Tuesday 30 August 2016

[amdavadis4ever] લેખકની જરૂરિયાત, વાચકની જરૂરિયાત

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાઉલો કોએલોએ માતા હારી નામની જગમશહૂર થઈ ગયેલી સેક્સી જાસૂસના જીવન પ્રસંગોના આધારે લખેલી 'ધ સ્પાય' નવલકથા ૧૫ નવેમ્બરે આલ્ફ્રેડ નૉફ પબ્લિશર્સ દ્વારા અંગ્રેજીમાં રિલીઝ થશે. પણ એનું બુકિંગ અત્યારે ઇન્ડિયામાં નથી થતું. પાઉલો કોએલો એમની માતૃભાષા પોર્ટુગીઝમાં લખે છે પછી એમનાં પુસ્તકો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થાય છે. 'ધ સ્પાય'ની ઓરિજિનલ પોર્ટુગીઝ એડિશનના કિંડલ વર્ઝનના અગોતરા ઑર્ડર લેવાઈ રહ્યા છે. (આ તો મને એમ કે કોઈને રસ હોય તો). બાય ધ વે, પોર્ટુગીઝ ભાષા ભલે એક હોય પણ પોર્ટુગલમાં બોલાતી-લખાતી પોર્ટુગીઝ અને બ્રાઝિલમાં બોલાતી-લખાતી પોર્ટુગીઝ ભાષા વચ્ચે ઘણું મોટું અંતર છે. ક્યારેક તો એમાંથી એક જ ભાષાના જાણકારને બીજી સમજવામાં તકલીફ પડી જાય એટલું મોટું અંતર છે. પાઉલો કોએલો બ્રાઝિલના વતની છે અને તેઓ બ્રાઝિલિયન પોર્ટુગીઝમાં લખે છે. જોકે, આજકાલ તેઓ સ્વિત્ઝર્લેન્ડમાં ઘર ખરીદીને રહે છે (એ પેટનું બળ્યું કોણ બોલ્યું કે 'આપણે તો આંયાં માથેરાન જવાના ફાંફાં છે'? ઓહ, એ તો અમારા અંતર આત્માનો અવાજ છે.)

ખેર, ગઈ કાલે જે ટોચના બેસ્ટ સેલર્સનાં નવાં પ્રકાશનોની વાત કરી એમાં પાઉલો કોએલો રહી ગયા'તા એટલે એમની વાત પણ ઉમેરી દીધી.

ગઈ કાલના પીસમાં છેલ્લે પૅરેગ્રાફ આ હતો જેના છેલ્લા વાક્યના જે પચ્ચીસેક શબ્દ છે એમાંથી આજના લેખનો ઑપરેટિવ શબ્દ ગેસ કરવાનો હતો:

'દરેકને પોતાની પ્રાયોરિટી હોય છે. મને જે ચીજ નથી જ જોઈતી તે કોઈ ફિફ્ટી પર્સેન્ટ ડિસ્કાઉન્ટમાં પણ આપે તોય હું નથી લેવાનો. અને જે ચીજ મારા માટે જરૂરી છે તે લેવા હું સમય-પૈસા ખર્ચીને પણ લાંબો થવાનો અને જે ભાવે મળતી હશે તે ભાવે એને ઘર ભેગી કરવાનો.'

ઘણા વાચકોએ 'પ્રાયોરિટી' શબ્દ ગેસ કર્યો છે. એક રીતે જુઓ તો એ બધા જ વાચકો સાચા છે. પણ મારા મનમાં એ શબ્દ નહોતો. પ્લસ 'પ્રાયોરિટી' ફકરાના પહેલા વાક્યમાં છે. મેં કહ્યું છે કે પચ્ચીસેક શબ્દના છેલ્લા વાક્યમાંથી. શોધો. કેટલાક વાચકોએ 'ડિસ્કાઉન્ટ'ને ઑપરેટિવ વર્ડ ગણાવ્યો છે (જોયું, સુથારનું મન બાવળિયે) પણ એ શબ્દ બીજા વાક્યમાં છે. એકમાત્ર હેમેન્દ્ર ભાટિયા નામના વાચકે મને લખી જણાવ્યું છે કે: 'જરૂરી'.

યસ, જરૂરી.

વાચક માટે શું જરૂરી છે ને શું જરૂરી નથી તે એ જ નક્કી કરશે. હિંદીમાં જેમ જાસૂસી નવલકથાઓ વગેરેના ચીપ સાહિત્યને પલ્પ ફિક્શન અથવા તો લૂગદી સાહિત્ય કહે છે એમ ગુજરાતીમાં મેં એક ટર્મ બનાવી છે. આ જે ચિંતનના ચૂર્ણ અને પ્રેરણાની પડીકીવાળું સાહિત્ય ગુજરાતીમાં આવે છે એને હું 'લૂગદી ચિંતન' કહું છું. પલ્પ ફિલોસોફી. મોટો રાફડો ફાટી નીકળ્યો છે દૃષ્ટાંતો, મહાન લોકોનાં સુવાક્યો, 'પ્રેરણાત્મક' કિસ્સાઓ, બનાવટી વાર્તાઓ દ્વારા વાચકોને પ્રેરણાનાં સ્ટેરોઈડ ઈન્જેક્શનો આપવાનો. હાર્મફુલ છે.

પણ એની ઈન્ડસ્ટ્રી ધમધોકાર ચાલે છે જેમાં જેન્યુઈન ગણાતું, સિરિયસ પ્રકારનું, કાયમી ઉપયોગિતા ધરાવતું ખરેખર ઈન્સ્પિેરેશનલ હોય એવું સાહિત્ય પાછળ છૂટી જાય છે.

પણ રાજાને ગમી તે રાણી, છાણાં વીણતી આણી. જો કોઈ વાચકને 'લૂગદી ચિંતન' ધરાવતી પસ્તી ભેગી કરવાનો શોખ હોય તો આપણાથી શું કહેવાય?

દરેક પ્રકાશક સરકારી અને અર્ધસરકારી યોજનાઓને ધ્યાનમાં રાખીને એમાં પોતાનો 'માલ' પધરાવવાની ગણતરી રાખતા હોય છે. નૉર્મલ વાચક હાથમાં પણ ન ઉપાડે એવાં અનેક પુસ્તકો, વર્ષે કરોડો રૂપિયાની કિંમતનાં થાય એટલાં, આવી યોજનાઓમાં ઠલવાતાં હોય છે ને પછી ગોડાઉનોમાં કે કોઈની અવરજવર ન હોય એવી લાઈબ્રેરીઓની અભરાઈઓ પર ધૂળ ખાતા હોય છે.

પણ આવું તો દરેક ભાષામાં ચાલતું હોય છે. સૌથી વધારે અંગ્રેજીમાં ચાલતું હોય છે. શું કરી શકો તમે?

ગુજરાતીમાં ઈ-બુક્સનું ડિમડિમ આજકાલ ઘણું સાંભળવા મળે છે પણ આજની તારીખે પુસ્તક દીઠ એના ડાઉનલોડ્સની સંખ્યા કેટલી? સદ્નસીબ હોય એની ઈ-બુક ૧૦૦થી વધુ ડાઉનલોડ્ની ખરીદી પામે (ખરીદીની વાત છે, મફતિયા ઈ-બુકની નહીં) અને એક હજાર પાર કરનારી તો જ્વલ્લે જ મળે. અને આ ઈ-બુક્સમાંથી કમાણી કેટલી? ખુશ થઈને મિત્રોને કટિંગ ચાની પાર્ટી આપો તો પૈસા ચૂકવતી વખતે કોઈની પાસેથી હાથ ઉછીના લેવા પડે એટલી.

જે સહૃદયી મિત્રે કહ્યું કે ગુજરાતીના ટૉપ ટ્વેન્ટી રાઈટર્સ એકસાથે ન્યૂઝ પેપર્સમાં લખવાનું છોડી દે અને પોતાનું પ્લેટફોર્મ ઊભું કરે તો મહિને લાખોમાં કમાણી કરે એ મિત્રને મેં કહેલું કે જો કોઈ કૉલમનિસ્ટ એમ માનતો હોય કે મારે કારણે જ છાપું વેચાય છે તો એના જેવો મહામૂરખ બીજો કોઈ નહીં. કરવા ખાતર કલ્પના કરો કે ગુજરાતી ભાષાનાં ટોચનાં દસ અખબારોમાં લખનારા વીસેક શીર્ષસ્થ કટારલેખકો રાતોરાત પોતાની કોલમો બંધ કરી દે તો એ છાપાંઓની એક પણ નકલ ઘટવાની નથી. અને એની સામે એ વીસ જણનો અલગ ચોકો બન્યા પછી એમનો ચૂલો જલશે કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી. ચાન્સીસ આર ધેર કે હવેલી લેવા જતાં તેઓ ગુજરાત ખોઈ બેસશે.

જરા નિરાંતે સમજાવું તમને. ઈ-બુકનું અત્યારે જે માર્કેટ છે તેના દ્વારા કે ફેસબુક કે વૉટ્સઍપ ગ્રુપ્સ દ્વારા તમારું લખાણ એક ધડાકે વધુમાં વધુ કેટલા લોકો સુધી પહોંચી શકે? અમુક સોથી લઈને વધુમાં વધુ અમુક હજાર સુધી. આની સામે મારા જેવો રાઈટર જે 'મુંબઈ સમાચાર' જેવા ધરખમ ફેલાવો ધરાવતા અખબારમાં લખતો હોય છે ત્યારે તે એકસાથે અમુક લાખ વાચકો સુધી એક જ ધડાકે પહોંચી જતો હોય છે. કૉલમનિસ્ટની લોકપ્રિયતા સ્થાપવામાં અને વધારવામાં અખબારો ભાગ ભજવે છે. અખબારોની લોકપ્રિયતા સ્થાપવામાં કે વધારવામાં કૉલમનિસ્ટો ઉપરાંત બીજી એક હજાર નાની-મોટી બાબતોનો ફાળો હોય છે.

ઈવન નવલકથાકારે પણ લોકપ્રિય બનવા માટે છાપાં - મેગેઝિનોમાં ધારાવાહિકરૂપે નવલકથાનાં પ્રકરણને પ્રકાશિત કરવાં પડે છે.

અંગ્રેજીમાં સ્ટીફન કિંગ કે જેફ્રી આર્ચર કે જ્હૉન ગ્રિશમ કે નિકોલસ સ્પાર્ક્સ કે જે. કે. રોલિંગ છાપામાં કૉલમો લખ્યા વિના કે ધારાવાહિક પ્રકરણો છપાવ્યા વિના પૉપ્યુલર બન્યા. (પાઉલો કોએલો વીકલી કૉલમ લખતા હતા). પણ અંગ્રેજીનું માર્કેટ એટલું મોટું છે કે એની કમ્પેરિઝન આપણી સાથે ના થાય. ગઈ કાલે કહ્યું એમ તોતિંગ માર્કેટ હોવાને કારણે પ્રકાશકોને આ લેખકોની નવલકથાઓને પ્રમોટ કરવામાં રસ પડે. તેઓ પ્રમોશન પાછળ જે રકમ ખર્ચે છે તેના કરતાં અનેકગણું વળતર એમને મળતું હોય છે. ગુજરાતીમાં જો પ્રકાશક એકાદ મેજર ફંક્શન કરીને ઉદ્ઘાટન કાર્યક્રમ કરવા જાય તો એનો બધો જ પ્રોફિટ વત્તા રાઈટરની રૉયલ્ટી - બધું જ એમાં ધોવાઈ જાય.

ગુજરાતી રાઈટરે પુસ્તકોમાંથી જ કમાણી કરીને બે પાંદડે થવું હશે તો એના માટે ભરપૂર સ્કોપ છે પણ એ માટે આઉટ ઑફ થિન્કિંગ કરવું પડશે. પુસ્તકોમાંથી જ 'કમાણી' શબ્દો મહત્ત્વના છે. ઈવેન્ટ મેનેજ કરીને કે લેક્ચર કરીને કમાણી થતી હોય તો તે સારું જ છે પણ એને 'પુસ્તકોમાંથી જ કમાણી' કરવી નહીં કહી શકો, રાઈટર તરીકેની કમાણી નહીં કહી શકો. એ કમાણી લેક્ચરર તરીકેની કે ઈવેન્ટ મેનેજર તરીકેની છે એવું કહી શકો.

આજથી અલમોસ્ટ ત્રીસ વર્ષ પહેલાં - ૧૯૮૯ની સાલમાં - મહેન્દ્ર મેઘાણીએ પોતાની પ્રકાશન સંસ્થા લોકમિલાપ વતી 'ચંદનનાં ઝાડ' નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું જેની એમણે કુલ ૧ લાખ નકલો વેચી હતી. આ ઉપરાંત બીજાં અનેક પુસ્તકોની એમણે બિગ થાઉઝન્ડ્સમાં નકલો વેચી છે. લોકમિલાપનું આખું આર્થિક મૉડેલ જુદું છે અને મહેન્દ્ર મેઘાણીએ જ્યારે 'ચંદનનાં ઝાડ'ની એક લાખ નકલ વેચી ત્યારે એમની પાસે આ પ્રકારનું કામ કરવાનો ત્રણેક દાયકા જેટલો અનુભવ ઑલરેડી હતો.

માટે આજની તારીખે મહેન્દ્ર મેઘાણીનો કેસ સ્ટડી પ્રેરણા લેવા પૂરતો ટાંકીએ પણ એનું અનુકરણ ન કરી શકીએ.

પણ જેમ મહેન્દ્ર મેઘાણીએ આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ દ્વારા ગુજરાતી પુસ્તક પ્રકાશન - વિતરણ - વેચાણના વિશ્ર્વમાં ન ભૂતો, ન ભવિષ્યતિ જેવું કામ કર્યું તેવું કામ અલગ રીતે, મિશનરી ઝીલથી નહીં પણ એ પૈસા કમાવાના ઈરાદાથી, કેમ ન થઈ શકે?

આ કામ કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે તમે ઍરોગન્ટ બનીને તમારી ચોપડી નહીં વેચી શકો. મારી ચોપડી નોબેલ પ્રાઈઝને લાયક છે છતાં આ ગમાર ગુજરાતી વાચકો એને સૂંઘતા પણ નથી એવી તુમાખી રાખશો તો ફેંકાઈ જશો. તમારું પુસ્તક વાચકને વાંચવું કે ખરીદવું 'જરૂરી' લાગે છે કે નહીં એ જ એકમાત્ર એનો લિટમસ ટેસ્ટ છે. એનો અર્થ એવો નથી કે વાચકને લૂગદી ચિંતનનો ચસકો લાગી ગયો હોય તો તમારે એનો એક શોખ પોષવો જોઈએ. ગુટકા પર સરકાર પ્રતિબંધ મૂકી શકે છે પણ લૂગદી ચિંતનનાં પુસ્તકો પર નથી મૂકી શકાતો એનો અર્થ એ નથી કે એવાં પુસ્તકો વાચકની માનસિક સેહત માટે હાર્મફુલ નથી.

લૂગદી ચિંતન - સાહિત્ય ઉપરાંત ગુજરાતીમાં બીજું ઘણું લખાય છે જેમાંનું કેટલુંક ખરેખર પુસ્તકોરૂપે સંઘરાવું જોઈએ. એવા પુસ્તકરૂપે જે વાચકને લાગે કે મારા માટે એ અનિવાર્ય છે. વાચકને એ પુસ્તકો સહેલાઈથી ઘેરબેઠાં મળવાં જોઈએ અને એ પહેલાં તો એને એ વિશેની પૂરતી માહિતી સહેલાઈથી પ્રાપ્ત થવી જોઈએ. એમાંની ક્ધટેન્ટ જ નહીં, એનું પ્રોડ્ક્શન પણ ટૉપ ગ્રેડનું હોવું જોઈએ. આજે તકલીફ એ છે કે રૂપાળું લેખાતું પુસ્તક ક્ધટેન્ટની બાબતમાં સાવ ખોખલું નીકળે અને લગડી આયટમોથી ખીચોખીચ પુસ્તકની પ્રોડક્શન વેલ્યુ અલમોલ્ટ ઝીરો હોય.

ગુજરાતી વાચકોનો પુસ્તકપ્રેમ છેલ્લા દસકામાં વધ્યો છે. કોઈ પણ પ્રકાશકને પૂછી જુઓ તમે. હવે ગુજરાતી લેખકો પર આધાર છે કે એમણે વાચકો માટે કેવી રીતે 'જરૂરી' બનવું છે, કેવી રીતે 'અનિવાર્ય' બનવું છે - મમરાની ગૂણ વેચીને કે બદામની પોટલી આપીને.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment