Wednesday, 29 June 2016

[amdavadis4ever] એસ્કેલેટર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લગ્નની પહેલી રાત - મધુરજનીની રાતથી વિદિશાના દુ:ખની શરૂઆત થઇ હતી. 

લજ્જાથી નમેલી આંખો, ગાલ પર શરમના શેરડા અને ઓરતાનો અમૃતકુંભ છલકાવતી વિદિશા ધીમા ડગલે શણગારાયેલા શયનખંડમાં દાખલ થઇ ત્યારે પવને તેનો હાથ ઝાલી, ફૂલોની બિછાતથી મહેક મહેક થતા પલંગ પર વિદિશાને બેસાડી. 

પવને વિદિશાનો હાથ હાથમાં લીધો અને આંખોમાં આંખો પરોવી બોલ્યો, 'નવા જીવનની શરૂઆત નિખાલસતાથી, વિશ્ર્વાસથી અને પારદર્શક હૃદયે થવી જોઇએ એમ તું માને છે?'

'હા',વિદિશા પાંપણોનો પડદો ઢાળી દેતાં મધુર-મંજુલ સ્વરે બોલી.

'તો એક સવાલ પૂછું?'

'પૂછો?'

'આપણા લગ્ન પહેલાં મારા સિવાય કોઇ બીજો પુરુષ તારા જીવનમાં પ્રવેશ્યો હતો? અથવા તું કોઇને દિલ દઇ બેઠી હતી?' સામાન્ય રીતે પતિ દ્વારા પુછાતો ચીલાચાલુ પ્રશ્ર્ન પવને કયોેર્ર્.

વિદિશાની આંખો સામે યક્ષનો ચહેરો તરવરી ઊઠ્યો. 

વિદિશાને યક્ષ ખૂબ ગમતો હતો. યક્ષ પણ વિદિશાને ચાહતો હતો. બન્ને એક બને એ પહેલાં એક નાનીશી વાતમાં વિદિશા યક્ષથી રિસાઇને ચાલી ગયેલી-છૂટી પડેલી. તેણે ખુદ મજાકની નાનીઅમથી વાતને વિચ્છેદ તરફ દોરી ગઇ એવું ગંભીર સ્વરૂપ આપેલું. 

વિદિશાએ એક નમતી સાંજે કાંકરિયાની પાળ પર બેઠેલા યક્ષને પૂછ્ેલું : 'યક્ષ, હું વધુ સુંદર અને વ્યક્તિત્વશાળી છું કે અનુષ્કા? મારી ફ્રેન્ડ?

અનુષ્કા વિદિશાની ફ્રેન્ડ હતી અને વિદિશાને પોતાના રૂપસૌંદર્ય અને વ્યક્તિત્વ પર અહમ્ તરફ દોરી જાય એવો અહોભાવ હતો. અનુષ્કા પણ એટલી જ સુંદર હોવાથી, યક્ષના મોઢે પોતાના રૂપસૌંદર્ય અને વ્યક્તિત્વની પ્રશંસા સાંભળવા, અહમ્ને સંતોષવા પૂછેલું, 'હવે તું અમને બન્નેને ઓળખે છે.'

અને વિદિશાએ અપેક્ષા રાખેલી કે યક્ષ બોલી ઊઠશે,'વિદિશા, ચૌદહવીં કા ચાંદ હો યા આફતાબ હો, જો ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો. તારા સૌંદર્ય અને વ્યક્તિત્વ આગળ અનુષ્કા અમાસની રાતે આસમાનની અટારીએ ઝળહળતી તારલી જેવી લાગે છે. મારી દૃષ્ટિએ તું લા-જવાબ છે.' એવો અપેક્ષિત ઉત્તર સાંભળવા વિદિશાએ પ્રશ્ર્ન પૂછેલો.

યક્ષે મજાકના મૂડમાં કાંકરિયાના સ્થિર પાણીમાં પડતાં ઝળહળી ઊઠેલી રોશનીના પ્રતિબિંબોને તાકી રહેતાં વિદિશાને પજવવા કહેલું : ધાર કે સૌંદર્ય-સ્પર્ધા- 'મિસ અમદાવાદ' થવાની હોય અને તમે બે પ્રતિસ્પર્ધી તરીકે ભાગ લો અને હું નિર્ણાયક હોઉં તો...'

'પ્રથમ ઇનામ મને આપે એમને?' વિદિશાએ પૂછેલું...સસ્મિત.

'ના, પ્રથમ ઇનામ અનુષ્કાને આપું...'

પોતાના રૂપ-સૌંદર્ય પર મુસ્તાક, પોતાની જાત વિશે ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવનાર વિદિશાએ પ્રચંડ આઘાત અનુભવેલો અને ગુસ્સાથી થરથરતાં કહેલું,'તો જખ મારવા મને પ્રેમ કરે છે? જા, અનુષ્કાની પાછળ પાછળ ફર્યા કર' અને પગ ઠોકીને, રિક્ષા પકડીને ચાલી ગયેલી. 

'વિદિશા,ઊભી રહે. હું તો મજાક કરતો હતો. મજાક કરવાનો મને હક નથી?' પણ વિદિશા ગુસ્સાથી ધ્રૂજતી ચાલી ગયેલી. 

ત્યાર બાદ વિદિશા ઇચ્છતી રહી કે યક્ષ એને મનાવવા આવે. 

બીજી બાજુ યક્ષ ઇચ્છતો હતો કે 'વિદિશા ખોટી રીતે ખોટું લગાડીને જતી રહે. એણે મળવા આવવાની પહેલ કરવી જોઇએ.'સોરી' કહેવું જોઇએ. મજાક પણ સમજી શકતી નથી?'

અહમ્ના ટકરાવમાં કોઇ કોઇને મનાવવા તો શું, મળવા પણ ન ગયું,'એને મારી પડી નથી તો મારે શું પડી છે?'

ત્યારબાદ વિદિશા પવન નામના શ્રીમંત બિઝનેસમેનને પરણી માંડવીની પોળ છોડી, પવનના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા બંગલામાં રહેવા આવી ગઇ. પવન પપ્પા-મમ્મીના અવસાન પછી રસોઇયા અને નોકરના સહારે જીવતો હતો. પવનમાં શ્રીમંતાઇનો અહમ્ હતો. 'પૈસાથી બધું જ ખરીદી શકાય છે' એવું માનતા પવનમાં શ્રીમંતાઇમાં અક્સર પ્રવેશતાં વ્યસનો પ્રવેશી ચૂક્યાં હતાં. બંગલામાં કોઇ કહેનાર નહોતું એટલે તે વધુ બેલગામ બન્યો હતો. 

'વિદિશા, શું વિચારે છે? મારા સવાલનો જવાબ ન આપ્યો?'

'યક્ષ નામનો એક યુવાન મારા જીવનમાં પ્રવેશ્યો હતો, પણ અમારા સંબંધો વિશુદ્ધ હતા,'વિદિશા ખચકાટથી બોલી. 

'એટલે મારી પત્નીના જીવનમાં હું બીજો પુરુષ છું એમને? કોઇની છાંડેલી સ્ત્રી મારી પત્ની બની છે? તેં મને છેતર્યો છે. લગ્ન પહેલાં 'ઇન્ટરવ્યુ'માં તારા મનમાં ચોર ન હોત તો તેં મને નિખાલસતાથી વાત કરી હોત.'પવન ગુસ્સાથી ધ્રૂજી ઊઠ્યો. 

'અમારા સંબંધો વિશુદ્ધ હતા.'

'શુદ્ધિ-અશુદ્ધિ કપાળની કરચલીઓ પર લખાયેલી હોતી નથી.'

ત્યારથી વિદિશાના જીવનમાં દુ:ખની શરૂઆત થઇ ગઇ. 

પવન વારંવાર કટાક્ષ કરતો, 'તું છાનીમાની તારા ભૂતકાળના પ્રેમીને મળે છે અને એ તને મળે છે. શું એ તને ભૂતકાળના સંબંધોને આધારે બ્લેકમેઇલ કરી તને મળવાને મજબૂર કરે છે? તારા પત્રો અને ફોટોગ્રાફ્સ એની પાસે છે?'

'અમારી વચ્ચે એવો કોઇ સંબંધ હતો નહીં. એકબીજાને પત્રો લખ્યા નથી. ફોટા પણ નથી પડાવ્યા. મને કોઇ 'બ્લેકમેઇલ' કરતું નથી. મારો વિશ્ર્વાસ કરો, પ્લીઝ?' વિદિશા કરગરી ઊઠી. 

'હું જાણું છું કે તેં મારી સાથે પૈસા માટે જ લગ્ન કર્યું છે. માટે જ તું એને મળે છે. મનમાં ને મનમાં યાદ કરે છે. તું મને પ્રેમ કરતી નથી. માત્ર મારો વૈભવ જોઇ પરણવા ખાતર જ પરણી છે.'

વિદિશા પવનને સમજાવવા મથી રહી, 'અમે છૂટાં પડ્યાં પછી આજ સુધી કદી મળ્યાં નથી. એ ક્યાં છે, શું કરે છે એની પણ મને ખબર નથી. હું તમારા સોગંદ ખાઇને કહું છું.'

પવન જોર જોરથી હસ્યો, 'મારા ખોટા સોગંદ ખાવામાં તારું શું જાય છે. હું મરી જાઉં એ તારા ફાયદામાં છે. કરોડની મિલકતની પત્નીના હકથી તું માલિક બની જાય. એ હું ન સમજી શકું એટલો નાદાન નથી.'

વિદિશાનાં વિનંતી, અશ્રુઓ, કાકલુદી પવનને સમજાવવામાં નિષ્ફળ ગયાં. 

વિદિશનાં રૂપ-યૌવનનો અહમ્ ઓગળી ગયો. એ સમજી શકતી હતી કે પવનને એના પ્રત્યે પ્રેમ નહોતો, પણ એના ખૂબસૂરત દેહ સાથે નિસબત હતી. એક બાજુ પવનને શંકાના અંગારા ચાંપવા હતા. બીજી બાજુ વિદિશાનો ખૂબસૂરત દેહ ચૂંથવો હતો. વિદિશાને વીંધવામાં એને ક્રૂર આનંદ મળતો. 

શરીર ચૂંથ્યા પછી પવન વિચિત્ર રીતે હસીને પૂછતો,'પેલો તારો યાર તને મળે છે ખરો? જૂઠું બોલે છે?' કહીને વિદિશાના ગાલ પર તડાતડ તમાચા ચોડી દેતો. પવનના અમાનુષી વર્તનથી ઉબાઇ ગયેલી વિદિશા પવનથી મુક્ત થવા તરફડતી, 'શું કરું?' 

વિદિશા વૈભવશાળી જીવનની વચ્ચે અશ્રુઓ સારીને, નિ:સાસો નાખીને જીવનના દિવસો ટૂંકા કરતી હતી. અહમ્ના ટુકડેટુકડા થઇ જતાં તેેને યક્ષને અન્યાય કર્યાનું ભાન થયું ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. 'મેં યક્ષની મજાક ન સમજી. ખોટું લગાડીને જતા રહ્યા પછી પણ હું યક્ષને મળી હોત તો મારી આ દશા ન થાત.' રસોઇયો, નોકર અને ભવ્ય બંગલો હોવા છતાં વિદિશા દુ:ખના દાવાનળમાં પ્રજળતી હતી. 

પવનના ત્રાસમાંથી છૂટવા ઘણી વાર તેને ડિવોર્સ લેવાનો તો ક્યારેક કયારેક આત્મહત્યા કરી મુક્તિ મેળવી લેવાનો વિચાર આવી જતો, પણ માતૃત્વ ધારણ કર્યા પછી તે મજબૂર બની ગઇ હતી. 

એકાંતમાં અશ્રુઓ સારી અંતર પરનો ભાર હળવો કરી લીધા પછી વિચારે ચઢી જતી, 'શો અર્થ છે મારા જીવનનો? જે મને ખરેખર ચાહતો હતો તેને મેં મમતની આંધીમાં ચકરાઇને છોડી દીધો. મેં હાથે કરીને મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. શું સ્થાન છે મારું પવનના જીવનમાં? બંગલામાં રાખે છે, ખવડાવે છે, વસ્ત્રો આપે છે એનો બદલો મારે શરીરથી ચૂકવવો પડે છે. એને મારું શરીર ભોગવવું છે અને શંકાના ડામ પણ દેવા છે. મેં મારી જાતને બંદીવાન બનાવી દીધી છે, અમદાવાદમાં હોવા છતાં યક્ષને મળી નથી. યક્ષે પણ મને મળવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નથી છતાં મારી નિર્દોષતા પવનના મનમાં વસતી નથી. હું શું કરું? મારી વ્યથા કોઇને કહી શકતી નથી કે સહી શકતી નથી. કોઇ રસ્તો સૂઝતો નથી. પેટમાં રહેલું બાળક મરવા દેતું નથી. પવનની વિકૃત મનોવૃત્તિ જીવવા દેતી નથી, શું કરું?'

દિવસે દિવસે પવનનું વર્તન બેલગામ બનતું જતું હતું. પૈસાનો પ્રશ્ર્ન નહોતો એટલે કલબોમાં જઇ રમી-તીનપત્તી વગેરે જુગાર રમતો. શરાબ પીતો. પૈસાથી સ્ત્રીઓ ખરીદતો. એના ખરાબ ધંધા માટે અમદાવાદથી દૂર બોપલ વિસ્તારના છેવાડે બંગલો રાખ્યો હતો. ઓફિસની મજબૂર યુવતીઓને કે ખરીદેલી સ્ત્રીઓને લઇને ત્યાં પડી રહેતો અને અડધી રાતે ઢીંચીને ઘેર આવતો. 

વિદિશાને પવનના બધા ધંધાની જાણ થતી ગઇ, પણ એ કાંઇ પૂછે તો તેના ગાલ પર બે તમાચા પડતા. ભવિષ્યના બાળકના જન્મ માટે પણ પવનના બંગલામાં રહ્યા સિવાય છૂટકો નહોતો. બાંધી મૂઠી ખોલે તો પણ કોની સમક્ષ? 

વિદિશાએ યક્ષને ભૂલી જઇ, પવનને વફાદાર રહેવાનો નિર્ણય કર્યો હતો, પણ પવનના અમાનુષી વર્તને યક્ષને ભૂલવા દીધો નહોતો. 

સમય વહેવા લાગ્યો-

વિદિશાએ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો. પુત્રનું નામ વિકાસ પાડ્યું. પુત્રના જન્મ પછી પવન સાથે સંબંધો સુધરી જશે એ આશા પર પાણી ફરી વળ્યું. પુત્ર વિદિશા અને પવન વચ્ચે સુવર્ણ કડી ન બની શક્યો. 

એક રાતે બેફામ ઢીંચીને પવન કાર દોડાવતો હતો. 'ફન રિપબ્લિક'ચાર રસ્તા આગળ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પવનની કાર પૂરપાટ દોડતા ખટારા સાથે અથડાઇ પડતાં કારના ભુક્કા નીકળી ગયા અને પવન ઘટનાસ્થળે જ ખોપરી ફાટી જતાં મૃત્યુ પામ્યો. 

વિદિશા છ વર્ષના દામ્પત્યજીવનમાં વિધવા બની ત્યારે તેની ઉંમર સત્યાવીશ વર્ષની અને વિકાસની ઉંમર ચાર વર્ષની હતી. 

પવનના મૃત્યુ પછી વિદિશા કરોડોની સંપત્તિની માલિક બની. બિઝનેસ અને ઓફિસ વેચી નાખ્યાં. પવનના મૃત્યુથી વિદિશાએ મુક્તિનો શ્ર્વાસ લીધો. છૂટ્યાની અનુભૂતિ જન્મી. રસોઇયો-નોકરને ચાલુ રાખી, બંગલામાં સુખ-શાંતિથી જીવવા લાગી. વિકાસને ઉછેરવા લાગી. વિદિશાએ કાર શીખી, લાઇસન્સ મેળવી લીધું. રોજ સાંજે વિકાસને કારમાં રાઉન્ડ મારવા લઇ જતી. સાથે સાથે શોપિંગ કરી પાછી ફરતી. 

પવનના મૃત્યુને એક વર્ષ વીતી ગયું. 

એક સાંજે વિદિશા 'રિલાયન્સ મોલ' પર શોપિંગ કરી પાછી ફરતી હતી. 

શિયાળાની ઠંડી વીંઝાઇ રહી હતી. 

સાંજ વહેલી બુઝાઇ ગઇ હતી. 

'મોલ'નું એસ્કેલેટર ઊતરતાં, મોલમાં પ્રવેશતા યક્ષ પર નજર પડી. યક્ષનો હાથ પકડી નાનકડી પરી જેવી સુંદર બેબી ચાલી રહી હતી. 

'યક્ષ!' વિદિશાથી બોલી પડાયું. તેના ચહેરા પર આનંદ ઝળહળી રહ્યો. 

'વિદિશા, તું?'યક્ષથી આશ્ર્ચર્ય વ્યક્ત થઇ ગયું. એક જ શહેરમાં વસવા છતાં કેટલા સમયે મળ્યાં?' 

'ઓછામાં ઓછાં સાડાસાત વર્ષ તો ખરાં જ. વર્ષોનું સરવૈયું કાઢવા કરતાં જીવનનું સરવૈયું કાઢીએ તો?' વિદિશા બોલી. 

સાડાસાત વર્ષ પછી થતી મુલાકાતે સમયનું અંતર અનાયાસે ઓગાળી નાંખ્યું.

'વિદિશા, મઝામાંને?'

વિદિશાની આંખો ભીંજાઇ. તેણે પવનનાં જુલમ, મૃત્યુ અને પોતાના વૈધવ્યની વાત કરી,'તારાથી છૂટા પડ્યા પછી સુખનો અવિષ્કાર કર્યો નથી. સુખ નામનો શબ્દ મારા 'જીવન-કોશ'માંથી ભુંસાઇ ગયો છે. યક્ષ,સુખ કેવું હોય?' 

'તારા ઘા તાજા કરવા બદલ માફ કરજે. મને કલ્પના નહોતી કે મારે લીધે તેં આટલું સહન કર્યું હશે?'

'હું જ મારા દુ:ખનું નિમિત્ત છું. રૂપ-પ્રશંસાની ઘેલછાએ મને તારાથી દૂર ન કરી હોત તો દુ:ખના જ્વાળામુખીની ટોચ પર હું સિઝાઇ સિઝાઇને જીવી ન હોત. સાડાસાત વર્ષ પહેલાં કરેલી ભૂલની ક્ષમા સાડાસાત વર્ષ પછી માગું છું.' 

'વાંક મારો પણ હતોને?' મેં અનુષ્કાના રૂપની પ્રશંસા તને ચીડવવા, મજાક ખાતર કરી ન હોત તો તું મારાથી દૂર ન થઇ હોત...'

'ખેર છોડ એ વાત, તારી વાત કર. મારાથી છૂટા પડ્યા પછી તું અનુષ્કાને પરણ્યો હતો એવી ખબર પડી હતી. અનુષ્કા સાથે સુખી હોઇશ જ.'

યક્ષ ધુમ્મસ જેવું હસ્યો,'તારા ગયા પછી અનુષ્કાને પરણ્યો હતો. અનુષ્કા સાથે સુખી હતો, પણ આ બેબી-નેત્રાને જન્મ આપી, અનુષ્કા પ્રસૂતિજ્વરમાં મૃત્યુ પામી. આજે એકલો છું. અનુષ્કાને ઉછેરું છું.'

'યક્ષ, હું તો તને આજપર્યંત ભૂલી શકી નથી. ઘણી વાર મળવા માટે મન ઊછળી આવતું, પણ પવનના શંકાશીલ માનસને લીધે મળવાનું ટાળતી રહી હતી. અનુષ્કા પણ ખૂબ યાદ આવતી. આ મારો પુત્ર વિકાસ છે.'

'મારા પક્ષે પણ એવું જ છે. હું તારો ઉલ્લેખ કરતો, તારી પ્રશંસા કરતો ત્યારે અનુષ્કા રાજી થતી અને કહેતી, વિદિશાનો અધિકાર મેં પચાવી પાડ્યો હોય એવો અપરાધભાવ અનુભવું છું. અનુષ્કા ખરેખર તારી સાચી મિત્ર હતી. એણે કદી તારી ઇર્ષ્યા કરી નથી.'

'અનુષ્કાની તુલનાએ હું વામણી પુરવાર થઇ છું. એની ઇર્ષ્યા કરીને હું તારાથી દૂર થઇ ગઇ એની સજા ભોગવી રહી છું. યક્ષ, સાડાસાત વર્ષ પહેલાં જે ન બની શક્યું તે આજે બની શકે છે. 

તું જો પુત્ર વિકાસ સાથે અપનાવવા તૈયાર હોય તો...'

'મારે પણ એક પુત્રી છેને? તું બે સંતાનોની મા બનવા તૈયાર છે?'

'સાડાસાત વર્ષ પહેલા પરણ્યાં હોત તો બે સંતાનો ન હોત?' વિદિશા સસ્મિત બોલી. 

યક્ષ પણ હસી પડ્યો.

'વિકાસ, આ તારી બહેન નેત્રા છે. આપણે બધાં હવે આપણા બંગલે સાથે રહીશું. ગમશેને?' વિદિશાએ કહ્યું, 'આપણે પરણીએ પછી પોળનું ભાડાનું મકાન ખાલી કરી, સેટેલાઇટના મારા બંગલે રહેવા આવી જવાનું છે. 

ફાવશેને?'

'આપણે એક છત્ર હેઠળ રહી, મકાનને ઘર બનાવીએ એ જરૂરી છે. શું માને છે?'

અત્યાર સુધી બંગલા નામે મકાનમાં રહેતી હતી. હવે ઘરમાં રહીશું.'

'આપણે નેત્રાને સ્વેટર અપાવી દઇએ,'યક્ષે કહ્યું. 

વિકાસ અને નેત્રા હાથ પકડીને ચાલવા લાગ્યાં. 

વિદિશા અને યક્ષ ફરીથી મોલમાં પ્રવેશી, એસ્કેલેટર દ્વારા ઉપર ચડવા લાગ્યાં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment