Monday, 11 January 2016

[amdavadis4ever] હે પ્રભુ ! મારા દેશને ટનબંધી અસહિષ્ણુતા આપજે - Gujarati (posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હે પ્રભુ ! મારા દેશને ટનબંધી અસહિષ્ણુતા આપજે
આ દેશ ગરીબ છે તેનું ખરું કારણ એ જ કે અહીં અસહિષ્ણુતાનો કારમો દુકાળ છે. આપણી પ્રજા દહેજના દૂષણ સામે, ભ્રષ્ટાચાર સામે, આસારામ સામે, અંધશ્રદ્ધા સામે કે દેવદાસી પ્રથા સામે અસહિષ્ણુ નથી બની શક્યો. પરિણામે અહીં આશ્રમોમાં ચાલતા ભ્રષ્ટાચારને નિરાંત રહે છે. ક્યાંય હવે 'જટાયુવૃત્તિ' ઝાઝી બચી નથી. જો રાજા રામમોહન રાયે પહેલ કરી ન હોત તો સતીપ્રથા બીજાં પચાસ-સાઠ વર્ષો સુધી નભી ગઇ હોત. જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં મને કાયરતાની કૂખે જન્મેલી અહિંસક સહિષ્ણુતાનાં ખાબોચિયાં નજરે પડે છે. જે શિક્ષક વર્ગમાં પૂરી 45 મિનિટ સુધી ભણાવે ત્યારે વિદ્યાર્થીઓ બગાસાં જ ખાતાં રહે તોય 40-42 વર્ષ નભી જાય છે અને પછી પેન્શન લેતો હોય છે. એવો બગાસાંમૂલક શિક્ષકનો એક તાસ લગભગ 4-5 હજાર રૂપિયાનો પડે છે.

એ વર્ગમાં જઇને ટેબલ પર ડસ્ટર ઠોકીને વિદ્યાર્થીઓને શાંતિ રાખવા માટે આદેશ આપે છે. એ ક્ષણે એક વાત સિદ્ધ થઇ જાય છે કે શિક્ષકની પર્સનાલિટી કરતાં ડસ્ટરની પર્સનાલિટી અધિક પ્રભાવશાળી છે ! બિહારની ચૂંટણીમાં ફરીથી કાયરતામૂલક સહિષ્ણુતાનો જયજયકાર થયો. શું બન્યું? ચૂંટણીમાં કોઈ હારે કે જીતે તેનું ઝાઝું મહત્ત્વ નથી. જે નેતા ચૂંટણીમાં ઊભા રહેવાની પાત્રતા ગુમાવી બેઠો હોય અને પૈસાનો ગોટાળો કરવા બદલ બે વાર જેલમાં જઈ આવ્યો હોય તે માણસ નીતીશ કુમારની પાર્ટી કરતાંય વધારે બેઠકો જીતી જાય, તેમાં રહેલી સહિષ્ણુતાની પ્રશંસા થઈ શકે? જેટલી બેઠકો લાલુપ્રસાદના પક્ષને મળી એટલી બેઠકો કોંગ્રેસને મળી હોત, તો મને જરા પણ દુ:ખ થયું ન હોત. લાલુપ્રસાદનો 'સેક્યુલર ભ્રષ્ટાચાર' હવે પૂરાં પાંચ વર્ષ ચાલવાનો! બિહાર ગાડી ચૂકી ગયું કે નહીં તે તો સમય કહેશે.

ઉત્તરપ્રદેશ અને બિહારમાં સેક્યુલર ગણાતો ગુંડો પણ ચૂંટણીમાં વિજયી બની શકે છે! હે પ્રભુ! મારા દેશને ટનબંધી અસહિષ્ણુતા આપશે. સહિષ્ણુતાના નામે પ્રજા નિસ્તેજ બની ગઈ હોય એવો વહેમ પડે છે. સુનિલ બલિરામ ગાયકવાડ મહારાષ્ટ્રના લાતુર મતવિભાગમાં બીજેપી સાંસદ તરીકે ચૂંટાયેલા દલિત નેતા છે. તેઓ ડબલ B.A., ડબલ M.A. ઉપરાંત પીએચ.ડી. થયેલા છે. તેઓએ કવિતા પણ લખી છે અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સ્વસ્થ પર્સનાલિટી ધરાવનારા  સુનિલજીના મતક્ષેત્રમાં દલિત સરપંચને માર મારવામાં આવ્યો. હજી કેટલાંય ગામોમાં દલિતો સુરક્ષિત નથી અને માથે મેલું ઉપાડવાનું પણ છેક બંધ થયું નથી. લોકોને આ વાતે કોઈ ઉચાટ નથી. આવી સહિષ્ણુતા શા કામની?

ટીવી પર પાકિસ્તાનના લેખક તારિક ફત્તેહનો ઇન્ટરવ્યૂ માણ્યો.લેખક હાલ કેનેડામાં સેટલ થયા છે, પરંતુ મૂળ બલુચિસ્તાનના છે. એમણે બલુચિસ્તાનની જેલ પણ એક વર્ષ માટે વેઠી છે. એમણે નગમા સહરને NDTV પર આપેલા ટીવી ઇન્ટરવ્યૂમાં જે વાતો કરી તેનો સાર એ જ કે ભારત વધારે પડતો સહિષ્ણુ દેશ છે. એમણે હળવી ફરિયાદ પણ કરી અને કહ્યું કે બલુચિસ્તાનમાં મુસ્લિમોની કત્લેઆમ (જીનોસાઇડ) થઇ તોય થોડાક જ કિલોમીટર દૂર આવેલા ભારતે માનવ-અધિકારની જાળવણી માટે કોઈ પગલાં ન ભર્યાં. તારિકભાઇની એક ફરિયાદ એ પણ હતી કે પાકિસ્તાનમાં હિંદુઓની અવદશા અંગે પણ 'વધારે પડતી' સહિષ્ણુતામાં માનનારી ભારત સરકાર ચૂપ છે! હજારો બલુચી લોકો નિરાશ્રિત તરીકે ભારતમાં આવવા તૈયાર છે, પરંતુ...!

સહિષ્ણુતા પણ એક 'જીવલેણ રોગ' બની શકે છે. ગમે તેવી ઝઘડાળુ પત્ની સાથે આખું જીવન વેંઢારનાર પતિને લોકો 'સહિષ્ણુ' કહે છે. એ જ રીતે સાવ જ નિર્માલ્ય લલ્લુને પતિ તરીકે જીવનભર વેઠનારી પત્નીની લોકો પ્રશંસા કરે છે.વિધવા જે જે દુ:ખો સહન કરે તેની પ્રશંસા કરનારો સમાજ જરૂર આનંદવિરોધી, સહજવિરોધી અને જીવનવિરોધી હોવાનો! પરાક્રમહીનતાને ગિલેટ ચડાવનારો સમાજ ગરીબી, શોષણ અને અન્યાયને વેઠવામાં નસીબનાં રોદણાં રડતો રહે છે. સ્ત્રીઓને પુરુષો તરફથી થતા બધા જ અન્યાયોના મૂળમાં 'પ્રશંસા પામતી સહિષ્ણુતા' રહેલી છે. અસ્પૃશ્યતા ટકી ગઇ તેના મૂળમાં પણ સહિષ્ણુતા છે અને ગંદકી ટકી ગઇ તેના મૂળમાં પણ સહિષ્ણુતા જ છે. સહિષ્ણુતા એક એવો રોગ છે, જેની કોઇ દવા નથી. અહિંસામાં પણ ક્ષત્રિયત્વ હોઇ શકે તે વાત આપણને ગાંધીજીએ શીખવી. અન્યાયનો પ્રતિકાર સુવ્યવસ્થિત ઢબે કરવાનું ગાંધીજીએ શીખવ્યું. અહિંસામાં રહેલી સૂક્ષ્મ કાયરતા આપણા સમાજને પીડે છે. અન્યાયની ઇમારતના પાયામાં કાયરતાના કાંકરેટનો કોબો થયેલો હોય છે. સહનશીલતા પણ વિવેક માગે છે. આપણે તેજસ્વી અસહિષ્ણુ (ઇનટોલરન્ટ) ક્યારે થઇશું?

કોઇ પણ લઘુમતી માટે ભારતથી
ચડિયાતી કોઇ જગ્યા નથી.
મને કોઇ પણ મુસલમાનને પૂછવાનું ગમશે:
'શું તેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાન
અને ઇરાકમાં રહેવાનું પસંદ કરશે?'
તેઓ જરૂર જવાબમાં 'ના' કહેશે.
જો તમે આ જ દેશમાં રહેવાનું પસંદ કરો છો,
કારણ કે તમને અહીં ઘર જેવું લાગે છે,
તો પછી આ દેશનો આદર કરો અને એના
કલ્ચરનો આદર કરો અને સંપથી રહો!

- સલિમ ખાન
(ટા.ઓ.ઇ.માં તા. 4-11-2015ને દિવસે પ્રગટ થયેલા ઇન્ટરવ્યૂમાં બોલાયેલા શબ્દો)

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment