Thursday, 30 June 2016

[amdavadis4ever] વિશ્ર્વાસ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિભા અને ચિંતનને બસમાં બેસાડી, બસ ઉપડી ત્યાં સુધી રોકાઈને દેવાંગ ઘેર આવ્યો. બારણું બંધ કરી શેરીમાં પડ્યો. થોડીવાર આંખો મીંચી પડી રહ્યો, પણ ઊંઘ નહિ આવે એવું લાગતા તે ડ્રોઈંગરૂમમાં આવ્યો. ટી.વી. ચાલુ કર્યું: પણ એકેય ચેનલ પર કોઈ મનગમતો કાર્યક્રમ આવતો હોય એવું ન લાગ્યું... તે ચેનલો બદલતો રહ્યો ને બબડતો રહ્યો. આ લોકોને કશું ભાન જ નથી કે દર્શકોને કેવા કાર્યક્રમો ગમશે. દર્શકોને રુચિ વિષે, એટલે કે તેમના કેવા કાર્યક્રમો ગમે તે વિષે જાણવાનો કોઈ ગંભીર અને ચિંતનીય પ્રયાસો જ કરતા નથી લાગતા. પોતે રજૂ કરે છે તે કાર્યક્રમો કેવા લાગે છે તેની મોજણી કરે છે. મોટા ભાગે ગૃહિણીઓ, ટીનએજર્સના અભિપ્રાયો પરથી પોતાના કાર્યક્રમોની લોકપ્રિયતાના આંક કાઢે છે.

આવું વિચારતો - બબડતો રહ્યો ને પછી થયું કે લાવ, ઊંઘ તો નથી જ આવવાની તો એક સરસ મઝાની કૉફી પી લઉં. દૂધ તો ઘરમાં છે જ, કૉફી, ખાંડ ક્યાં છે તે જાણું છું... કૉફી પીધા પછી થોડું વાંચીશ... ટી.વી. દર્શન કરતાં પુસ્તક વાંચન વધુ સારું છે. ટી.વી.માં તો દૃશ્યો અને સંવાદો ઝડપથી ચાલ્યા જાય... શું બોલ્યા કે દૃશ્ય કેવું હતું. તે વિષે વિચારવાનો સમય જ ન મળે... પુસ્તકમાં એ તો સુખ... નિરાંતે વાંચેલું વાગોળી શકી. તેને ફરી ફરીને વાંચીને માણી શકો...

તેણે કીચનમાં જઈ ગેસ પેટાવ્યો. કૉફી બનાવી મગમાં કાઢી ડ્રોઈંગ રૂમમાં આવી એક ચૂસકી લેતાં તે બોલી ઊઠ્યો, 'વાહ! શું કૉફી બની છે...? અત્યારે વિભા હોત તો કૉફીના સ્વાદની સાથે તેના ગાલ હોઠનો સ્વાદ પણ માણી શકાત...'

અને તેને વિભાનો અભાવ ખૂંચવા લાગ્યો. આ તો લગ્ન પછી તેઓ ભાગ્યે જ જુદા રહ્યાં છે. ચિંતનના જન્મ માટે તેને રિવાજો નિભાવવા પિયર જવું પડ્યું એ સિવાય પોતે ક્યારેક ઑફિસના કામે બહાર ગામ જાય તો... ને ક્યારેક વિભા કોઈ સારા-માઠા પ્રસંગે બહેનપણીને ત્યાં કે પિયર જાય તો જ જુદા રહેવાનું બન્યું છે... આટલાં વર્ષો સાથે રહ્યાં. પણ જાણે પહેલી જ વખત મળતા હોઈએ એટલા પ્રેમના ધોધ ઉછળે છે... ક્યારેય અભાવની એક ક્ષણ આવી નથી. રિસાયા હોઈશું. પણ તે મનામણાં માટે... દેવાંગ વિચારતો હતો: 'હું ઑફિસેથી મોડો આવું તો તે બેચેન બની જતી.' વહેલો નીકળું તો કહેતી: 'તમે ઑફિસને પ્રેમ કરો છો કે મને?' એ વિભા આજ પિયર ગઈ... આમ તો તે પિયર ભાગ્યે જ જતી અને જઈ શકાય એવો પ્રસંગ હોય તો મને સાથે લઈ જતી કે હું જે એવું કારણ શોધી આપતો કે મારે સાથે જવું પડે... તેના કુટુંબના બધા રાજી પણ થાય... પણ આ જ તે જે પ્રસંગે ગઈ છે તે પ્રસંગ જ એવો છે કે પુરુષને એમાં કાંઈ ખાસ રસ પડે નહિ. અરે, આઉટીંગ - પિકનિક જેવું પણ ન લાગે. મારા જેવો તો ગૂંગળાઈ જાય... અને આખા પ્રસંગમાં પુરુષનું કશું મહત્ત્વ જ નથી હોતું... પુરુષ પ્રધાન સંસ્કૃતિમાં કેટલાક એવા પ્રસંગો હોય છે કે જે માત્ર સ્ત્રીઓ જ માણી શકે છે ને પુરુષ થકી આવતા હોવા છતાં તે માત્ર નીરસ દર્શકની જ ભૂમિકામાં ચાલી જતો હોય છે.

વિભા તેની ભાભીના સિમંતના પ્રસંગે ગઈ હતી... પ્રસંગ તો રવિવારે હતો. પણ તેની બહેન આજ રાત સુધીમાં અને તેની ભાભીના પિયરિયા કાલે સવારે કે બપોરે આવવાના છે... વિભા સોમવારે સવારે આવશે... તેને મારા જમવાની ચિંતા, એટલે કેટલીય સૂચના આપવા લાગી ત્યારે મેં કહી દીધું: 'મિત્રો કેટલા બધા છે! ને શનિ-રવિ પાછા રજાના દિવસો છે, ગમે તે એક મિત્રને ત્યાં જમી લઈશ નહિ તો હોટલ - લોજ તો છે જ...'

તેણે બારેક વાગ્યા સુધી પુસ્તક વાચ્યું, પછી ઊંઘી ગયો એવા નિર્ણય સાથે કે કાલે મોડા ઊઠવું છે, આ વખતની રજા બરાબર માણવી છે... તે શનિવારે નવ વાગ્યે ઊઠ્યો. રોજ તો તે સાત વાગે અચૂક જાગી જ જાય. નવ વાગે બધા કામથી પરવારી, છાપું સુદ્ધાં વાંચીને ચિંતનને રમાડવા લાગતો. જેથી વિભા તેના માટે રસોઈની તૈયારી કરી શકે. ને દસ વાગે તેને જમવા બેસાડી શકે, પણ આજ તો જાતે જ ચા બનાવવાની હતી. કૉફી તે ક્યારેક ટેસ્ટ ફેર માટે પીતો. તેણે પોતાના ટેસ્ટની ચા બનાવી. સવારે નાસ્તાની ટેવ નહોતી એટલે વિભાએ બધું જ બનાવ્યું હોવા છતાં નાસ્તાના ડબ્બા ખોલ્યા જ નહિ.

સાડા દસે તૈયાર થઈ તે બહાર જવા બારીઓ બંધ છે કે નહિ તેની તપાસ કરતો હતો ત્યાં જ ડોરબેલ વાગી. તેને થયું. અત્યારમાં કોણ હશે? કોણ આ રજાનો દિવસ બગાડવા આવ્યું? મનમાં થોડી ચીડ પણ ચડી, થયું કે પોતે અંદર રહ્યા રહ્યા જ કહી દે કે 'કોઈ ઘરમાં નથી... જેને કામ હોય તે સોમવારે બપોર પછી આવે...' પણ તે તેમ ન કરી શક્યો. કદાચ કોઈ અગત્યના કામે આવ્યું હોય તો?

તેણે બારણું ખોલવા પગ ઉપાડ્યા. પ્રત્યેક પગલે કોણ હશે તે સવાલની સાથે તેને જવાબો આપવા તેની સજ્જતા પણ ધારણ કરવા લાગ્યો, તેણે બારણું ખોલ્યું, તેનાથી બોલી જવાયું: 'ઓહ! તું.... તું...'

'કેમ નવાઈ લાગી?'

'લાગે જ ને! કશી જાણ કર્યા વગર આવે તે... ને પાછી કેટલા વર્ષે આવી! આવ... આવ...'

સુરંગી અંદર આવીને બેસતા બોલી: 'ગમે તેટલા વર્ષે આવી, પણ આવી ખરી ને... ને તું મને ઓળખી પણ ગયો...'

'કેમ તને કોઈ શંકા હતી? આપણે બચપણથી યુવાની સુધી એક શેરીમાં પડોશી હતા. તે મને નાનપણમાં રમાડેલો... કિશોરવયે મારી સાથે રમતી, અને તરુણાવસ્થામાં તેં મને બાથ ભરેલી...'

'તને આ બધું યાદ છે?'

'હા. ને એ પણ યાદ છે, સુરંગી... તારાં લગ્ન થયાં ને તું સાસરે જતી હતી ત્યારે હું ખૂબ રડેલો...'

'બસ, એટલું જ યાદ છે?'

'બીજું તું કહે તો... તને કેટલું યાદ છે તે તો હું જાણું.'

'મેં તને કહેલું. રડ નહિ, દેવું, હું પાછી આવવાની છું. ને ત્યારે આપણે ઘણી ઘણી વાતો કરીશું. ને જે નથી કર્યું તે બધું કરશું... આવું કહેલું, તને યાદ છે?'

'હા, પણ મને આજ સુધી નથી સમજાયું કે જે નથી કર્યું તે બધું કરીશું નો મારે શો અર્થ કરવો? તને કાગળ લખી એ પૂછાવવું હતું... પણ સાચું કહું હું એવું લખી શક્યો નહિ...'

'કેમ?'

'કાગળ કોઈના હાથમાં જાય તો કેવો અર્થ કાઢે? ને ખરાબ અર્થ કાઢે તો તો તારી જિંદગી ધૂળધાણી થઈ જાય... કે બીજું કાંઈ? એટલે નહોતો લખ્યો. ને થયું હતું કે તું આવશે ત્યારે પૂછી લઈશ... આમેય તે 'જે નથી કર્યું તે બધું કરીશ' મળ્યા વગર તો થવાનું નહોતું.'

'તો આવી ને!'

'પણ કેટલા વર્ષે! સાત વર્ષે!'

'તું એકલો જ છે?'

'કેમ તને એમ છે કે મને કોઈએ છોકરી નહિ આપી હોય...'

'ના, તારા લગ્ન થઈ ગયાના સમાચાર મળેલા. પણ તારી એ, એટલે કે વહુ ક્યાં છે? વહુ દેશી શબ્દ લાગે છે ને તને?'

'ના, મને તો એ ગમે છે. એમાં વહાલ લાગે છે, પત્ની, વાઈફ કે મિસિસ કે પાર્ટનર કરતાં તે વધુ સારો લાગે છે...'

'ઠીક ક્યાં છે એ?'

'પિયર ગઈ છે.'

'કેમ? છોકરું જણવા?'

દેવાંગ ચોંકી ગયો. આટલા વર્ષ વિદેશમાં રહી તોય એકદમ દેશી - તળપદા શબ્દો બોલતાં જરાય અચકાતી નથી.

'એવું કેમ માન્યું તે?'

'દેશમાં વહુ પિયર મોટા ભાગે છોકરું જણવા જ જતી હોય છે. એમાંય સંયુક્ત કુટુંબમાં ન રહેતી હોય ત્યારે તો ખાસ. અને કાં પેલા દેશી તહેવારો, રક્ષાબંધન, સાતમ-આઠમ, નોરતા, ભાઈબીજ જેવું કંઈક હોય... જો કે ભાઈબીજને દિવસે ભાઈ જ બહેનને ત્યાં આવે... જવા દે એ બધી વાત. કોઈ તહેવાર નથી. છોકરું જણવા ગઈ નથી એટલે માનું છું કે સુવાણે ગઈ હશે.'

'હા, સુવાણે... પણ તું એકલી આવી છે?'

'એ સાથે આવ્યા છે પણ મારી સાથે નહિ...'

'કેમ?'

'તેમને તેમના મિત્રોને મળવા જવું હતું, ને મને તેમના મિત્રો કરતાં તને મળવામાં વધુ રસ હતો, એટલે અમે બે દિવસ માટે જુદી જુદી દિશામાં નીકળી પડ્યાં. ચાલો, સારું થયું. તારી વહુ પિયર ગઈ છે તે... શું નામ કહ્યું તે?'

'મેં કહ્યું જ નથી, ને તે પૂછ્યું નથી. પણ હું તને પૂછું...'

'શું?'

'તને ઘરનું સરનામું ક્યાંથી મળ્યું?'

'તારા ઘેરથી.'

'તે તું ઘેર જઈ આવી?'

'ના, હવે જવાની છું. પહેલાં તને મળવું ને પછી ઘેર જવું, લે, હવે ચા-પાણીનું કાંઈ પૂછશે કે નહિ?'

પાણી પીધું ને પછી કહ્યું: 'તું બેસ હું ચા બનાવી લાવું.'

'ના, ચા તો હું જ બનાવીશ. મારા હાથની બનેલી ચા તું પી તો જો. હા, તારો ટેસ્ટ બદલાયો છે કે એ જ છે?'

'હું બદલાયેલો લાગું છું?'

'ના, જરાય નહિ, એવો જ કૂણો માખણ જેવો છે.' કહીને તેના ગાલને સ્પર્શી લીધું.

'તો બસ. મારા કોઈ ટેસ્ટ બદલાયા નથી.'

'તો તો જામી જશે...' કહી તે રસોડામાં ગઈ.

દેવાંગ એકલો પડ્યો. વિચારતો હતો. આ સૂરંગી હતી તેવી જ નટખટ છે. કદાચ પહેલાં કરતાં થોડી વધુ નખરાળી બની ગઈ લાગે છે કે પછી મને આટલા વર્ષે મળીને તેના ઉમળકાને કાબૂમાં ન પણ રાખી શકી હોય... તેના લગ્ન થયા. અમેરિકાથી આવેલા એક લગ્નોત્સુક છોકરા સાથે. ને તે પણ એક મહિનામાં અમેરિકા જતી રહી. જવાની હતી ત્યારે બે દિવસ માટે પિયર આવેલી. પણ એ વખતે એને મળનારાઓની એટલી ભીડ હતી કે પોતે તેને એકાંતમાં મળવા ટરપરિયા મારતો, પણ એવી તક જ મળતી નહોતી. તે પણ એવી તકની રાહ જોતી હતી તેવું તે અનુમાની શક્યો હતો અને એવી તક મળી. તેણે તેનું કાંડુ પકડી તેની નજીક ખેંચ્યો. અને પોતે તેને પૂછવા જાય કે 'હે સુરંગી, જે નથી કર્યું તે બધું કરશું એટલે શું?' ત્યાં તો તેની ફોઈની દીકરી ટપકી પડી અને તેણે હાથ છોડી દીધો, ને પોતાના હોઠે આવેલા શબ્દો જીભ પર તરફડીને મરી ગયા જાણે... અને પછી તો તે ચાલી ગઈ. પણ પેલા શબ્દો ક્યારેક યાદ આવતા. ધીમે ધીમે તે તેના અર્થ બેસાડી શક્યો હતો. પોતાનાથી ત્રણ વર્ષ મોટી હોવા છતાં તે તેની સાથે તરુણાવસ્થાથી જે રીતે વર્તતી તેનું પૃથ્થક્કરણ કરતાં તેને લાગતું હતું કે તે 'જે નથી કર્યું તે બધું કરશું'નો અર્થ સ્પષ્ટ થઈ જતો. આજ પોતાને સત્તાવીસ થયા છે. લગ્ન થયાને પાંચ વર્ષ વીતી ગયાં છે. બે વર્ષનો બાબો છે, સુરંગીને ત્રીસ થયાં હશે. તેને કેટલાં સંતાન હશે? આ સવાલ તેના મનમાં ઊગી ગયો. એ જ વખતે તે બે કપ ચા લઈને આવી.

'નાસ્તો કરવો છે?' દેવાંગે પૂછ્યું.

'ના, તારે કરવો હોય તો કર...'

'હું નાસ્તો નથી કરતો.'

'ક્યારેય નહિ?'

'ના, સવારમાં તો નહિ...'

'પણ આજ તો તારે નાસ્તો કરવો જ પડશે. હું તને નાસ્તો કરાવવા જ આવી છું.'

'જો, મારે જમવા જવાનું છે. પણ તું આવી છે તો મોડો જઈશ. નાસ્તો કરીને જમવાનું નથી બગાડવું.'

'અચ્છા, એ તો પછી જોયું જશે. હવે તું એક વાત કર, હું તને ક્યારેય યાદ આવતી હતી?'

'ઘણી વખત...'

'ક્યારે? એટલે કે કેવા સંજોગોમાં? કઈ પળોમાં?'

'એ તો યાદ નથી રહ્યું. કારણ કે મને એવો ખ્યાલ નહોતો કે તું મળીશ ત્યારે આવો સવાલ કોર્ટમાં પુછાય તેવો સવાલ પૂછશે.'

'તો પણ આછું આછું તો યાદ હશે ને...?'

હા, તેં લગ્ન કરીને જતી વખતે મને કહ્યું હતું, 'જે નથી કરી શક્યા તે બધું કરીશું...' એ યાદ આવતું ત્યારે તું યાદ આવતી. મારે એ જાણવું છે કે આપણે એવું શું નથી કર્યું કે જે ફરી મળીએ ત્યારે કરી શકીએ...'

'બસ, એ માટે જ આવી છું... તને ક્રમશ: યાદ દેવડાવું...'

'બોલ...' ચા પૂરી કરતાં દેવાંગે કહ્યું.

'મેં તને રમાડેલો, તને બચીઓ ભરેલી, તારી ઉછરતી ઉંમરની એક એક પળની હું સાક્ષી છું...'

'બરાબર...'

'તને ભણાવતી પણ ખરી...'

'હા, મને યાદ છે. ક્યારેક તો મારું હોમવર્ક પણ તું કરી આપતી.'

'તને એક વખત, તને યાદ હોય તો નવરાત્રિના એ દિવસો હતા, તું વાંચતો હતો. ઘરમાં કોઈ નહોતું. હું તારી પાસે આવી, મેં તને બાથ ભરી લીધી.'

'હા, હું ગભરાઈ ગયો હતો. ને ઢીલો પડી ગયો હતો.'

'તારા ચહેરા પર બેબાકળાપણું આવી ગયું હતું. હું એકદમ બાથ છોડાવીને ભાગ્યો ને પછી તો ક્યારેય તેં એવી તક જ ન આપી. યાદ છે તને?'

'હા, પછી તારાં લગ્ન થઈ ગયાં.'

'એ બાથનો અર્થ તું સમજ્યો હતો એ વખતે? કે પછી સમજાયો હતો ક્યારેય? ને મારી યાદ એ જ સંદર્ભમાં આવી હતી?'

'હા, એ જ સંદર્ભમાં...'

'હું પણ તને એ જ સંદર્ભમાં આજ સુધી યાદ કરતી રહી છું. ને એટલે જ આ જ અહીં આવી છું. તારી વહુ હોત તો પણ હું તને બહાર લઈ જાત. કોઈ હોટલમાં આપણે જાત. પણ હવે તો નિરાંત છે. એટલે નાસ્તો નહિ, ભોજન જ કરી લે, તૃપ્ત થઈ જા અને મને તૃપ્ત કર. મારામાં યોવનના પ્રવેશ સાથે તું પ્રવેશ્યો છે.'

'સુરંગી, મારાથી એ નહિ બની શકે.'

'શા માટે? તને કોઈનો ડર છે?'

'ના, ડર નથી.'

'તો ના કેમ કહે છે? હજી મારું શરીર એ જ છે. પહેલાં કરતાં વધુ સુડોળતા આવી છે. વધુ ઘાટીલું બન્યું છે. પાંચ વર્ષની બેબી હોવા છતાં નછોરવી હોઉં એવી જ છું. આ શરીર જાળવ્યું છે. એ મારે ખોરાકની આદતો બદલી છે. વ્યાયામ કર્યો છે. ફકત તું એને માણી શકે માટે.'

'મારા માટે તારા શરીર કરતાં તારો પ્રેમ તારી લાગણી મહત્ત્વના છે.'

'એ તો છે જ.'

'ને એ બધા કરતા વિભાના મારા પ્રત્યેના વિશ્ર્વાસનું મૂલ્ય સૌથી વધુ છે.'

'વળી એ જ જૂનવાણી, રૂઢિચુસ્ત વાતો, ખ્યાલો...'

'પ્રેમ પણ એક રૂઢિચુસ્ત ખ્યાલ હશે તારા માટે... બરાબર?'

'હા...'

'મારા માટે એ સંજીવની છે.'

'તું નહિ માને?'

'આ જન્મે તો નહિ.'

'તો મારે તરસ્યા જવું પડશે?'

'તારી તરસ બુઝાવનારા તારા પતિ છે, મને તેમનામાં આરોપીને તું એ છિપાવી શકે છે. જોકે એમાં નૈતિકતા નથી, એથી જ એમાં પણ પ્રેમની તૃપ્તિ તું નહિ પામી શકે... ચાલ... હવે મારે જવાનું મોડું થાય છે.'

'તું નમાલો છે!'

'સ્વીકારું છું, ને કહું છું. આટલો વખત તે જે નમાલા માટે તરફડાટ અનુભવ્યો છે તે તરફડાટમાંથી વિશ્ર્વાસની એક કૂંપળ પામવાનો તરફડાટ તું અનુભવી જો...'

'અને સુરંગી એકદમ નીકળી ગઈ.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment