Sunday 30 October 2016

[amdavadis4ever] ટાટા ઉદ્યોગ જૂથન ો ગૌરવવં તો ઇતિહાસ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આશરે દોઢસો વર્ષ જૂના ટાટા જૂથના અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીની અચાનક હકાલપટ્ટીને કારણે ૧૦૦ અબજ ડૉલરનું ટર્નઓવર ધરાવતા આ જૂથની અંદર શું ચાલી રહ્યું છે? તે જાણવાની જિજ્ઞાસા થાય તો તે સ્વાભાવિક છે. ટાટા જૂથમાં વર્તમાનમાં જે ઊથલપાથલ ચાલી રહી છે તે સમજવા માટે ટાટાનો ઇતિહાસ સમજવો પડશે અને ઔદ્યોગિક જગતમાં તેની તાકાત પણ સમજવી પડશે.

ટાટા ભારતનું સૌથી જૂનું અને સૌથી મોટું ઉદ્યોગ ગૃહ છે. ટાટાની કંપનીઓ આપણા દેશ ઉપરાંત દુનિયાના ૧૦૦ જેટલા દેશોમાં પોતાની શાખાઓ ધરાવે છે. તેના ઉદ્યોગોમાં નમકથી માંડીને પોલાદનો સમાવેશ થાય છે. ટાટા જૂથના ભીષ્મપિતામહ જમશેદજી નસરવાનજી ટાટાએ ઝારખંડમાં આવેલા ભારતના સૌથી પ્રથમ લોખંડનાં કારખાનાનો પાયો નાખ્યો હતો. આજે ટાટા સ્ટીલની ગણતરી દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની તરીકે થાય છે. ભારતની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સ છે, જે ઇન્ડિકા અને ઇન્ડિગો ઉપરાંત જગુઆર અને લેન્ડરોવર જેવી મોટર કારો પણ બનાવે છે. ટાટા ક્ધસલ્ટન્સી ભારતની સૌથી જૂની આઇટી આઉટસોર્સિંગ કંપની છે. ટાટા ટી કંપની ચાના બગીચાઓની માલિકી ધરાવે છે. ટાટા કેમિકલ્સ નમકની સૌથી મોટી ઉત્પાદક કંપની છે. મુંબઇની તાજમહાલ હોટેલ જેવી ફાઇવ સ્ટાર હોટેલો ટાટા જૂથની માલિકીની છે. ટાટા ટેલિસર્વિસિસ કંપની મોબાઇલ સર્વિસના ક્ષેત્રમાં ગજું કાઢનારી કંપની છે. 

નવસારીમાં જન્મેલા જમશેદજી ટાટાના પિતા નસરવાનજી ચીન અને બ્રિટનમાં શણની નિકાસ કરતા હતા. જમશેદજી માત્ર ૧૪ વર્ષની ઉંમરે પોતાના પિતાના ધંધામાં જોડાઇ ગયા હતા. ઇ.સ.૧૮૫૯માં જમશેદજી ટાટા હોંગકોંગ ગયા અને તેમણે ત્યાં ટાટા એન્ડ કંપનીની બ્રાન્ચ શરૂ કરી. જમશેદજી ટાટાએ ઇ.સ.૧૮૬૮ સુધી પોતાના પિતાજીના ધંધાનું વિસ્તરણ કર્યું. ત્યાર બાદ માત્ર ૨૯ વર્ષની ઉંમરે તેમણે પિતાથી અલગ થઇને કાપડ મિલના ધંધામાં ઝંપલાવી દીધું.

તે કાળમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં રૂની નિકાસ થતી હતી. બ્રિટનની મિલોમાં તેનું કાપડ બનતું હતું અને ભારતમાં વેચાતું હતું. જમશેદજી ટાટાએ ઇ.સ.૧૮૬૮માં નાગપુર ખાતે કાપડ મિલ શરૂ કરી. તેનું કાપડ ભારતમાં વેચાવા ઉપરાંત ચીન, જપાન કોરિયા વગેરે દેશોમાં નિકાસ પણ થવા લાગ્યું. જમશેદજી ટાટાએ મુંબઇમાં પણ ધરમશી મિલ ચાલુ કરી, જે પાછળથી સ્વદેશી મિલ તરીકે ઓળખાઇ. આ મિલે ભારતમાં સ્વદેશી કાપડની ઝુંબેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જમશેદજી ટાટાએ પોતાની જિંદગીમાં ચાર સપનાં જોયાં હતાં. તેમાંનું પહેલું સપનું ભારતમાં પોલાદનું કારખાનું સ્થાપવાનું હતું. પોલાદ બનાવવાની ટેકનોલોજીનો અભ્યાસ કરવા માટે તેમણે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ ખેડ્યો હતો. હાલના જમશેદપુરમાં ભારતનો પહેલવહેલો સ્ટીલ પ્લાન્ટ બનાવવાની બ્લુ પ્રિન્ટ પણ તેમણે તૈયાર કરી હતી. ઇ.સ.૧૯૦૪માં જમશેદજી ટાટાનો દેહવિલય થયો તેનાં ત્રણ વર્ષ પછી પોલાદનું કારખાનું ધમધમતું થઇ ગયું હતું. 

જમશેદજી ટાટા દેશવિદેશમાં ફરતા ત્યારે ફાઇવ સ્ટાર હોટેલમાં રહેતા હતા. યુરોપની કેટલીક ફાઇવ સ્ટાર હોટેલોમાં કાળા ભારતીયોને પ્રવેશ આપવામાં આવતો નહોતો. આ જોઇ જમશેદજી ટાટાએ ભારતમાં પણ ફાઇવ સ્ટાર હોટેલ બનાવવાનું સપનું જોયું હતું. આ સપનું તેમના જીવનકાળ દરમિયાન સાકાર થયું હતું. ઇ.સ.૧૯૦૩માં જમશેદજી ટાટાના હસ્તે મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયા સામે ભારતની પહેલવહેલી ફાઇવ સ્ટાર તાજમહાલ હોટેલનું ઉદ્ઘાટન થયું હતું.

જમશેદજી ટાટાનું ત્રીજું સપનું ભારતમાં વિજ્ઞાનના સંશોધન માટેની વિશ્ર્વકક્ષાની સંસ્થા શરૂ કરવાનું હતું. તેમણે બેંગલોરમાં સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરીને આ સપનું પણ પૂરું કર્યું હતું. ભારતીય અણુકાર્યક્રમના જનક ડૉ. હોમી ભાભા મુંબઇમાં વિજ્ઞાન સંશોધન માટેની સંસ્થા શરૂ કરવા માગતા હતા. તેમણે ઇ.સ.૧૯૪૫માં ટાટા જૂથના તત્કાલીન અધ્યક્ષ જેઆરડી ટાટાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે માતબર દાન આપીને ચેમ્બુરમાં વિજ્ઞાન સંસ્થા શરૂ કરાવી હતી, જે આજે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના નામે વિજ્ઞાનના સ્કોલરો તૈયાર કરી રહી છે.

જમશેદજી ટાટાનું ચોથું સપનું ભારતમાં વીજળી મથકની સ્થાપના કરવાનું હતું. આ માટે તેમણે ટાટા પાવર કંપનીનો પાયો નાખ્યો હતો. તે માટે ખપોલી ખાતે પાવર હાઉસની સ્થાપના કરવામાં આવી હતી અને ખંડાલા ઘાટમાં નદીઓ પર બંધો બાંધવામાં આવ્યા હતા. આજની તારીખમાં ટાટા પાવર ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર કંપની છે.

ઇ.સ.૧૯૦૪માં જમશેદજી ટાટાનું અવસાન થયું તે પછી તેમણે સ્થાપેલા ઔદ્યોગિક સામ્રાજ્યને મજબૂત બનાવવાની જવાબદારી તેમના પુત્ર સર દોરાબજી ટાટા પર આવી પડી હતી. દોરાબજી ટાટા ઇ.સ.૧૯૩૨ સુધી ટાટા જૂથના અધ્યક્ષ રહ્યા હતા. તેમણે પોલાદનું કારખાનું નાખવાનું અને વીજળી મથક નાખવાનું પોતાના પિતાશ્રીનું સપનું સાકાર કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સર દોરાબજી ટાટા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેના દ્વારા જમશેદજી ટાટાની ભાવના મુજબ માનવ કલ્યાણના અનેક પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા હતા. મુંબઇમાં આવેલી કેન્સરની સારવાર માટેની ટાટા હૉસ્પિટલ પણ તેમની માનવતાની પ્રવૃત્તિનો હિસ્સો છે.

ઇ.સ.૧૯૩૨માં દોરાબજી ટાટાનું અવસાન થયું ત્યારે જમશેદજી ટાટાની બહેન વીરબાઇના પુત્ર નવરોજી સકલાટવાલાને ટાટા જૂથના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાના સ્થાપક પ્રમુખ હતા. મુંબઇનું બ્રેબોર્ન સ્ટેડિયમ તેમના કાર્યકાળમાં બન્યું હતું. ઇ.સ.૧૯૩૮માં નવરોજી સકલાટવાલાનું હાર્ટ એટેકથી મોત થતાં જેઆરડી ટાટાને ટાટા જૂથના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેઓ ઇ.સ.૧૯૯૧ સુધી અધ્યક્ષના હોદ્દા પર રહ્યા હતા.

જેઆરડી ટાટાનું આખું નામ જહાંગીર રતનજી દાદાભોય ટાટા હતું. તેઓ જમશેદજી ટાટાના પિત્રાઇ ભાઇ રતનજી દાદાભોયના પુત્ર હતા. ઇ.સ.૧૯૨૯માં તેમણે વિમાન ઉડાવનારા પહેલા ભારતીય બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું. ઇ.સ.૧૯૪૮માં તેમણે ભારતની પહેલવહેલી પ્રાઇવેટ ઍરલાઇન્સની સ્થાપના કરી, જે રાષ્ટ્રીયીકરણ પછી ઍર ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ઇ.સ.૧૯૪૫માં તેમણે ટાટા મોટર્સ કંપનીની સ્થાપના કરી. ટાટા ટી, ટિટાન અને વોલ્ટાસ જેવી કંપનીઓની સ્થાપના પણ તેમના કાર્યકાળમાં થઇ. જેઆરડી ભારતરત્ન બન્યા હતા.

ઇ.સ.૧૯૯૧માં જેઆરડી ટાટા રિટાયર થયા તે પછી રતન ટાટાને ચેરમેન બનાવવામાં આવ્યા. રતન ટાટા જમશેદજી ટાટાના પૌત્ર નવલ ટાટાના દત્તક પુત્ર છે. રતન ટાટા ઇ.સ.૨૦૧૨ સુધી ટાટા જૂથના અધ્યક્ષ રહ્યા હતા. ત્યાર બાદ તેમણે સાયરસ મિસ્ત્રીને પોતાના અનુગામી બનાવ્યા હતા. સાયરસ મિસ્ત્રીનો પરિવાર ટાટા જૂથમાં ૧૮.૫ ટકા શેરોની માલિકી ધરાવે છે. સાયરસ મિસ્ત્રીનો પરિવાર ૭.૬ અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે, જ્યારે રતન ટાટા પાસે ટાટા જૂથના માત્ર ૦.૮૩ ટકા શેર જ છે. આજની તારીખમાં તેઓ અબજપતિ પણ નથી, પરંતુ અનુભવ તેમ જ આવડતની તાકાત પર ટાટા જૂથનું સુકાન ફરી ૭૯ વર્ષના રતન ટાટાને સોંપવામાં આવ્યું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment