Monday, 29 August 2016

[amdavadis4ever] ક્યારેક કારણ વિનાનું કંઈક કરીએ! (Gujarati) - Posted by B D Jesrani

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મારા ઘરની બારીમાંથી કેટલાંક લીલાછમ વૃક્ષો ઝબૂળતાં નજરે પડે છે. આ વૃક્ષોમાં એક કેળનું વૃક્ષ પણ છે. કેળના લીલાછમ્મ અને જોતાંવેંત ગમી જાય એવા લિસ્સા પાન જોવા મળે છે. તે દિવસે પણ એવું જ બન્યું. તાજા જ વરસેલા વરસાદના ઝાપટાને કારણે કેળના આ પાન ઉપર પાણીનાં ટીપાં જામી ગયાં હતાં. હું આ ટીપાંમાં પ્રતિબિંબિત થતા પ્રકાશને આંખ ભરીને જોઈ રહ્યો હતો.

"ક્યારના ત્યાં શું જોઈ રહ્યા છો? ઘરમાંથી કોઈકે પછ્યું

"કેળનાં પાન જોઈ રહ્યો છું. મેં સાવ સહજતાથી કહ્યું. "કેળનાં પાન જોવા મને ગમે છે.

"એમાં શું ગમવાનું હોય? એ તો પાન જેવા પાન છે. કોઈકે મારા ભોળપણ ઉપર આશ્ર્ચર્ય પ્રગટ કર્યું.

વાત તો સાચી હતી. કેળનાં પાનમાં શું જોવાનું હોય? બીજાં સેંકડો વૃક્ષોનાં લીલાછમ પાન જેવાં આ પણ એક પાન હતાં. એ ગમવા પાછળ શું કારણ હોઈ શકે?

નામ આજે આ લખવાની ક્ષણે યાદ નથી આવતું પણ એક મોટા ગજાના અંગ્રેજી લેખકે પોતાનો એક પ્રસંગ ટાંક્યો હતો એ યાદ આવે છે. આ લેખક પોતાના પૌત્ર સાથે બગીચામાં ફરી રહ્યા હતા ત્યારે જ પેલા પૌત્રે દાદાને કહ્યું- "દાદા, આખા બગીચામાં બધાં જ વૃક્ષ કે છોડનાં પાન લીલા રંગનાં જ કેમ છે?

સૃષ્ટિનાં અપાર રહસ્યોને પોતાની સેંકડો રચનાઓમાં ઉકેલનારા દાદા આનો જવાબ વાળી શક્યા નહોતા. એમણે માત્ર એટલું જ કહ્યું, "કારણ કે એ લીલાં છે.

આપણે જિંદગીને એવી રીતે ઢાળી દીધી છે કે કોઈ પણ ક્રિયા માટે કારણ જ શોધ્યા કરીએ છીએ. કોઈકે મારી સામે જોયું તો પણ મારા મનમાં સબાક કરતો એક પ્રશ્ર્ન પેદા થઈ જાય છે. આ અજાણ્યા માણસે મારી સામે કેમ જોયા કર્યું હશે? બન્યું છે એવું કે કારણ વિના જાણે આપણે કશું જ કરતાં નથી. પ્રેમ પણ અકારણ નથી કરતાં. કરેલા પ્રેમનો સરવાળો અને ક્યારેક તો ગુણાકાર પણ મનોમન કરતા હોઈએ છીએ અને વખત આવ્યે આ સરવાળાની રકમ સામેવાળાને સંભારી પણ આપીએ છીએ. વેર કે દ્વેષ અકારણ ન થાય- અને ન જ કરવાં જોઈએ- પણ પ્રેમ સુધ્ધાં આપણે અકારણ નથી કરતાં. આજે એક જ ભાણામાં પરસ્પરને આગ્રહ કરીને જમનારાઓ થોડાંક મહિનાઓ કે થોડાંક વરસો પછી, એકબીજાના ભાણામાંથી ભોજન આંચકી લેતા હોય એવું નજરે પડે તો એની પણ આપણને કોઈ નવાઈ નથી લાગતી.

અંધારી રાત્રે ક્યારેય ખુલ્લા આકાશમાં નજર નોંધી છે ખરી? જો આવા વખતે કોઈ એમ કહે કે જો પેલો મંગળનો ગ્રહ, તો તરત જ આકાશદર્શન પડતું મૂકીને તમે પેલા મંગળના ગ્રહને શોધવા માંડો છો. મંગળના ગ્રહને તમે ઓળખતા નથી પણ પેલાએ તમને કહ્યું છે કે એનો રંગ રતુંબડો છે, ચમકીલો છે અને ઝબક ઝબક થતો નથી. તમે મંગળની શોધ શરૂ કરો છો. નિર્ભ્રાંત આકાશદર્શનનું સૌંદર્ય ગુમાવીને હવે તમે પેલા કારણની પાછળ એકાગ્રતા કેળવી લ્યો છો. હવે તમે મંગળ શોધો છો, આકાશદર્શન કરતા નથી.

પ્રશ્ર્ન ઉપનિષદની પૂર્વભૂમિકા છે એ વાત સાચી. જ્ઞાનપ્રાપ્તિ કે આત્મપ્રાપ્તિ માટે પ્રશ્ર્ન ચિત્તમાં પેદા થાય એમાં કશું ખોટું નથી. ખરું કહીએ તો એ આવકાર્ય પણ છે. પણ પ્રશ્ર્ન નરી અને નિર્મળ જિજ્ઞાસાવૃત્તિથી વીંટળાયો ન હોય ત્યારે એ બુદ્ધિની કસોટી બની જાય છે. કાં તો પ્રશ્ર્નકર્તા ઉત્તરદાતા કે અન્યો સમક્ષ, પોતાની બૌદ્ધિક તેજસ્વિતાનું પ્રદર્શન કરવા માગતો હોય છે અથવા તો પ્રશ્ર્ન દ્વારા એ ઉત્તરદાતાને ચકાસવા માગતો હોય છે.

જીવનમાં ક્યારેક કોઈક એવી ક્ષણો અનિવાર્ય હોય છે કે જેમાં કોઈ પ્રશ્ર્ન ન હોય, કોઈક ક્રિયા માટે કોઈ કારણ ન હોય, આસપાસ જે કંઈ છે એના માટે આંખ અને અંતરમાં વિસ્મય અને નયુર્ર્ંં વિસ્મય જ હોય એવી પળ પણ જીવવા જેવી છે- જો મેળવી શકાય તો!

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે બુદ્ધિયોગને પ્રાધાન્ય આપ્યું છે. બુદ્ધિ અને તર્ક બંને પરસ્પરના પર્યાયવાચી શબ્દો નથી એવું એમણે ક્યાંય કહ્યું નથી અને એટલે આપણે સહુ એવું સમજી બેઠા છીએ કે બુદ્ધિ અને તર્ક બંને એક જ છે. આમ સમજવું આપણને વહેવારિક જીવનમાં વધુ અનુકૂળ છે. તર્કનો સહારો લઈ ડગલે ને પગલે આ બાજુ કે પેલી બાજુ આપણે આવ-જા કરી શકીએ છીએ. બુદ્ધિ ચોવીસ કેરેટની હોય છે, નિર્મળ હોય છે, બિલકુલ સ્પષ્ટ હોય છે. એમાં જ્યારે તર્કની ભેળસેળ કરીએ છીએ ત્યારે જ બુદ્ધિ ચૌદ કેરેટની થઈ જાય છે અને આ ચૌદ કેટેરટની બુદ્ધિ વહેવારમાં વધુ ઉપયોગી છે એટલે આપણે એના વિનિયોગ કરનારને બુદ્ધિશાળી કહીએ છીએ. નિર્મળ ચિત્તે અને વિશુદ્ધ ભાવે જો આ ચૌદ કેરેટના બુદ્ધિમાનને ચકાસે તો એમાં કેટલી અશુુદ્ધિ છે એ તરત જ શોધી શકાય છે પણ આજે આપણને આવો વખત જ ક્યાં છે?

ચૌદ કેરેટનો આ બુદ્ધિમાન કોઈક કારણ વિના પણ કંઈક કામ થઈ શકે છે એ વાત સમજી જ શકતો નથી હોતો. ફૂલ સુગંધ શા માટે ફેલાવે છે કે પછી મૌન કેવો ધારદાર સંવાદ કરી શકે છે એ વાત આ ચૌદ કેેેરેટિયો સમજી નહિ શકે- "મને બધ્ધી જ ખબર છે અથવા તો "હું તો તરત જ સમજી જાઉં! આવાં વાક્યો એના તકિયા કલામ હોય છે. "હું ન સમજું એવું બને જ નહિ! અથવા તો "જે વાત તમે સમજાવી ન શકો એ વાત સાચી હોઈ જ ન શકે. આવી બધી વાતો વડે શૂન્યના એવા હિંડોળા ઉપર એ હીંચકતો હોય છે કે કારણ વિના એ કશું જોઈ જ શકતો નથી.

ક્યારેક સાવ નિરાંતવી પળે પંખીને ઊડતા જોજો, કે પછી આંગણામાં કૂદાકૂદ કરતી ચકલીઓને જોજો. ઊડતાં પંખીઓ એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર શા માટે જાય છે અથવા સાવ કારણ વિના આકાશમાં ગોળ ગોળ ચકરાવા શા માટે લે છે એનાં કારણો કોઈ શોધી શક્યું નથી. બે એકસરખા બીજ, એક સરખી જમીનમાં રોપ્યા પછી, એકસરખું પાલનપોષણ કર્યા પછી પણ બંનેમાંથી જે વૃક્ષ પાંગરે છે એની ડાળીઓ એક સરખી નથી હોતી. એ એકસરખી કેમ નથી એનાં કારણો કોઈક ચૌદ કેરેટિયો બુદ્ધિમાન શોધ્યા કરશે. ચોવીસ કેરેટિયો માત્ર વિસ્મયથી એ પાંગરેલી ડાળીઓને ટગર ટગર જોયા કરશે અને ક્યારેક એની ઉપર હાથ ફેરવી લેશે.

કોઈ પણ કાર્યની પાછળ કોઈકને કોઈક કારણ અવશ્ય હોય છે એ વૈજ્ઞાનિક સમજૂતી સાવ સાચી છે. આને આપણે કાર્યકારણ શૃંખલા તરીકે શાળામાં ભણ્યાં છીએ અને આજે પણ ભણાવીએ છીએ. આ શૃંખલા સૂર્ય કેમ ઊગે છે એ વાત સમજાવી શકે છે, પણ ઊગતા સૂર્યને જોઈને આપણને આનંદ કેમ થાય છે એ સમજાવી શકાતું નથી. જીભમાં પ્રકૃતિએ છ સ્વાદ મૂક્યા છે પણ આ છ પૈકી કડવો નથી ભાવતો અને ગળ્યો ભાવે છે એવું કેમ બને છે? જે તીખો તમને સ્વાદિષ્ટ લાગે છે એ સ્વાદ મારી જીભ કેમ ગ્રાહ્ય નથી કરતી એનું કારણ શોધી શકાતું નથી.

આખા જીવનને કાર્યકારણ સાથે ચુસ્તીથી જકડવાની જરૂર નથી. ક્યારેક કારણ વિનાનું પણ કંઈક હોય છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment