Wednesday 29 June 2016

[amdavadis4ever] ‘વક્ત જો હૈ, બડે આદમી કો ઔર બડા બન ાતા હૈ...’ ગુડ મો ર્નિંગ - સૌરભ શાહ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ક્યા હુઆ તેરા વાદા 'હમ કિસી સે કમ નહીં' (૧૯૭૭)નું હતું. થૅન્ક્યુ અને સૉરી.

'ભૂત બંગલા' માટે ૧૯૬૫માં કિશોરકુમારે જાગો સોનેવાલોં... ગાયું તે એક રીતે હિસ્ટોરિક બનાવ હતો. અત્યાર સુધી કિશોરકુમારનો અવાજ ફિલ્મમાં દેવ આનંદ હીરો હોય તો જ વપરાતો (અને અફકોર્સ એ પોતે હીરો હોય ત્યારે). કિશોરકુમારે પોતાના અને દેવસા'બ માટે જ પ્લેબૅક આપવાનો નિયમ આ ફિલ્મમાં મહેમૂદ માટે ગાઈને તોડ્યો. મહેમૂદના પ્રોડક્શન - ડિરેક્શનની આ ફિલ્મમાં આર.ડી. બર્મને સંગીત આપવા ઉપરાંત એક નાનકડો કૉમેડી રોલ પણ કર્યો હતો. ગિટારની સ્ટ્રિંગ્સ સાંભળીને તમે પામી જાઓ કે આ કયું ગીત છે.

બેઝ ગિટારનો ઉત્તમ ઉપયોગ જેમાં થયો છે તે 'બુલંદી' (૧૯૮૦)નું ગીત કહો કહાં ચલે, જહાં તુમ લે ચલો જેવું રોમેન્ટિક ગીત તે જમાનાના કયા ભૂતપૂર્વ વિલન પર ફિલ્માવેલું છે તે તમે યુ-ટ્યુબ પર ચેક કરી લેજો! હીરોઈન કિમ છે જે એની એસેટ્સ માટે જાણીતી હતી.

'યાદોં કી બારાત' (૧૯૭૩)માં લાલ કપડોંવાલી મેમસા'બ નીતુ સિંહ (પાછળથી મિસિસ કપૂર બન્યાં, તે જ ટૂંકા ટૂંકા ઝૂલ્યા કરતા ફ્રોકવાળી નીતુજીનું લે કર હમ દીવાના દિલ ગિટાર અને કૉન્ગોની જુગલબંદીમાં બ્રાસ સેક્શન અને ડ્રમ્સ ભળે છે અને અલમોસ્ટ દોઢ મિનિટ પછી ગીત શરૂ થાય છે. તારિક ગિટાર લઈને સ્ટેજ પર ડાન્સ કરે છે. એને બેમાંથી એકેય ફાવતું નથી પણ નીતુજી હેલનજીને ટક્કર મારે એવી અદાઓ ગીતને યાદગાર બનાવે છે. અને અફકોર્સ વિવિધ પ્રકારની ગિટાર્સની મઝા તો થ્રુઆઉટ માણવા મળે છે.

આ વખતે ફૉર અ ચેન્જ ગિટાર તારિકને બદલે એની પ્રેમિકા કાજલ કિરનના હાથમાં છે. ગિટારની સ્ટ્રિંગ્સ સાથે, કોઈપણ રિધમ વિના, આશાજી ટેન્ટેટિવલી ગુનગુનાવાનું શરૂ કરે છે: યે લડકા હાય અલ્લા કૈસા હૈ દીવાના... 'હમ કિસી કે કમ નહીં' (૧૯૭૭)નું આ ગીત.

અત્યાર સુધી આપણે ગુલઝારના શબ્દોને માણવા આ ગીત સાંભળતા હતા. હવે એમાં પર્લ્યુડમાં વપરાયેલા માર્વેલસ ટ્રમ્પેટ અને બેઝ ગિટારના કૉમ્બિનેશનને પણ માણી શકીશું. આર.ડી.નું કંપોઝિશન પણ યાદગાર છે. મૂછવાળા અને મૂછ વગરના અમોલ પાલેકરની વાર્તા હતી એમાં. આ ગીતમાં એમણે જે કલરફુલ પ્રિન્ટેડ શર્ટ પહેર્યું છે એવું શર્ટ લેવાનું અમારું સપનું હજુ પણ છે. 'ગોલમાલ' (૧૯૭૯)નું આનેવાલા પલ, જાનેવાલા હૈ... ગુલઝાર - પંચમની જોડીનું વન ઑફ ધ બેસ્ટ અને મોસ્ટ સક્સેસફુલ સૉન્ગ.

હવે એક ઑડિયો ક્લિપ આવે છે. 'સત્તે પે સત્તા'ના પરિયોં કા મેલા હૈ...ની વધતા જતા ટૅમ્પો સાથે ગિટાર શરૂ થાય છે. સિંગર્સમાં કિશોરકુમાર, આર.ડી. બર્મન, એનેટ પિન્ટો અને સપન ચક્રવર્તી છે. બચ્ચનજીના ગળામાં ગિટાર છે. પોણા છ મિનિટના ગીતમાં અલમોસ્ટ બે મિનિટ સુધી તો ગીતના શબ્દોને બદલે ગિટાર અને બીજા ઈન્સ્ટુ્રમેન્ટ્સ વાગતાં રહે છે. 'બાગબાન' (૨૦૦૩)માં હેમાજી સાથે બચ્ચનજીને જોઈને એસ્ટાબ્લિશ થઈ ગયું કે સ્ક્રીન પર આ કપલ મેઈડ ફોર ઈચ અધર લાગે છે જેની ઝલક તમને ૧૯૮૨ની આ ફિલ્મમાં બેઉ સુપરસ્ટાર્સની કૅમિસ્ટ્રી જોઈને મળી જાય.

'સાગર' (૧૯૮૫)માં રિશી કપૂર ડિમ્પલ કાપડિયાને ગિટાર વગાડીને એનું નામ પૂછે છે: ચહેરા હૈ યા ચાંદ ખિલા હૈ, ઝુલ્ફ ઘનેરી શામ હૈ ક્યા, સાગર જૈસી આંખોંવાલી યે તો બતા તેરા નામ હૈ ક્યા... ગીતમાં આર.ડી. બર્મનના બે પ્રિય ગિટારિસ્ટ રમેશ ઐયર અને સુનીલ કૌશિકે પલ્યુર્ડથી લઈને છેક સુધી ગિટારની કમાલો પ્રગટ કરી છે. જાવેદ અખ્તરે આ ગીતના શબ્દો ખંડાલા જઈને લખ્યા હતા અને સંગીતકારે આપેલા મીટર કરતાં જુદા છંદમાં લખાયા હતા છતાં પંચમદાએ એમાં ફેરફારો કરવાને બદલે પોતાની ધૂન એ શબ્દોને અનુકૂળ બનાવી દીધી હતી એવો મઝાનો કિસ્સો જાવેદસા'બે નસરીન મુન્ની કબીરને આપેલી લાંબી પુસ્તક મુલાકાત 'ટૉકિંગ સૉન્ગ્સ'માં વર્ણવ્યો છે.

અગેન એક એવું સૉન્ગ જેમાં ગિટારના ઓપનિંગ કોર્ડ્ઝ વાગતાં જ તમે સમજી જાઓ કે... આ તો ટાઈટલ સૉન્ગ છે - 'યાદોં કી બારાત'નું. રાજેશ ખન્નાની 'મેરે જીવનસાથી'નું સહેજ ઓછું જાણીતું ગીત 'કિતને સપને, કિતને અરમાન' ઈલેક્ટ્રિક ગિટારના કેટલાક યાદગાર પીસ માટે આવે છે અને હવે એ યાદગાર ગીત, જે ફિલ્મ 'ઉડતા પંજાબ'ના ૪૫ વર્ષ પહેલાં બની એમાંથી. ગાયક ભૂપિન્દર સિંહે પહેલી વાર રેકૉર્ડિંગમાં ગિટાર વગાડી અને લક્ષ્મીકાંત - પ્યારેલાલની જોડીના પ્યારેજીના ભાઈ ગોરખ શર્માએ એમાં બેઝ ગિટાર વગાડી: દમ મારો દમ... ૧૯૭૧માં 'હરે રામ હરે કૃષ્ણ' આવી હતી.

૧૯૮૨માં આવેલી ટીના મુનિમ વત્તા પૂનમ ધિલ્લોંવાળી રિશી કપૂરની ફિલ્મ 'યે વાદા રહા' ફ્લોપ ગઈ અને એટલે સંગીત પણ ડૂબી ગયું. વર્ષો પછી પંચમના ફૅન્સ આ ફિલ્મનાં ગીતોને માણતા થયા: તુ તુ હૈ વહી, દિલને જિસે અપના કહા... યે વાદા રહા... આજે ઘણું પૉપ્યુલર સૉન્ગ છે. આમાં ક્લેપ્સના જે સાઉન્ડ આવે છે તે ઑડિયન્સ પણ ઝીલી લે છે. ક્લેપ્સવાળું બીજું એક ગીત પણ ગિટારથી શરૂ થાય છે: જીવન કે હર મોડ પે મિલ જાયેંગે હમસફર, જો દૂર તક સાથ દે ઢૂંઢે ઉસી કો નઝર... 'જૂઠા કહીં કા'માં માઈક લઈને રિશી કપૂર પાર્ટીમાં નીતુજી માટે ગાય છે, રાકેશ રોશન કબાબમાં હડ્ડીવાળો રોલ કરે છે.

આર.ડી. બર્મનને 'અમરપ્રેમ' સહિત અનેક ફિલ્મો માટે ફિલ્મફૅર અવૉર્ડ મળ્યો નહીં. પહેલો અવૉર્ડ ૧૯૮૨માં 'સનમ તેરી કસમ' માટે મળ્યો. ગુલશન બાવરાએ કહ્યું હતું કે સવારે પ્રોડ્યુસર બરખા દત્ત સાથે મીટિંગ હતી અને ગીત તૈયાર નહોતું. આગલે દિવસે મોડી રાતે પંચમ જેમ્સ બૉન્ડની ફિલ્મ જોઈને આવ્યા હતા અને ઝેના... ડુઉઉ બોલ્યા કરતા હતા. એવામાં એમની નજર સવારના ટાઈમ્સની હેડલાઈન પર ગઈ: ઝિયા વિલ નૉટ એક્સેપ્ટ ધ મેમોરેન્ડમ... વાંચીને પંચમ રહી રહીને ઝિયા, ઝિયા, ઝિયા... બોલવા લાગ્યા. ગુલશન બાવરા કહે: 'મુખડા મિલ ગયા. આપણી હીરોઈન છે નિશા. હું ઝિયાની જગ્યાએ નિશા મૂકી દઉં છું.' પ્રોડ્યુસર આવી ત્યાં સુધીમાં ઈન્સ્ટન્ટ તૈયાર કરવામાં આવેલું ગીત સુપરહિટ થઈ ગયું: જાને જાં ઓ મેરી જાને જાં... નિશા, નિશા...

'હમ કિસી સે કમ નહીં'ના કૉમ્પીટિશનના ચાર સળંગ સૉન્ગ્સમાં (જેમાં શરૂઆતમાં બે વાર 'વકાઉ' આવે છે ત્યારે ફુલ ઑડિયન્સ 'વકાઉ' બોલે છે!)થી પહેલા દિવસના 'ગિટાર્સ ઑફ પંચમ'નો કાર્યક્રમ પૂરો થાય છે.

શુક્રવારની રાતે સૂતાં સૂતાં તમને આર.ડી. બર્મનના સપનાં આવે છે. સવારે ઊઠીને ભક્તિસંગીતની સીડી મૂકવાને બદલે આર.ડી.નું કલેક્શન ચડાવો છે. પંચમભક્તો માટે આ પણ ભક્તિસંગીત જ છે. સાંજે વરસાદને લીધે વહેલા વહેલા ઘરેથી નીકળીને હૉલ પર વહેલા વહેલા પહોંચી જાઓ છો. વહેલા એટલે? એક કલાક વહેલા! અને તમને 'તિરકીટધા' ગ્રુપના વાદ્યકારો-ગાયકોનું રિહર્સલ જોવા - સાંભળવાનો લ્હાવો મળે છે. સવારના દસ વાગ્યાથી એમનું આ કામકાજ ચાલે છે.

બીજા દિવસની સાંજની શરૂઆત 'શોલે'ના ટાઈટલ મ્યુઝિકથી થાય છે. હિંદી ફિલ્મોનું સૌથી પોપ્યુલર - યાદગાર આ ટાઈટલ મ્યુઝિક સ્પેનિશ ગિટારથી આરંભાય છે, તમામ વેસ્ટર્ન ઈન્ફ્લ્યુન્સ લઈને આગળ વધે છે અને છેવટે ભારતના ફિક્શનલ ગામડામાં તમને લઈ જાય છે.

૧૯૭૩માં રિલીઝ થયેલી 'નમકહરામ'માં અમિતાભ બચ્ચન એમના મિત્ર (ફિલ્મના મિત્ર) રાજેશ ખન્નાને આઠ એમ.એમ.ના અકાઈ બ્રાન્ડના હોમ મૂવી કૅમેરામાં કૅપ્ચર કરી રહ્યા છે. કાકાજી ગાઈ રહ્યા છે: દિયે જલતે હૈં ફૂલ ખિલતે હૈ, બડી મુશ્કિલ સે મગર દુનિયા મેં દોસ્ત મિલતે હૈ... ગીતના દરેક અંતરામાં સ્પેનિશ ગિટારનો જે યુનિક પ્રયોગ થયો છે તે નોંધજો.

સીલી હવા એટલે શરીરમાં કમકમાં આવી જાય એવો ડંખીલો પવન. ગુલઝારની 'લિબાસ' ફિલ્મ ૧૯૮૮માં બની પણ રિલીઝ નથી થઈ. છતાં એનાં ગીતો 'ખામોશ સા અફસાના', 'ફિર કિસી શાખ સે' અને 'સીલી હવા છુ ગઈ' જબરજસ્ત પૉપ્યુલર છે - ગુલઝાર - પંચમના ચાહકોમાં સીલી હવામાં ભાગ્યે જ રિધમ સંભળાય છે, આખું ગીત બૅઝ ગિટાર કૅરી કરી જાય છે.

કુમાર ગૌરવવાળી 'તેરી કસમ'માં દિલ કી બાત કહીં લબ પે ના આ જાયે ગીત હીરો પોતે રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં ગાય છે. મઝાની વાત એ છે કે આર.ડી.ના મ્યુઝિકવાળું આ ગીત લક્ષ્મીજીએ કંપોઝ કર્યું હોય એવી રીતે ફિલ્માવાયું છે. રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં લક્ષ્મીજી વારંવાર ગાયક હીરોને ટૉપની સાઈન કરીને બિરદાવતા રહે છે. એક આડવાત: લક્ષ્મીકાંત - પ્યારેલાલ બેઉને આર.ડી. બર્મન સાથે ઘણી સારી મૈત્રી હતી. એક જમાનામાં અને નાનીમોટી ઘણી બાબતોમાં એકબીજાને પ્રોફેશનલ મદદ પણ કરતા, અને પર્સનલ લાઈફમાં પણ. પંચમના પ્રથમ પત્ની રીટા પટેલને મળવાની અનુકૂળતા કરવામાં લક્ષ્મીજીએ ઘણો મોટો ભાગ ભજવેલો એવું સચિન ભૌમિકે કહ્યું છે.

'ઈર્મા લા ડ્યુસ' પરથી શમ્મી કપૂરે એક ફિલ્મ ડાયરેક્ટ કરી હતી 'મનોરંજન'. હવાલદાર સંજીવકુમાર - અને સેક્સવર્કર ઝીનત અમાનની લવસ્ટોરી હતી. ગોયા કે ચુનાંચે એનું જાણીતું ગીત. પણ અહીં ગિટારના સ્ટ્રિંગ્સ પ્રોમિનન્ટ હોય એવું 'ચોરી ચોરી સોલહ સિંગાર કરુંગી' રજૂ થાય છે ને તમે મોહિત થઈ જાઓ છો.

'યાદોં કી બારાત'નું ઓ મેરી સોની, મેરી તમન્ના પણ ગિટારથી જ શરૂ થાય છે. આ ગીત લોકોને પ્રથમ અંતરામાં પથ્થર ગબડવાની ઈફેક્ટ જે રીતે બૉન્ગો/કૉન્ગો દ્વારા ગીતમાં આવે છે તેને લીધે પણ યાદ છે.

૧૯૮૩ની 'મહાન' ફિલ્મ (જે નૉટ સો મહાન હતી)નું જીધર દેખું તેરી તસવીરમાં વાગતી ગિટારની બારીકાઈ માણવી હોય તો હેડફોન વાપરવા. રાઈટ-લેફટ બેઉ બાજુએ બે અલગ અલગ પીસ સંભળાશે. બચ્ચનજી આ ગીત વહીદાજીને પ્રેમ કરતાં કરતાં ગાય છે અને આ પહેલાં 'ત્રિશુલ' (૧૯૭૮)માં વહીદાજી બચ્ચનસા'બનાં મમ્મીજી બની ચૂક્યાં હતાં. આપણને ઑડ લાગે તો એ લોકોને કેવું લાગતું હશે?

'માસૂમ' (૧૯૮૩)ના દો નૈના ઔર એક કહાનીના મુખડામાં કોઈ રિધમ નથી, માત્ર બેઝ ગિટાર છે. આ ગીત ગાવા બદલ આરતી મુખર્જીને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. ('પરિચય'નું બીતી ના બિતાયી ગાવા બદલ ભૂપિન્દર - લતાજીને અને 'ઈજાઝત'નું મેરા કુછ સામાન ગાવા બદલ આશાજીને તથા લખવા બદલ ગુલઝારસા'બને નૅશનલ અવૉર્ડ મળ્યા છે. આર.ડી. બર્મનને ક્યારેય કોઈએ નૅશનલ અવૉર્ડ નહોતો આપ્યો).

'જવાની દીવાની' (૧૯૭૨)ના પર્લ્યુડમાં વાગતી સ્પેનિશ ગિટાર ધ્યાનમાં રાખજો. એ પછી સ્ટેજ પર આવતા 'મેરા કુછ સામાન' વિશે આખો લેખ લખી શકાય એટલી માહિતી તમારી પાસે - વાચકો પાસે - છે જ. હવે સાંભળો ત્યારે તબલાં અને બેઝ ગિટારનું કૉમ્બિનેશન માણજો.

એ પછી 'કિતાબ' (૧૯૭૭)ના ધન્નો કી આંખોં મેંની ઑડિયો ક્લિપ જે આર.ડી.એ પોતે ગાયું છે. એમાં શરૂમાં ને થ્રુઆઉટ જે ઈલેક્ટ્રિક ગિટાર વાગે છે તેનો સાઉન્ડ બિલકુલ યુનિક છે. આ સાઉન્ડ ગિટાર સાથે 'ફલેન્ગર' નામનું સાધન જોડીને ક્રિયેટ કરવામાં આવ્યો હતો. ઑડિયો ક્લિપ પછી એક ગિટારિસ્ટે 'ફલેન્ગર' સાથેનો એ લાઈવ સાઉન્ડ સ્ટેજ પર રિક્રિયેટ કર્યો.

એક દિવસ સાંજે આર.ડી. બર્મનની ટીમના સિટિંગ મ્યુઝિશ્યન ભાનુ ગુપ્તા ગિટારના તાર સાથે રમી રહ્યા હતા. ઍફ શાર્પ માયનર કૉર્ડ વગાડતી વખતે થકાનને કારણે એમની ત્રીજી આંગળી તારને દબાવવાનું ભૂલી ગઈ અને સ્ટ્રિંગ ઓપન હોવાથી જે બેસૂરો ધ્વનિ નીકળ્યો તે સાંભળીને ત્યાં હાજર રહેલા સાથી વાદ્યકારો હસી પડ્યા. ભાનુદાપણ છોભીલા પડી ગયા. આર.ડી.એ પણ આ સાંભળ્યું. 'ફિર સે બજાઓ...' એમણે ભાનુદાને કહ્યું. ભાનુદાને લાગ્યું કે પંચમ મારી ટાંગ ખેંચે છે. એમણે આનાકાની કરી પણ પંચમે બે-ત્રણ-ચારવાર સેમ સાઉન્ડ વગાડાવ્યો. પછી કહ્યું, 'આ હું ક્યારેક વાપરીશ!' બધાને નવાઈ લાગી: આવા, ફૉલ્ટી સાઉન્ડમાંથી શું થઈ શકે? અને પંચમે 'અમરપ્રેમ' (૧૯૭૨)ના એ અમર ગીતના એકદમ આરંભના ટુકડા તરીકે ગિટારનો એ 'ફૉલ્ટી' સાઉન્ડ ફ્લ્યુટ સાથે વાપર્યો: ચિંગારી કોઈ ભડકે... રેકૉર્ડિંગમાં આ ગિટાર ભૂપિન્દર સિંહે વગાડી હતી.

'બુઢ્ઢા મિલ ગયા' (૧૯૭૧)નું રાત કલી એક ખ્વાબ મેં આયી સાંભળ્યા પછી 'માસૂમ'ની સિગ્નેચર ટ્યુનસમું તુઝસે નારાઝ નહીં ઝિંદગી હૈરાન હૂં મૈંમાં તમને ટ્વેલ્વ સ્ટ્રિંગ ગિટારને ફેઝ શિફ્ટર સાથે જોડીને વગાડવામાં આવે ત્યારે કેવો સાઉન્ડ આવે તેની મઝા માણવા મળે છે.

આર.ડી.એ ગાયેલા મસ્તીભર્યા બંગાળી ગીત 'અઝર બૈજાન'માં રમેશ ઐયર અને સુનીલ કૌશિકની ગિટાર્સની જુગલબંધીવાળી રેર ઑડિયો ક્લિપ સાંભળ્યા પછી પહેલે પહેલે પ્યાર કી મુલાકાતેં યાદ હૈ રજૂ થાય છે. 'નમકહરામ'ના નદિયા સે દરિયા, દરિયા સે સાગરમાં ઈલેક્ટ્રિક ગિટારને વાહ વાહ પેડલ સાથે જોડીને વગાડવામાં આવતા સાઉન્ડનો પરિચય થાય છે.

૧૯૬૫માં રિલીઝ થયેલી 'પતિપત્ની'માં આશાજીએ પહેલવહેલીવાર આર.ડી. માટે ગાયું (ફિલ્મનું ટાઈટલ પ્રૉફેટિક હતું). એમાંની મેલડી એટલી ડિફિકલ્ટ હતી કે આશાજી ઘરે રિહર્સ કરતાં ત્યારે હારીને પ્રયત્ન છોડી દેતાં. તે વખતે લતાદીદીએ એમને પ્રોત્સાહન આપતાં કહ્યું હતું કે, 'તું મંગેશકર છે. ના કેમ ગવાય તારાથી?' આશાજીએ 'માર ડાલેગા દર્દે જિગર' ગાયું અને એમને રિયલાઈઝ થયું કે આ નવો મ્યુઝિક ડાયરેકટર ખરેખર બીજાઓ કરતાં ઘણો જુદો છે.

હમેં તુમસે પ્યાર કિતનાવાળી ફિલ્મ 'કુદરત' (૧૯૮૧)માં કલ્પના ઐયર અને વિનોદ ખન્ના (જેમાં હેમાજી પણ જોડાય છે) એક ગીત પર ડાન્સ કરે છે: છોડો સનમ કાહે કા ગમ... ઈલેક્ટ્રિક ગિટાર, ડ્રમ્સ અને એનેટ પિન્ટોની ગાયકી આ ગીતને યાદગાર બનાવે છે.

ભૂપિન્દર સિંહે જે ફિલ્મ માટે પહેલીવાર ગિટાર વગાડી એનું એક બીજું ગીત: ફૂલોં કા તારોં કા સબકા કહના હૈ... અકાઉસ્ટિક ટ્વેલ્વ સ્ટ્રિંગ્સ ગિટાર સંભળાશે.

'દિલ હાય મેરા દિલ' પછી 'બેતાબ'ના ટાઈટલ મ્યુઝિકની ઑડિયો ક્લિપ અને હવે એક એવી ફિલ્મનું ગીત જેનાં પ્રેક્ટિકલી બધાં જ ગીતો સુપરહિટ. પિયા તૂ અબ તો આજાવાળી 'કારવાં' (૧૯૭૧) ફિલ્મમાંથી અબ જો મિલે હૈં તો...માં સ્પેનિશ ગિટારની મઝા માણતાં માણતાં ગીતના બીજા અંતરા પછી સેક્સોફોનનો પીસ વગાડીને આર.ડી. અરુણા ઈરાનીના ઈરોટિક મૂડને આશા પારેખની ઉદાસીમાં પલટી નાખે છે.

'શક્તિ' (૧૯૮૨)માં સ્મિતા પાટિલ અને બચ્ચનજી ગાય છે: જાને કૈસે કબ કહાં ઈકરાર હો ગયા, હમ સોચતે હી રહ ગયે ઔર પ્યાર હો ગયા. ફરી એકવાર ફેઝ શિફ્ટર સાથે ઈલેક્ટ્રિક ટ્વેલ્વ સ્ટ્રિંગ ગિટાર અને સાથે બેઝ ગિટાર.

કુમાર ગૌરવવાળી 'લવ સ્ટોરી' (૧૯૮૧)નું કયા ગઝબ કરતે હો જી... અને પછી આર.ડી.એ બંગાળીમાં ગાયેલું સુપરહિટ મોને પોરે રૂબી રાયનું હિન્દી વર્ઝન - 'અનામિકા' (૧૯૭૩)નું મેરી ભીગી ભીગી સી... 'જવાની દીવાની'નું એક ઔર ગીત: જાને જાં, ઢૂંઢતા ફિર રહા... આશાજીએ પોતાની કરિયરમાં સૌથી લૉ નોટ્સમાં ગાયેલું આ ગીત આર. ડી. નામના જાદુગરની અનેક કમાલોમાંનું એક છે. છેલ્લે વાદા કરો નહીં છોડોગે ('આ ગલે લગ જા' - ૧૯૭૨)ની તમામ ગિટાર મઝાઓ સાથે પ્રોગ્રામની ક્લાઈમેક્સ આવે છે.

ડૉ. અજિત દેવલ અને એમની 'તિરકિટધા'ની ટીમ, કૉમ્પેયર શ્રીકાંત રાવ અને સચિન તેન્ડુલકરની બાજુમાં બેસીને વાનખેડેમાં વન ડે જોતા હોઈએ એવો પ્રિવિલેજ ધરાવતી આર.ડી. પ્રેમી અજય શેઠની બાજુની સીટમાં હાજરી. ડિવાઈન એક્સપિરિયન્સ.

જાવેદ અખ્તરે આર.ડી. બર્મન માટે કહેલા શબ્દો ફરી યાદ આવે છે:

'જૈસે જૈસે વક્ત ગુઝર રહા હૈ, મુઝે ઐસા લગતા હૈ કિ લોગોં કો આર.ડી. બર્મન કી કદર બઢતી જા રહી હૈ... બડે આદમી કી નિશાની યહી હૈ. વક્ત જો હૈ, બડે આદમી કો ઔર બડા બનાતા હૈ. ટાઈમ ઈઝ કાઈન્ડ ટુ ગ્રેટ પીપલ.'

અને પંચમદા હિંદી ફિલ્મ સંગીતના ગ્રેટ પીપલની મોખરાની હરોળમાં સ્થાન ધરાવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment