Tuesday, 4 October 2016

[amdavadis4ever] કલ્યાણકારી હોઈ શકે?.........ટેસ ્ટોસ્ટેરોન એ યુદ ્ધનું હોર્મોન છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાકા પર આવેલા પાનવાળાની દુકાને કે સોડાવાળાને ત્યાં કે પછી ગામના ચોરે કે સોશિયલ મીડિયાના ચોરે બસ એક જ વાત ચર્ચાઈ રહી છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ હવે તો થવું જ જોઈએ. હવે તો પાકિસ્તાનને બતાવી દેવું જોઈએ કે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે. એક ભાઈ તો કહે કે એક ભડાકો કરીએને તો વાયડીના ભોંય ભેગા થઈ જાય. તો વળી બીજું કોઈક બોલ્યું તેમના કલાકારોનાં ગીતો, ફિલ્મો જોવાનું બંધ કરો. તો વળી ત્રીજો બોલ્યો કે હવે તો હુમલો કરી જ દેવો જોઈએ સા... વગેરે વગેરે 

તો સામી બાજુ પર કેટલાક કહી રહ્યા હતા કે જે લોકો કહે છે કે યુદ્ધ થવું જોઈએ તેમણે પોતાના દીકરા-દીકરીઓને સીમા પર મોકલી આપવા તૈયાર રહેવું જોઈએ. યુદ્ધની ભીષણતાનો અંદાજ લગાવ્યા વિના એવું કહેનારા પણ મળશે કે બસ એકવાર થઈ જવું જોઈએ. યુદ્ધ પાકિસ્તાન સાથે એટલે રોજ રોજ આતંકી હુમલાઓની છાલ છૂટે. આ પાર કે ઉસ પાર..તો વળી જેઓ દરેક વાતમાં રોમાંચ અને રોમાન્સ શોધતા ફરે તેવા કોઈકને કહેતા સાંભળ્યા કે યાર, યુદ્ધ થાય તો કંઈક નવું થાય. વાતાવરણમાં રોમાંચ આવે. આ બધી વાત સાંભળીને મગજ બહેર મારી જાય. થાય કે શું માણસોને શાંતિ ગમતી નથી? દર બીજા દિવસે તે કોઈને કોઈ રીતે હિંસા ઊભી કરી જ લેતો હોય છે. આર્મી મેડિકલ સેન્ટર વોશિગ્ટનના સાયકોલોજિસ્ટ કોરી જે હેબ્બેને યુદ્ધ વિશે આપેલા વક્તવ્યમાં બહુ સરસ વાત કરી હતી કે મોટા ભાગની વ્યક્તિઓ જે યુદ્ધ કરવાની વાત કરતી હોય છે તેમને ક્યારેય યુદ્ધના વાતાવરણનો અંદાજ કે અનુભવ હોતો જ નથી. બહુ ઓછા હશે કે જેમને ખરેખર યુદ્ધભૂમિનો સીધો અનુભવ હશે. તે છતાં આપણી પાસે સદીઓથી યુદ્ધનો ઈતિહાસ અને કથાઓ છે. આ યુદ્ધો પુરુષો દ્વારા લડવામાં આવ્યાં છે અને દરેક કથાઓમાં ચોક્કસ સમયની મર્યાદામાં મરો કે મારોની પરિસ્થિતિની જ વાત હોય. બન્ને પક્ષે મરવું કે મારવું શહાદત માનવામાં આવે. દરેક યુદ્ધનાં કારણો જુદાં હોઈ શકે પણ તેની જરૂરિયાત એક જ હોય છે મારવું કે મરવું. જે કારણે યુદ્ધ થયું હોય તેને પૂરું કરવા પોતાના સૈનિકોને બચાવતા સામા પક્ષના સૈનિકોને મારવા કે માત કરવા. 

યુદ્ધમાં લાગણીઓને કોઈ સ્થાન નથી હોતું. તમારે સતત જાગૃત રહેવું પડે છે બીજા માણસને મારી નાખવા માટે નહીં તો સામો માણસ તમને મારી નાખવા તૈયાર જ હોય છે. એક ઘડીનો પણ વિચાર કર્યા વિના, એ વ્યક્તિ સાથે કોઈ અંગત અદાવત વિના બસ તમારે હત્યા કરવા માટે તૈયાર રહેવાનું હોય છે. અહીં લોકો કહી શકે અદાવત કેમ નહીં ? એ લોકો દુશ્મન જ હોય છે વગેરે વગેરે પણ એ બધા વાદવિવાદ કરતાં યોદ્ધાની માનસિકતા સમજવાનો પ્રયત્ન કરીએ શક્ય છે એમાંથી જ કદાચ આ બાબતનો ય જવાબ મળે. 

કોરીની વાત ખરેખર સાચી લાગે. સામાન્ય વ્યક્તિઓ જે કોઈ મરઘાં કે ઘેટાં, બકરાંને કાપે તો પણ અરરરર બોલીને આંખ બંધ કરી દેતા હોય છે, તેઓ યુદ્ધની વાત કરે ત્યારે તેની ભીષણતાનો સહેજ પણ વિચાર કરવાને કેમ અસમર્થ હોય છે તે નવાઈ લાગે એવી વાત છે. યુદ્ધમાં પૌરુષત્વના બે પાસાં જોવા મળે છે. એક સૌથી ક્રૂર અને હિંસક બાજુ છે તો બીજી બાજુ બલિદાન અને વફાદારી અને વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવાની ધીરજ જેવા ગુણો પણ જોવા મળે છે. રોન લેવન્ટે તેના પુસ્તક 'મસ્ક્યુલિનિટી રિક્રન્સ્ટ્રકટેડ 'માં લખ્યું છે કે પૌરુષત્વના કેટલાક સારા નરસા ગુણો યુદ્ધ વેળાએ જ બહાર આવે છે જેમ કે આક્રોશ, લાગણીહીન ક્રૂરતા, કોઈની પણ સાથે નિકટતા ન અનુભવવી, સ્ત્રીના સાથને છોડવો વગેરે તો તેની સામે શાંતચિત્તે નિર્ણય લેવા, વિકટ પરિસ્થિતિનો સ્વીકાર કરવો, ગમે તેવી અડચણોમાંથી માર્ગ કાઢવો, બીજાનો વિચાર કરવો, બલિદાન માટે તૈયાર રહેવું વગેરે.

સાયકોલોજિસ્ટ ફ્રેન્ક મેકએન્ડ્રુએ પણ પોતાના પુસ્તક 'આઉટ ઓફ ઊઝ ' માં નોંધ્યું છે કે યુદ્ધ એ પુરુષોએ પેદા કરેલી પરિસ્થિતિ છે અને તે પુરુષો દ્વારા જ કરવામાં આવતી એક્ટિવિટી છે. ક્યારેય સાંભળ્યું છે કે સ્ત્રીઓનું ગ્રુપ ભેગું થયું અને બીજા સ્ત્રીઓના ગ્રુપ સાથે હિંસાત્મકતાથી બાખડ્યું કે યુદ્ધે ચઢ્યું? ઈતિહાસમાં જેટલા પણ યુદ્ધો થયા છે તે પૌરુષત્વના અહંકારને લીધે જ થયા છે. જર,જમીન અને, જોરુ કજિયાના છોરું એ કહેવત અહીં યાદ આવે. ઈવોલ્યુશનરી સાયકોલોજિસ્ટ્સ જેમણે યુદ્ધોનો અભ્યાસ કર્યો છે તેમનું પણ માનવું છે કે યુદ્ધ કરવાની શરૂઆતના મૂળમાં પુરુષોની સત્તા મેળવવાની લાલસા (કોઈપણ પુરુષ પાસે કેટલી જમીન છે તેના પરથી તેનો હોદ્દો નક્કી થતો) અને સ્ત્રીને પામવા માટેની મનસાઓ હતી. 

તેઓ વધુ લખે છે કે જૂથ બનાવીને હિંસાત્મક પ્રવૃત્તિઓ કરવી પુરુષોને ગમતી બાબત રહી છે. જૂથ હિંસાનો અભ્યાસ કરનારા સ્કોલરોને જણાયું છે કે આ રીતે જૂથ હિંસા કરવાની વૃત્તિ પૌરુષત્વની સમાજમાં સ્થાપિત ભૂમિકા કરતા પણ તેના મૂળિયાં ઊંડાં છે. અને એના મૂળમાં તો મેટિંગ પાર્ટનર મેળવવા માટે અને સત્તા સ્થાપિત કરવા માટે પુરુષો વચ્ચે થતી હરીફાઈ જ છે. આ અભ્યાસીઓના મતે આજે પણ યુદ્ધના મૂળમાં તો આડકતરી રીતે એ જ કારણો હોય છે ફક્ત બાહ્ય રીતે દેખાતાં કારણો બદલાયાં છે. જર, જમીન અને જોરુ કજિયાના છોરું એ કહેવતનો મૂળ અર્થ એ છે કે આ ત્રણ બાબતો પર માલિકીભાવ મેળવવા માટે જ યુદ્ધ થતાં હોય છે. જર, જમીન સત્તાના પ્રતીક છે અને સત્તા હોય તો પૈસા અને સુંદર સ્ત્રી મળે એવું ગણિત દુનિયાનું હોવાથી યુદ્ધ થતાં આવ્યા છે. સદીઓ પહેલાં રાજાઓને અનેક રાણીઓ રહેતી તે દર્શાવે છે કે સત્તા અને સંપત્તિ હોય તેથી શક્ય તેટલી સુંદર સ્ત્રી રાખવાની ત્રેવડ હોય છે. એ પરથી પણ સાબિત થાય છે કે સેક્સુઅલ કોમ્પિટિશન પુરુષોમાં વધુ રહી છે. એટલે જ આતંકવાદી જૂથો જેમ કે આઈએસઆઈએસ, દાનેશ વગેરે જેહાદી બનવા યુવાનોને લાલચ આપે છે કે તમે જેહાદી બનશો તો સ્વર્ગમાં તમને હૂર સાથે સેક્સ માણવા મળશે. આતંકીઓ કેટલીય યુવતીઓને સેક્સ ગુલામ બનાવીને રાખે છે તે વાત સહુ જાણે જ છે. એ લોકો એને ધર્મનું યુદ્ધ ગણાવે છે. યુદ્ધના પણ કેટલાય પ્રકાર છે તે વિશે આગળના લેખમાં વધુ માહિતી મેળવીશું હાલમાં તો યુદ્ધની માનસિકતા કઈ રીતે માણસોમાં પેદા થાય છે અને શું કામ પેદા થાય છે તે વિશે જ વાત કરીશું. 

એક નવાઈ એ પણ લાગે કે સમાજમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિની કતલ કરે તો તેને સજા થાય છે પણ યુદ્ધમાં સામી વ્યક્તિની કતલ કરનારનું બહુમાન કરવામાં આવે છે. સામી વ્યક્તિને જેને મારવામાં આવે છે તે પણ કોઈનો દીકરો, ભાઈ, પતિ હોય છે. યુદ્ધનું રાજકારણ કરનારા અને લડનારા એ બે ભાગ અલગ કરીને જોઈએ તો બન્ને પક્ષે લડનારાને મોત અથવા જીવન એ બે જ પસંદગી હોય છે એટલે એકે તો મરવું જ પડે છે. એ મરનાર કોઈપણ પક્ષનો હોય તે શહીદ છે અને જીતનાર વીર બને છે. એ સૈનિકને શું મળે છે તે વિચારીએ કે જોઈએ તો મોત અને થોડા રૂપિયા અને સન્માન સિવાય કશું જ મળતું નથી. જે સુવિધા પૈસા અને સત્તાથી રાજકારણી અને વેપારી મેળવી શકે છે તેના દસમાં ભાગની ય સત્તા કે ધન સૈનિક પાસે હોતા નથી. જે સૈનિકો જીવિત છે તેમની સ્થિતિનો સર્વે કરવાની જરૂર છે. તેમાંના કેટલાક જો જમીન હશે તો ખેડૂત હશે તે તો સારી વાત છે પણ કેટલાક વોચમેનની નોકરી કરતાં પણ જોવા મળશે. એટલે એ સમજવું જરૂરી છે કે સૈનિક બનવાનું પેશન હોવું કે સૈન્યમાં જોડાવાની માનસિકતા માટે તમારે માની લીધેલો દુશ્મન તમને મારે તે પહેલાં તેને રહેંસી નાખવા તૈયાર રહેવાનું હોય છે. આ જ માનસિકતા પાકિસ્તાની, આફ્રિકન, રશિયન કે અમેરિકન કે પછી ભારતીય સૈનિકની તૈયાર કરવામાં આવે છે. ઈવોલ્યુશનરી સાયકોલોજિસ્ટના મતે આ લડાયક માનસિકતા કહો કે વીર બનવાની માનસિકતા કેટલાક પુરુષોમાં હોય જ છે. જેમ વ્યાપારી બુદ્ધિ કે કલાકાર બનાવી શકાતા નથી તેઓ જન્મજાત હોય છે તેમ સેલ્ફલેસ એટલે કે સ્વાર્થી રીતે વિચાર્યા વિના બલિદાન આપવાની વૃત્તિ કેટલાકમાં હોય છે. એટલે જ લશ્કરી તાલીમમાં દરેક પુરુષ પાસ નથી થઈ શકતો. એટલે પણ સૈન્યમાં જનારને આદરની દૃષ્ટિએ જોવામાં આવે છે. હજી વાત એટલેથી અટકતી નથી જે સૈનિકો વીરતા બતાવી જાણે છે તેમને જ સફળ માનવામાં આવે છે. બાકીનાને કોણ યાદ કરે છે? 

યુરોપિયન સાયકોલોજિસ્ટે એક સંશોધન કર્યા પ્રમાણે આર્મીમેન પુરુષોમાં અને સ્ત્રીઓ બન્ને જાતિમાં આદર અને સન્માન મેળવતો હોય છે. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન ૪૬૪ સૈનિકો જેમને વીરતા દાખવવા માટે મેડલ મળ્યા હતા તેમને વધુ બાળકો હતાં જ્યારે જે સૈનિકોને કોઈ મેડલ નહોતા મળ્યા તેમને વીર સૈનિકોની સરખામણીમાં ઘણા ઓછાં બાળકો હતાં. સાયકોલોજિસ્ટ આ પરથી તારણ કાઢે છે કે હીરોઈઝમ રિપ્રોડક્ટિવ સફળતા પણ અપાવે છે. બીજા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે સ્પોર્ટસ કે વ્યાપારી હીરોઝ કરતાં પણ યુદ્ધના હીરોને સ્ત્રીઓ વધુ આકર્ષક માને છે. જ્યારે ત્રીજા અભ્યાસમાં જણાયું કે સ્ત્રી વીર યોદ્ધાઓ માટે પુરુષોને કોઈ આકર્ષણ હોતું નથી. પહેલાંના જમાનામાં યુવાનો યુદ્ધમાં જઈ આવ્યા હોય તેઓ આખી જિંદગી પોતાના જૂથમાં ચઢિયાતું સ્થાન ધરાવતા હતા. 

યુદ્ધ થવાનાં કારણો અને માનસિકતાની વાત હજી અનેક રીતે જુદી છે પણ યુદ્ધ માટે જરૂરી સૈનિકોની માનસિકતા પણ જોવી જાણવી જરૂરી છે. હિટલર એકલો આટલો નરસંહાર ન કરી શક્યો હોત. તેની માનસિકતા સાથે બીજા પુરુષો પણ સહભાગી હતા. એલેકઝાન્ડર સાથે મોટું સૈન્ય માર્ચ કરતું હતું. આજે રાજાઓ નથી રહ્યા પણ રાજકારણીઓની માનસિકતા રાજા જેવી જ હોય છે. 

ગયા અઠવાડિયે ભારતીય સેનાએ એલઓસી ક્રોસ કરી જે પરાક્રમ કર્યુંં ત્યારબાદ આખાય દેશની હવા બદલાઈ ગઈ. એવું તો શું થયું કે લોકોમાં ઉત્સાહ અને જોમ છલકાવા લાગ્યા? એક નાનકડું સર્જિકલ ઓપરેશન જ હતું, પણ અત્યાર સુધી ટીકા કરતાં વિરોધ પક્ષો પણ એક જ સૂરમાં બોલવા લાગ્યા હતા. આ યુદ્ધ નથી પણ યુદ્ધ જેવું વાતાવરણ રચાઈ ગયું હતું. વૉરની એટલે કે યુદ્ધની સાયકોલૉજીનો અભ્યાસ કરીને સૌ પ્રથમ પુસ્તક 'ધ મોરલ ઈક્વિવેલન્ટ ઑફ વૉર' ૧૯૧૦ની સાલમાં લખનાર વિલિયમ જેમ્સ લખે છે કે યુદ્ધ લોકોને ગમે છે, કારણ કે તેની પોઝિટિવ સાયકોલૉજિકલ ઈફેક્ટ હોય છે. વ્યક્તિગત અને સામાજીક બન્ને રીતે યુદ્ધ હકારાત્મક વાતાવરણ ઊભું કરતું હોય છે. જ્યારે યુદ્ધનો ભય હોય ત્યારે લોકોમાં એકજૂટ બનીને સંપ પેદા કરવાની ભાવના જન્માવે છે. ફક્ત લશ્કર જ નહીં પણ આખોય સમાજના લોકો એક સૂત્રે બંધાઈને રહે છે. 

જેમ્સ કહે છે કે તેને કારણે લોકોમાં શિસ્ત આવે છે. સમાજનું એક સામાન્ય ધ્યેય ઊભું થાય છે. યુદ્ધની કવાયત સામાન્ય નાગરિકને પણ આદરપૂર્ણ અને સ્વાર્થરહિત વર્તવાની પ્રેરણા આપે છે. આવું જ કંઈક આપણે જો હાલમાં ન અનુભવ્યું હોત તો યુદ્ધ બાબતે આ વાત માનતા કદાચ થોડો ખચકાટ થાત. વિલિયમ જેમ્સ કહે છે કે યુદ્ધ લોકોમાં સામાન્યપણે ન દેખાતા ગુણો બહાર લાવે છે, જેમ કે શિસ્ત, બહાદુરી, નિસ્વાર્થ અને સમર્પણ. 

વિશ્ર્વનો ઈતિહાસ તપાસતા ખયાલ આવે કે લોકો એકબીજા સાથે શાંતિથી રહી શકતા નથી. આમ જોઈએ તો પાકિસ્તાનનો જન્મ ભારતમાંથી જ થયો છે. પાકિસ્તાનની સાથે જો આપણા સૌહાર્દપૂર્ણ સંબંધો હોય તો આખીય દુનિયાને ભારે પડી શકે એમ છે. બે ભાઈઓ જુદા થાય પણ બહારના આઘાતો સામે બન્ને એકબીજાની પડખે ઊભા રહી એક યુનિટ બની શકે છે. પણ એવું બની શક્યું નથી. ગાંધીજી નહોતા જ ઈચ્છતા કે ભારતના ટુકડા થાય, પણ જો ન થાય તો પણ આંતરિક હિંસક યુદ્ધો હુલ્લડોને નામે થતાં જ હતા અને તેને માટે ઝીણાને જવાબદાર માનવામાં આવે છે. તેમણે જો પાકિસ્તાનનો આગ્રહ ન રાખ્યો હોત તો ....ખેર, રાત ગઈ બાત ગઈ, પણ હવે છૂટા થયા બાદ પણ વિખવાદો ખતમ થઈ શકતા નથી, કારણ કે પાકિસ્તાનને શાંતિ ગમતી નથી. સ્ટીવ ટેઈલર જેમણે યુદ્ધની માનસિકતા વિશે સંશોધન કર્યું છે તેમનું કહેવું છે કે આદિકાળથી માનવને શાંતિથી રહેવાનું ફાવ્યું નથી એટલે જ તેમને જે લખાયેલો ઈતિહાસ મળે છે તેમાં ૩૦૦૦ વરસ પહેલાંના ઈજિપ્ત અને સમેર સિવિલાઈઝેશનની વાત છે. સ્ટીવ કહે છે કે ત્યારથી લઈને અત્યાસ સુધી સતત ઈતિહાસના પાના પર લોહિયાળ યુદ્ધો આલેખાયેલા મળે છે. ૧૭૪૦થી લઈને ૧૮૯૭ની સાલની વચ્ચે પૃથ્વીએ ૨૩૦ યુદ્ધો અને રિવોલ્યુશન ફક્ત યુરોપમાં થયા છે. તે સમયે યુરોપના દરેક દેશ લશ્કર પાછળ ખર્ચા કરીને આર્થિક રીતે પણ ખુવાર થઈ ગયા હતા. ઓગણસમી અને વીસમી સદીની શરૂઆતમાં યુદ્ધ ઓછા થયા હતા, પણ તે ટૅક્નોલૉજીના ઉપયોગને કારણે યુદ્ધ જલદી ખતમ થઈ જતા હતા. જો કે તેનાથી યુદ્ધને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા લાખો પર પહોંચી ગઈ હતી. ૧૭૪૦ અને ૧૮૯૭ દરમિયાન ૩ કરોડ લોકો યુદ્ધને કારણે મૃત્યુ પામ્યા હતા તો ફક્ત પહેલાં વિશ્ર્વયુદ્ધમાં ૫૦ લાખથી એક કરોડ ત્રણ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા તો બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન ૫ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડાઓ એટલા ચોંકાવનારા હતા કે ત્યારબાદથી યુદ્ધ ઓછા થતા ગયા. 

છેલ્લા કેટલાક સમયથી આપણે ટેલિવિઝન પર ચર્ચાઓ થતી જોઈએ છે કે પાકિસ્તાન ન્યૂક્લિયર બૉમ્બ ફેંકી શકે ખરું. ભારત પાસે પણ ન્યૂક્લિયર શક્તિ છે પણ તેનો ઉપયોગ યુદ્ધમાં ન કરવાની વિવેકબુદ્ધિ છે. હીરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બના ઝખમો હજી ભરાયા નથી. તે છતાં યુદ્ધો થયા જ છે અને યુદ્ધ થવાનો ડર સતત તોળાતો જ રહે છે માનવજાતિના માથે. મોટાભાગના સાયકોલૉજિસ્ટનું માનવું છે કે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધુ હોવાથી અને સેરોટેનીનનું પ્રમાણ ઓછું થાય ત્યારે આક્રમકતા તેમનામાં વધે છે. આક્રમક વલણ તેમને હિંસા તરફ દોરી જાય છે. વળી માનવજાત સ્વાર્થી પણ ખરી પોતાની પાસેની માલમત્તા સાચવવાનો પ્રયત્ન કરે જેથી તે ટકી શકે. મોટાભાગના યુદ્ધો જમીન માટે જ થતા હોવાનું ઈતિહાસમાં નોંધાયું છે.

આપણી પાસે બે યુદ્ધોની કથાઓ છે. રામાયણ અને મહાભારત. પહેલું યુદ્ધ સીતાને માટે રામે રાવણની સાથે કર્યું. તેના અનેક પ્રતિકાત્મક અર્થોની ચર્ચાઓ આજદિન સુધી વિદ્વાનો કરતા આવ્યા છે. બીજું મહાભારતનું યુદ્ધ જમીન-સત્તાને માટે ભાઈઓની વચ્ચે થયું. દ્રૌપદીના બોલવા માત્રથી યુદ્ધ થાય એવું કહેનારા અને માનનારાઓને પૂછવું પડે કે તો શું દુર્યોધન અને દ્રૌપદીના પાંચે પતિઓ સાવ મૂરખ હતા? ખેર, એ બધા વાદવિવાદો વરસોથી વિદ્વાનો વચ્ચે થતાં રહ્યા છે, પણ મહાભારતના યુદ્ધનું ફલશ્રુતિ હતી ફક્ત ૧૨ જણ જીવિત રહ્યા હતા. યુદ્ધ ન થાય તેના પ્રયત્નો કર્યા હતા કેશવે પણ કૌરવો માન્યા નહીં. પાંડવો તો કૃષ્ણના આદેશને ઉલ્લંઘવાનો પ્રયાસ પણ ન કરત. સત્તા અને અહંકાર પુરુષને ખુવાર થવા માટે પ્રેરિત કરે છે. બાકી વૈચારિક દૃષ્ટિએ જોઈએ તો કાશ્મીર માગનારાઓ મેળવીને મૃત્યુ બાદ સાથે તો નહીં જ લઈ જઈ શકે ને? આ સમજ હોવા છતાં ફક્ત બે રૂપિયા માટે પણ પુરુષો એકબીજાને રહેંશી નાખતા અચકાતા નથી. પુરુષ સમોવડા થવામાં સ્ત્રીઓ પણ ઠંડે કલેજે સગી દીકરીને પણ પૈસા જે સત્તા આપે છે તેને માટે રહેંશી નાખતા અચકાતી નથી. સત્તા મેળવવા માટે રાજકારણીઓ ન તો શાંતિથી સૂવે છે અને ન બીજાને શાંતિથી સૂવા દે છે. રાજકારણ અને લશ્કરનો હાથો બનનારા વ્યક્તિઓની પણ સત્તામાં ભાગ મેળવવાની મહેચ્છા હોય છે. અને એટલે જ મોટું જૂથ બને છે લડનારાઓનું જેને આપણે લશ્કર પણ કહી શકીએ. સત્તા મેળવવા માટે લડનારા સામે બચાવ માટે બીજું લશ્કર તમારે ઊભું કરવું પડે છે. જે અત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ રહ્યું છે તે બે ભાઈઓ વચ્ચે થતા ઝઘડાંથી વધુ કંઈ જ નથી. તેમાં એક ભાઈ વિવેકહીન છે જે પોતાની ભલાઈ પણ સમજવા નથી માગતો, કારણ કે ઝઘડા કે યુદ્ધ લડનારા બન્ને જૂથને નુકસાન પહોંચાડે છે. મહાભારતમાં કૌરવો ખતમ થઈ ગયા પણ પાંડવોએ પણ ઘણું ગુમાવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે પણ વધુ જમીન અને સત્તા મેળવવા માટે યુદ્ધ થયા કરે છે. ઈઝરાયેલ અને પેલેસ્ટિયન, ઈઝરાયેલ અને અરબ દેશ મળીને છેલ્લાં સાઈઠેક વરસમાં આઠ ઉપરાંત યુદ્ધ કરી ચૂક્યું છે. આઈએસઆઈએસ, તાલિબાન, અલકાયદા વગેરે સંગઠનો પણ સત્તા મેળવવા માટે લડી રહ્યા છે. તેમના સંગઠનોમાં પણ સત્તા માટેના રાજકારણ ચાલતા હોય છે. તેમનામાં લડવાની વિવેકબુદ્ધિ નથી અને તેમને ખબર છે કે તેઓ ખોટા છે અને સામી છાતીએ લડશે તો હારી જશે એટલે તેઓ ખોટી રીતે લડીને સામાન્ય નાગરિકોની શાંતિ ભંગ કરવાનો કાંકરીચાળો કરે છે. તેમને હથિયારો ક્યાંથી મળે છે? પૈસા કોણ આપે છે ? તેનું પણ એક સત્તાકારણ છે. અને તે સૌ કોઈ જાણે છે. સામાન્ય નાગરિકો એક થઈને આવા સત્તાખોરની સામે થતા નથી એટલે નુકશાન થાય છે, પણ તેમાં એ નાગરિકોનો પણ વાંક નથી. તેઓ શાંતિથી પોતાનું દરરોજનું જીવન ગુજારતા હોય છે. તેમને સુખ-શાંતિ સિવાય કશું ખપતું નથી, પણ પાણી જો માથા પરથી વહેવા લાગે તો સિવિલ વોર થાય છે. 

ગાંધીજીની આગેવાની હેઠળ આપણે પણ સત્યાગ્રહ કરેલો તે અહિંસાના મૂળ સિદ્ધાંત પરની લડાઈ હતી, જે પછી મંડેલાએ આફ્રિકામાં પણ અપનાવી હતી. સ્ટીવ પણ કહે છે કે યુદ્ધ મોટે ભાગે જૂથની ઓળખની મમત માટે થતા હોય છે. ગોરા-કાળા, યહૂદી અને નાઝી, હિન્દુ-મુસ્લિમ, ખ્રિસ્તી અને હવે તો જ્ઞાતિઓના જૂથ પણ આપણે ત્યાં બની રહ્યા છે. પાટીદાર, મરાઠા, દલિત વગેરે વગેરે ઉપરાંત બે રાજ્યો વચ્ચે પણ યુદ્ધ થઈ શકે. દરેકને પોતાના જૂથ માટે મમત હોય તે સમજી શકાય પણ તેમને બીજા જૂથ સામે વાંધાઓ હોય છે. 

આખાય વિશ્ર્વમાં આવા બે જૂથો આંતરિક કલહમાં એકબીજાને કાપી રહ્યા છે. સાયકોલોજિસ્ટને જે ખતરો દેખાય છે તેમાં મોરલ એક્સક્લુઝનની બાબત છે. બીજા જૂથના મૂલ્યો અને માનવીય અધિકારોનું હનન કરવામાં આવે છે. આઈએસઆઈએસ દ્વારા યઝદી નાગરિકો અને સ્ત્રીઓ પર થતાં અત્યાચાર તાજેતરનું ઉદાહરણ છે. એક જૂથ, બીજા જૂથની વ્યક્તિઓને માનવીય મૂલ્યને લાયક ગણતી નથી એટલે જ તેઓ બર્બર હિંસા તેમના પર આચરી શકે છે. 

જો કે, સારા ખબર એ પણ છે કે બીજા વિશ્ર્વયુદ્ધના વિનાશ બાદ યુરોપિન દેશો ફ્રાંસ, જર્મની, ગ્રેટ-બ્રિટન, સ્પેન, હોલેન્ડ, પોલેન્ડ, રશિયામાં ઘણા લાંબા સમયથી શાંતિ જળવાઈ રહી હતી. સ્ટીવન પિંકર નામના અભ્યાસીએ આ નોંધ્યું છે તેમના મતે ૧૯૮૦ બાદ આંતરિક વિગ્રહોનું પ્રમાણ જ વધ્યું છે. તે છતાં ઈન્ટરનેટના કારણે વૈશ્ર્વિક વિશ્ર્વ બનવાને કારણે જૂથવાદ ઓછો થઈ રહ્યો છે ખરો નહીં તો પરિણામ આનાથી પણ ખરાબ આવી શકત. આપણે આશા કરીએ કે ભારત-પાકિસ્તાનની સમસ્યાઓ યુદ્ધ વિના ઉકેલાય. ઓમ શાંતિ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment