Wednesday, 31 August 2016

[amdavadis4ever] ભાવના ચડે કે કાયદો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ધર્મ અને એની ઉજવણી એ માનવીની અંગત બાબત છે. આપણા બંધારણમાં પ્રત્યેક નાગરિકને પોતાની મરજી મુજબના ધર્મપાલનનો મૂળભૂત અધિકાર બહાલ કરવામાં આવ્યો છે. વાત જયાં સુધી ઘરની ચાર દીવાલો વચ્ચે રહે છે ત્યાં સુધી કોઈ સમસ્યા નથી આવતી, પણ ધર્મની ઉજવણી ઘરનો દરવાજો ખોલીને સડક પર ઊતરી આવે છે ત્યારે સમસ્યાની શરૂઆત થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમુક તહેવારોની ઉજવણીની પદ્ધતિ પર માનવીય દૃષ્ટિકોણ ધ્યાનમાં રાખીને ન્યાયાલયે કેટલાંક પ્રતિબંધ લાદતા જનતામાં એના પ્રત્યાઘાતો ઉમટ્યા છે. 

ભગવાન શ્રીકૃષ્ણની બાલ્યાવસ્થાના જે કેટલાક રોચક અને મજેદાર પ્રસંગો છે એમાંની સૌથી વધુ લોકપ્રિય વાત છે એમની ગોપીઓના ઘરમાં જઈને મટકી ફોડીને માખણ ખાવાની વાત. મહારાષ્ટ્રમાં વર્ષોથી ગોકુળાષ્ટમી નિમિત્તે દહીહાંડીના ઉત્સવની ઉજવણી (જુઓ બૉક્સ) થતી આવી છે. આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે વર્ષોથી યોજાતા દહીહાંડી ઉત્સવ પર સુપ્રીમ કોર્ટે કેટલાંક પ્રતિબંધો મૂકતા વાત વિવાદાસ્પદ બની ગઈ છે. દહીહાંડીના આ ઉત્સવની ઉજવણીમાં કેટલાક સમયથી પડકાર અને પ્રલોભનનાં તત્ત્વો ઉમેરાયાં છે. મોટી રકમનાં રોકડ ઇનામો અને એ મેળવવા વધુ ઊંચાઈએ બાંધવામાં આવતી હાંડીને કારણે આ ઉજવણી વધુ પડકારરૂપ બની છે. જોકે, સાથે સાથે એના કેટલાક નકારાત્મક પહેલુઓ પણ જોવા મળ્યા છે. મટકી ફોડવાના પ્રયત્નમાં ગોથું ખાઈ જવાથી ગોવિંદાનું મૃત્યુ થયું હોવાની તેમ જ ભારે ઇજા પહોંચી હોવાની ઘટનાઓ પણ બની છે. એટલે આ વર્ષે આપણા દેશની સર્વોચ્ચ અદાલતે ગોવિંદાના જીવનાં જતન કાજે ઉત્સવની ઉજવણી પર બે પ્રતિબંધ મૂક્યાં છે જે મુજબ માનવીય પિરામિડમાં ભાગ લેતા ગોવિંદાની ઉંમર ૧૮ કે એથી વધુ હોવી જોઈએ અને હાંડી ફોડવા માટે રચાતા થરની એટલે કે પિરામિડની ઊંચાઈ ૨૦ ફૂટથી વધુ ન હોવી જોઈએ. હકીકત એ છે કે દેશની સર્વોચ્ચ અદાલતના આ માનવીય દૃષ્ટિકોણ ધરાવતા આદેશનું કેટલેક ઠેકાણે છડેચોક ઉલ્લંઘન થયું છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાયદાના રક્ષણની જવાબદારી જેના શિરે છે એ પોલીસે મૂક પ્રેક્ષક બનીને આદેશના ભંગની તસવીરો પાડવાનું જ કામમાત્ર કર્યું છે. રાજકીય નેતાઓ આવે પ્રસંગે તક સાધીને તેમ જ લોકોની લાગણીઓ સાથે રમીને પોતાનો રોટલો શેકવાનો પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે, પણ પોલીસની ભૂમિકાનું શું એ સવાલ ઠેકઠેકાણે ચર્ચાઈ રહ્યો છે. ભાવના ચડે કે કાયદો એ સવાલના જવાબનો પોલીસે ઝાઝો વિચાર કરવાનો હોય ખરો? નવરાત્રી વખતે કે ગણેશ વિસર્જન વખતે કે અન્ય કોઈ સંગીતના કાર્યક્રમ વખતે સમયની મર્યાદાનો નિયમ આગળ કરીને એ ઉત્સવ કે કાર્યક્રમ બંધ કરાવતી કાયદાપ્રેમી પોલીસ દહીહાંડીની ઉજવણી વખતે કેમ જોવા ન મળી એવો પ્રશ્ર્ન ઘણાં મનમાં રમતો થઇ ગયો છે.

હકીકત એ છે આ દાયકામાં આ ઉત્સવમાં ધનનું આકર્ષણ અમર્યાદપણે વધતા એ ચર્ચાસ્પદ બન્યો છે. ૨૦૧૩માં રાજકારણીઓએ ગોવિંદા મંડળોએ સપનામાં પણ ન જોઈ હોય એવી પચાસ લાખ અને એક કરોડ રૂપિયાની દહીહાંડી બાંધતા આ ઉત્સવને એક નોખો રંગ પ્રાપ્ત થયો. ૨૦૧૪માં પણ આ સિલસિલો ચાલુ રહ્યો. જોકે, ઊંચા પિરામિડો રચીને મટકી ફોડવાના પ્રયાસમાં કોઇ કોઇ ઠેકાણે ગોથું ખાઈ જવાના પ્રયાસોમાં ગોવિંદાને ભારે ઇજાથી માંડીને મૃત્યુ થવાનાં કેટલાક કિસ્સાઓ નોંધાયા. આને પગલે જનહિતના કાર્યો સાથે સંકળાયેલી હોવાનો દાવો કરતી સ્વાતિ પાટીલ નામની એક મહિલાએ આ પિરામિડની ઊંચાઈ ૨૦ ફૂટથી વધુ ન હોવી જોઈએ તેમ જ એમાં સહભાગી થતા ગોવિંદાની ઉંમર ૧૮ કે એથી વધુ હોવી જોઈએ એવી માગણી કરતી જાહેરહિતની અરજી દાખલ કરી. ૧૧ એપ્રિલ, ૨૦૧૪ના દિવસે આ જાહેર હિતની અરજી પર બૉમ્બે હાઈ કોર્ટે આપેલા ચુકાદામાં આ બેઉ માગણીઓ બહાલ કરવામાં આવી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને આ સર્વોચ્ચ અદાલતે પણ બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદાને બહાલ રાખી મટકી ફોડવા માંગતા માનવીય પિરામિડની ઊંચાઈ ૨૦ ફૂટથી વધુ ન હોવી જોઈએ તેમ જ એમાં સહભાગી થનારા ગોવિંદાની વય ૧૮ કે એથી વધુ હોવી જોઈએ એ વાત પાર પોતાની મહોર મારી. પરિણામે થયું એવું કે ગયા વર્ષથી મોટી રકમના પ્રલોભનની બાદબાકી થઇ ગઈ. આ વર્ષે ૨૦ ફૂટના પિરામિડ માટે મોટે ભાગે પાંચથી પચીસ હજારના ઇનામની જાહેરાતો થઇ.

ધાર્મિક ઉત્સવમાં ભાગ લેતા ગોવિંદાના જીવના રક્ષણ માટે અદાલતે પ્રતિબંધો મૂક્યાં છે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. જોકે, રાજકારણીઓને આ વાત રુચી નહીં. અલબત્ત એ વાતની કોઈને નવાઈ નહીં લાગી હોય, પણ મૂક પ્રેક્ષક બનનાર પોલીસની ભૂમિકા લોકોને ખટકી છે. આ સમગ્ર પ્રકરણનો અભ્યાસ કરનારાઓનું કહેવું છે કે 'સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા પછી કોઈ પણ સંજોગોમાં આ આદેશનું પાલન થવું જોઈએ એવો લેખિત આદેશ રાજ્ય સરકાર તરફથી પોલીસ દળને મળવો જોઈતો હતો. એવું જો ન થયું હોય તો ઉચ્ચ હોદ્દો ધરાવતા અને વધુ અનુભવી એવા આઇપીએસ અધિકારીઓએ જાતે કોઈ પગલાં ભરવા જોઈતા હતાં. આઇપીએસ બનતી વખતે ભારતીય બંધારણનું પાલન કરવાના તેમ જ કાયદાનું રક્ષણ કરવાના સોગંદ લેનારા આ અધિકારીઓ દહીહાંડીના કિસ્સામાં કડક ભૂમિકા કેમ ન અપનાવી શક્યા એ વાત વિચાર કરતા મૂકી દે છે. હા, કાયદાનું ઉલ્લંઘન કરતા પીરામિડોના ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા અને ક્યાંક એનું વીડિયો શૂટિંગ સુધ્ધાં થયું, પણ તેમને એમ કરતા કેમ રોકવામાં ન આવ્યા એનો જવાબ કોણ આપશે? જનતામાં નારાજગી ન ફેલાય અને એની ભાવનાને ઠેસ ન પહોંચે એ માટે પોલીસે હળવા હાથે કામ લીધું એવો યુક્તિવાદ રજૂ કરવામાં આવ્યો છે પણ હકીકતમાં તો એ હાસ્યાસ્પદ જ છે. હા, અમુક ઠેકાણે પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવાની બાંયધરી આપવામાં આવી છે, પણ આ વાત કાગળ પર ન રહી જાય તો સારું. ભૂતકાળમાં પગલાં લેવાની જાહેરાત પછી કંઇ થયું ન હોવાના દાખલા છે. રાજકીય નેતાઓ રાજકારણની રમત માટે જનતાની ભાવનાઓ, લાગણીઓ સાથે રમત રમે એ સમજ્યા, પણ પોલીસ માટે શેનું મહત્ત્વ હોવું જોઈએ? ભાવનાનું કે કાયદાનું? આ સવાલનો જવાબ આપવો અઘરો નથી, કદાચ એનું પાલન કરવું આજની તારીખમાં અઘરું ગણાય છે. રાજ્ય સરકાર જો બંધારણને સર્વોચ્ચ માનતી હોય તો જ્યાં કાયદાનો ભંગ થયો હોવાના પુરાવા હોય ત્યાં તેણે કડક હાથે કામ લેવું જોઈએ, પણ એમ થશે ખરું? આશા અમર છે.

દહીહાંડી ઉત્સવ શું છે 

મહારાષ્ટ્રમાં દર વર્ષે શ્રાવણ વદ આઠમે કૃષ્ણજન્મ થયા પછી દહીહાંડી ઉત્સવની ઉજવણી થતી આવી છે. ગોપીઓના ઘરે જઈને મટકી ફોડી કોઈને ખબર ન પડે એમ માખણ આરોગતા શ્રીકૃષ્ણના બાળસ્વરૂપને લાડમાં માખણચોરનું વિશેષણ આપવામાં આવ્યું છે. કૃષ્ણજન્મ પછીના પ્રભાતે ગોવિંદા તરીકે ઓળખાતા બાળકો તેમ જ યુવાનોનું એક પથક માનવીય પિરામિડ રચીને એક ઊંચાઈએ બાંધેલી દહીં અને માખણ ભરેલી માટીની મટકી ફોડીને ઉત્સવની ઉજવણી કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ઉત્સવમાં મોટા રોકડ ઇનામોની જાહેરાતો સાથે મટકી બાંધવાની ઊંચાઈમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક માહિતી પ્રમાણે ૨૦૧૨માં મુંબઈના એક મંડળે નવ થરનો પિરામિડ રચીને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment