Sunday, 2 October 2016

[amdavadis4ever] પાકિસ્તાન સામ ે આક્રમક થતાં ભારતને ૪૫ વર્ ષ કેમ લાગ્યાં?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાકિસ્તાનના પચાવી પાડેલા કાશ્મીર પર ભારતીય સેનાના કમાન્ડોએ કરેલા આક્રમણનો નિર્ણય લેવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમત દાખવી તેની પ્રશંસા જ કરવી પડે કેમ કે ઈન્દિરા ગાંધી પછી આવેલી એક પણ સરકાર આ હિંમત દાખવી શકી નહોતી. આવું કેમ થયું? કેવા સંજોગો હતા? આવો જરા આ ૪૫ વર્ષના સમયગાળા પર નજર કરીએ. 

૧૯૭૧માં ઈન્દિરાજીએ પાકિસ્તાનના બે ટુકડા કર્યા તે પછી ઈન્દિરાજી અને વિશેષ તો તેમના દીકરા સંજયના કારણે કટોકટી આવી પડી અને ૧૯૭૭માં વર્તમાન ભાજપ જેનો ઘટક હતો તે જનતા પક્ષની સરકાર આવી જે માંડ બે વર્ષ ચાલી. તે પછી ચરણસિંહની સરકાર કોંગ્રેસના ટેકાથી રચાઈ જે માંડ ૨૪ દિવસ ચાલી! કોંગ્રેસે ઈન્દિરાજી સામેના કટોકટી વખતના અત્યાચારોને લગતા કેસો પાછા ખેંચવાના દબાણ સામે ચરણસિંહ ન ઝુકતાં કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો. ૧૯૮૦માં ઈન્દિરાજી મજબૂતીથી સત્તામાં પાછાં ફર્યાં પરંતુ તે વખતે મુખ્ય તકલીફ સંજય ગાંધીએ પોતે જ ઊભા કરેલા ભિંદરાનવાલે પછી સરકાર સામે પડતાં તેને હલ કરવાની હતી અને તેમાં ઈન્દિરાજીનો જીવ પણ ગયો. 

ઈન્દિરાજીના પુત્ર રાજીવ તો પોતાની બુદ્ધિ કરતાં સલાહકારોની બુદ્ધિના આધારે વધુ ચાલતા હતા. રાજ્યપાલ જગમોહને અનેક વાર પત્ર લખી જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ વણસી રહી હોવાના સંકેત આપવા છતાં રાજીવ ગાંધીએ કોઈ પગલાં ન લીધા તે આ કોલમના નિયમિત વાચકો સારી રીતે જાણે છે. રાજીવજી પાસે તો લોકસભા-રાજ્યસભા બધી રીતે બહુમતી હતી, પરંતુ તેમનું ધ્યાન બધાને ખુશ કરવામાં રહ્યું. પહેલાં છૂટાછેડા લીધેલાં મુસ્લિમ વૃદ્ધા શાહબાનોને ભરણપોષણ આપવાના ચુકાદાને પલટાવી દીધો, સલમાન રશદીના પુસ્તક 'સેતાનિક વર્સીસ' પર ઉતાવળો પ્રતિબંધ મૂકી દીધો અને તે પછી રામજન્મભૂમિ મંદિરનાં તાળાં ખોલાવી નાખ્યાં. આમ બંને પક્ષે કટ્ટરવાદીઓને પ્રોત્સાહિત કર્યા. રાજીવજી પછી ૧૯૮૯માં વી. પી. સિંહ આવ્યા, પરંતુ તેમના પક્ષે ઝાઝા રસોઈયાએ રસોઈ બગાડી. તેમને સામ્યવાદીઓ અને ભાજપ વચ્ચે સંતુલન કરીને ચાલવાનું હતું. તો સાથે સરકારની અંદર પણ અરુણ નહેરુ જેવા જમણેરી અને જ્યોર્જ ફર્નાન્ડિઝ જેવા ડાબેરી વિચારના અને મુસ્લિમ વોટ બેંકને ધ્યાનમાં રાખનારને ખુશ રાખવાના હતા. જગમોહને તેમના પુસ્તકમાં લખ્યું છે કે જ્યોર્જે (જે તે વખતે ભાજપની વિચારસરણીથી પળોટાયા નહોતા) તેમને હટાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 

વી. પી. પછી ચંદ્રશેખર સરકાર આવી જે ઝાઝું ટકી નહીં. તે વખતે ઈરાક-કુવૈતના યુદ્ધમાં અમેરિકાએ પણ ઝંપલાવ્યું હતું. અને ભારત પણ આર્થિક રીતે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં પહોંચી ગયું હતું. આવી સ્થિતિમાં રાજીવ ગાંધીના ઘરની જાસૂસીના આક્ષેપસર કોંગ્રેસે તેની જૂની ટેવનું પુનરાવર્તન કરીને ટેકો પાછો ખેંચી લીધો. ચૂંટણી આવી પડી, રાજીવજીની હત્યા થઈ! ૧૯૯૧માં નવી સરકાર આવી તે લઘુમતી સરકાર હતી- નરસિંહરાવની કોંગ્રેસ સરકાર. જમ્મુ-કાશ્મીરનો સળગતો પ્રશ્ર્ન હોવા છતાં તેના માટે પહેલી પ્રાથમિકતા દેશને આર્થિક પતનમાંથી ઉગારવાનો હતો, તે તેમણે કર્યું અને સાથે પંજાબમાં કે. પી. એસ. ગિલને છૂટોદોર આપીને પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાની ત્રાસવાદને પણ સમાપ્ત કર્યો. 

નરસિંહરાવની સરકારે લથડિયાં ખાતાં પાંચ વર્ષ પૂરાં કર્યાં તે પછીની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપનો રાજકારણના પટ પર પહેલી વાર ઉદય થયો. તેને સરકાર રચવા પણ દેવાઈ. પરંતુ શિવસેના, જ્યોર્જ ફર્નાન્ડિઝ-નીતીશકુમારના એ વખતના સમતા પક્ષ, હરિયાણા વિકાસ પાર્ટી સિવાય કોઈ પક્ષે સાંપ્રદાયિકતાના નામે ભાજપને ટેકો ન આપ્યો. વિશ્ર્વાસ મત પહેલાં જ પોતાનું તીક્ષ્ણ ધારવાળું પ્રવચન આપીને અટલજીએ રાજીનામું ધરી સંસદમાંથી ચાલતી પકડી. તે પછી માત્ર ૪૬ બેઠકો પર જીતેલા જનતા દળના એચ. ડી. દેવેગોવડાને કોંગ્રેસને ટેકો મળતાં અને ડાબેરીઓ સરકારમાં જોડાતાં સરકાર બની હતી. પણ એક વર્ષમાં તો કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો! ઘણી રકઝક પછી દેવેગોવડાની જગ્યાએ ઈન્દ્રકુમાર (આઈ. કે.) ગુજરાલના નેતૃત્વમાં સરકારને ટેકો આપવા કોંગ્રેસ તૈયાર થઈ ગઈ. પણ પછી રાજીવ હત્યા કેસનો જૈન પંચનો રિપોર્ટ સંસદમાં મુકાતાં અને તેમાં ડીએમકે એલટીટીઇ (જેણે રાજીવ ગાંધીની હત્યા કરી હતી)ને ટેકો આપતો હોવાની વાત બહાર આવતાં કોંગ્રેસે હઠ પકડી કે ડીએમકેના મંત્રીઓ પડતા મુકાવા જોઈએ. ગુજરાલે આ માગણી સ્વીકારવા ના પાડી દીધી એટલે કોંગ્રેસે ૨૮ નવેમ્બર ૧૯૯૭એ ફરી ટેકો પાછો ખેંચી લીધો. (તે વખતે રાજીવનાં વિધવા સોનિયાના હાથમાં કોંગ્રેસની કમાન નહોતી પણ તેમના હાથમાં આવી તે પછી એ જ ડીએમકેના ટેકાથી ૨૦૦૪માં અને ૨૦૦૯માં કોંગ્રેસે સરકાર બનાવી!)

૧૯૯૮ની ચૂંટણી પછી અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર આવી. આવતાં વેંત અટલજીએ અમેરિકાના દબાણને ફગાવીને તેમજ સીઆઈએને ગંધ આવવા દીધા વગર ૧૧ મે ૧૯૯૮ના રોજ પોખરણમાં પરીક્ષણ કરીને ફરીથી મજબૂત ઈચ્છાશક્તિ દાખવી જે ૧૯૭૪નાં પોખરણ પરીક્ષણ-૧ પછી પહેલી વાર જોવા મળી રહી હતી! પરંતુ ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં આ ઈચ્છાશક્તિ માત્ર પાકિસ્તાનના સૈનિકોને ખદેડવા અને કારગિલ પાછું મેળવવા પૂરતી સીમિત રહી. અલબત્ત, નવાઝ શરીફ વોશિંગ્ટન દોડી ગયેલા અને અમેરિકા પ્રમુખ બિલ ક્લિન્ટને અટલજીને વોશિંગ્ટન બોલાવેલા પણ પહેલાં પાકિસ્તાન સેના પાછી જાય તે પછી જ પોતે આવશે તેમ કહી અટલજીએ મજબૂત ઈરાદો જરૂર બતાવ્યો હતો. ૨૦૦૧માં કમને મુશર્રફને મંત્રણા માટે આગરા બોલાવ્યા તે વખતેય પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદનો મુદ્દો સમજૂતીમાં સમાવવા બાબતે અટલ સરકાર મક્કમ રહેતાં આ મંત્રણા નિષ્ફળ ગઈ હતી. છેવટે ૨૦૦૪માં અટલ મુશર્રફને ઝુકાવીને જ રહ્યા. મુશર્રફે સમજૂતી દ્વારા કહેવું પડ્યું કે પાકિસ્તાન ત્રાસવાદીઓને તેની ધરતીનો ઉપયોગ નહીં કરવા દે. 

દુર્ભાગ્યે ૨૦૦૪માં અટલ સરકારનો પરાજય થયો. કોંગ્રેસના નેતૃત્વમાં મનમોહનની યુપીએ સરકાર આવી જે ૨૦૦૯માં ફરી ચૂંટાઈ. આમ, આ સરકારને દસ વર્ષ જેટલો લાંબો સમય મળ્યો. મનમોહને મંદીના સમયમાં ભારતને આર્થિક સદ્ધર રાખ્યું, અંતરીક્ષ ક્ષેત્રે સીમાચિહ્નો મેળવ્યા, અમેરિકા સાથે અટલ સરકારે મજબૂત કરેલા સંબંધોને ઓર મજબૂત કર્યા, પૂર્વના દેશો સાથે સંબંધો મજબૂત કર્યા એ તેમની ઉપલબ્ધિ, પરંતુ પાકિસ્તાન મોરચે તેમણે ભયંકર ઉદાસીનતા દાખવી. ૨૦૦૮માં મુંબઈ પર વિશ્ર્વના ઇતિહાસનો સૌથી ભયાનક હુમલો થયો તે પછી પણ કોઈ મક્કમ પગલાં ન લીધાં. પાકિસ્તાનની સેના ભારતના કાશ્મીરમાં ઘૂસીને બે સૈનિકોનાં માથાં વાઢી ગઈ તે પછી પણ મક્કમ પગલાંનો અભાવ જોવા મળ્યો. એ તો ઠીક, પણ પાકિસ્તાનના વડા પ્રધાન રાજા પરવેઝ અશરફ અજમેર દરગાહની અંગત મુલાકાતે આવ્યા ત્યારે ભારતના વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે તેમના માટે ભવ્ય ભોજન સમારંભ રાખ્યો!

નરેન્દ્ર મોદીએ સરકારમાં આવતાં વેંત પહેલાં તો શપથ ગ્રહણ સમારંભમાં નવાઝ શરીફ સહિત સાર્ક દેશોના વડાને આમંત્રી પોતે શાંતિ ઈચ્છતા હોવાનો સંદેશ આપ્યો. તે પછી અલગ-અલગ દેશોમાં આંતરરાષ્ટ્રીય મંચના ઉપક્રમે શરીફ સાથે દોસ્તી સ્થાપી. લોકોની ટીકા છતાં શાલ વગેરે ભેટ મોકલી. અફઘાનિસ્તાનના પ્રવાસેથી અચાનક લાહોર પહોંચી ગયા અને નવાઝની દોહિત્રીના લગ્ન પૂર્વે શુભકામના આપી. તે પછી પઠાણકોટમાં હુમલો વર્ષની શરૂઆતમાં જ થયો. એ પછી મોદીભાઈના સૂર બદલાવા લાગ્યા. 

સત્તામાં આવ્યા ત્યારથી જ તેમની પાકિસ્તાનને અલગ પાડવાની નીતિ તેમના વિદેશ પ્રવાસો દ્વારા શરૂ કરેલી. ભારતમાં લોકોની ટીકા છતાં તેમણે પ્રવાસો ચાલુ રાખ્યા. પાકિસ્તાનના વિશ્ર્લેષકો પણ આ વાત સારી રીતે સમજતા હતા. જુલાઈ ૨૦૧૬ના વીડિયોમાં પાકિસ્તાનના વિશ્ર્લેષક ઝૈદ હમીદ, જે ભારતના આકરા ટીકાકાર રહ્યા છે, તેઓ કહે છે કે ૧૯૭૧માં પણ ભારતે પાકિસ્તાનને તોડવા માટે જે યોજના કરી હતી તે તેની વિદેશ નીતિમાંથી ખબર પડી જાય છે. બાંગલાદેશને અલગ કરતાં પહેલાં ઈન્દિરા ગાંધી રશિયા ગયાં હતાં. ત્યાં સમજૂતીઓ કરી હતી. તે પછી અમેરિકામાં પ્રમુખ રિચાર્ડ નિક્સનને મળ્યાં હતાં. પાકિસ્તાનને અલગ કરવાનું શરૂ કર્યું હતું. લશ્કરી પગલાં પહેલાં આખી દુનિયામાં રાજદ્વારી અને રાજકીય વાતાવરણ બનાવવું પડે છે. અમેરિકાએ ઈરાક પર હુમલા કરતાં પહેલાં સામૂહિક સંહારનાં શસ્ત્રો સદ્દામ હુસૈન પાસે હોવાનો ગાઈ વગાડીને પ્રચાર કર્યો હતો. આવું જ મોદી પાકિસ્તાન વિરુદ્ધ કરે છે. મોદીએ પાકિસ્તાનના જૂના દોસ્તોને 

હાઇજેક કરી લીધા છે. સાઉદી અરેબિયા સાથે સ્ટ્રેટેજિક એલાયન્સ કરી પાકિસ્તાનને સ્થાને ભારતને મૂકી દીધું. સાઉદીનું બીજા દેશના વડાને અપાતું સર્વોચ્ચ સન્માન મોદીને અપાયું. સાઉદીના કટ્ટર દુશ્મન ઈરાનને પણ પોતાની તરફ લીધું. અફઘાનને તો પહેલેથી જ પાકિસ્તાનનો દુશ્મન બનાવી ચૂક્યા છે. બાંગલાદેશને (જમીન હસ્તાંતરણ દ્વારા) પણ આપણી વિરુદ્ધ કરી ચૂક્યા છે. અમેરિકાને પોતાનું મજબૂત સાથી બનાવી ચૂક્યા છે. અત્યારે આપણા સંબંધો અમેરિકા સાથે ખરાબ છે. ઈરાન સાથે ખરાબ છે. અફઘાન સાથે યુદ્ધની સ્થિતિ છે. બાંગલાદેશમાં પાકિસ્તાનીઓને ફાંસી અપાઈ રહી છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનનું સમર્થક નથી રહ્યું.

ઉડીમાં ૧૮ જવાન શહીદ થયા પછી મોદી ટ્વિટર પર પ્રતિક્રિયા બાદ મૌન રહ્યા ત્યારે તેમની ઘણી મજાક ઊડી અને ટીકા પણ થઈ. કોઝિકોડમાં પક્ષના સંમેલનમાં તેમણે પાકિસ્તાનના નાગરિકોને સંબોધતાં ભારત તેમનું દુશ્મન નથી પણ ત્રાસવાદીઓને ટેકો આપતા તેના શાસકોનું છે તેમ કહ્યું અને લડવું હોય તેમજ હરીફાઈ કરવી હોય તો ગરીબી, બેરોજગારી અને નિરક્ષરતાને નાથવા માટે કરીએ તેમ કહ્યું ત્યારે પણ મારા સહિત ઘણાને નિરાશા થઈ હતી, પરંતુ ૨૯મી સપ્ટેમ્બરે બપોરે સમાચાર આવ્યા કે ભારતે ૨૮મીની મધરાત્રે (તારીખ મુજબ ૨૯મીએ) પાકિ. અધિકૃત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણી પર હુમલો કર્યો છે અને ચાલીસથી પચાસ ત્રાસવાદીઓને મારી નાખ્યા ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ થઈ ગયું. 

આમ, ભારતને આક્રમક થતાં ૪૫ વર્ષ જેટલો સમય લાગ્યો છે. આશા રાખીએ ઈન્દિરા ગાંધી પછી જેમ લાંબો બ્રેક આવી ગયો અને ભારત પોતાની સમસ્યાઓમાં જ ગૂંચવાઈને રહી ગયું તેવું હવે ન થાય. ૧૯૭૧ પછી ઈન્દિરા મદમાં છકી ગયેલાં તેવું મોદી સાથે ન થાય. ૧૯૮૯ પછી સતત અસ્થિરતાનું વાતાવરણ રહ્યું તેવું ન બને અને રાજકીય પક્ષો અંદરોઅંદરની લડાઈમાં ન ખૂંપી જાય જેથી પાકિસ્તાન કે ચીન જેવા દુશ્મન તેનો ફાયદો ઉઠાવી જાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment