Wednesday, 1 June 2016

[amdavadis4ever] ઘર વાપસીની કારમી વેદના

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ મહિનાના પહેલા અઠવાડિયાની વાત છે. દુબઇના એક અપાર્ટમેન્ટમાં રાજેશ નાયર નામના પ્રોજેક્ટ એન્જિનિયરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી આપવી એ નાયર પરિવાર માટે કોઇ નવી વાત નહોતી. વાર તહેવારે તેમને ત્યાં લોકો ભેગા થતા અને આનંદ કરતા. જોકે, આ વખતની પાર્ટીનું કારણ જુદું હતું. રાજેશની પત્ની અને બે પુત્રીના વિદાય સમારંભની આ પાર્ટી હતી. એ ત્રણેય જણ સ્વદેશ (કેરળ) પાછા ફરી રહ્યાં હતાં. આ સાથે નાનકડા નાયર પરિવારે અખાતી દેશમાં આવીને સજાવેલું એક મોહક સપનું સમાપ્ત થઇ રહ્યું હતું. કેરળના કોટ્ટાયમ શહેરનો રહેવાસી રાજેશ નાયર એક સપનું આંખોમાં આંજીને દસ વર્ષ પહેલા દુબઇ આવ્યો હતો. રાજેશ દસેક વર્ષ પહેલા નોકરી કરવા દુબઈ પહોંચી ગયો હતો અને સારા પગારની નોકરીને પગલે એક ઉજ્જવળ ભવિષ્યના સંકેતો મળતા બે વર્ષ પછી એનો પરિવાર પણ તેની સાથે જોડાઈ ગયો હતો. અખાતી દેશના સોના તરીકે પંકાયેલા ખનિજ તેલના વ્યવસાયના સુવર્ણકાળમાં ઘણા ભારતીયો સારી એવી મૂડી એકઠી કરી શક્યા હતા. રાજેશ અને પત્નીએ આવતી લક્ષ્મીને બરાબર સાચવી અને પાંચેક વર્ષમાં સારી એવી બચત કરીને વતનમાં એટલે કે કેરળના કોટ્ટાયમ અને કોચી શહેરમાં બે અપાર્ટમેન્ટ ખરીદી લીધા હતા. જોકે, છેલ્લાં બે વર્ષમાં ખનિજ તેલના ભાવ ભયાનક હદે ગગડી ગયા હોવાથી રાજેશને મળતા પગારવધારા તેમ જ બોનસ પર કાતર ફરી ગઈ અને એટલે નાછૂટકે ૪૫ વર્ષના રાજેશને પોતાના પરિવારને સ્વદેશ પાછો મોકલવાની ફરજ પડી. ભારતમાં પોતાની નોકરીનું પાકું થાય એટલે રાજેશનું પણ સ્વદેશાગમન થઇ જશે. અલબત્ત હાથ છૂટો રહેતો હતો ત્યારે સમજદારીથી અપાર્ટમેન્ટમાં કરેલું રોકાણ ઘણું ઉપયોગી સાબિત થશે. હા, દુબઈમાં જે લાઈફસ્ટાઈલથી રહેવા ટેવાયેલા હતા એને હાલ પૂરતી તો બ્રેક મારવી જ પડશે.

રાજેશ નાયર જેવા ઘણા ઉદાહરણ છે જેમની છેલ્લા કેટલાક સમયથી ઘર વાપસી ચાલી રહી છે. હા, અખાતના દેશોમાં પૈસા કમાવવા ગયેલા ભારતીયોમાં દક્ષિણનાં રાજ્યોના અને એમાંય ખાસ કરીને કેરળના લોકોની સંખ્યા સારી એવી રહી છે. જોકે, ગુજરાતીઓ પણ ગયા છે. ફરક એટલો છે કે કેટલાકે બિઝનેસ કર્યો તો કેટલાક ડૉક્ટર, સીએ કે એન્જિનિયર તરીકે ગયા હતા અને પોતાની સમજદારીથી 'જાડી નોટ' ભેગી કરવામાં સફળ રહ્યા હતા. તકલીફ થઇ છે તો બ્લુ કૉલર જૉબ કરતા લોકોને, એટલે કે ફિલ્ડ પર કામ કરતા લોકોને. સ્વદેશમાં નિયમિત અને સરખું બે ટંક ખાવાનું મેળવવા માટે ફાંફાં મારતા આ વર્ગને અખાતી દેશોમાં એવી સરખી થઇ કે પાંચ-સાત વર્ષમાં તો આ લોકો વતનમાં પોતાની માલિકીનું ઘર બનાવી શકવામાં સફળ રહ્યા હતા.

અખાતી દેશોની નોકરી કે ત્યાં કરી શકાતો વ્યવસાય એક સમયે રોકડિયો પાક ગણાતા. એક આખી પેઢી ખનિજ તેલની સમૃદ્ધિમાં આળોટી. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) તરીકે ઓળખાતા આ રાષ્ટ્રોની અંદાજિત એક કરોડની વસતિની ૮૯ ટકા જનતા તો અન્ય દેશોમાંથી આવીને વસેલા લોકોની છે. એમાંથી આશરે ચોથા ભાગના ભારતીયો છે. પરિણામે થયું એવું કે ભારતમાં વસતા હજારો પરિવારો અખાતમાંથી આવતી આવક પર નભવા લાગ્યા હતા. ૨૦૦૮માં અમેરિકા સહિત ઘણા અર્થતંત્રોનાં હાજાં ગગડાવી નાખનારી સબ-પ્રાઈમ કટોકટીથી અખાતી દેશોને ઊની આંચ પણ ન આવી અને અને જુલાઈ ૨૦૦૮માં તો ખનિજ તેલનો ભાવ કેટલાક દેશોના અર્થતંત્રની કેડમાં સણકા ઊપડે એવો ૧૪૫ ડૉલર થઇ ગયો હતો. અખાતી દેશોની એવી બાદશાહી હતી કે રણમાં ગુલાબ ખીલ્યું જેવી ઉપમાઓ અપાઈ રહી હતી. જોકે, કુદરતનો નિયમ છે કે જે અણધાર્યું અધધધ ઊંચાઈએ જાય એ એવા અથવા તો બમણા વેગે પાછું નીચે પટકાય અને ખનિજ તેલનો ભાવ પણ આ નૈસર્ગિક ન્યાયમાંથી બાકાત ન રહી શક્યો. ૨૦૧૪ના મધ્ય ભાગ પછી સતત ભાવ નીચે ઊતરતા રહ્યા છે અને પરિણામે દોમદોમ સાહ્યબી ભોગવી ચૂકેલા અખાતી દેશોના અર્થતંત્રની ચમક ઝાંખી થઇ ગઈ છે. ગૅસ અને ફાઈનાન્સ સેક્ટર ઉપરાંત બૅન્કિંગ, ઑટોમોબાઈલ્સ અને ક્ધસ્ટ્રકશન ક્ષેત્રે પણ લોકોને નોકરી ગુમાવવાના દિવસો આવ્યા. યુએઈ ઉપરાંત સાઉદી અરેબિયા, બેહરીન, કતાર, કુવેત તેમ જ ઓમાનમાં સ્ટાફને પગાર વધારો તેમ જ બોનસ મળવાનું અને નવી ભરતી કરવાનું તો બંધ જ કરી દીધું છે પણ સાથે સાથે સ્ટાફમાંથી લોકોને ઓછા કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ નિર્ણયને પગલે જ આ અખાતી દેશોમાંથી ઘર વાપસી થઇ રહી છે. મસ્કતના એક ઑટોમોબાઈલ્સ શોરૂમમાં અસિસ્ટન્ટ સેલ્સ મૅનેજરનું કામ કરતા પવન કુમારને બે અઠવાડિયામાં બૅગ બિસ્તરા બાંધવા માટે કહી દેવામાં આવ્યું છે. કારના વેચાણમાં ધરખમ ઘટાડો થયો હોવાને કારણે સ્વદેશાગમનની યાદી વધુ લાંબી બની રહી છે. હજી સુધી ત્યાં ટકી ગયેલા ભારતીયોને સરસ સગવડો ધરાવતા અપાર્ટમેન્ટ છોડીને એક ફ્લૅટમાં ત્રણ-ચાર જણ સાથે રહે એવું સમાધાન કરવાનો વખત આવ્યો છે. આવકમાં કેવો ધરખમ ઘટાડો થયો છે એ આ ઓમાનના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. અગાઉ ઓમાનની ઓઈલ કંપનીમાં એન્જિનીયરોને શરૂઆતમાં ૨૦૦૦ રિયાલ (આશરે સાડા ત્રણ લાખ રૂપિયા) પગાર અપાતો હતો જે હવે ઘટીને ૮૦૦ રિયાલ (આશરે એક લાખ ચાલીસ હાજર રૂપિયા) થઇ ગયો છે. બીજી તરફ મોંઘવારી વધી છે. આમ બેવડો ફટકો પડ્યો છે. હૉસ્પિટાલિટી સેક્ટર જેમાં હોટેલ્સ જેવા બિઝનેસનો સમાવેશ થાય છે એને પણ તકલીફ થઇ છે અને આ ક્ષેત્રમાં હોંશે હોંશે ઝંપલાવનાર ભારતીય યુવાનોને ઉચાળા ભરવાનો વારો આવ્યો છે. રશિયાના રૂબલ અને ચીનના યુઆનનું અવમૂલ્યન થવાને કારણે આ દેશોના પર્યટકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો નોંધાતા ભવ્ય હોટેલોના ભાડા ઘટાડવા પડ્યા છે. જોકે, અર્થતંત્રના બગડી રહેલા સ્વાસ્થ્યનો અણસાર આપતા છૂટાછવાયા બનાવો થોડા સમયથી બની રહ્યા હતા. અચાનક યુએઈની સરકારે વાહનોના પાર્કિંગ ચાર્જ કલાક દીઠ બે દિરહામમાંથી અચાનક ચાર દિરહામ કરી નાખતા સરકારની તિજોરીની હાલત સારી નથી એવો અણસાર અનુભવીઓને તો આવી જ ગયો હતો. નોકરિયાતો ઉપરાંત વ્યાવસાયિકો પણ વીંટો વાળી રહ્યા હોય એવાં ઉદાહરણો જોવા મળી રહ્યા છે. વર્ષે એક અબજના ટર્નઓવરમાંથી જો વાત પાંચ કરોડ પર આવીને અટકી જાય તો હાથ ખંખેરવા સિવાય બીજો વિચાર પણ ન આવે એ સમજી શકાય એવી વાત છે.

જોકે, અખાતી દેશોમાંથી પાછા ફરી રહેલા કે ટૂંકમાં પાછા ફરનારાઓએ સ્વદેશમાં એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આ લોકો પોતે હાથ ટૂંકો રાખી મોટા ભાગની આવક સ્વદેશ મોકલી આપતા હતા. અચાનક જોવા મળેલી આર્થિક સમૃદ્ધિને પગલે સ્વદેશના લોકો લાઈફસ્ટાઈલનું ધોરણ એકદમ ઉપર લઇ ગયા જેને કારણે આજે બચતને નામે ખાસ કંઈ નથી બોલતું. જોકે, એક આશાનું કિરણ દેખાય છે. દુબઈની સરકાર ઊર્જા ઉત્પાદનના નવા પ્રયોગો સહિતના નવા ક્ષેત્રે મૂડીરોકાણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. એવું માનવામાં આવે છે કે ૨૦૨૦માં દુબઈમાં યોજાનાર વર્લ્ડ એક્સ્પો અને ૨૦૨૨માં કતારમાં યોજાનારી વર્લ્ડ કપ ફૂટબૉલ સ્પર્ધાને પગલે અર્થતંત્રને વેગ મળશે. અલબત્ત આ હજી સંભાવના છે. અત્યારની હકીકત તો ઘર વાપસીની છે.

તેલ જુઓ તેલની ધાર જુઓ

૧૯૪૮ના જાન્યુઆરીમાં ખનિજ તેલનો ભાવ બેરલદીઠ ૨.૬ ડૉલર હતો જે ૧૯૭૩ના ડિસેમ્બરમાં ૪.૩ ડૉલર હતો. આમ પચીસ વર્ષમાં ભાવ બમણો પણ નહોતો થયો. અચાનક ૧૯૭૪ના જાન્યુઆરીમાં આ ભાવ મોટી છલાંગ મારીને ૧૦.૧ ડૉલર પર પહોંચી ગયો. આવું અચાનક કેમ થયું એના માટે ત્યારનું વૈશ્ર્વિક રાજકારણ સમજવું પડે. ૧૯૭૩ના ઑક્ટોબરમાં આરબ દેશો ઈજિપ્ત અને સીરિયાએ ઇઝરાયલ સામે યુદ્ધ જાહેર કર્યું હતું અને એમાં અમેરિકાએ ઇઝરાયલને શસ્ત્રો પૂરા પાડતા અખાતી દેશો વિફર્યા અને એના જડબાતોડ જવાબરૂપે ઓપેક તરીકે ઓળખાતા આ દેશોએ અમેરિકા ઉપરાંત કૅનેડા, જપાન, યુકે અને નેધરલેન્ડ્સને ખનિજ તેલનો પુરવઠો આપવા પર પ્રતિબંધ મૂકી દીધો. થઇ રહ્યું અને ખનિજ તેલના ભાવે એ પછી ૨૦૦૮-૦૯ને બાદ કરતા એકસરખી ઉપરની દિશામાં જ ગતિ કરી છેક ૨૦૧૪ના મધ્ય ભાગ સુધી. જોકે, વિશ્ર્વભરમાં આર્થિક ગતિવિધિઓ પર બ્રેક લાગતા તેમ જ અમેરિકાએ તેલના ઉત્પાદનમાં સારી સફળતા મળવા સહિતના કેટલાંક પરિબળોને કારણે ભાવ સડસડાટ પગથિયા ઊતરવા લાગ્યા અને જાણે દડવા માટે ઢાળ મળ્યો હોય એમ આ વર્ષના પ્રથમ મહિનામાં તો ભાવ ત્રીસ ડૉલરથી પણ હેઠો ઊતરી ગયો હતો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment