Saturday, 25 June 2016

[amdavadis4ever] નેગેટિવિટીના ન ામનું નાહી નાખો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



છઠ્ઠા ધોરણમાં ભણતી એક ગુજરાતી છોકરીને આખું વરસ એક ટીચર સાથે પનારો પાડવો પડ્યો હતો. એ શિક્ષિકા તેને મુદ્દલે ગમતી નહોતી. અંગ્રેજી ભાષા શીખવતી આ શિક્ષિકા આમ તો આખા ક્લાસમાં કોઈને ય ગમતી નહોતી. વિદ્યાર્થીઓ તેની પીઠ પાછળ તેની ટીકા કરતા રહેતા. તે શિક્ષિકાને ભણાવતા નહોતું આવડતું એવું આ ગુજરાતી છોકરીને પણ લાગતું હતું. તે ટીચર કારણ વગર હરહંમેશ ચીડાતા રહેતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો આ છોકરીને અંગ્રેજીનો વિષય શીખવાડતી એ ટીચર માટે ખૂબ નેગેટિવિટી હતી. ટીચર ન ગમતી હોવા છતાં આખું વરસ તેને સહન કર્યા સિવાય ક્લાસમાંના અન્ય વિદ્યાર્થીઓની જેમ આ છોકરી પાસે બીજો કોઈ વિકલ્પ તો હતો જ નહીં. છઠ્ઠા ધોરણની છેલ્લી પરીક્ષા પૂરી થઈ એ દિવસે આ અગિયાર વર્ષની છોકરીએ એક મોટો કાગળ લીધો અને એ કાગળ પર મોટા અક્ષરે તેની આ અણગમતી ટીચરનું નામ લખ્યું અને પછી જાણે ભીતર ભરાયેલી બધી જ નેગેટિવિટીને બહાર ઠાલવતી હોય એમ આક્રોશ સાથે એ કાગળના નાના-નાના ટુકડા કર્યા અને કારની બારીમાંથી બહાર ઉડાડી દીધા. તે અણગમતી ટીચર વિશેનો અણગમો ભીતર સંગ્રહી રાખવાને બદલે એને કાગળ પર ઠાલવી, એ કાગળના ટુકડે-ટુકડા કરી બારીની બહાર અને એ રીતે પોતાની સિસ્ટમની બહાર ફેંકી દેવાની આગવી રીત આ છોકરીએ શોધી કાઢી હતી.

આનાથી તદ્દન વિપરીત કહી શકાય એવા એક કિસ્સામાં ૭૨ વર્ષના રમણીકભાઈ અચાનક તેની સાથે સ્કૂલમાં ભણતા યોગેશભાઈને પચાસેક વર્ષ પછી મળ્યા. થોડીક ઔપચારિક વાતચીત પછી રમણીકભાઈએ કહ્યું, "યોગેશ, તને યાદ છે પાંચમા ધોરણમાં તેં મારો નવોનક્કોર કંપાસબોક્સ તોડી નાખ્યો હતો." યોગેશભાઈને આમાંનું કશું યાદ નહોતું પણ રમણીકભાઈએ આટલા વર્ષો તેના આ દુ:ખને સંગ્રહી રાખ્યું હતું.

નેગેટિવિટી અથવા નકારાત્મકતા આપણા શરીરને નુકસાન કરે છે એ માહિતી આજના ડિજિટલ યુગમાં લગભગ બધા પાસે જ છે, પરંતુ આપણી મુશ્કેલી એ છે કે આ નેગેટિવિટી આપણા શરીર, મન અને જીવન માટે નુકસાનકારક છે એની જાણ હોવા છતાં આપણે એમાંથી મુક્ત થઈ શકતા નથી. 

વેલ, એનું એક કારણ કદાચ એ છે કે આપણને આપણા દુ:ખ સાથે મહોબ્બત થઈ જાય છે. માન્યામાં ન આવે એવી વાત છેને! પણ જો ભીતર ડોકિયું કરશો તો તમને કદાચ આ વાતનો અહેસાસ થશે. આ વાતને સમજાવતા માઇન્ડ મેકેનિઝમ નામના પુસ્તકમાં એક બહુ જ સરસ અને સાચુકલું ઉદાહરણ આપવામાં આવ્યું છે.

ફ્રેન્ચ ક્રાંતિ વખતે અનેક લોકોને સૂર્યનું એક પણ કિરણ ન પ્રવેશી શકે એવી અંધારી કોટડીઓમાં પૂરવામાં આવ્યા હતા. આ કોટડીઓમાં બાથરૂમ કે જાજરૂની પણ વ્યવસ્થા નહોતી અને કેદીઓને સાંકળોથી બાંધવામાં આવ્યા હતા એટલે એવી ગંધાતી કોટડીઓમાં તેઓ લાંબા સમય સુધી પૂરાયેલા રહ્યા હતા. ક્રાંતિકારીઓ જ્યારે પોતાની ચળવળમાં સફળ થયા ત્યારે તેમણે સત્તાધીશો દ્વારા કોટડીમાં પૂરવામાં આવેલા આ કેદીઓને આઝાદ કરવા માંડ્યા. પરંતુ તેમના આશ્ર્ચર્ય વચ્ચે એક વિચિત્ર ઘટના બની. જે કેદીઓને તેમણે છોડાવ્યા હતા તે કેદીઓ પોતે જ ફરી પાછા તે કોટડીઓમાં જઈને બેસી જતા અને જાતે જ હાથ-પગમાં સાંકળો બાંધી લીધી. જ્યારે આ કેદીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હવે આ કોટડીઓમાં જ રહેવાની તેમને આદત થઈ ગઈ છે અને તેઓ આટલો બધો સૂર્યપ્રકાશ સહન નથી કરી શકતા.

શક્ય છે કે પહેલી નજરે કોઈને આ વાત વાહિયાત લાગે પણ આપણે ય આપણી અંદર એવી કેટલીય નક્કામી અને ગંધાતી લાગણીઓ લઈને નથી જીવી રહ્યા? અમારી એક પરિચિત મહિલાના ભાઈનો રેડીમેડ કપડાંનો શોરૂમ હતો. બહેનની આર્થિક સ્થિતિ બહુ સધ્ધર નહોતી એટલે તે પોતાના ભાઈની દુકાનેથી પતિ માટે અને બાળકો માટે કપડાં લઈ આવતી. તેના ભાઈની દુકાનમાં તેનું ખાતું હતું અને વર્ષમાં એકાદવાર જ્યારે બહેન પાસે પૈસાની સગવડ થાય ત્યારે તે બાકી રાખેલી રકમ ચૂકવી આવતી. એક વખત ભાઈ-બહેન વચ્ચે કંઈ ઝઘડો થયો અને લાંબો સમય સુધી તેમની વચ્ચે અબોલા રહ્યા. આ દરમિયાન ભાઈને પૈસાની જરૂર પડી હશે કે ગમે તેમ પણ તેણે દુકાનના માણસ હસ્તક બાકી રહેલી રકમનું બિલ મોકલી આપ્યું. આને કારણે બહેનને વધારે માઠું લાગ્યું. આ બહેને રકમ તો ચૂકવી દીધી પણ વર્ષો સુધી બિલનું એ કાગળિયું પોતાના કબાટમાં રાખી મૂક્યું. જ્યારે-જ્યારે તે એ બિલ જુએ ત્યારે તે આખી ઘટના યાદ કરીને તે રડી પડતી હતી. થોડા સમય બાદ ભાઈ-બહેન વચ્ચે સમાધાન પણ થઈ ગયું અને આજે તો તે ભાઈ હયાત પણ નથી છતાં એ બિલ બહેને સાચવી રાખ્યું છે.

આપણને કંઈ વાગે તો આપણે એ ઝડપથી રૂઝાઈ જાય એના પ્રયાસ કરીએ પણ જો કોઈએ ગાળ આપી હોય, દુ:ખ કે પીડા આપી હોય તો એ જખમને વરસો સુધી ખોતર-ખોતર કરીને એને તાજું રાખીએ. કોઈ સ્વજન કે મિત્ર દ્વારા આપણી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે તો આપણને દુ:ખ થાય એ સ્વાભાવિક છે, પણ એક વખત એ સમય પસાર થઈ ગયો અને આપણે પણ પ્રતિભાવમાં જે કંઈ કરવાનું હતું એ કરી દીધું પછી એ સ્મૃતિનો બોજ લઈને આખી જિંદગી ચાલ્યે રાખવાથી કોઈ ફાયદો તો થતો જ નથી નુકસાન જ નુકસાન થાય છે. 

આપણામાંના મોટાભાગના લોકો આવી નેગેટિવ સ્મૃતિઓના પોટલાંના પોટલાં ઉંચકી-ઉંચકીને ફરે છે અને પછી એના ભાર નીચે દબાઈ મરે છે.

વારે-તહેવારે આપણે આપણા ઘર કે ઑફિસના કબાટ, ખાનાંઓ વગેરે સાફ કરતા રહીએ છીએ. નક્કામી ફાઈલો અને કાગળિયાઓનો નિકાલ કરી નાખીએ છીએ. ઘણાં લોકોને તો પોતાનું ઇ-મેઇલ બોક્સ પણ સાફસુથરું રાખવાની ટેવ હોય છે. પોતાના પર આવેલા ઇ-મેઇલનો પ્રત્યુત્તર આપવાનો હોય તો એ આપીને અથવા એમાં જે સંદેશાઓની આપ-લે થઈ હોય એ પ્રોજેક્ટ પૂરો થાય એટલે તેઓ એને ડિલીટ કરી નાખે છે. આવું જ આપણે આપણા મનનું પણ કરીએ તો? નેગેટિવિટીને ટ્રેશ બોક્સમાં પણ ન નાખવી પણ કાયમ માટે જ ડિલીટ કરી દેવી.

આ રીતે નકારાત્મકતાને ફગાવી દેવાના અનેક રસ્તાઓ છે. હમણાં જ આપણે યોગ દિવસ ઉજવ્યો છે. હકીકતમાં રોજ જ યોગ દિવસ હોવો જોઈએ. મનમાં જ નહીં પણ શરીરના કોષમાં પણ ભરાઈ ગયેલી નકારાત્મકતાને બહાર ધકેલી દેવા માટે યોગના આસનો, પ્રાણાયામ અને કેટલીક યૌગિક શુદ્ધ ક્રિયાઓ સૌથી અસરકારક સાધન છે. યોગ તેમ જ અન્ય શાસ્ત્રોમાં આપેલી કેટલીક ધ્યાનવિધિઓ પણ શરીર અને મનમાં પલાંઠી વાળીને બેસી ગયેલી નકારાત્મકતાને ચોટલો ઝાલીને બહાર કાઢી શકે છે અને કેટલાક આધુનિક ગુરુઓએ ટેક્નોલોજીની મદદથી આપણને એ ઉપલબ્ધ પણ કરી આપી છે.

આપણે દિવાળીમાં ઘર સાફ કરીએ છીએ ત્યારે નક્કામી વસ્તુઓની સાથે-સાથે નક્કામી લાગણીઓ, દુ:ખ, પીડા, ગેરસમજો પણ મનમાંથી કાઢી નાખીએ એવો એક ભાવ હોય છે. ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાના ઘણાં દેશોમાં નેગેટિવિટીને મનમાંથી ધક્કા મારીને બહાર કરી દેવાની જાતભાતની ટેક્નિકો છે. ઈટાલીમાં તો એવી પરંપરા છે કે દર વર્ષની ૩૧મી ડિસેમ્બરે લોકો ઘરમાંની નકામી વસ્તુઓનો રીતસર બારીમાંથી ઘા કરે છે. ૩૧મી ડિસેમ્બરે રાહદારીઓ રસ્તા પર પણ સાચવી-સાચવીને ચાલે છે કારણ કે કયા ઘરની બારીમાંથી કઈ વસ્તુ માથે આવી પડશે કંઈ કહેવાય નહીં! વસ્તુઓ ફેંકવી પ્રતીકાત્મક છે ખરેખર તો લોકો પોતાની નેગેટિવિટી ફેંકવાનો પ્રયાસ કરતા હોય છે.

આપણે ત્યાં આપણે દશેરામાં રાવણનું પૂતળું સળગાવી આપણી ભીતરની રાક્ષસી વૃતિઓનું દહન કરીએ છે. અમેરિકા ખંડના ઉત્તર તરફ આવેલા ઇક્વેડર નામના નાનકડા દેશમાં વર્ષના અંતમાં પ્રતીકાત્મક રીતે એ વર્ષની નનામી બાળવાની પરંપરા છે. જે વર્ષ વીતી ગયું એમાં જે કંઈ નકારાત્મક બાબતો બની હોય એને સળગાવી નાખવાની. જેમ આપણે દિવાળીમાં ઘર સાફ કરીએ છીએ અને એક સ્વચ્છ, સુઘડ ઘરમાં રિદ્ધિ, સિદ્ધિ અને લક્ષ્મીજીનો અને મનમાં વિષ્ણુનો વાસ થાય એવો ભાવ રાખીએ છીએ એમ જાપાનમાં પણ વર્ષના અંતે 'ઓસોજી' કરવામાં આવે છે. ઓસોજી એટલે ઘર-દુકાન-ઑફિસની સાથે-સાથે મનની સાફસફાઈ. ઓસોજી કરીને તેઓ 'તોસીગામી-સામા' એટલે કે નવા વર્ષના દેવને આવકારે છે.

લગભગ દરેક ધર્મ અને પરંપરાઓમાં મનને નકારાત્મકતાથી ખાલી કરી નાખવાની પોતપોતાની આગવી રીત છે. આવી કોઈ રીતરસમ દ્વારા કે પછી શરૂઆતમાં જે નાનકડી છોકરીની વાત કરી એ રીતે પોતાની કોઈ આગવી રીત શોધીને કે ગમે તેમ પણ નેગેટિવિટીમાંથી મુક્ત થઈ જવું. બીજું કંઈ ન સૂઝે તો મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે. એકાદ દિવસ ધોધમાર વરસાદમાં ઊભા રહીને નેગેટિવિટીના નામનું નાહી જ નાખજો. ઉનાળાની ગરમીમાં સુકાઈ ગયેલા, ધૂળથી આચ્છાદિત વૃક્ષ વરસાદ પડવાની સાથે જેમ ગરમીની ગઈ ગુજરીને ભૂલી જઈ લીલુંછમ્મ થઈ જાય છે એમ મન પણ તરોતાજા થઈ જશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment