Saturday, 29 October 2016

[amdavadis4ever] સુરસુરિયું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જે જે વાંચકો પરિણીત હશે એમને આ સુરસુરિયા શબ્દનો અર્થ ખબર જ હશે પણ આ શબ્દ દિવાળી આવી એટલે તરત જ ધ્યાનમાં આવે. જો આ શબ્દનો સૂક્ષ્મ અર્થ ન જોતા સાચો અર્થ જાણવો હોય તો મારી પેઢીના બાળપણ સુધી જવું પડે કેમ કે આર્થિક રીતે સધ્ધરતા આવ્યા પછી લોકો ન સળગે એ ફટાકડાઓને ફેંકી દેતા હોય છે પણ અમારા વખતે ૧૦ કે ૧૨ રૂપિયાના ફટાકડા જ લઈ આપવામાં આવતા એટલે એક પણ ફટાકડો ફૂટે નહીં એ ન ચાલે અને પછી આવા સુરસુરિયા થયેલા ફટાકડા ભેગા કરીને અમે ફટાકડાથી પણ વધારે આનંદ લીધો છે. અમારો ચૂનિયો પોતાના જ નહીં પણ આજુબાજુમાં કોઈ ફટાકડા ફોડતા હોય અને ન ફૂટે તો તરત જ ઝડપ મારીને લઈ લેતો. એક દિવાળીની રાતે અમારા પાડોશમાં કોઈએ લક્ષ્મી છાપ ટેટો ફોડ્યો. થોડી વાર રાહ જોઈ પણ ન ફૂટ્યો એટલે ચૂનિયાએ સીધો ઉપાડીને ખિસ્સામાં મૂક્યો એવો જોરદાર અવાજ થયો અને એની પાછળ જ ચૂનિયાનો ટેટાના અવાજ નાનો પડે એવો અવાજ આવ્યો. મેં જઈને જોયું તો ચૂનિયાના લેંઘાનો એક પાયચો જ ગુમ હતો! આ તો ભલું થજો ભગવાનનું કે ખાલી પાયચાથી જ પત્યું બાકી સુરસુરિયાની લ્હાયમાં દાઝી જવાય તો???

આ તો થયા ફટાકડાના સુરસુરિયા, બાકી સુરસુરિયા ગમે તે ક્ષેત્રમાં થતાં હોય છે. કોલેજમાં સાથે ભણતી છોકરીએ સ્માઇલ આપ્યું હોય અને ભાઈ એટલા ખુશ થઈ ગયા હોય કે આપણું હવે ગોઠવવામાં જ છે. જેવો મેળ પડે એટલે તરત જ આખા ગૃપ વચ્ચે એટમબોમ્બ ફોડવો છે કે જુઓ કોલેજની સૌથી સુંદર છોકરી મારી સાથે છે. આ બોમ્બ ફોડવાની તૈયારીમાં કોફી, પીઝા, બર્ગર, રોજ છોકરીના મોબાઇલમાં રિચાર્જ, લોંગ ડ્રાઇવ, એકાદ વાર મેસેજ ન પહોંચે ત્યાં તો નવો ફોન છોકરીને આપી દીધો હોય, ક્રેડિટ કાર્ડના બેય ખૂણા ઘસી નાખ્યા હોય અને દિલ રોજ બોલતું હોય કે 'મારો મુકામ તારી હથેળીમાં' પણ જ્યારે મોબાઇલ હાથમાં આવે, પોતાનો નંબર ડાયલ કરે અને લખેલું આવે કે 'રાજુ સેવાભાવી' ત્યારે રાજેશને ખબર પડે કે આ તો સુરસુરિયું થઈ ગયું

ચૂંટણી આવતી હોય અને નેતાની આજુબાજુમાં ઓછામાં ઓછા ૨૦૦ કે ૩૦૦ માણસની ભીડ હોય. એક પછી એક વાતો કરતા હોય કે 'આ સમાજના અગ્રણી સાથે વાત થઈ ગઈ છે. આખો સમાજ તમને જ મત આપવાનો છે. મેં ૫૦૦૦૦ રોકડા આપી દીધા છે'. ત્યાં બીજો બોલે 'સામેના એરિયામાં તો એવી ગોઠવણ કરી છે કે સામા પક્ષના કોઈને અંદર પણ નથી આવવા દેતા. બોલો ખાલી ૨૦૦૦૦ રૂપિયા ખર્ચીને એક ગેઈટ બનાવી દીધો ત્યાં તો આપણી વાહ વાહ થઈ ગઈ છે' સભા સંબંધોનમાં એટલી બધી તાળીઓ પડતી હોય કે નેતાશ્રી એમ જ માને આ વખતે તો હું જ છું. મત પડે અને મત ગણતરી શરૂ થાય એ વચ્ચેના ગાળામાં તો કેટલાય ફટાકડા ખરીદી લીધા હોય પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે કુટુંબના કુલ સભ્યો ૫૦ છે પણ કુલ મત ૪૮ કેમ મળ્યા? હવે આ સાચવેલા ફટાકડા દિવાળીમાં ફોડવા કાઢે તો સુરસુરિયા ન થાય તો બીજું શું થાય???

આ વખતે ચૂનિયાના એક મિત્રએ સલાહ આપી કે 'આ દિવાળી ફટાકડાનું કર. ચાઇનાના માલનો વિરોધ છે એટલે આપણા ફટાકડા વેચાશે જ. મારા સાળાની ફેક્ટરી છે એટલે તને સસ્તા ભાવે માલ પણ અપાવી દઈશ. આપણું ગ્રુપ જ એવડું મોટું છે કે માલ ચપટી વગાડતા વેચાય જશે' ચૂનિયાએ તો પૈસા ઉછીના લીધા અને શરૂઆત કરી દીધી 'ચુન્નીલાલ ફટાકડા સ્ટોર'ની. રોજ રાહ જુએ પણ કોઈ ફટાકડા લેવા ન આવ્યું એટલે ચૂનિયાએ એક નવું બોર્ડ માર્યું 'મારું નાક ચાઇનીઝ જેવું છે પણ હું ચાઇનીઝ નથી અને નથી ચાઇનીઝ ફટાકડા વેચતો' તો પણ ખરીદેલા ફટાકડામાંથી માંડ ૧૦% ફટાકડાનું વેચાણ થયું. ચૂનિયાને તપાસ કરતા ખબર પડી કે જે મિત્રએ માલની ભલામણ કરી હતી તેના સાળાની ફેક્ટરી ૨ વર્ષથી બંધ છે અને બચેલો માલ પધરાવવા આ સ્કીમ કરી હતી. માલની ડિમાન્ડ ન આવી પણ પૈસાની ડિમાન્ડ આવી ગઈ છે. ચૂનિયાએ આવતા વર્ષે સુરસુરિયા સ્પેશિયલ ફટાકડા તરીકે વેચવાનું નક્કી કર્યું છે.

આપણને સમાચાર એવા આવ્યા હોય કે આ દિવાળી સાળી ઘેર રોકાવવા આવવાની હોય. એટલાં હોશ સાથે મોંઘા ભાવની મીઠાઈઓ લાવ્યા હોઈએ અને સાળી આવવાના માનમાં ઘરવાળીને પણ એટલી સરસ રીતે સાચવી હોય કે એ પણ ખુશખુશાલ આપણી સાથે ખરીદીમાં આવી હોય અને સાળીને આપવાના ડ્રેસ સાથે પોતાના પણ બે ત્રણ ડ્રેસ ખરીદી આવી હોય. સાળીને ક્યાં ક્યાં ફેરવીશું એ લિસ્ટ પણ તૈયાર કરી રાખ્યું હોય અને જેવો દિવસ આવે કે સાસુ, સસરા, કાકાજી, કાકીજી મળીને ૧૫ માણસોનું લશ્કર ઘેર ધામા નાખવા આવી ગયું હોય, બસ ન આવી હોય તો એક સાળી જ. પૂછતા ખબર પડે કે એ લોકો તો ગ્રુપમાં કાશ્મીર ફરવા ગયાં છે એવી ખબર પડે ત્યારે દિલમાં એમ થાય કે મારું ભલે સુરસુરિયું થયું પણ કાશ્મીરમાં બોમ્બધડાકો થવો જ જોઈએ

ભારત ગમે તેટલું સારી રીતે વિકાસ કરી રહ્યું હોય પણ છોકરાને વિદેશ મોકલવાની ઘેલછા સતત વધતી જ જાય છે. ખબર પડે કે ભાઈ ૧૦ લાખ રૂપિયામાં ક્યાંય ન ચાલે એવા પાર્સલને અમેરિકામાં સેટલ કરી આપે છે એટલે તરત જ વિચાર્યા વગર ફાઈલ મૂકી દીધી હોય. એડવાન્સમાં ૧૦ લાખ ચૂકવી પણ દીધા હોય અને આશાવાદી તો એટલા હોય કે ગરમ કપડાની ખરીદી શરૂ કરી દીધી હોય. પત્રાનો ટ્રંક વેચીને નવી બેગ ખરીદી લીધી હોય. વિઝા ઇન્ટર્વ્યૂની તારીખ નજીક આવે ત્યાં તો આખી શેરીમાં પથરાય એવડી ટેટાની સર લાવી રાખી હોય અને જ્યારે ખબર પડે કે ભાઈને આપવામાં આવેલો ઇન્ટર્વ્યૂનો લેટર પણ ખોટો છે અને વિઝા માસ્ટર ૧૦ લાખ આવા ઘણા પાસેથી ઉઘરાવી પોતાના છોકરાને અમેરિકા મોકલી ચૂક્યા છે ત્યારે ઘેર પડેલી ટેટાની સર પર આંસુઓની ધાર વહી હોય તો પછી સુરસુરિયા ન થાય તો શું થાય???

ગુજરાતી ફિલ્મનો ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે ઓછામાં ઓછી ૧૦૦ ફિલ્મ્સના મંડાણ થઈ ચૂક્યાં છે. કોઈક સ્ક્રિપ્ટ પર અટકી છે, કોઈનું શૂટિંગ ચાલુ છે તો કોઈનું પોસ્ટ પ્રોડકશન. નવાણિયા પ્રોડ્યુસરને એવો જ વિશ્ર્વાસ હોય છે કે ૨૫ કે ૩૦ લાખ ખર્ચીને ૫ કરોડ કમાવી લેવાની આથી સારી તક બીજી હોઈ જ ન શકે. આપણે તો ધડાકાભેર માર્કેટમાં આવીશું એવી આશા હોય પણ જ્યારે ફિલ્મ તૈયાર થઈને હાથમાં આવે ત્યારે ખબર પડે કે આ ફિલ્મને રિલીઝ કરવાની હિમ્મત કોઈ પણ કરી શકે એમ નથી! બે-ત્રણ વર્ષ સુધી પ્રયત્નો કરીને પછી જ ખબર પડે કે આ ફિલ્મની ડીવીડી તૈયાર કરાય અને આડોશ પાડોશ કે મિત્રોને જ બતાવાય. ધડાકાભેરના આ સુરસુરિયા બહુ ટૂંકા સમયમાં જ જોવા મળશે..

છેલ્લે આ દિવાળી પર બધાને એક જ સલાહ કે કોઈ ધડાકાના સપના ન જોવા. આવા ખોટા ધડાકા મગજમાં લાવી અને સુરસુરિયા સુધી પહોંચવું નહીં. ઘોંઘાટ વગર દીવડાથી મનાવાતી દિવાળી જેવી સુંદર દિવાળી બીજી કોઈ જ નથી. આશા પર જીવવા કરતા સત્ય પર જીવવું વધારે સારું છે અને મને ખાતરી છે કે મારો આ લેખ બોમ્બની જેમ ફૂટશે અને મુંબઈ સમાચારનું વેચાણ વધી જશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment