Sunday 10 January 2016

[amdavadis4ever] આ માનવી જીવનન ી ઘટમાળ કેવી?

 


સ્વાતંત્ર્યોત્તર કાળમાં એક પ્રજા તરીકે આપણો સહુથી મોટો રાષ્ટ્રીય અપરાધ કયો એવું જો કોઈ મને પૂછે તો હું એક ક્ષણનાય વિલંબ વિના બેધડક કહી દઉં કે ૧૯૪૭-૪૮નાં સરદાર પટેલે રાજ્યોના વિલિનીકરણ વખતે રાજાઓને જે સાલિયાણાં આપવાનું વચન આપ્યું હતું એ વચન ૧૯૭૧માં ઈંદિરા ગાંધીએ બંધારણમાં સુધારો કરીને પાછું ખેંચી લીધું એ ઘોર કૃત્ય ગણાય. ૫૬૨ રાજાઓને એમનાં રાજ્યોના બદલામાં ચૂકવવાપાત્ર થતી સાલિયાણાંની રકમ સાડા પાંચ કરોડ રૂપિયા હતી. આ રકમ આ ૫૬૨ રાજ્યોની જે રોકડ પુરાંત કેન્દ્ર સરકારને મળી હતી એના વ્યાજ જેટલી જ થતી હતી. ૧૯૭૧માં જ્યારે આ સાલિયાણાંઓ રદબાતલ કર્યાં ત્યારે એ રકમ ચાર કરોડની જ હતી. ૨૫ વરસમાં એ લગભગ ૨૫ ટકા ઘટી ગઈ હતી. જો એ વચન રદ ન કર્યું હોત તો પણ આજે એ રકમ સાવ નજીવી હોત. આનું કારણ સાલિયાણાંની રકમ દરેક પેઢીએ ઘટતી જતી હતી.

આ ૫૬૨ રાજાઓ પૈકી છેલ્લો જીવતો જણ એટલે કે બ્રજરાજ ક્ષત્રિય બીરબારા ચંપાતી સિંહ મહાપાત્ર. ૯૫ વરસની ઉંમરે ગયા મહિને એમનું અવસાન થયું. ઓરિસા રાજ્યનાં ભુવનેશ્ર્વર અને કટક શહેરોની વચ્ચે ત્યારે ટાઈગિરીયા નામનું દેશી રાજ્ય હતું. ૪૬ ચોરસ કિ.મી.નો વિસ્તાર અને વીસ હજારની વસતિ. રાજા બ્રજરાજ ત્યારે આ પહાડી પ્રદેશના રાજા હતા. સાલિયાણાં માટે જે ગોઠવણ થઈ હતી એ મુજબ એમને વાર્ષિક રૂપિયા દશ હજારની રકમ મળતી હતી. બ્રજરાજ ૧૯૪૩માં રાજા બન્યા ત્યારે જગન્નાથપુરીના રાજા એમના મિત્ર હતા અને આ બંને મિત્રો કલકત્તાની મેજેસ્ટિક તથા ગ્રેટ ઈસ્ટર્ન હોટેલમાં જલસા કરતા. બ્લેક લેબલ અને વાઈટ લેબલ એમનાં પ્રિય પીણાં તથા ૯૯૯ અને સ્ટેટ એકસપ્રેસ પપપ એમની પ્રિય સિગારેટો હતી. રાજા બ્રજરાજ પાસે ત્યારે ૫૬ વાહનો હતાં જેમાં ૨૫ રોડ માસ્ટર, શેવરોલેટ અને પેકાર્ડ જેવી અદ્યતન ગાડીઓ હતી. એમની તહેનાતમાં ૩૦ નોકરો હતો.

આ રાજા ગયા મહિને જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે માટીની એક સાદી ઝૂંપડીમાં રહેતા હતા, એકલા જ હતા. પત્ની રાણી રાસમંજરીદેવી અને છ સંતાનોથી અલગ થઈ ગયા હતા. પોતાની મર્યાદાથી વિશેષ લખલૂટ નાણાં જરૂરિયાતમંદોને વહેંચતા અને મદ્યપાનના અતિરેકને કારણે પરિવારમાં એમનો સમાવેશ થઈ શક્યોે નહિ. ૧૯૬૦માં એમણે પોતાનો રાજમહેલ ઓરિસ્સા સરકારને રૂ. ૭૫ હજારમાં વેચી દીધો. આમાં એક સમજૂતી હતી. આ મકાન સરકારે ક્ધયા શાળા બનાવવા માટે જ ઉપયોગમાં લેવું. સરકારે આ સમજૂતીનું પાલન કર્યું નહિ. (સાલિયાણાંની જેમ જ.) ત્યારે રાજાની ઢળતી ઉંમર હતી. કુટુંબથી વિખૂટા પડી ગયા હતા. કોઈએ એમને કહ્યું- 'સરકારે વચનભંગ કર્યો છે.' ત્યારે એમણે કહ્યું, 'હવે હું શું કરી શકું?'

રાજા બ્રજરાજ રાયપુરની રાજકુમાર કૉલેજમાં ભણ્યા હતા અને આ જ કૉલેજની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય બન્યા હતા. કૉલેજ એમને દર વરસે રૂપિયા પચાસ હજારનું માનધન આપતી. રાજા આ માનધન પોતાની ભૂતપૂર્વ પ્રજાના ગરીબ વર્ગમાં વહેંચી દેતા.

કટોકટી કાળ પછી ઓરિસ્સાના મુખ્ય મંત્રી બીજુ પટનાઈકે આ રાજાને કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડવાનું કહ્યું, પણ આ રાજાએ એનો અસ્વીકાર કરતાં કહ્યું, "જે લોકોનો હું રાજા હતો એ લોકો પાસે હું વોટની ભીખ શી રીતે માંગુ?' અને આટલું કહ્યા પછી ઉમેર્યું કે રાજા તરીકે હું મોટો શિકારી હતો. મેં તેર વાઘ, અઠ્ઠયાવીસ ચિત્તા અને એક હાથીનો શિકાર કર્યો છે, પણ લોકોનો શિકાર કરતાં મને ન આવડે.

રાજાએ જે ભીખ માંગવામાં હીણપત અનુભવી એ હીણપત રાણીએ ન અનુભવી. બીજુ પટનાયકે રાણીને ટિકિટ આપી અને રાણી ચૂંટણી જીતી ગઈ.

પોતાનાં રાજ્યો દેશને સોંપી દીધાં ત્યારે પણ રાજાઓ ગરીબ નહોતા. એમના પાસે અંગત કહી શકાય એવું પુષ્કળ ધન બચ્યું હતું. કેટલાંક રાજાઓ આવતીકાલને ઓળખી ગયા. એમણે ધનનો વિનિયોગ કર્યો, સાચવ્યું, વધાર્યું પણ ખરું ને જે પક્ષની સરકાર હોય એ પક્ષની પડખે ઊભા રહીને ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ બન્યા. કેટલાકોને આ ન આવડ્યું. રજવાડી ખાણીપીણી અને મોજમસ્તી તેઓ છોડી શક્યા નહિ. રાજા બ્રજરાજ આમાંના એક હતા, પણ રાજાઓ માત્ર ખાણીપીણી કે મોજમસ્તીથી જ ઘેરાયેલા નહોતા. પોતાની કહેવાતી પ્રજામાં જે કંઈ વહેંચી શકાય એ વહેંચતા પણ ખરા. રાજા બ્રજરાજને રાજકુમાર કૉલેજના જે પચાસ બજાર રૂપિયા મળતા એનો ઉપયોગ એમણે માત્ર પોતાની આજીવિકા માટે જ કર્યો હોત તો છેલ્લા દિવસોની કંગાલિયત વેઠવી ન પડત.

ટાઈગીરિયા રાજ્યની એક વિશેષતા હતી. જે અપરાધીઓ જેલવાસ ભોગવતા એમને દીવાલો વિનાની અને છાપરાંઓની એક ખુલ્લી જગ્યામાં જ રાખવામાં આવતા. રાજા ત્યાં આવે પણ કોઈ જેલવાસી સામે જુએ નહિ કે બોલે પણ નહિ એ પ્રજાજન માટે ભારે આકરી સજા ગણાતી. જગન્નાથપુરી ઉપર જ્યારે મુસ્લિમ આક્રમણો ઝળૂંબતાં હતા ત્યારે મંદિરની મૂર્તિઓને બચાવવા પુરીના રાજાએ એની સોંપણી ટાઈગીરિયાના રાજાને કરી. ટાઈગીરિયાના રાજાએ આ મૂર્તિઓની સ્થાપના બાર વરસ સુધી નદી કાંઠાના એક મંદિરમાં કરી હતી. આ મંદિર આજે પણ જળવાયું છે એવું કહેવામાં આવે છે.

૨૦૧૩માં એક પત્રકારે બ્રજરાજની આ કંગાલિયત જોઈને એમને પૂછયું હતું- 'તમે રાજા હતા, હવે આવી કંગાલિયતમાં વસો છો, તમને દુ:ખ નથી થતું.' ૯૨ વરસના રાજાએ ત્યારે જવાબ આપેલો- 'દુ:ખ? મને શા માટે દુ:ખ થાય? જે જીવન હું જીવ્યો છું એ મારું જીવન હતું- એ ગમે તેવું હોય, મેં ઘડેલું.' આવું કહેતી વખતે એમની આંખ ચમકી ઊઠી હતી. પેલા પત્રકારે ઝૂંપડીમાં ચારેય બાજુ નજર ફેરવી. બેે-ત્રણ પ્લાસ્ટિકની ખુુરશીઓ, એસ્બેસ્ટોસનાં છાપરાંમાંથી ગળતું પાણી, ભોંય ઉપર પાથરેલી ફાટેલી તાડપત્રી, થોડાંક પુસ્તકો, થોડીક બાટલીઓ, એક ટોર્ચ, થોડાંક ટમેટાં અને દીવાલ ઉપર કરોળિયાનાં જાળાં.

છેલ્લાં વરસોમાં રાજા બ્રજરાજને પોતાના રાજ્યનાં ગામડાંઓ વચ્ચે ફરવાનું મન થતું ત્યારે એક રિક્ષાવાળો એમને ભાંડું લીધા વિના ફેરવવા લઈ જતો. રાજ્યની પ્રજા એમને રાજા નહિ પણ આજા કહેતી. આજા એટલે ઓરિયા ભાષામાં દાદા એવો અર્થ થાય. આ રાજાને આ પ્રજા છેેલ્લા દિવસોમાં અનાજ પણ આપી આવતી.

રાજા બ્રજરાજે પોતાની અંત્યેષ્ટિ માટે સ્થાનિક લોકોને એક સૂચના આપી હતી. રાજ્યના લોકોએ દશ દશ રૂપિયાનો સ્વૈચ્છિક ફાળો કરવો અને એમાંથી પોતાના અંતિમ સંસ્કારો કરવા. આ કરુણાંતિકાની જાણ આપણને બે-ચાર છૂટાછવાયા અંગ્રેજી અખબારોએ કરી છે ખરી, પણ આ જાણકારીનો ખરો યશ લંડનના દૈનિક પત્ર 'ધ ટેલિગ્રાફ' અને સાપ્તાહિક સામયિક 'ધ ઈકોનોમિસ્ટ'ને જાય છે. (કૈલાસ સત્યાર્થીને નોબેલ પુરસ્કાર ન મળ્યો હોત તો આપણને એની જાણ થાત ખરી?) ઈતિહાસમાંથી કે સાંપ્રત કાળની ઘટનાઓમાંથી જો કંઈ શીખવું હોય તો આ રાજાના ઘટમાળના આ અંશો નોંધવા જોઈએ.

૧) આપણે વચનબદ્ધ નહિ પણ વચનદ્રોહી પ્રજા પુરવાર થયા.

૨) જે રાજાઓ અને એ અર્થમાં જે વ્યક્તિઓ પરિવર્તિત સમયને સમજીને પોતાની જીવનરીતિ બદલતી કે ગોઠવતી નથી એણે સહન કરવું પડે છે.

૩) રાજાઓ માત્ર મોજમજા કે શરાબી મહેફિલમાં જ ડૂબેલા નહોતા પણ પોતાના ખિસ્સાની છેલ્લી પાઈ સુધી પ્રજામાં વહેંચતા અને એને પ્રેમ કરતા.

૪) જીવનમાં સુખદુ:ખની ઘટમાળ આવે ત્યારે કેવી દાર્શનિકતાથી જોવું એ આ રાજાનું વર્તન ઈંગિત કરે છે.

ઈતિહાસની આવી ઘટમાળ સામે નતમસ્તકે ઊભા રહીને એને જોયા કરવા સિવાય બીજું તો શું થઈ શકે? બહુ બહુ તો ઊંડો શ્ર્વાસ લઈને બે ચપટી સમજદારી વધારીએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment