Monday 29 August 2016

[amdavadis4ever] આંગણની તુલસી (Gujarati) - Posted by B D JesranI

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રાંજલને ધાર્યા માર્ક્સ આવ્યા નહિ, હવે એને બીજી લાઇન લેવી પડશે. એના પપ્પા અનિરુદ્ધના બળાપાનો કોઇ પાર નથી. સવાર ,સાંજ,વેળા કવેળાએ એ પ્રાંજલને તિરસ્કારભર્યા સૂરે સંભળાવતા જ હોય, 'હું કેટલું કહેતો હતો કે દીકરા, વહેલા ઊઠો, વાંચો. પણ મારું સાંભળે છે જ કોણ? ભાઇને તો રીક્રિએશન માટે રોજ ટી.વી.જોવા જોઇએ, બહાર ભટકવા જોઇએ અને પછી ઘોરવા જોઇએ. બીજા છોકરાઓ તો માંડ ચાર કલાક ઊંઘે છે રોજના અઢાર અઢાર કલાક વાંચે છે. પણ અમારા આ કુંવરને તો માર્ક્સ લાવવાની ચિંતા જ ક્યાં હતી? આ બાપ વૈતરું કરનારો છે ને,ગધેડાની જેમ છોને ખેંચતો. અમારા કુંવરસાહેબને તો લાઇફ એન્જોય કરવાની છે. અનિરુદ્ધ ઉગ્રતાથી કટાક્ષભરી વાણીમાં પોતાની હતાશા અને ઉકળાટ બહાર કાઢતા જ રહે છે.

પ્રાંજલ અપરાધભાવ અનુભવતો ચૂપ ઊભો રહે છે. પ્રાંજલને પોતાની સામે ચૂપચાપ ઊભો રહેલો જોઇને અનિરુદ્ધને જાણે બોલવાનું શૂરાતન ચડે છે એમ બોલે છે "તેં કીધું એમ મેં મોંઘી મોંઘી ટ્યુશન ફી ભરી પણ શું વળ્યું? બધું એળે ગયું. પૈસા કંઇ ઝાડ પર ઉગતા નથી કે મુઠા ભરી ભરીને તોડી લાવી તેં કહ્યું એમ ફી ભરી હતી. ઓહોહો મેં તારા માટે કેવા કેવાં સ્વપ્નાં જોયાં હતાં પણ તને શું? તને બાપ માટે ક્યાં લાગણી છે! તને મારા અરમાનની ક્યાં કંઇ પડી હતી?

અનિરુદ્ધના પિતા વિનુભાઇ રોજેરોજ આ બધું સાંભળે. રોજેરોજના આ કકળાટ, કલેશ, વિનુભાઇને ન ગમે. એમણે જોયું હતું કે પ્રાંજલ એના ગજા પ્રમાણે એકધારી મહેનત કરતો હતો. એ જરાય આળસુ ન હતો કે ઊંઘણશી ન હતો કે બેજવાબદાર રીતે મોજશોખ કરનાર ન હતો. 

પણ ધાર્યા માર્ક્સ ન આવ્યા એ હકીકત સ્વીકારીને પ્રાંજલને આશ્ર્વાસન આપવાના બદલે શું રોજેરોજ એને તિરસ્કારથી વઢ્યા જ કરવાનો! રોજેરોજની કટકટથી વિનુભાઇ અકળાઇ ગયા. તેઓ આશ્ર્વાસનભર્યા સૌમ્ય સૂરે બોલ્યા "બેટા અનિરુદ્ધ તું શાંત થા. બળાપો ના કર. તેં બાપ તરીકેનું દીકરા પ્રત્યેનું કર્તવ્ય બજાવ્યું છે. દીકરો એની રીતે મન દઇને મહેનત કરતો હતો પણ બાયચાન્સ ધાર્યા પ્રમાણે માર્ક્સ ન આવ્યા એનો ખરખરો ક્યાં સુધી કરવાનો? જે થયું તે સ્વીકારી લેવાનું અને ભગવદ્ગીતામાં કહ્યું છે કે તું તારું કર્તવ્ય બજાવ,ફળની આશા ન રાખીશ. દીકરા, આપણો ધર્મ આપણને નિષ્કામ કર્મ કરવાનું પ્રબોધે છે. અરે, દરેક ધર્મ આસક્તિ,મોહ, આગ્રહ, જીદ છોડવાનું કહે છે. તું નિષ્કામપણે તારી સાંસારિક ફરજ બજાવ પણ મનની પ્રસન્નતા સાચવીને, પરિણામની આકાંક્ષા રાખવાની નહિ.' 

અનુભવી અને વયોવૃદ્ધ વિનુભાઇ દીકરા તરફના વાત્સલ્યના લીધે વ્યવહારુ અને ઉચિત સલાહ આપતા હતા પણ અનિરુદ્ધ ધર્મનું નામ સાંભળીને ઉશ્કેરાઇ ગયો અને બરાડ્યો," આ ઉંમરે મારે તમારો ધર્મોપદેશ નથી સાંભળવો. મારે તમારી જેમ ઘરના ખૂણામાં નચિંતપણે પડી નથી રહેવાનું. મારે તો ઘર ચલાવવાનું છે. આ છોકરાને ઠેકાણે પાડવાની ચિંતા છે. વિનુભાઇ સહેજ છોભીલા પડી ગયા પણ લાગણી નીતરતા સૂરે કહ્યું,"દીકરા, હું તને સંકુચિત અર્થમાં ધર્મની વાત નથી કરતો' પરંતુ તત્ત્વજ્ઞાન... બાપની વાત અધવચ્ચે કાપતા અનિરુદ્ધ બોલ્યો,"મારે તમારી જેમ ક્યાંય લેકચર આપવાના નથી પણ વાસ્તવવાદી બની પૈસા કમાવાના છે. પપ્પા, નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ એ તો તમને ખબર છેને?

"હા,દીકરા હા, મને બધી ખબર છે. મને મારા બાપ પાસેથી દલ્લો ન હતો મળ્યો. હુંય સંઘર્ષ કરીને જીવ્યો છું, તને ભણાવ્યો છે, અને હું જોઇ રહ્યો છું કે અમારા જમાના કરતાં તમારા જમાનામાં બાહ્ય ઝંઝટ, દેખાદેખી, રાગ,દ્વેષ, હરીફાઇ, છેતરપિંડી, અપ્રમાણિકતા વધી પડ્યાં છે. તનાવભરી આ જિંદગીમાં સ્વસ્થ રહેવા ફિલોસોફર બનવું જ પડશે. તત્ત્વજ્ઞાન સમજી જાણીને આચરણમાં મૂકશો તો જ ટકી રહેશો. ધર્મ આચર એટલે તું કર્મકાંડ કર કે દેવદર્શને જા એવું હું તને નથી કહેતો. પણ તું તત્ત્વજ્ઞાન મેળવીશ તો આ જિંદગી અને જગતને સમજી શકીશ. 

ભૌતિકવાદના આ ઝંઝાવાતમાં ગાડરિયા પ્રવાહમાં તું તણાય નહિ અને જિંદગીને સાચા અર્થમાં સમજે, તારા મનને સાચા અર્થમાં સમજે એવું હું ઇચ્છું છું, માટે હું તને આ બધું કહી રહ્યો છું. બેટા, પ્રાંજલને ઓછા માર્ક્સ આવ્યા છે તો એના રસરુચિ પ્રમાણે એ બીજી લાઇનમાં જશે. દુનિયામાં બધા પ્રકારના વ્યવસાયીઓની જરૂર છે. અને યાદ રાખ કે આપણા દીકરામાં દૈવત હશે અને જો એ મહેનત કરશે તો ગમે તે લાઇનમાં એ ઝળકી ઊઠશે.

"પણ પપ્પા, એ જો ઊંચા ગુણવત્તાવાળી લાઇનમાં ગયો હોત તો વટ પડી જાત ને! હું માથું ઊંચું લઇને ફરત!

"બેટા, વટ કોની આગળ પાડવાનો? બીજાના ગજથી આપણે મપાવાનું ન હોય. આપણે સામાન્ય વિચારસરણીમાંથી ઊંચે ઉઠવાનું છે. જિંદગીને અખિલાઇપૂર્વક જોવાની છે. 

"પણ પપ્પા, હવે આપણે શું કરવાનું એ મને કહોને. અત્યારે તો કેટકેટલી લાઇનો ભણવાની છે અને કેટકેટલી ડિગ્રીઓ હોય છે, મને તો કંઇ સમજાતું જ નથી. ચિંતા કરી કરીને હું જ પાગલ થઇ જાઉં છું, બાકી હુંય સમજું છું કે બોલ બોલ કરવાથી હું મારું મગજ બગાડું છું અને એનું પણ. મારા બોલવાથી એ કેવો હતાશામાં ઘસડાતો હશે, પણ મારી જીભ પર મારો કાબૂ નથી. હું બહાવરો બની ગયો છું.'

"બેટા તારી મનોસ્થિતિ હું સમજું છું પણ તું જો સંયમથી નહિ વર્તે તો દીકરાની શું દશા થશે? એનું મન મરી જશે તો કોઇપણ ક્ષેત્રમાં એ નહિ ઝળકે. એનો આત્મવિશ્ર્વાસ ચાલ્યો જશે. એ લઘુતાગ્રંથિ અનુભવશે. દીકરાની પ્રગતિ અને વૈભવપ્રતિષ્ઠાનાં તેં સ્વપ્નાં જોયા હોય એ વાત સાચી, પણ પ્રથમ પગલે દીકરો નિષ્ફળ ગયો અને તું દીકરાને પ્રોત્સાહન આપવાના બદલે મરશિયા ગાવા બેસી ગયો? તારે તો મનનું સમતુલન સાચવવું જ જોઇએ, તું બાપ છે એ ન ભૂલીશ. 

દીકરો એક લાઇનમાં ન જઇ શક્યો એટલે એના માટે બધા ક્ષેત્રના દરવાજા બંધ થઇ ગયા? તું દીકરાને તારા એક સ્વપ્નામાં જકડી ન રાખ. એને નીડર બનાવ અને સમજાવ કે વિકાસ સાધવાના અનેક માર્ગો છે. પ્રાંજલ શું નહિ બની શકે એનો વલોપાત તું છોડી દે અને એ શું બની શકશે એનો જ વિચાર કર. એ જે લાઇનમાં જાય એમાં દિલ રેડીને કામ કરે એવી પ્રેરણા એને આપવાની. 

માણસે કદી એનું મન ડહોળી ન નાખવું જોઇએ. જે મળે એને ઉત્તમ રીતે વિકસાવવાની કલા એને શીખવવાની છે. 

અનિરુદ્ધ જીવનમાં સંઘર્ષ તો આવ્યા જ કરે છે, ક્યારેક કટોકટી સર્જાય. ચારેબાજુ અંધકાર જ અંધકાર દેખાય ત્યારે અડગ રહેવું, પડી ન ભાંગવું એ અત્યંત આવશ્યક છે. 

દીકરા જીવનમાં પૈસા, સગવડો,ભૌતિક સંપત્તિની એક મર્યાદા બાંધવી જોઇએ. ભૌતિકવાદમાં ઢસડાઇએ તો બેહાલ થઇ જઇએ, નષ્ટ થઇ જઇએ, માટે જે મળ્યું એનાથી સંતોષ માનવાનું, શિક્ષણ દીકરાને આપવું જોઇએ. એના ઘડતરમાં આ પાયાની વાત છે, એ લક્ષમાં લેવી જ જોઇએ'

અનિરુદ્ધ બોલ્યો,'પપ્પા, આજે તમારા જેવી સંતોષવૃત્તિને સમાજ પછાતપણું ગણે છે, આજે તો મનાય છે કે બધી શક્તિ કામે લગાડીને જેટલો પૈસો કમાવાય એટલો કમાઓ. 

તમારી કમાણી પર જ તમારી પ્રગતિ અને સમૃદ્ધિનો આંક મુકાય છે. તમે સફળ થયા ગણાઓ. સમાજ તમને માન આપે. 

વિનુભાઇ બોલ્યા,"બેટા ભૌતિક સંપત્તિ મળે એટલે સુખ મળે એની કોઇ ગેરેન્ટી નથી, 

માટે વિવેક રાખવો જોઇએ. વર્તમાન દિવસોમાં માણસ પ્રાચીન ભારતીય જીવનમૂલ્યો ભૂલી ગયો છે તેથી નિર્ભેળ આનંદ અને નિરાંત પણ એ ગુમાવી બેઠો છે. 

અનિરુદ્ધ બોલ્યો," પણ પપ્પા, તમારી ફિલોસોફી આજે નકામી ઠરી છે. માણસે આગળ ને આગળ વધવાનું છે એટલે તો હું એવું બોલું છું, પ્રાંજલમાં મહત્ત્વાકાંક્ષાની આગ લાગે અને એ પોતાની બધી શક્તિ એકાગ્ર કરીને ભણે. પપ્પા, હું પ્રાંજલનો દુશ્મન નથી પણ એ આગળ આવે એમ હું ઇચ્છું છું. અત્યારે એ નાદાન છે. દુનિયા કઇ વસ્તુને માન આપે છે તે જાણતો નથી, અને એ તમારી વાતોમાં આવી જશે તો ઉપાધિ થશે. એ જીવનની દોડમાં પાછળ પડી જશે. તમારી વાત, તમારી માન્યતા તમારા જમાનામાં સાચી હતી, આજે નહિ. આજે જીવનશૈલી બદલાઇ છે, જીવનમૂલ્યો બદલાયાં છે, કેળવણીના ખ્યાલ બદલાયા છે. પ્રાંજલને હું આ જમાના પ્રમાણે કેળવવા માગું છું.' 

"બેટા, તું કહે છે એ વાત ખોટી નથી પણ એક વાત સનાતન સત્ય છે કે દરેક વાતમાં સમતુલન જાળવવું જ જોઇએ. આપણને ચારેબાજુ જે વૈભવ દેખાય છે એ બધો આપણને મળે એ વાત શક્ય નથી. બીજી વાત ઇશ્ર્વરે દરેકને જુદી જુદી ટેલેન્ટ આપીને પૃથ્વી પર મોકલ્યા છે. દીકરામાં જે ટેલેન્ટ હશે એ પ્રમાણે એ બનશે. તું કુદરતમાં જો, ગુલાબ છે, કમળ છે અને મોગરો છે, ત્રણે શોભે છે, ત્રણેનું ચોક્કસ મહત્ત્વ છે. આપણે ઇચ્છીએ કે ગુલાબને મોગરો બનાવીએ પણ ગુલાબ ગુલાબ જ રહે છે. મોગરો મોગરો રહે છે. એ રીતે પ્રાંજલના સંપૂર્ણ વ્યક્તિત્વ વિશે તું વિચાર. સ્વાભાવિકપણે એને ખીલવા દે, તું બહુ ખેંચાખેંચ ન કર. આગ્રહ ન કર. 

અનિરુદ્ધ એના પપ્પાની શિખામણ સંપૂર્ણપણે સ્વીકારી નથી શકતો, પણ ચૂપ રહે છે. મનમાં તો એ દૃઢપણે માને છે કે માટીના લોંદાને કુંભાર ટીપીટીપીને માટલું બનાવે છે અને એ જ માટીને ટીપી ટીપીને કૂંડું પણ બનાવે છે. કુંભારે માટીને રગડવી અને ખૂંદવી તો પડે છે પણ માટી જડ છે તેથી કુંભાર ધાર્યો આકાર એને આપી શકે છે, માટી એનો વિરોધ નથી કરતી. 

આવું વિચારતો હોય છે ત્યાં અનિરુદ્ધના મનમાં ચમકારો થયો, પ્રાંજલ જડ નથી, ચૈતન્યમય છે, એને એની માન્યતાઓ હોય, વિચાર હોય, સ્વપ્નાં હોય. એને એની રીતે વિકસવા દેવો જોઇએ. બાપ તરીકે મારે તો એને સહયોગ જ આપવાનો હોય. મારા વિચાર એની પર લાદવાના ન હોય.

હવે અનિરુદ્ધને પોતાનો કર્તવ્યપંથ સ્પષ્ટ દેખાવા માંડ્યો. એના પિતા વિનુભાઇ સાથે હવે એને કોઇ મતભેદ નથી. એના મનનો આક્રોશ શમી ગયો. પ્રાંજલને વઢવાનું આપોઆપ છૂટી ગયું. ઘરમાં ફરી એકવાર સ્નેહનું વાતાવરણ સર્જાયું

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment