Sunday, 2 October 2016

[amdavadis4ever] આતંકના અ ંતનો આરંભ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોદીનો માસ્ટરસ્ટ્રોક કહો, ટર્નિંગ પોઇન્ટ કે ગેમચેન્જર. આ તમામ શબ્દોનો પનો ટૂંકો પડે ભારતીયોના મનમાં વિજયાદશમી પહેલાં જ વિજયોત્સવ મનાવવાના ઉમળકાને વર્ણવવા માટે...અને હા, પાકિસ્તાનીઓના મનમાંની આક્રોશોત્સવની ભાવના વર્ણવવા માટે પણ. ૨૮મી સપ્ટેમ્બરે મધરાત પછી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ધડબડાટી બોલાવનાર ભારતીય જવાનોને કદાચ ખ્યાલ નહીં હોય કે ઇતિહાસના એક મોટા ટર્નિંગ પોઇન્ટનો તેઓ ભાગ બની રહ્યા છે. તેમણે તો ઉપરીના આદેશ પ્રમાણે પીઓકેમાંના આતંકવાદીઓના લૉન્ચિંગ પૅડ્સનો ખાતમો બોલાવ્યો પણ એ સાથે જ આ ઑપરેશનનો હુકમ કરનાર તેમના ઉપરીઓના રાજકીય આકાએ પાકિસ્તાન અને જગત સમક્ષ જૂઠી મૉરાલિટીનો ખાતમો બોલાવી દીધો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું વલણ જગતના ચૌટામાં સ્પષ્ટ કરી દીધું કે રાષ્ટ્રીય હિત જ સર્વોપરી છે. રાષ્ટ્રીય હિત માટે જરૂર પડ્યે અંકુશ હરોળ પણ ઓળંગીશું અને એ પણ ચૂપચાપ નહીં. અટલ બિહારી વાજપેયી અને મોદી વચ્ચે કદાચ મોટો ફરક એ જ કે કારગિલ વખતે વાજપેયીએ અંકુશરેખા ઓળંગવાની ના પાડી હતી જ્યારે ઉડી વખતે મોદીએ એલઓસી ઓળંગી.

આ જ બાબત છે ગૅમચૅન્જર. અહીંથી આખી રમત બદલાઇ જાય છે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં. ક્રિકેટના મહાન કેપ્ટનોમાંના એક તરીકે જેની ગણના થાય છે એવા ઇયાન ચેપલે કહ્યું હતું કે કેરેબિયન ફાસ્ટ બોલરો સામે બેટિંગ કરતી વખતે આક્રમક ઇરાદો દર્શાવવો બહુ જ જરૂરી છે અને એ સુનીલ ગાવસ્કર દર્શાવતો એથી જ તે તેમની સામે ઘણાં રન બનાવી શક્યો. તમે કેરેબિયન બોલરો સામે હૂક શોટ રમવા જ ન માગો તો તેઓ તેમને બાઉન્સર પર બાઉન્સર નાખીને ખલાસ કરી નાખશે પણ તમે જે ઘડીએ હૂક રમવા માંડો બોલરના વિકલ્પ ઓછા થઇ જાય છે અને સાથે તમે એની માનસિકતાના મૂળ પર કુઠારાઘાત કરો છો. 
ન.મો.એ એક્ઝેટલી એ જ કર્યું. તેમણે તેમનો આક્રમક ઇરાદો દેખાડ્યો. આક્રમકતા તો પાકિસ્તાન પણ દેખાડે છે વારંવાર. અણુયુદ્ધનો ડર દેખાડીને. ભારત અને પાકિસ્તાનની આક્રમકતામાં જમીન-આસમાનનો ફરક છે. કઇ રીતે? ભારત આતંકવાદ સામે પોતાના રક્ષણ માટે આક્રમક થયું. મોદીએ જગતને ગળે ઉતારી દીધું છે કે ભારતે આતંકવાદ સામે પોતાના સંરક્ષણ માટે એલઓસીની મર્યાદા ઓળંગીને આક્રમણ કરવું પડ્યું છે. બીજું સર્જિકલ સ્ટ્રાઇકમાં પાકિસ્તાની લશ્કરને નહીં પણ આતંકવાદીઓને જ ટાર્ગેટ કરાયા. પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે સામાન્ય ગણગણાટને બાદ કરતા કોઇ મોટો વિરોધ નથી થયો અને ન થશે. પાકિસ્તાનના હાલ તો 'ન કહેવાય, ન સહેવાય' જેવા છે. નથી એ કબૂલી શકતું કે ભારતીય સૈન્ય પીઓકેમાં ઘૂસ્યું હતું. એ જ્યારે એમ જ કહી નથી શકતું કે ભારતીય જવાનોએ એલઓસી ઓળંગી હતી તો એ એનો વિરોધ કઇ રીતે કરી શકવાનું? તેની પાસે હવે તો બે પગ વચ્ચે પોતાની પૂંછડી દબાવીને ચોક્કસ જગ્યાએ થતા દુખાવાને સહન કર્યે જ છૂટકો.

પાકિસ્તાન માટે સર્જિકલ સ્ટ્રાઇકની પીડા કરતાંય મોટો માથાનો દુખાવો છે કે હવે તેની વિદેશ નીતિનું શું? આતંકવાદ ફેલાવવો અને કાશ્મીરનું રોદણું રડ્યા કરવું એ પાકિસ્તાનની વિદેશ નીતિનાં બે મહત્ત્વનાં પાસાં છે. એલઓસીને પેલે પાર જઇને મોદીએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની ધોરીનસ જ કાપી નાખી. પાકિસ્તાની લશ્કર અને આઇએસઆઇ અત્યારે તો માથું ખંજવાળતા હશે કે હવે ભારતમાં ત્રાસવાદીઓની ઘૂસણખોરી કરાવવી કઇ રીતે? જો ત્રાસવાદીઓ જ ઘુસાડી નહીં શકીએ તો કાશ્મીરને સળગતું કઇ રીતે રાખીશું? ને ભારતમાં બૉમ્બધડાકા કે મુંબઈ જેવા હુમલાઓ કઇ રીતે કરાવીશું? જો આ કાંઇ જ ન થઇ શકવાનું હોય તો હાફિઝ સઇદ અને સૈયદ સલાહુદ્દીન જેવાઓને પાળીને શું કરવું? મોદી, ભારતીય વ્યૂહકારો તથા લશ્કરના જાંબાઝ જવાનોએ એક ઘા કરીને પાકિસ્તાનને વિચાર કરતું કરી દીધું. 
જરાક વિગતે સમજીએ. પાકિસ્તાન દ્વારા ભારતમાં આતંકવાદની નિકાસ એક જ માર્ગે મોટા પાયે થાય છે અને એ માર્ગ છે અંકુશ હરોળ પરથી ઘૂસણખોરીનો. સર્જિકલ સ્ટ્રાઇક પછી દિલ્હીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે જરૂર પડ્યે એલઓસી વળોટીને પણ આતંકવાદીઓને મારશું. આનો મતલબ એ થયો કે પાકિસ્તાન જે સેંકડોની સંખ્યામાં ત્રાસવાદીઓને ઘૂસણખોરી કરવા માટે અંકુશ હરોળ નજીકના લૉન્ચિંગ પૅડ્સ પર, ઘૂસવાના સારા મોકાની તલાશમાં, છુપાડી રાખતું એ હવે નહીં કરી શકે. ભારતમાં ત્રાસવાદ ફેલાવવા માટે અંકુશરેખા પરથી ઘૂસણખોરી કરાવવી પાકિસ્તાની આતંકવાદી નીતિનું સૌથી મહત્ત્વનું પાસું છે અને હવે મોદીએ ધોરીનસ જ કાપી નાખી. એટલું જ નહીં, પાકિસ્તાનની છાતી પર બેસીને એની જાહેરાત પણ કરી નાખી. 
અગાઉ ભારતીય લશ્કરે ઘણી વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હોવાનું મનાય છે પણ એની જાહેરાત ક્યારેય નથી કરાઇ. પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને ખુલ્લું પાડીને પછી અંકુશ હરોળ ઓળંગીને તેના કબજા હેઠળના વિસ્તારમાં ઘૂસીને આતંકવાદીઓને મારવા તથા તેની ઘોષણા કરવી...આ બાબત ગૅમચૅન્જર છે. આટલું જ નહીં ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને એવુંય ગળે ઉતારવામાં સફળતા મેળવી છે કે કાશ્મીર નહીં પણ આતંકવાદ જ વધુ મહત્ત્વનો મુદ્દો છે. આમ ઇસ્લામાબાદની કાશ્મીર ઝુંબેશના સઢમાંથી હવા નીકળી ગઇ. અધૂરું હતું તો નવાઝ શરીફે યુનોના મંચ પર ત્રાસવાદી બુરહાન વાનીને હીરો ગણાવીને સેલ્ફ-ગૉલ કર્યો. કૉંગ્રેસી શાસકોએ મોરાલિટીનું પૂંછડું પછાડવાને બદલે આવું પહેલાં જ કર્યું હોત તો પાકિસ્તાન ક્યારનુંય સીધુંદોર થઇ ગયું હોત. એનીવૅ, તેમણે એવું કર્યું નહીં એટલે જ ભારતીય મતદારોએ તેમને સત્તા પરથી ફેંકી દીધા અને મોદીને સત્તા આપી. મોદીએ વાતોનાં વડાં ન કર્યાં. કરી દેખાડ્યું. હવે દુશ્મનના પેટમાં ફાળ પડી છે કે આવી મજબૂત રાજકીય ઇરાદાશક્તિનો સામનો કઇ રીતે કરવો? આ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઇકથી પુરવાર થયું કે લશ્કર અને અમલદારશાહીમાંના વ્યૂહકારો તો સક્ષમ છે જ માત્ર સબળ રાજકીય ઇરાદાશક્તિની જરૂર હતી. 
પહેલાં અમેરિકાની અને હવે ચીનની ખૂંટીએ ટિંગાઇને આટલું ઉછળતું પાકિસ્તાન કદાચ થોડો સમય સરહદ પર ચૂપ બેસી જાય. જોકે બીજા બે ખતરા સામે ભારતે સજ્જ થવું પડશે. એક તો ભારતમાં અગાઉ જ ભરાઇ બેઠેલા આતંકવાદીઓના સ્લીપર સેલ્સનું મોટું જોખમ છે. આગામી થોડા સમયમાં આતંકવાદી હુમલાને કોઇ પણ હિસાબે રોકવા પડશે, નહીં તો તમામ કર્યાકારવ્યા પર પાણી ફરી વળશે. બીજો ખતરો છે ચીનનો. પીઓકે તો ભારતનો જ આંતરિક ભાગ છે અને તેથી અમે એમાં ઘૂસીને અમારા સંરક્ષણ કાજ કંઇ પણ કરી શકીએ એવી દલીલ મોદી સરકાર કરી રહી છે. વાત સાચી છે પણ આ સિક્કાની બીજી વરવી બાજુય છે. હવે ચીની લશ્કરના અરુણાચલ પ્રદેશ અને તિબેટમાં ઘૂસણખોરીના બનાવો વધી જશે અને ચીન એક્ઝેટલી આ જ દલીલ ભારત સાથે કરશે. પાકિસ્તાન અત્યારે કંઇ જ કરી શકે એમ નથી એટલે શક્યતા પૂરેપૂરી છે કે તેનું મિત્ર ચીન ઊંબાડિયાં કરશે. હકીકત આમેય એ છે કે ઉડી હુમલો હોય કે મોદીનો પોતાના ભાષણમાં બલૂચિસ્તાનનો ઉલ્લેખ હોય...ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ચીન પરોક્ષ રીતે ડોકાયાં જ કરે છે. બલોચ નેતાઓનો ઉલ્લેખ મોદીએ પોતાના ભાષણમાં કર્યો ત્યારે તેમનું ખરું ટાર્ગેટ ચીન અને તેનો પાકિસ્તાન સાથેનો બલૂચિસ્તાનમાંથી પસાર થતો આર્થિક કોરિડોર હતો. આ ઉલ્લેખથી ઉશ્કેરાયેલા પાકિસ્તાને ઉડીમાં હુમલો કર્યો. પરિણામે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી. અમેરિકાએ સાથ છોડ્યો છે ત્યારે આર્થિક અને લશ્કરી સહાય માટે પાકિસ્તાન પાસે ચીનનું તરણું ઝાલ્યા સિવાયનો વિકલ્પ નથી. ચીન શિખંડી પાકિસ્તાનને ઢાલ બનાવીને ભારતને આર્થિક સુપરપાવર બનતું રોકવા બધું કરી છૂટશે. દરેકે દરેક સમીકરણનું પરિણામ ધાર્યા મુજબનું નથી હોતું અને ક્યારેક સમીકરણમાં 'એક્સ' ફેક્ટર ઉમેરાય ત્યારે એ ડાયનેમિક બની જાય. એ સમીકરણનાં પરિમાણ બદલાઇ જાય. 
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના સમીકરણમાં મોદી નામનું 'એક્સ' ફેક્ટર ઉમેરાયું અને એનાં પરિણામો તો સામે જ છે. આ સમીકરણમાં પાકિસ્તાની પ્રજાનું વધારાનું 'એક્સ' ફેક્ટર ઉમેરાય તો ભલભલી ગણતરી ઊંધી વળી જાય. આવું અત્યાર સુધી વિચારી પણ નહોતું શકાતું. લશ્કરના લોખંડી પંજા હેઠળ સબડતી પાકિસ્તાન કાશ્મીરની માનસિકતા પડતી મૂકીને જાગશે એવો વિચાર જ વધુ પડતો લાગે. ભલે લાગે. તૂર્કીમાં લશ્કર સામે આમઆદમીએ હથિયાર ઉઠાવવાની તાજેતરની ઘટના પાકિસ્તાની લશ્કર માટે પદાર્થપાઠ બની શકે. સામાન્ય પ્રજાએ અત્યાચારી તૂર્કી સૈનિકોને રસ્તે ફેરવી-ફેરવીને ફટકાર્યા હતા અને પેલા સૈનિકોએ જાન બચાવવા રીતસરની આજીજી કરવી પડી હતી. દુશ્મન સામે અડીખમ રહેનાર જવાનને પોતાના જ મારે ત્યારે કેવા બેહાલ થાય એનું તૂર્કી સબળ ઉદાહરણ છે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment