Wednesday, 27 January 2016

[amdavadis4ever] અભીપ્ સા: ‘હ શે કો ઈ નવું તૂત’ Snehalata Bhatiya

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અભીપ્સા: ‘હશે કોઈ નવું તૂત’

શાંતાબાને નિરાશા ઘેરી વળી. ભગવાન, મારો શું વાંક-ગુનો કે મારી કૂખે આ કપૂત પાક્યો? માંડ દસમું ભણ્યો. આઇ.ટી.આઇ.માં મૂક્યો તો તે અધૂરું છોડી પાછો આવ્યો. નથી ખેતી સંભાળતો. દુ:ખી મને શાંતાબાએ જયેશની ઊલટી સાફ કરી. ફિનાઇલ છાંટ્યું. ત્યાં તો જયેશે કરેલા પેશાબનો રેલો દેખાયો અને પછી ખાબોચિયું થયું. શાંતાબા હતપ્રભ થઈ ગયાં. તેને ઊંચકીને ગામના તળાવમાં ફેંકી આવવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. પોતાના ભાગ્યને દોષ દેતાં શાંતાબાએ ફરીથી બધી સફાઈ કરી.
તેઓ બીજા ઓરડામાં જઈ ખાટલામાં આડાં પડ્યાં. 'તમે સુખી થઈ ગયા! બધી પીડા મારા માટે મૂકી ગયા? જુઓ છોને તમે? તમારો આ લાડકો જયેશ? તમારા કરતાં હું પહેલી ઉપર કેમ ન ચાલી ગઈ?' શાંતાબાએ આંખ અને નાક સાડીના પાલવથી લૂછ્યાં.

શાંતાબા સામે અતીત ઝળૂંબ્યા કરતો હતો. શાંતાબાએ આખી રાત પોતાના સ્વર્ગસ્થ પતિ સાથે અને જાત સાથે ફરિયાદના સૂરમાં વિતાવી. મોંસૂઝણી સવારે ફળિયામાં ચહલપહલ શરૂ થઈ ગઈ. આજુબાજુ, સામેવાળાં ઘરોમાં ફાનસ, દીવાઓ બુઝાવી દેવાયાં. શેરીની લાઇટ બંધ થઈ ગઈ. સામેવાળા ઘરના કાનજીકાકાનો વિનોદ હાથમાં પાણીની ડોલ લઈ બહાર આવ્યો. ભેંસોની ગમાણમાં જઈ ડોલના પાણીથી ભેંસનાં આંચળ ધોયાં પછી વધેલું પાણી ફેંકી તે જ ડોલમાં ભેંસને દોહવા લાગ્યો. શાંતાબા વ્યથિત હૃદયે અને ભારે મનથી ગ્રસ્ત શરીરનું જાણે ઘાસનું પોટલું બાંધતાં હોય તેમ પોતાનાં અંગોને સંકોરી ખાટલા પરથી નીચે ઉતાર્યું. સ્નાનાદિ પછી રસોડામાં ગયાં. જયેશ હજી ભરનિદ્રામાં હતો.

સવારે 11.00 કલાકે બા ઘરે પાછાં ફર્યાં તો જયેશ લાલઘૂમ આંખો સાથે વિહ્્વળ થઈ ઘરમાં આંટા મારતો હતો. બા રસોઈની પળોજણમાં પડ્યાં. જયેશની અને પોતાની થાળી પીરસી. બંનેએ ચૂપચાપ જમી લીધું. 'તું આરામ કર.' કહી બા પોતાના ઓરડામાં જઈ દૈનિક અખબાર લઈ બેઠાં. કલાક થયો. બાએ નોંધ્યું કે જયેશના ઓરડામાંથી સતત ગણગણાટ સંભળાય છે. તેઓ જયેશના ઓરડામાં ગયાં તો જયેશ દીવાલ તરફ મોં ફેરવીને બેઠો હતો જાણે કે દીવાલ સાથે વાતો કરતો હતો. બાને આશ્ચર્ય તો થયું, પરંતુ 'હશે કોઈ નવું તૂત' માનીને ધ્યાન ન આપ્યું. ત્રણ દિવસ થયા. દારૂની લતે ચડ્યા પછીનાં આટલાં વર્ષોમાં પહેલી વાર એવું બન્યું હતું કે જયેશે એક ટીપું દારૂ લીધો ન હતો. તેનું વિચિત્ર વર્તન, બબડાટ કરવો, ઉશ્કેરાઈ જવું, સૂનમૂન બેસી રહેવું. ઘરની બહાર ન નીકળવું વગેરેએ શાંતાબાને વિમાસણમાં મૂકી દીધાં. ક્ષણભર થઈ આવ્યું કે આનું મગજ ચસકી તો નથી ગયુંને?

જયેશે દારૂ ન પીધાનો આજે ચોથો દિવસ. શાંતાબાની દીકરી સુશીલા તેમની ખબરઅંતર પૂછવા આવી હતી. સુશીલા નિયમિત રીતે મહિને એક વાર બાને મળવા આવતી. 'મા તને આ આંખ નીચે અને ગાલ પર શું થયું છે?' કહેતાંમાં તો સુશીલાની આંખો સજળ બની. બા વાત ટાળતાં રહ્યાં, પરંતુ અલગ અલગ પ્રકારે સુશીલાની પૃચ્છા ચાલુ જ રહી. આખરે બાએ કહ્યું, 'હું પડી ગઈ હતી.' 'રાતના અંધારામાં મને દેખાયું નહીં અને પડી ગઈ.' સુશીલા વિચારવા લાગી મા પડી ગઈ તો આંખ નીચે અને ગાલ ઉપર કેવી રીતે વાગ્યું? હાથે, પગે કે પડખે ન વાગતાં ગાલ ઉપર? આંખ નીચે? શાંતાબા વાત છુપાવતાં હતાં કારણ તેમની આ બાહોશ દીકરી જો જાણે કે જયેશે 'પી'ને બાને મારપીટ કરી હતી, ગાલ અને આંખ નીચેની છાપ તો તેના ચસચસતા તમાચાની હતી, તો જયેશની ખેર નથી.

સુશીલા તેને ધીબી નાખવામાં એક પળવારનો વિલંબ ન કરે. ત્રણ ભાઈ-બહેનોમાં જયેશ સૌથી નાનો. લાડકોડમાં ઉછરેલો જયેશ પહેલી વખત મદિરાથી ગંધાતા મોંએ ઘરે આવ્યો ત્યારે સુશીલાનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો. તેને લાફો ઠોકી દીધો હતો. ત્યારે જો પોતે તેને અટકાવી ન હોત તો સુશીલાએ એને લાકડીથી ફટકાર્યો હોત. મિત્રો સાથે કોઈક વાર પીતો જયેશ સમયાંતરે રોજ પીવા લાગ્યો. ઘરમાં સૌ કોઈ તેને ટોકતા, પરંતુ તેની કોઈ અસર ન થઈ. અચાનક એક દિવસ જયેશે આવી બાને કહ્યું, 'મારે દિવ્યા સાથે લગ્ન કરવાં છે.' દિવ્યા બાજુના ગામની હતી. જ્યારે તેણે પોતાની પસંદગીની છોકરી સાથે પરણવાની વાત કરી ત્યારે ઘરના સૌ સભ્યોને લાગ્યું કે પરણશે, જવાબદારી આવશે એટલે દારૂ ઉપર નિયંત્રણ આવશે, પરંતુ જયેશમાં કોઈ સુધારો ન આવ્યો.

બાના ચહેરાને જોઈને સુશીલાને શંકા તો ગઈ જ કે આ કારસ્તાન જયેશનું જ હશે, પરંતુ બા સાચું કહેતાં ન હતાં. આજે પણ જયેશ નહાયા-ધોયા વિનાનો ખૂણામાં ઊભો ઊભો બબડાટ કરતો હતો. જાતને મારતો હતો. સુશીલાએ અકળાયેલા સ્વરમાં પૂછ્યું: 'શું છે આ નાટક?' મોટીબહેન, 'હું તો આત્મા સાથે વાતો કરું છું.' જયેશે હોઠ વાંકાચૂકા કરી ઉત્તર વાળ્યો. સુશીલાને પોતાનું હસવું ખાળવા પ્રયત્ન કરવો પડ્યો. બીજી જ પળે મગજ ઉપર ગુસ્સો હાવી થઈ ગયો. તેણે મહાપ્રયાસે પોતાના આક્રોશ ઉપર અંકુશ મેળવ્યો. તેને જયેશનું વર્તન અસાધારણ લાગ્યું. રોજ દારૂ પીનારો, નશો ઊતરે એટલે ફરી દારૂ પીવાની પેરવીમાં જ રાચતો. ક્યાંથી પૈસા લાવું? કોની પાસે માગું? બસ આમાં જ એનું મગજ રોકાયેલું રહેતું. પૈસા ન મળે તો ઘરમાં મારઝૂડ કરવી, ગાળો બોલવી. આજે એણે મારી પાસે પણ પૈસા ના માગ્યા? બસ, એકલો એકલો બકવાસ કર્યા કરે છે. સુશીલાનું મન દ્વિધા અનુભવવા લાગ્યું. શાંતાબા અને સુશીલાને ચિંતા થવા લાગી. 'કાલે સવારે તેને ડોક્ટર પાસે લઈ જઈએ.' બાએ સુશીલાને કહ્યું.

શાંતાબા, સુશીલા અને જયેશ દવા લઈ ઘેર આવ્યાં. જયેશને જમાડીને દવા આપી. થોડી વાર પછી તે ઊંઘી ગયો. સુશીલાએ શાંતાબાને કહ્યું, 'મા એણે ચાર દિવસથી દારૂ નથી પીધો એનો અર્થ એ થયો કે તે સાજો થશે તો દારૂ પીશે. તેના કરતાં ભલે બબડ્યા કરતો. ઘરમાં તો રહેશે. દારૂમાં તો એ અને ઘર પાયમાલ થઈ ગયાં. આપણું ઘર ગામમાં 'પૈસાવાળું' ગણાતું. બધી ઘરવખરી તેણે વેચી નાખી. આ આપણું ઘર તો તું જો? રાચરચીલું વિનાનું, ખાલીખમ. આ તો તારી કોઠાસૂઝ કે તેં બાપ-દાદાઓનાં તાંબાં-પિત્તળનાં વાસણો અને કબાટ બધું ગિરીશને ત્યાં ખસેડી દીધું, નહીંતર આ નપાવટે તો એ પણ વેચી-સાટીને નવરું કરી દીધું હોત. અરે! મા તું ખુદ તારી સામે જો. ગામમાં તારું કેટલું માન હતું? શ્રીમંત ઘરની તું ગામમાં નીકળતી તો લોકો તને અહોભાવથી જોતા. વાર-તહેવારે લોકોને તેં દાન કર્યાં છે. આજે એ જ ઘરનો દીકરો લોકો પાસે પૈસા માગે છે. પોતાનું શર્ટ ઉતારી વીસ રૂપિયામાં વેચે છે. શું કરવા? દારૂ પીવા?

ઘણી વખત ગામમાંથી કોઈ આવીને કહે, 'બા, તમારો જયેશ ત્યાં 'પી'ને પડેલો છે અને તું ગામના કોઈ છોકરાની મદદથી તેને જેમ તેમ ઘરે લઈ આવી છું. તેં ઓછું દુ:ખ નથી વેઠ્યું મા? હું ફરી તને કહું છું તું એની સારવાર કરાવવાની ભૂલ કરતી જ નહીં.'
શાંતાબાના હાથમાં માળા ફરતી રહી. હોઠ ફફડતા રહ્યા, પરંતુ તે સુશીલાને સાંભળતાં તો હતાં જ. તેમણે મૃદુ પણ સ્થિર સ્વરે ઉચ્ચાર્યું, 'હું જયેશને મનોરોગના ડોક્ટર પાસે લઈ જઈશ, તેની દવા કરાવીશ. હું તેને સાજોસમો કરી દઈશ. એનો દારૂ પણ છોડાવીશ. હું માનું છું, તેણે મને અસહ્ય પીડા દીધી છે, પરંતુ તે મારું સંતાન છે. હું તેને કેમ નાદુરસ્ત રહેવા દઉં.'
જયેશના ભાગ્યોદયની અભીપ્સા સાથે શાંતાબાએ તેની સારવારનો સંકલ્પ કર્યો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment