Monday, 29 August 2016

[amdavadis4ever] સિક્કાની બીજી બાજુ (Gujarati) Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રિયો ઑલિમ્પિક પૂરી થઈ ગઈ. તેમાં માત્ર બે મેડલ મેળવ્યા. ઈ.સ. ૧૯૦૦ના વર્ષથી આપણે આ ખેલ મહોત્સવમાં ભાગ લેતા આવ્યા છીએ. ઈ.સ. ૧૯૦૦ના વર્ષમાં આપણને બે જ મેડલ મળ્યા હતા અને બંને રજત ચંદ્રક હતા. આ વર્ષે-૧૧૬ વર્ષ પછી આપણી સ્થિતિ બે જ મેડલની રહી. પણ એમાંય આપણું ધોરણ ઉતરતું થયું. આપણને એક રજત અને એક કાંસ્ય ચંદ્રક મળ્યો. પણ આપણો દેશ આ બે ચંદ્રકની ઉજવણીમાં લાગી ગયો. એમાં ખોટું પણ નથી. જેમ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે કહ્યું તેમ, આપણો દેશ નાની-નાની ખુશી પણ મોટા પાયે ઉજવે છે. આ વર્ષે કેમ વધુ ચંદ્રકો ન મળ્યા અને ચાર વર્ષ પછી વધુ ચંદ્રકો કેમ મળે તેની સમીક્ષા અને આયોજન કરીને ચાર વર્ષ પછીની તૈયારીમાં અત્યારથી લાગી જવું જોઈએ એ વાત સાચી પણ તેમાં જે બે ખેલાડીઓએ ચંદ્રક જીત્યા તેની ઉજવણી શા માટે ન કરવી? પણ આ ઉજવણીમાં એક સમાચાર દબાઈ ગયા. મેરેથોન ખેલાડી ઓ. પી. જૈશાએ આક્ષેપ કર્યો કે તે દોડતી હતી ત્યારે માર્ગમાં નિશ્ર્ચિત કરાયેલાં સ્થાનોએ ભારતીય અધિકારીઓએ પાણીની વ્યવસ્થા સુધ્ધાં કરી નહોતી. તેણે કહ્યું કે આઠ કિલોમીટરે મને એક જ વાર પાણી મળ્યું. મારું મૃત્યુ પણ થઈ શક્યું હોત. 

મૂળ વાત સંવેદનાની છે. સરકારી અધિકારીઓ કે સરકારી કર્મચારીઓ સંવેદનહીન બની જાય છે. સરકારી હોય કે ખાનગી કર્મચારી, મહદંશે એવો જ ઈરાદો હોય છે કે ઓછામાં ઓછું કામ કેમ કરવું. સરકારી કર્મચારીઓની સંવેદનહીનતાનાં અનેક ઉદાહરણો નજર સામે આ લેખકે જોયાં છે. ઘણાં વર્ષો પહેલાં ભાવનગરમાં એક વાર ટપાલ કચેરીમાં ગયેલો. કામકાજ બંધ થવાનો સમય ૩ વાગ્યાનો હતો અને હજુ પોણા ત્રણ વાગ્યા હતા. પણ કાઉન્ટર પર બેસેલા કર્મચારીએ જેનો વારો આવી ગયો હતો તે સિવાયના મારા સહિતના લોકોને કહી દીધું: હવે સમય પૂરો! મેં દલીલ કરી કે બંધ થવાનો સમય તો ત્રણ વાગ્યાનો છે. પણ તે સાંભળવા તૈયાર જ નહોતો. અને અમારી દલીલમાં જેનો વારો આવી ગયો હતો તે વ્યક્તિનું કામ ખોટી થતું હતું. એટલે તે પેલા કર્મચારીની તરફેણમાં મારી વિરુદ્ધ દલીલ કરવા લાગ્યો! લોકો પોતાના આવા ક્ષુલ્લક સ્વાર્થ જોતા હોય છે તેથી જ કામચોર સરકારી કે ખાનગી કર્મચારી ફાવી જતા હોય છે. 

બીજું ઉદાહરણ પણ પોસ્ટ ઑફિસનું જ છે. મારી નજર સામે બનેલી ઘટના. એક વૃદ્ધા પાસબુક લઈને આવેલાં. પરંતુ તે સમયે ડિજિટલાઇઝેશન થવાનાં કારણે નવાં ખાતાં નંબર ઈશ્યૂ થયેલા. એજન્ટોને જૂના નંબર સામે નવા નંબરનો ઇ-મેઇલ પણ થયેલો. એક પરિચિત એજન્ટના કારણે આ વાતની મને ખબર. પણ પેલાં વૃદ્ધા જૂનો ખાતાં નંબર લખીને આવેલાં. તેમની ઉંમરને ધ્યાનમાં લીધા વગર પોસ્ટ ઑફિસના કર્મચારી - જે પાછા મહિલા જ હતાં તેમણે કહી દીધું: નવો ખાતાં નંબર લઈને આવો! મેં કહ્યું કે તમે કમ્પ્યૂટરમાં જૂનો નંબર નાખશો તો તેની સામે નવો નંબર મળી આવશે. પણ પેલા મહિલા કર્મચારીએ ધરાર ના પાડી દીધી! મહિલા કર્મચારીને કંઈ ખાસ તસદી લેવાની નહોતી તેમ છતાં વૃદ્ધાને ઘરે જઈને નવો ખાતાં નંબર લઈને આવવાનું તેણે ફરમાન કરી દીધું! અમદાવાદમાં પોસ્ટ ઑફિસ કંઈ નજીક નથી હોતી. ખાનગી બેંકોનાં એટીએમની સુવિધા નજીકમાં મળી રહે પણ પોસ્ટ ઑફિસ બાબતે તેવું નથી. અને ગમે તેમ, વૃદ્ધાની ઉંમર જોઈને મહિલા કર્મચારીએ માત્ર કમ્પ્યૂટરમાં જૂનો નંબર નાખ્યો હોત તો ફટ દઈને નવો નંબર નીકળી આવત. પણ તેણે સંવેદના દાખવી નહીં.

સંવેદના દાખવવા બાબતે ખાનગી કર્મચારીઓ પણ ઓછા નથી હોતા. ડોક્ટર અને એમાંય ફેફસાં- હાર્ટના ડોક્ટર હોય તો તેમણે સંવેદના રાખવી જરૂરી છે. મારાં વૃદ્ધ માતાને હાર્ટની તકલીફ થયેલી ત્યારે એક ડોક્ટરને બતાવવા ગયેલાં. ડોક્ટરનું ક્લિનિક ત્રીજા માળે. અને લિફ્ટ બંધ! આવી સ્થિતિમાં ત્રણ માળના દાદરા કેવી રીતે ચડી શકાય? પત્ની ક્લિનિકમાં ગઈ અને સ્ટ્રેચર લઈને નીચે આવવા કહ્યું પરંતુ ક્લિનિકમાંથી કોઈ ઝડપથી સ્ટ્રેચર લઈને આવ્યું નહીં. આથી પત્ની ફરીથી ત્રણ દાદરા ચડીને ઉપર ગઈ. તેણે ડોક્ટર પાસે ફરિયાદ કરવાનું વિચાર્યું પણ ચા કરતાં કીટલી ગરમ એવા કેસ કાઢનારે કહ્યું કે તમારા વારા વગર અંદર જઈ ન શકાય. પત્ની કહે, મારે સ્ટ્રેચરનું કહેવું છે. છેવટે તેણે પેલા ભાઈને અવગણીને ડોક્ટરની કેબિનમાં જઈ ફરિયાદ કરી ત્યારે વાત બની! માનો કે, નીચે જ હાર્ટ એટેક આવી ગયો હોત તો? તોતિંગ ફી લેતા ડોક્ટરે એટલી કાળજી તો રાખવી જોઈએ ને કે જો પોતાનું ક્લિનિક ત્રીજા માળે હોય તો લિફ્ટ ચાલુ જ હોય અથવા પોતે નીચે આવીને દર્દીને તપાસી જાય.

સરકારી/સિવિલ હોસ્પિટલની તો વાત જ નિરાળી હોય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મારા પિતાને દાખલ કરવા પડેલા ત્યારે બે વોર્ડ વચ્ચે એક જ મેટ્રન હતાં! અને બંને વોર્ડ વચ્ચે ઘણું અંતર! મેટ્રનને બોલાવવા જવું હોય તો એ અંતર કાપવું પડે. મારા પિતાને કિડનીની તકલીફ થયેલી. તેમને ડાયાલિસિસ કરાવવા માટે હાથમાં ફિશ્ચ્યૂલા કરાવવાની હતી. અને તેમને સ્ટ્રેચરમાં લઈ જવા માટે કોઈ વોર્ડબોય જ ન મળે! છેવટે હું સ્ટ્રેચરમાં લઈ ગયો. તે વખતે થયેલી વેદના અકથ્ય હતી. આજે પણ અગ્નિપથમાં નાના વિજયને તેના પિતાનો મૃતદેહ હાથલારીમાં લઈ જતો જોઉં ત્યારે આંખમાં આંસું આવી જાય! 

ખાનગી હોસ્પિટલના વોર્ડ બોયની લાપરવાહીના કિસ્સા પણ ઓછા નથી. એમાંય રાત્રે ડોક્ટર ન હોય એટલે વોર્ડ બોયને જલસા જ હોય. ગપ્પા મારતા હોય કે ટીવી પર મનગમતી ભંગાર ફિલ્મ જુએ અને રાત્રે દર્દીને તકલીફ પડે તેની કોઈ પરવા નહીં. તેમની દૃષ્ટિએ વિચારીએ તો તેમને આ રોજનું થયું હોય અને ઘણી વાર કેટલાક દર્દી કે તેમનાં સગાં વધુ પડતી કે ક્યારેક ખોટી રીતે પણ તકલીફ વોર્ડ બોયને આપતા હશે, પરંતુ તેનો અર્થ એ નથી કે જેન્યુઇન તકલીફ હોય તેવા દર્દી પ્રત્યે બેધ્યાન થઈ જવું. (તેમાંય ડોક્ટરો-વોર્ડ બોય દર્દી જાણે નાન્યતર જાતિનું પ્રાણી હોય એમ પેશન્ટ આવ્યું એમ બોલે એટલે બહુ ખૂંચે.) વોર્ડ બોય તો સમજ્યા, પણ માનવ સેવાનો ભેખ ધારેલા અને હિપ્પોક્રેટિક ઑથ લેનારા ડોક્ટરોની સંવેદનહીનતાના કિસ્સા પણ અવારનવાર બહાર આવે છે. કોઈ એક દર્દી પૈસા દીધા વગર ભાગી જાય તેના કારણે ડોક્ટરો પહેલાં જ પૈસા લઈ લે છે અને પછી જ દર્દીને તપાસે-ઑપરેશન કરે છે. અને કેટલાક કિસ્સામાં તો જો પૈસા આપી શકે તેમ ન હોય તો હોસ્પિટલમાંથી રજા પણ ન આપવામાં આવે તેવું બને. ડોક્ટર-પેથોલોજી લેબોરેટરી-મેડિકલ સ્ટોર- ફાર્માસ્યુટિકલ કંપની વગેરેની સિન્ડિકેટના કારણે ખોટા ટેસ્ટ - ખોટી/મોંઘી દવાઓ વગેરેના કિસ્સા પણ અજાણ્યા નથી. મારા પરિચિતમાં જ બે કિસ્સા એવા બન્યા જેમાં બે પેથોલોજી લેબોરેટરીના રિપોર્ટ સાવ અલગ-અલગ હોય! એક લેબોરેટરીમાં ડાયાબિટીસના રિપોર્ટમાં બ્લડ સ્યુગર ૪૦૦ આવી! હવે ડાયાબિટીસના જૂના દર્દીને પણ ૪૦૦ સ્યુગર આવે તો ફાળ જ પડે! તેમાં આ તો નવો જ દર્દી! પણ તેને વળી સૂજ્યું કે બીજી લેબોરેટરીમાં પણ રિપોર્ટ કરાવી લઉં. ત્યાં કરાવ્યો તો શર્કરા ૨૫૦ જ આવી! બીજા એક પરિચિતને આ જ રીતે તાવ હતો અને રિપોર્ટમાં સ્વાઇન ફ્લુ આવ્યો! પણ તેણેય ઘર પાસેની લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો તો મેલેરિયા નીકળ્યો! આટલું અંતર! લેબોરેટરીના માલિક ડોક્ટર હોય છે તે લેબોરેટરીની એકથી વધુ બ્રાંચ ખોલી નાખે છે અને પછી જુનિયરોના ભરોસે લેબોરેટરી ચાલતી હોય છે. (ઘણી જગ્યાએ તો ખોટા સર્ટિફિકેટ પર લેબોરેટરી ચાલતી હોવાના કિસ્સા પણ બન્યા છે. ઉપરાંત માત્ર સ્પેશિયલાઇઝ્ડ પેથોલોજિસ્ટ અને તેય એમસીઆઈમાં નોંધાયા હોય તે જ લેબોરેટરી ચલાવી શકે તેવી કોર્ટમાં પિટિશન પણ થયેલી છે.) મોટી-મોટી હોસ્પિટલમાં પણ આવું જ બનતું હોય છે. ક્લિનિક-હોસ્પિટલને ધંધો બનાવીને ગ્રાહકને કેમ મુંડવા તેની મોટા ભાગના આ સફેદપોશ કસાઈઓ વેતરણમાં હોય છે. અલબત્ત, તેમાંય અપવાદો હોય જ અને છે જ. પરંતુ જ્યારે દર્દીની જિંદગી-મૃત્યુની વાત હોય ત્યારે સંવેદનાહીન થવું કેમ પાલવે?

રણમાં મીઠી વીરડી સમાન કિસ્સા પણ જોવા મળી જાય! આધાર કાર્ડ કઢાવવા જવાનું થયું ત્યારે ૭૫ વર્ષના વૃદ્ધ સસરા સાથે હતા. લગભગ બે કલાક વિતી ગયા. અને બપોરના ૧.૩૦ વાગવા આવેલા. મારા સસરાના ઘરેથી આધાર કાર્ડનું સેન્ટર લગભગ ૧૮ કિમી દૂર. (એનું કારણ એ હતું કે અગાઉ ઘર પાસે ૨૦૧૧માં આધાર કાર્ડ માટે વિધિ કરેલી તે છેક ૨૦૧૬ સુધી આવ્યું નહીં. તેથી આટલે દૂર ઑથોરાઇઝ્ડ સેન્ટરે જવાનું નક્કી કરેલું. સરકારે પાછી આધાર કાર્ડની કાર્યવાહી ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ પર આપેલી હોય છે અને તે જો ધારે તો આ ડેટાનો આરામથી દુરુપયોગ કરી શકે તે આખી અલગ વાત છે.) એક યુવાન માતા તેના નાનકડા પુત્રનું આધાર કાર્ડ કઢાવવા આવેલી. (આધારકાર્ડ ફરજિયાત નથી તેવા સુપ્રીમના બે-ત્રણ વાર નિર્દેશ છતાં સરકારમાં આધાર કાર્ડ ફરજિયાત કરી દેવાયું છે. હવે તો ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવી દેવાયા છે.) આ યુવતીએ પોતાનો વારો જતો કરીને મારા સસરાને ફોટા- ફિંગર પ્રિન્ટ માટે આવી જવા કહ્યું. એટલું જ નહીં, પોતાના પુત્ર માટે બિસ્કિટ લાવેલી તે પણ તેણે મારા સસરાને આપવા ઈચ્છ્યા. જોકે તેમણે આદર સાથે તેનો ઈનકાર કર્યો પરંતુ કહેવાનો અર્થ એ છે કે સંવેદના સાવ મરી પરવારી નથી. આ યુવતી એકદમ આધુનિક પાશ્ર્ચાત્ય શર્ટ-પેન્ટમાં હોવા છતાં તેનામાં વૃદ્ધ પ્રત્યે કાળજી હતી. 

મૂળ વાત એ છે કે સંવેદનશીલ બનાવવાના કોઈ કોર્સ થતા નથી. થાય તોય આવે નહીં. એ અંદરથી જ ફૂટવી જોઈએ. કર્મચારી માત્ર એટલું જ વિચારે કે સામેવાળી વ્યક્તિની જગ્યાએ પોતે કે પોતાની માતા કે પિતા હોય તો તેને કેટલી તકલીફ પડે તો આવું સંવેદનહીન વર્તન ન થાય.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment