Thursday, 30 June 2016

[amdavadis4ever] એક અવતારમાં અનેક અવતાર જીવવાની તક સ ૌને નથી મળતી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નામ : મોતીબાઈ ગોસાંઈ
સ્થળ : મોટા લિલિયા (જિલ્લો અમરેલી)
સમય : ઑગસ્ટ, ૧૯૯૦
ઉંમર : ૭૫ વર્ષ


મારા ઘરના ઓટલે બેસીને આવતા-જતા લોકોને જોઉં છું. આસપાસના ફળિયાનાં છોકરાં રમવા આવે ને મારા ખોળામાં, મારી આજુબાજુ લપેટાઈ જાય. કો'ક વળી મારી પીઠનો ઝૂલો બનાવીને ઝૂલે... મને કહે, "મોતીદાદી, તમારું ગીત ગાવ ને... હું એકાદાને ધપ્પો મારું ને કહું, "મારા રોયા, હવે શેનું મારું ગીત ? ઇ તો હું જુવાન હતી ત્યારે ગાતી. વળી એવામાં સામે બેઠેલો એકાદો છેલબટાઉ છોકરો આંખો ઉલાળીને મને વહાલથી કહે, "તે મોતીદાદી, તમે જુવાન જ છો. ને હું એને કહું, "ઊભો રહેજે પિટ્યા... છોકરાં હસે, વહાલ કરે, કો'ક વાર એમને શિંગ-સાકરિયાનો પ્રસાદ આપું તો વળી કોઈ વાર એમને લાડું ખવડાવું. ને આ છોકરાંય, સાચું કહું ? બહુ વહાલ રાખે છે. બાકી હું તો એકલો જીવ છું. આસપાસના લોકો રાંધવા દેતા નથી મને. ઘેર કાંઈ બનાવ્યું હોય તો ઢાંકી જાય, કહેશે, "મોતીબા, તમારે વળી એકલા જીવને વળી ખોટી માથાકૂટ શી કરવી ?

ગામમાં કોઈ દિવસ ભજન હોય કે ભવાયા રમવા આવ્યા હોય ત્યારે આ બધાં મને આગ્રહ કરે, "મોતીદાદી, થવા દો એકાદ. ને હુંય વળી તોરમાં આવીને લલકારું, "મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા... અથવા "પિયરિયું સાંભરે બાઈ મને પિયરિયું સાંભરે... ને બધા એટલા આનંદથી ઝીલે કે મારી આંખોમાં પાણી આવી જાય. આજે પણ અમારા ગામના સરપંચ પાસે મારી ગ્રામોફોન રેકોર્ડ છે. એના ઉપર મારી તસવીર છે. એ તસવીર જુઓ તો તમે આજની મોતીબાઈને ઓળખી ન શકો હોં. સમય કેવી કારીગરી કરે છે ચહેરા પર! છીણી-હથોડી લઈને જાણે દરિયાની લહેરો કોતરી આપે છે ! કરચલિયાળો આ ચહેરો કદી કેટલાંય દિલોની ધડકન હતો એમ કહું ને અરીસામાં જોઉં તો મને પોતાનેય હસવું આવે એવી વાત છે.

મને હજીયે યાદ છે, ભાવનગરમાં દેશી રાજ્યની હકૂમત હતી. અંગ્રેજોનું રાજ તપતું હતું. આઝાદી આવી નહોતી, પણ આઝાદીનાં સપનાં જોવાની શરૂઆત થઈ ગઈ હતી. હું માનું છું ત્યાં સુધી ૧૯૨૭નો આ સમય, ગાંધી પૂરેપૂરા કામે લાગી ગયા હતા. ૩૧મી ડિસેમ્બરે જ્યારે ગાંધીજી સાબરમતી આવ્યા ત્યારે અમે એમને જોવા ગયેલા. હું આમ પણ બાળપણથી જ જરા ઉત્સાહી, મારું ગળું યે સારું. અમારા ગામના - મોટા લિલિયામાં હું ગરબા ગવડાવું સૌને મજા પડી જતી. સાબરમતી આશ્રમની એ દિવસની સાંજની પ્રાર્થનામાં મેં ભજન ગાયેલું, "મંગલ મંદિર ખોલો દયામય... બાપુએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપેલા. મારી મા મણિબહેન આમ અભણ, પણ એને કોણ જાણે કેમ, પણ મારે વિશે બહુ મોટાં સપનાં હતાં. આમ તો અમારું ખોરડું ઘસાઈ ગયેલું. અમે બે બહેનો. મારા બાપા ખાસ કંઈ કામકાજ કરે નહીં, મારી મા ખેતીમાં મજૂરી કરે ને બીજાં સિલાઈનાં, મસાલાનાં, વડી પાપડનાં કામો કરે. ખાધે-પીધે દુ:ખ નહીં, પણ ભણવાની સગવડ ઊભી થઈ શકેલી નહીં. એ જમાનામાં બાપુ ક્ધયા શિક્ષણની બહુ વાતો કરતા, એમના ભાષણમાં આઝાદીના અને અંગ્રેજ હકૂમત સામે લડવાના જુસ્સાની અમારા સૌ પર અસર થતી. હું ક્યારેક પ્રભાત ફેરીમાં જતી તો ક્યારેક વળી દેશી જમાદારો અમારી પ્રભાત ફેરીને વિખેરી કાઢતા. પ્રભાત ફેરીમાં પણ હું આગળ રહેતી અને ગાતી, "વંદે માતરમ્... સુજલામ્ સુફલામ્ મલયજશિતલામ્ માતરમ્...

એ વખતે અમારા ગામમાં સુબોધ નાયક કંપનીવાળા અનુપમ રાયજી નાટક લઈને આવેલા. 'મહાશ્ર્વેતા કાદંબરી'નો ખેલ ચાલે. હું રોજ ચોરીછૂપી પાછલા દરવાજેથી નાટક જોવા ઘૂસી જાઉં. મારી મા ત્યાં અભિનેત્રીઓનાં કપડાં ધોવાનું કામ કરતી. એ સમયમાં સ્ત્રીઓ બહુ અભિનય કરતી નહીં એટલે પુરુષો જ સ્ત્રીઓનો વેશ પહેરે. જોકે, કેટલીક પારસી છોકરીઓ અને એક-બે ગુજરાતી છોકરીઓ પણ અભિનયમાં આવેલી ખરી ! રોજ સાંજે ઝળાહળા અજવાળામાં મોઢે ચૂનો ચોપડેલા, લાલી-લિપસ્ટિક લગાડેલા કલાકારોને હું અહોભાવથી જોતી. એક દિવસ કંપનીના શેઠે મને જોઈ, હું બધા સંવાદ હોઠ ફફડાવીને સાથે સાથે બોલતી હતી. એમણે બીજે દિવસે સવારે મને બોલાવી. અમારા નાટકના દિગ્દર્શક પેટી માસ્તર છગનલાલને મારી પરીક્ષા લેવાનું કીધું. છગનલાલે મારી પાસે ગવડાવ્યું. શેઠને મારું ગળું અને નૃત્ય ગમ્યા. એમણે મારી માને પૂછ્યું, "તારી દીકરીને અભિનેત્રી બનાવવી છે ? બહુ પૈસા મળશે. અમારા ઘરમાં એ સમયે પૈસાની જરૂર હતી. મારી માએ હા પાડી અને હું બોટાદમાં 'રામલીલા'માં કામ કરવા લાગી. એ સમયના હાસ્યરસના ખ્યાતનામ કલાકાર મયાશંકર રેવાશંકર મહેતાની નાટ્ય સંસ્થામાં જોડાઈને મેં અભિનયની શરૂઆત કરી. પેટી માસ્ટર છગનલાલે ૧૯૩૧માં મને રણજિત નાટક સમાજમાં બોલાવી. હવે ધીરે ધીરે મારું નામ થવા લાગ્યું હતું. ૧૯૩૧માં 'વહેમનો ભોગ' નાટક ખૂબ ચાલ્યું... મણિલાલ 'પાગલ' સાથે મારી જોડી બની. પછી તો 'સિદ્ધ સમ્રાટ', 'રણદેવી' અને 'વિધિનો વાંક', 'વીર રામવાળો' ધીરે ધીરે સુપરહિટ નાટકો એક પછી એક આવતાં ગયાં. 'હંટરવાળી' ૧૯૩૪માં રજૂ થયું. કવિ કિશોરદાને લખેલાં ગીતો અને સંવાદ એટલાં ચાલ્યાં કે ૧૯૩૫માં 'દોષિત કોણ' રજૂ થયું ત્યારે જ મને દેશી નાટક સમાજે આમંત્રણ આપ્યું. ૧૦મી ઑક્ટોબર, ૧૯૩૫ના દિવસે દેશી નાટક સમાજનું મારું પહેલું નાટક 'વિધિના ખેલ' રજૂ થયું અને પહેલે જ દિવસે હાઉસફૂલ થઈ ગયું.

એ સમયે રંગમંચ પર માઇક નહોતું એટલે ઊંચા અવાજે સંવાદ બોલવા પડે. ગળું ખેંચાઈ જાય ને અવાજ બેસી જાય. કાસમ મીર એ સમયના જાણીતા દિગ્દર્શક, એમણે મને સંવાદ બોલવાની તાલીમ આપી. હરગોવિંદદાસ શેઠ જાતે નાટક જોવા બેસે. એમના હાથમાં 'દેશી નાટક સમાજ' આવી એ પહેલાં તો કેટલાય હાથોમાંથી પસાર થઈ. કેટલાય શેઠ બદલાયા ને લીલી-સૂકી જોઈ નાખી કંપનીએ! કંપનીની કથાયે નાટક જેવી રસપ્રદ. પ્રિય ગાયનનો વન્સમોર કરાવતા કરાવતા રંગમંચ પરના એક કલાકારે કહ્યું, "એક વાર નાટક કંપની કાઢો તો ખબર પડે કે વન્સમોર કેમ અપાય. ડાહ્યાભાઈ ધોળશાજીએ આ પડકાર ઝીલી લીધો. વીરચંદ ગોકળદાસની કંપની ભાંગી પડી ત્યારે કેશવલાલે 'દેશી નાટક સમાજ' નામ આપીને કંપની ચાલુ રાખી. ડાહ્યાભાઈ તેના ભાગીદાર બન્યા. જોકે, ધીમે ધીમે એ પણ ઘસાયા. ૧૯૦૨માં ડાહ્યાભાઈના અવસાન પછી ચંદુલાલ દલસુખરામ ઝવેરીએ ૧૯૨૩ સુધી કંપની ચલાવી ને એ પછી હરગોવિંદદાસ જેઠાભાઈ શાહે ખરીદી. કાસમભાઈ મીર, પ્રભુલાલ દ્વિવેદી, અશરફ ખાન જેવા કલાકારોને દેશી નાટક સમાજે ગુજરાતી ભાષા અને નાટકોની દુનિયામાં ભેટ ધર્યા.

આવી કંપનીની હીરોઇન બનીને હું ધન્યતા અનુભવવા લાગી. જોકે, કંપની કરજમાં ચાલતી હતી. એ જ વખતે, લગભગ ૧૯૩૮માં 'વડીલોના વાંકે' લખાયું. પ્રભુલાલ દ્વિવેદીનું આ નાટક ખૂબ ચાલ્યું. આ નાટકની રજૂઆતે સંસ્થાનું મોટી રકમનું દેવું ચૂકવ્યું, સંસ્થાને પ્રતિષ્ઠા મળી અને સાથે સાથે મને પણ 'સમતા'ના પાત્ર માટે લોકહૃદયમાં સ્થાન મળ્યું. એ નાટકનું એક ગીત, "મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા... ખૂબ જ લોકપ્રિય થયેલું. આ નાટકમાં આ ગીત માટે કેટલીક વાર એટલા વન્સમોર થતાં કે સૂર્ય ઊગે ત્યાં સુધી નાટક ભજવાતું રહેતું. એ નાટકનો એક શૉ અમે મુંબઈના બહેરા-મૂંગા બાળકોની શાળા માટે કરેલો અને ત્યારે, ૧૯૩૯માં લગભગ બાવીસ હજાર રૂપિયા એકત્રિત કરેલા. મને ઘણી સંસ્થાઓમાંથી ઑફર આવવા લાગી, પરંતુ હું જે કંઈ બની શકી એ 'દેશી નાટક કંપની'ની કૃપા અને મારા પ્રેક્ષકોના સ્નેહને કારણે બની શકી. થોડા હજાર રૂપિયા માટે મને મારી નિષ્ઠા વેચવાનું અનુકૂળ આવ્યું નહીં, જીવનભર દેશી નાટક સમાજ સાથે જ જોડાયેલા રહેવાનું નક્કી કરીને હું કામ કરતી રહી. મારી સંસ્થાએ મારી કલાની કદરરૂપે ૨૨ જાન્યુઆરી, ૧૯૪૨ના દિવસે મારા માટે લાભરાત્રી યોજી, મારા ચાહકો, પ્રેક્ષકો અને સહુ કદરદાનોએ ભેગા થઈને એટલા પૈસા ભેગા કર્યા, જેમાંથી મારું આજનું ઘડપણ સાવ ચિંતા વગર વીતી રહ્યું છે. એ પછી તો 'ઉદય પ્રભાત', 'વિજેતા', 'દૈવી સંકેત', 'સંપત્તિ માટે', 'સંતાનોના વાંકે' જેવાં નાટકો ભજવાયાં, ભજવાતાં રહ્યાં. એ જ ગાળામાં આવ્યું 'ગાડાનો બેલ'. એનું એક ગીત, "હું ગાડાનો બેલ બહુ લોકપ્રિય થયું.

૩૦ ઑગસ્ટ, ૧૯૫૨ના દિવસે મારું છેલ્લું નાટક રજૂ થયું, 'શ્રી ચરણે'. એ પછી મેં સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી. થોડો સમય આરામ કર્યા પછી ગુજરાતી ચલચિત્રોમાં પણ અભિનય કર્યો. ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમી દ્વારા અમદાવાદમાં ૧૯૬૪માં મારું સન્માન કરવામાં આવ્યું એ દિવસે મેં 'મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા' સ્ટેજ પરથી ગાયું. ત્યાં હાજર રહેલી વિશાળ જનમેદનીએ મને સ્ટેન્ડિંગ ઑવેશન આપ્યું... એ દિવસે સમજાયું કે એક કલાકાર માટે પ્રેક્ષકથી વધુ મોટો એવૉર્ડ બીજો કોઈ હોતો નથી.

મારા જીવનમાં લગભગ ૨૮ નાટકોમાં અભિનય કર્યા પછી આજે આ મોટા લિલિયાના ઓટલે બેઠી હોઉં છું ને આંખો મીંચું છું તો જાણે ભૂતકાળના પ્રવાસે ઊપડી જાઉં છું. મારા જીવનમાં મારા પ્રેક્ષકોએ મને આપેલો સ્નેહ, વહાલ અને સન્માન મારી મૂડી બની રહ્યાં છે. 

આ બાળકો, જે મને 'મોતીદાદી' કહે છે એમને મોતીબાઈ ગોસાંઈ નામની એ અભિનેત્રી સાથે કોઈ લેવાદેવા નથી... એ અભિનેત્રી ઇતિહાસના પાના ઉપર કેદ થઈ ગઈ છે. ગુજરાતી નાટકોનો ઇતિહાસ જ્યારે જ્યારે લખાશે, ભજવાશે કે યાદ કરાશે ત્યારે મોતીબાઈ ગોસાંઈનું નામ લેવાશે ને 'મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા' ગવાશે. એક કલાકાર અનેક જિંદગી જીવવાનું સન્માન પામતો હોય છે, એક જ અવતારમાં અનેક અવતાર જીવી લેવાની આ તક મને આપવા બદલ હું મારા સર્જનહારની કૃતજ્ઞ છું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment