોષ છૂટી જાય અને અમારો ધંધો વધતો રહે. મેગી જેવી કંપનીને ફરી માન્યતા મળી તો મારા કોઇ ઉત્પાદન પર તો હજુ પ્રતિબંધ પણ નથી આવ્યો. પતંજલિનો જેટલો વિકાસ થશે એટલો જ દેશનો વિકાસ થશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment