Sunday, 5 June 2016

[amdavadis4ever] લે આ પેંડો અને લાવ તારી કડલી!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મંદિર મને ગમે છે અને આમ છતાં હું ભાગ્યે જ મંદિરમાં જતો હોઉં છું. મારા એક મિત્ર નિયમિત અમુક ચોક્કસ મંદિરે જ, એમણે માનેલા એક ખાસ દેવનાં દર્શન કરવા જાય છે. એમણે હમણાં વાતવાતમાં સરસ વાત કરી. આ મિત્ર ભગવાનની મૂર્તિ સામે પહોંચ્યા ત્યારે મંદિરમાં ખાસ ભીડ નહોતી. છૂટાછવાયા સાત-આઠ દર્શનાર્થીઓ ઊભા હતા. એ પૈકી બે દર્શનાર્થીઓ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. મિત્રને આ ગમ્યું નહિ એટલે એમણે પેલા વાતોડિયાઓને સહજ ભાવે કહ્યું- 'તમે અહીં શા માટે વાતો કરો છો? શાંતિ જાળવો. વાતો કરવી હોય તો કૃપા કરીને બહાર જાઓ.' પેલા વાતોડિયાઓ નારાજ થઈ ગયા. એમણે રોષપૂર્વક કહ્યું, 'તમારે અમારી વાતો શા માટે સાંભળવી જોઈએ? તમારા દર્શનના કામમાં અમે વચ્ચે નથી આવતા. તમે દર્શન કરીને જતા રહો.' એમના આ પ્રતિવાદનો કંઈ જવાબ વાળી શકાય એમ હતો જ નહિ. મિત્ર શાંતિથી બહાર નીકળી ગયા.

સોમવારે શિવ મંદિરે, મંગળવારે ગણેશ મંદિરે, ગુરુવારે સાંઈબાબાના મંદિરે, શુક્રવાર સંતોષીમાતાનો, શનિવાર હનુમાનજીનો. આ તો થોડાંક ઉદાહરણો છે. બીજા દેવદેવીઓ માટે પણ વારનાં ચોક્કસ ખાનાં આપણે નિર્માણ કર્યાં છે. હિંદુઓએ જ આમ કર્યું છે એમ નથી. જુમ્મે રાત મુસલમાનોની પણ છે અને સન્ડે પ્રેયર ખ્રિસ્તીઓએ પણ નિર્ધારિત કરી છે. આ ચોક્કસ વારને અને કોઈપણ ચોક્કસ દેવને પરસ્પર શી રીતે સંબંધ સ્થાપિત થયો હશે એ સમજી નથી શકાતું.

મંદિરે દર્શન કરવા જતો માણસ ભાગ્યે જ પ્રાર્થના માટે જતો હોય છે. મોટાભાગે એને કશુંક માગવું હોય છે. પોતાની કોઈક ઈચ્છાની પૂર્તિ માટે એ મૂર્તિમાં રહેલા ભગવાનને વિનવતો હોય છે. અભ્યાસ, ધંધો, નોકરી, પારિવારિક પ્રશ્ર્ન, કોઈક કાયદાકીય કે અન્ય ગૂંચવણોમાંથી મુક્તિ, માંદગીમાંથી સાજા થઈ જવું આવી કોઈક ને કોઈ માંગણીને આ દર્શનાર્થી પ્રાર્થના કહેતો હોય છે. આ પ્રાર્થના નથી. મંદિરના દરવાજાની બહાર ફૂટપાથ પર બેઠેલા માણસો અને આ દર્શનાર્થીઓ વચ્ચે માત્ર પાંચ-દશ ફૂટનું ભૂ-અંતર જ હોય છે. મંદિર સ્થિત ભગવાને આખા દિવસમાં આવા સેંકડો અરજદારોની અરજીઓ સાંભળવાની હોય છે. આ પૈકી કેટલીક અરજીઓ પરસ્પરની વિરુદ્ધ પણ હોય છે. એક અરજદાર એવું કહેતો હોય છે કે વહેલો વરસાદ આવે તો સારું. બરાબર એ જ વખતે બીજો અરજદાર ભગવાન સામે હાથ જોડીને, આંખ મીંચીને કહેતો હોય છે- 'વરસાદ થોડોક લંબાય તો સારું. મારી ફેકટરીના માલ બહાર ખુલ્લામાં પડ્યો છે અને ગોડાઉનનું રિપેરિંગ હજુ પૂરું નથી થયું.' ભગવાન બેમાંથી કોની પ્રાર્થના સાંભળે? બેય જણ પોતે ભક્ત હાવાનો દાવો કરતા હોય છે.

કેટલાક દર્શનાર્થીઓ પોતાને પરમ ભક્ત માનતા હોય છે. તેઓ પોતાના માટે કશું નથી માંગતા. તેઓ ભગવાનને કહેતા હોય છે- 'હે ભગવાન, સહુનું કલ્યાણ કરજે.' આવા ભક્તોની આ પ્રાર્થના સાંભળીને કદાચ ભગવાન પણ હસતો હશે. માણસને એના કર્મ પ્રમાણે ફળ મળવા જોઈએ. જેણે થોર વાવ્યો હોય એને થોર ઉપર કેરી જેવું ફળ મળે નહિ, જો ભગવાને સહુનું કલ્યાણ કરવાનું હોય તો થોર વાવનાર સકરમીઓને પણ કેરી મળવી જોઈએ પણ આમ થાય નહિ, થવું પણ ન જોઈએ. ભગવાને માણસને કર્મ કરવાનો છૂટો દોર આપ્યો છે એટલે જેઓ જેવું કર્મ કરે, તેઓ એવું જ પામે, એ જ ભગવાનનો ન્યાય કહેવાય. એના ન્યાયના માર્ગમાં વચ્ચે આવીને જો તમે એને સહુનું કલ્યાણ કરવાની ભલામણ કરો તો એનો અર્થ એવો થયો છે કે ભગવાને શું કરવું એની એને ખબર નથી.

મંદિરે જઈને માણસ જ્યારે ભગવાન પાસે કશુંક માંગે છે ત્યારે એનો અર્થ એટલો જ થાય છે કે જે એનું હકદાવાપૂર્વક નથી એના માટે એ ટળવળે છે. મારા બૅંકના ખાતામાં જો પૂરતા પૈસા હોય તો ચેક વટાવતી વખતે મારે બૅંકના મૅનેજર પાસે જઈને વિનંતી નથી કરવી પડતી. હવે તો ચેક વટાવવાની પણ જરૂર નથી પડતી. એટીએમમાંથી મેં અગાઉ ડિપોઝિટ કરેલાં નાણાંમાંથી ગમે ત્યારે ગમે એટલાં નાણાં ઉપાડી શકું છું. કોઈની ભલામણની, લાગવગની કે મહેરબાનીની કોઈ જરૂર નથી.

બરાબર એ જ રીતે, તમે પૂર્વે કરેલાં કર્મોના હિસાબે અમુકતમુક સુખ સગવડ કે અન્ય કશાક સુફળના અધિકારી હશો તો તમારું એ લેણું ચૂકવવામાં ભગવાન પણ આડો આવી શકતો નથી. પરીક્ષાના પ્રશ્ર્નપત્રમાં તમે જો દાખલો બરાબર ગણ્યો હોય તો કોઈ પરીક્ષક કે મોડરેટર સુધ્ધાં તમારા માર્ક અટકાવી શકતો નથી. હા, ક્યારેક ભૂલ થાય છે અને આવા વખતે ચોક્કસ ફી ભરીને પ્રશ્ર્નપત્ર ફરી વાર ખોલવવાથી માર્ક મળી જાય છે. જો તમારા ખાતામાં પૂરતી સિલ્લક હોય એમ છતાં કારકુની ભૂલને કારણે ચેક પાછો ફરે તો બૅંકે માફી માંગવી પડે છે અને વળતર પણ ચૂકવવું પડે છે. આ દુનિયા બહુ અટપટી છે. વહેવારો બહુ જટિલ છે. બધું જ સીધે સીધું ગાણિતિક ચોકસાઈથી સમજાઈ જાય એવું નથી હોતું. ક્યારેક એમાં ભૂલ પણ થાય. જો કે બૅંક પણ વળતર ચૂકવતી હોય તો શું ભગવાન એની કોઈક કારકુની ભૂલનું વળતર નહિ ચૂકવે?

આ માગણ દર્શનાર્થીઓ ઉપરાંત બીજો એક ડરપોક દર્શનાર્થીઓનો વર્ગ છે. આ ડરપોક દર્શનાર્થીઓ એવું માનતા હોય છે કે પોતે માની લીધેલા ઈષ્ટદેવના દર્શન કરવા નહિ જવાથી એ દેવ એનું કંઈક બગાડી દેશે. દેવ નારાજ થઈને કોઈકનું ધનોત-પનોત કાઢી નાખે છે એવી કથાઓ પણ ચાલતી હોય છે. આવી કથાઓ ભારે બુદ્ધિહીન અને રમૂજી હોેય છે. દુનિયાના અબજો માણસોમાંથી ભગવાન એક જણની પાછળ પડી જાય અને એનું ધનોતપનોત કાઢી નાખે એ વાત જ બારે બેહૂદી છે. આવી કથાઓ પ્રચલિત કરનારાઓનો પ્રતીકાત્મક અર્થ માત્ર એટલો જ હોય છે કે ભગવાન એટલે કે આપણાથી ઉપર ઊઠેલું જે પરમ તત્ત્વ છે એની પાસે નમ્ર થઈને એનો સ્વીકાર જ કરાય. એનો અસ્વીકાર ન થાય. તમે નાસ્તિક હો અને ભગવાનમાં ન માનતા હોય એવું બને. તમારી આ માન્યતા સામે પણ ભગવાનને કોઈ વાંધો હોઈ શકે નહિ પણ નરી બુદ્ધિની જ વાત સમજો છો એનો અર્થ એવો થાય કે તમારી પાસે બધું સમજી શકાય એવી અપાર અને અસીમ બુદ્ધિ છે. આ અહંકાર છે અને ભગવાનના નામે જેઓ ભયભીત થઈ જવાય એવી કથાઓ ચલાવે છે એમાં પાયાનો ઉદ્દેશ તો આ અહંકારનો નાશ કરવાનો જ હોવો જોઈએ. શનિવારે એક પાવલું તેલ હનુમાનને ચડાવીને ધંધામાં બરકત માંગનારા પણ કંઈ ઓછા નથી. ચૂંદડીના નામે એક રૂપાળો લીરો માતાજીને ધરીને ધનદોલતને કીર્તિ માંગનારાઓની સંખ્યા પણ કંઈક ઓછી નથી. જો આમતેમ થશે અથવા આમતેમ નહિ થાય તો હવન કરવાની કે ધજાજી ચડાવવાની જીભ કચડનારાઓ પણ બહુ મોટી સંખ્યામાં છે. પેલા માગણ કે ડરપોક દર્શનાર્થીઓ કરતાં આ વર્ગના દર્શનીર્થીઓ વધુ ઊતરતી કક્ષાના છે. એમનો ઉપવાસ, હવન ઈત્યાદિ ઈત્યાદિ સીધી રીતે જ સ્થૂળ લાભ સાથે સંકળાયેલા હોય છે. ધર્મસ્થાનક એ કોઈ દુકાન નથી. દુકાને જઈને નાણાં ચૂકવીને તમે જોઈતો માલ મેળવી શકા છો. અહીં પણ જે માલ મળે છે એ નાણાંના પ્રમાણમાં હોય છે. દશ-વીસ રૂપિયામાં તમે કોથમરી-મરચાં લઈ શકો. એક ડઝન કેરી ન મેળવી શકો. દુકાનદાર સાથે પણ તમે જે વ્યવહાર નથી કરતા એ વ્યવહાર તમે ભગવાન સાથે કરો છો.

સાચી વાત તો એ છે કે આ વિશ્ર્વમાં કોનું શું કરવું, ક્યારે કરવું, કેમ કરવું આ બધું ઉપરવાળાએ નિયત જ કરેલું હોય છે. તમારે એ નિયતિનું તમારા પૂરતું ફળ પ્રાપ્ત કરવા માત્ર પરિશ્રમ કરવાનો હોય છે. ભગવાનને ભલામણ કરવાની કોઈ જરૂર નથી. એને પેંડો આપીને એના કાંડા ઉપરની સોનાની કડલી કાઢી લેવાની આ આત્મપ્રતારણા ભગવાન શું નથી સમજતો?

અશ્ર્વત્થામાના બ્રહ્માસ્ત્રથી નાશ પામેલા ઉત્તરાના ગર્ભને ભગવાન શ્રીકૃષ્ણે સજીવન કર્યો હોવાની કથા મહાભારતમાં છે. આ સંજીવની મંત્રોચ્ચારો સમયે શ્રીકૃષ્ણે કહ્યું હતું- "હે, મહાકાળ! જો મેં ક્યારેય અસત્યવાદન ન કર્યું હોય, ક્યારેય અધર્માચરણ ન કર્યું હોય, ક્યારેય યુદ્ધમાં પીઠ વાળી ન હોય તો ઉત્તરાનો ગર્ભ સજીવન થાઓ!' કથન કહે છે કૃષ્ણની આ જિંદગીભરની નૈષ્ઠિકતાનો સ્વીકાર કરીને મહાકાળે ઉત્તરાના ગર્ભને સજીવન કર્યો હતો.

સરખામણીમાં કોઈ પણ ઉદ્દેશ વિના મારે પણ અહીં કહેવું છે- 'હે, મહાકાળ! જો મેં આજીવન પરમાત્મા પાસે કશું માગ્યું ન હોય, ક્યારેય પરમાત્માનો ડર લાગ્યો ન હોય તો આ લેખના વાચકોને તારા દર્શનાર્થીઓના ઉપલા ત્રણેય વર્ગોમાંથી ઉગારી લેજે!'

હવે તમે જ નક્કી કરો- તમે પેલા ત્રણ વર્ગમાં છો કે મારા આ મંત્રોચ્ચાર પછી એમાંથી મુક્ત થયા?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment