Sunday, 30 October 2016

[amdavadis4ever] એક વો ભી દ િવાલી થી એ ક યે ભી દિ વાલી હૈ...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અરે સાંભળ ને, કહું છું કે તારા લૅપટૉપ પર જરા જલદી જો ને, મારી ફ્રેન્ડે કહ્યું કે એક બે ઍરલાઈનની બહુ સારી ઑફર-સ્કીમ છે. શાલિની અને કરણે તો ક્યારનુંય બુકિંગ કરાવી લીધું છે. આ દિવાળીમાં એ બન્ને ન્યૂ ઝિલૅન્ડ જવાના છે. ચાલ ને આપણેય એક મસ્ત પ્લાન બનાવીએ. ગયા વર્ષે આપણે સિંગાપોર ગયા હતા એટલે આ વર્ષે કોઈ સરસ મજાની નવી જગ્યા શોધ ને. અહીં દિવાળીની ધમાલમાં નથી રહેવું. આ ધાંધલ ધમાલ અને પોલ્યુશનથી દૂર કોઈ સરસ મજાની જગ્યાએ પીસફુલ વાતાવરણમાં દિવાળી અને નવું વર્ષ ઉજવીએ. બસ હું અને તું, બીજું કોઈ કરતા કોઈ નહીં. ગયા વર્ષે આપણે ગ્રુપમાં ગયા હતા, પણ આ વર્ષે કોઈ નહીં, ઓકે? 

આ દિવાળીમાં તમે ક્યાં જવાના છો?

આ એક એવો સવાલ છે જે થોડાં વર્ષો પહેલા કોઈને પૂછવાની ગુસ્તાખી નહોતી કરવામાં આવતી. આજે જોકે એવો સમય આવી ગયો છે કે ઘણે ઠેકાણે આ પ્રશ્ર્ન ન પૂછાય તો સામે પક્ષે માઠું લાગી શકે છે. જોકે, ઉપર જણાવ્યો એ સંવાદ અને એની આસપાસની વાતો છેલ્લાં આઠ-દસ વર્ષથી આપણા દેશના અને વિશેષ કરીને ગુજરાતી પરિવારોમાં બનતી જોવા-સાંભળવા મળી રહી છે. દિવાળી અને નવા વર્ષ જેવા સપરમા દિવસોએ તો ઘરના બારણાં ખુલ્લા જ રહેવા જોઈએ એવી માન્યતા હવે ધરમૂળથી બદલાઈ ગઈ છે. હવે તો આ દિવસોમાં ઘરના બારણાં વાસી એને તાળાં મારી સહેલસપાટાએ ઉપડી જવાના પ્લાન બનાવવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ દિવાળી સહિતની તહેવારોની રજામાં ક્યાં ફરવા જવું તેનું પ્લાનિંગ થઇ જાય છે, અને પ્લાનિંગ ન થયું હોય તો એટલું તો નક્કી જ હોય છે કે દિવાળીની રજાઓમાં ઘરે તો નહીં જ રહીએ, ક્યાંક તો જશું જ. નાના-મોટા શહેરોમાં રહેતા લોકોને રોજ-બરોજની ભાગદોડ, તાણ અને સમયની વ્યસ્તતાને લીધે દિવાળીનો સમય રિલેક્સ થવા માટે વધારે અનુકૂળ પડે છે. પરિણીત યુગલ હોય તો બાળકોની રજાઓનો મેળ પણ ત્યારે જ પડતો હોય છે. વળી, રોજેરોજ કામમાં વ્યસ્ત રહેતા લોકો આવી રજાઓમાં પરિવાર અને પોતાની જાત માટે થોડોે સમય ફાળવી શકે છે. એટલે આમ કરવું ખોટું છે, તે કહેવું પણ ખોટું સાબિત થશે. જોકે, આ બધા વચ્ચે આપણા તહેવારો, અને ખાસ કરીને દિવાળી જેવો તહેવાર ઝાંખો પડી ગયો છે અને લગભગ ભુલાઇ રહ્યો છે, તે વાતનું દુ:ખ થાય છે અને એ કરતાં વધારે જે તહેવારો અને તેની ઉજવણી પાછળનું કારણ જ આપણને રોજબરોજની બીબાઢાળ જિંદગીમાંથી બહાર કાઢવાનું, પરિવાર-સંબંધીઓ-મિત્રો સાથે હળવા-મળવાનું અને આનંદ અને ઉલ્લાસની પળો આપવાનું છે અને એ તહેવારોથી એ પરંપરાગત દિવાળીથી જ આપણે ભાગી રહ્યા છીએ. બહાર જવાનું ગમતું હોય કે ન હોય, પરવડતું હોય કે ન હોય બસ એક ટ્રેન્ડ છે, એટલે જવું એમ ઠાંસી લીધું છે. 

પરંપરાગત દિવાળી એટલે કેવી દિવાળી? નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી અને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ. તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરીને હોંશે હોંશે ખવડાવતી. ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી. એનો એકાદ વધારે ટુકડો લેવા ભાંડરડાંઓ વચ્ચે કજિયા થતા. મીઠાઈના ચોસલા કરતાં અનેકગણા લાગણી ને ઉમળકાના ચોસલા હતા. જયારે આજે? નામ સુધ્ધાં ન સાંભળ્યા હોય અને ફ્રિજમાં ઠરી રહ્યા હોય એવી આઠ-દસ મીઠાઈનાં બૉક્સના કેવળ દર્શન કરી લેવાય છે. એની ગુણવત્તા અંગેની શંકાથી માંડીને કૉલેસ્ટ્રોલ કે શરદી-ખાંસી કે પછી શુગર-ચીઝના કલ્પિત ભયને કારણે એને આરોગવાનો તો વિચાર સુધ્ધાં નથી આવતો. દિવાળીનો ઉમંગ અને એની ઉત્સાહભેર ઉજવણીનો પ્રારંભ આમ તો આસો વદ અગિયારસ (રમા એકાદશી)થી જ શરૂ થઇ જતો. જોકે, રમા એકાદશીથી શરૂ થતા આ પર્વની પાવનતા કે બીજે દિવસે આવતી વાક્ બારસ (વાક્ એટલે વાણી)નું વૈશિષ્ટ્ય કે ધનતેરસનું મહાત્મય કે કાળી ચૌદસનો અર્થ કે દિવાળી-નવું વર્ષથી લઈને દેવ દિવાળી સુધી ચાલતા આ મંગલમય તહેરવારની ઉજવણીના ઉમંગની હવે લગભગ બાદબાકી થઇ ગઈ છે. આજે તો હવે એ બધી 'ઝંઝટ'માંથી છૂટવા ખૂબ બધા પૈસા ખર્ચીને પાંચ દિવસની રજામાં 'આઉટ ઑફ સ્ટેશન'નું આયોજન કરી મોંઘીદાટ જગ્યાઓ પર જવાય છે, પણ મોંઘેરો ઉમળકો એમાં ક્યાંક ઢંકાઈ ગયો છે. એને તો જાણે જનમટીપની સજા થઇ હોય એવું લાગે છે. ખરેખર, આપણે મોટાં થઈ ગયાં છીએ અને આપણી દિવાળી નાની થઈ ગઈ છે. ગજવાં મોટા થઇ ગયા છે અને સંકડાશ કદાચ અંતરમાં પેસી ગઈ છે.

૩૦-૪૦ વર્ષ કે તે પહેલાની વાત કરીએ તો દિવાળીનું ચિત્ર કંઇક અનોખું જ હતું. અગિયારસ પહેલા જ એટલે કે નવરાત્રી પૂરી થાય એટલે ઘરની મહિલાઓ દિવાળીની તૈયારીમાં લાગી જાય. જેમાં સૌથી પહેલા આવે ઘરની સાફ-સફાઇ. સાફ-સફાઇ પાછળનો પણ એક હેતુ હતો. વરસાદને લીધે ઘરમાં પડેલી વસ્તુ અને ઘર ગંદા થયા હોય, આથી ઓક્ટોબરના તડકામાં ગાદલા-ગોદડા વગેરે તડકે નાખવામાં આવે. 

અભેરાઇ પર પડેલાં વાસણો ઉતારી તેને ઘસીને સાફ કરવામાં આવે. ઘરનાં ખૂણેખૂણાને સાફ કરવામાં આવે જેથી આખું વર્ષ તે સ્વચ્છ રહે. આ ઘરની સફાઇ એટલે દિવાળીનાં તમામ કામમાંનું સૌથી અઘરું ને સૌથી જબરું કામ હોં! તે

બાદ વારો આવે નાની-મોટી ખરીદીનો. ખમતીધર ઘર હોય ત્યાં તો ઘરે દરજી બેસાડવામાં આવે. જે આખા પરિવારનાં કપડાં સીવે. મોટા ભાગે કાપડ ખરીદીને કપડાં સીવડાવવાનો ટ્રેન્ડ હતો એટલે દરજીને તો રાતપાળી કરવાની અને ખિસ્સું ભરવાનું...(સાથે થોડા કાપડના ટુકડા બચાવી પોતાના ઘરના સભ્યોનાં કપડાં આમાંથી જ કાઢી લેવાના!) તે બાદ આવતો વધુ એક મહત્ત્વનો પડાવ અને સૌથી વધારે ચટાકેદાર એટલે નાસ્તા ને મીઠાઇ બનાવવી. ફાફડા, મઠિયા, ચોળાફળી, ચકલી, ચેવડો, ઘૂઘરા, લાડુ..જેવું જેનું ગજવું ને જેવું જેનું પેટ... સૌ પોતાના ઘરમાં પોતાની પસંદ અને પોષાણ પ્રમાણે નાસ્તા-મીઠાઇ બનાવે. આ માત્ર ઘરના પૂરતું જ ન હોય, પડોશીને આપવાનું અને ખાસ કરીને નવા વર્ષે ઘરે આવતા મહેમાનોને પીરસવાનું. એટલે ચાર-પાંચ દિવસ તેને છોકરાઓથી બચાવીને પણ રાખવાનું હોં!

આ સાથે પોતાની દુકાન-કારખાનામાં પણ સાફ-સફાઇ થાય. દુકાનના તમામ માણસો હોંશે-હોંશે પોતાનું ઘર સમજી કામ કરે, અને શેઠ પણ ખુલ્લા મને બોનસ અને મીઠાઇ આપે. 

દિવાળીની શરૂઆત થાય અગિયારસથી સવાર-સાંજ ઘરમાં દીવડા પ્રગટે ને રંગોળી પૂરવાનું શરૂ થઇ જાય. આ સાથે ઘર અને દુકાનનાં બારણાંમાં આસોપાલવ અને ગલગોટાનાં તોરણ અને આ બધું જ સેલ્ફમેડ-ફ્લિપકાર્ટ કે એમેઝોનથી મંગાવેલું નહીં. તે બાદ આવે વાક્ બારસ. વાક્ બારસના દિવસે એટલે કે દિવાળી પહેલા તમામ હિસાબ-કિતાબ ચૂકવવામાં આવે તેવો ભાવ છે. અગાઉના સમયમાં દુકાનદાર પાસે લખાવીને લોકો માલ-સામાન લઇ જતા અને પૈસા પછીથી આપતા. આથી જે કંઇ પણ હિસાબ-કિતાબ બાકી હોય તે વાઘ બારસના રોજ ચૂકવી દેવો તેવો સંદર્ભ 'ભગવત ગોમંડલ' નામના ગુજરાતી ભાષાના એન્સાઇક્લોપીડિયામાં આપવામાં આવ્યો છે તે બાદ આવે ધનતેરસ. આ દિવસને આપણે માત્ર નવું, ચાંદીનું કે સોનાનું વાસણ કે વસ્તુ ખરીદવા પૂરતો રાખ્યો છે, પરંતુ હકીકતમાં આ સમુદ્રમંથન દરમિયાન દેવોને અમૃત પીવડાવનારા ધન્વંતરી ભગવાનનો દિવસ છે. આ દિવસને આયુર્વેદ અને શરીર સ્વાસ્થ્યના મહત્ત્વ સાથે જોડવામાં આવ્યો છે. નરક ચૌદશ કે કાળી ચૌદશનાં રોજ મૃત્યુના દેવ યમરાજની પૂજા કરવામાં આવે છે જેથી મૃત્યુ બાદ આત્માને શાંતિ મળે. આ દિવસે શહેરનાં ચાર રસ્તે અડદની દાળના વડા પણ મૂકવામાં આવતા અને આમ કરી પાછું વાળીને જોવાનું નહીં તેવો નિયમ પણ ખરો. આમ કરવાથી ઘરનો કકળાટ કે પરિવારમાં થયેલા મનદુ:ખ ભાગી જાય તેવું માનવામાં આવે. 

મોટા ભાગનાં ઘરોમાં આ દિવસે દહીંવડાં બને. તે બાદ દિવાળી. દુકાનોમાં-વ્યાવસાયિક એકમોમાં ચોપડા પૂજન. ભલે આખું વર્ષ ઘરની મહિલાઓ દુકાનમાં ન જતી હોય, પણ આ દિવસે જાય અને પૂજામાં ભાગ લે. આખું વર્ષ લક્ષ્મીજીનો વાસ રહે તે માટેનું લક્ષ્મીપૂજન. ચોપડા પૂજન થાય અને તે બાદ આઇસક્રીમની મજા. પછી તો દુકાનની બહાર જ ફટાકડા ફોડવાનું શરૂ થઇ જાય. ફટાકડા ફોડવાની પણ અલગ મજા. આ સાથે ફટાકડાનાં ધુમાડાથી વરસાદ બાદ બહાર નીકળી આવેલા જીવજંતુઓનો નાશ થાય તેમ માનવામાં પણ આવે. હવે તો 'નોઇઝ પોલ્યુશન'ના નોઇઝને લીધે આ મજા પણ ગઇ. 

દિવાળીની રાત્રે જાગીને રંગોળી કરવાની અને એ પણ એવી મોટી ને સરસ કે આપણો વટ પડે. આખી રાત આપણા ઘરે તો રંગોળી કરવાની જ પણ પાછું પડોશીને પણ મદદ કરવાની. 

તે પછી આવે બેસતું વર્ષ. નવું વર્ષ ખરેખર નવું લાગતું વર્ષ. પોતાની સાથે કેટલીય નવી આશા અને ઊર્મિઓ લઇને આવતું વર્ષ. સવારે વહેલા ઊઠી જવાનું, ઘરને સાફ-સૂફ કરીને શણગારવાનું. બહાર ઢોલીઓ ઢોલ વગાડે અને સવાર પડે કે સંબંધીઓ-સ્વજનો, મિત્રો-પડોશીઓનો કાફલો શરૂ. પ્રેમ અને હૂંફની આપલે અને નવા વર્ષની શુભેચ્છાઓ. આ સાથે બધાને નાસ્તો-ચા-પાણી આપવાનું અને નાનાઓને બક્ષિશ. દર વર્ષે ૧૧ કે ૨૧ રૂપિયા આપતા કાકા કે દાદા જો આ વખતે ૫૧ રૂપિયા આપે તો તો જાણે લોટરી લાગી ગઇ... આ સાંજે દેવ-દર્શનનો આનંદ. અગિયારસથી શરૂ થયેલી દિવાળી લાભ-પાંચમ અને દેવ-દિવાળી-તુલસી વિવાહ સુધી ચાલે. 

પહેલા આપણે પરંપરાગત દિવાળીમાંથી આધુનિક દિવાળી તરફ ગયા. ઘરમાં કોડિયામાં દીવા કરવાને બદલે આપણે ઇલેકટ્રિક લાઇટથી ઘર શણગારતા ગયા, ઘરમાં બનાવેલી ઘીની મીઠાઇને બદલે ચોકલેટ્સ અને કૂકીઝ આપતા થયા. એકબીજાનાં ઘરે જવાનું અઘરું લાગ્યું એટલે હોટેલ કે રિસોર્ટમાં કે સોસાયટીના પ્રાંગણમાં ગેટ ટુ ગેધર રાખતા થયા. ઢોલીના ઢોલને બદલે ડીજે આવ્યું. નવા વર્ષે પગે લાગી 'સાલ મુબારક'કહેવાને બદલે હાથ મિલાવી હેપી ન્યુ યર કહેતા થયા. ઠીક છે...સમય સાથે ઘણું બદલાતું હોય છે તેમ આપણે તહેવારોની ઉજવણીમાં પણ પરિવર્તન લાવ્યા, પણ તેમ છતાં દિવાળીની ઉજવણી થતી અને એકબીજાને મળ્યાનો આનંદ હતો જ. હવે લગભગ આ પણ બંધ થતું જાય છે. આમ થવાથી આજની પેઢી દિવાળી ખરેખર શું છે તે માત્ર ત્રીજા-ચોથા ધોરણમાં ક્લાસમાં લખાવવામાં આવતા નિબંધથી વધારે જાણી જ નથી શકતી. 

નવી પેઢીને દરેક મામલે દોષ દેવાનું પણ ઉચિત કહી શકાશે નહીં. આજના સમયમાં ખાસ કરીને શહેરોનું જીવન અત્યંત અસુવિધાનજક અને તાણગ્રસ્ત થઈ ગયું છે. શૉપિંગની શોખિન મહિલાઓ પણ બજારોમાં જોવા મળતી ભીડ અને અવ્યવસ્થાથી ત્રસ્ત થઈ જાય છે. પતિ કે પરિવાર સાથે શૉપિંગ કરવા જવાનું ખિસ્સાને તો નથી જ પોસાતું, પણ સાથે સમય અને શક્તિનો વ્યય પણ તેમને અકળાવે છે આથી હવે ઑનલાઈન શૉપિંગની મજા તેઓ માણે છે. દિવાળીમાં રંગોળી પુરવા મુંબઈના દસ બાય દસના ઘરોમાં જગ્યા ક્યાં છે?. તહેવારોના દિવસોમાં શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ચરમસીમાએ હોય છે. તહેવારો મન અને શરીરને શાંતિ અને મોજ આપનારા હોવા જોઈએ, પંરતુ આ મોજની જગ્યા અનેક કારણોસર તહેવારો બોજ બની જાય છે. તહેવારોના દિવસોમાં જોવા મળતો ઘોંઘાટ, પ્રદુષણ અને સરળતાને અભાવે લોકોને અમુક દિવસો માટે બહાર ઉપડી જવું કે પછી ઘરમાં જ બેસી રહેવું ગમે તે સ્વાભાવિક છે. દરેક પેઢી પોતાના મોજશોખના સાધનો પોતાની મેળે શોધી લેતી હોય છે. આજકાલ ટેકનોલોજીને લીધે સંદેશાવ્યવહાર સરળ બન્યો છે. યુવાનો હવે લાગણીના ખોટા દેખાડામાંથી બહાર આવવા માગે છે. તેમને કંઈક નવું જોઈએ છે. ફટાકડા નહીં ફોડી તેઓ પર્યાવરણ અને પશુપ્રાણીઓ પરત્વે સજાગ બન્યા છે. મીઠાઈ કે તૈલી પદાર્થો ન ખાઈ તેઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા થયા છે. માત્ર ઔપચારિકતા ખાતર સંબંધો સાચવવાને બદલે મન હોય ત્યાં મન મૂકીને માણતા થયા છે. આ સદંતર ખોટું છે, તેમ કહેવું યોગ્ય નહીં ગણાઈ, પરંતુ પોતાની પરંપરા અને સાસ્કૃતિ મૂળથી વછૂટી જવું પણ મંજૂર નથી. 

અલબત્ત જૂનું એ બધું સો ટચનું સોનુ અને નવું એ બધું ગિલેટવાળું અને ઢોળ ચડાવેલું એવું કહેવાનો કે ઠસાવવાનો કોઈ આશય નથી. સમય સાથે પરિવર્તન આવે અને આવવું જ જોઇએ, પરંતુ આપણે આપણી પરંપરાને સાવ ભૂલી જઇએ અને નવી પેઢી સુધી તેને પહોંચાડીએ જ નહીં તે કેવું. આજે ઘણા યુવાનો-કુટુંબોએ પરંપરા અલગ રીતે જાળવી છે. તેઓ અનાથાશ્રય કે વૃદ્ધાશ્રમમાં જઇ દિવાળી મનાવે છે. ગરીબ પછાતવર્ગને થોડો આનંદ આપવાનો પ્રયત્ન કરે તેવા પરિવારો પણ છે. ફટાકડા બનાવવા માટે નાનાં બાળકોનો જીવના જોખમે ઉપયોગ થતો હોવાથી ફટાકડાનો વિરોધ કરવાવાળા પણ છે. દિવાળીનું શૉપિંગ ઓછું કરી કામવાળી કે ડ્રાઇવરના બાળકોને ગિફ્ટ આપતાં યુવાનિયાઓ મનને એક અલગ પ્રકારની શાંતિ આપે છે. તેમ છતાં દિવાળીથી દૂર ભાગનારા કે તહેવારોથી દૂર ભાગનારા યુવાનો હૃદયને ઠેસ પહોંચાડે છે. આજના નવયુવાનોમાં દિવાળી કરતા ૩૧ ડિસેમ્બરનો ક્રેઝ વધારે છે. કોઇપણ ધર્મ કે પ્રદેશનો તહેવાર ઉજવવામાં કંઇ જ વાંધો નથી. જે મનને આનંદ આપે તે કરવામાં કોઇ સીમાડા ન હોવા જોઇએ, પરંતુ આપણે આપણા તહેવારો, તેનું મહત્ત્વ અને તેનો આનંદ આપણી આગલી પેઢી સુધી નથી પહોંચાડી શક્યા તે આપણી નિષ્ફળતા નહીં? જૂની રૂઢિઓને ફગાવીને નવી શૈલી અપનાવાય એમાંય કંઈ ખોટું નથી. પણ... પણ આ બધા વચ્ચે એક તાલમેલ, એક સંતુલન જળવાય તો ગુલાબના પમરાટ સાથે પર્ફયુમના મઘમઘાટના આનંદનો સરવાળો થઇ શકે અને આપણા હૈયાને સરવાળાનો ગુણાકાર કરતા ક્યાં નથી આવડતું? શું કયો છો? 

----------------------------

લ્યો આવી ગઈ દિવાળી

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ

ઝટપટ ફોડી દઈને,

ચહેરા ઉપર ફુલઝડી સમ

ઝરતું સ્મિત લઈને;

કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ...

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે

એક ચમકતો હીરો,

ચલો શોધીએ ભીતર જઈને

ખુદની તેજ-લકીરો;

ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.


-અનિલ ચાવડા

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment