Wednesday, 1 June 2016

[amdavadis4ever] રવીન્દ્રનાથની સંઘર્ષયાત્રા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'કરે છે જે મૃત્યુનો સ્વીકાર,

વરે તેને અમૃતનો અધિકાર.'

કવિ કથિત અમરત્વનો આ અધિકાર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને બાલ્યાવસ્થાથી જ મળી ચૂક્યો હતો. 

૭ મે ગુરુદેવની જન્મજયંતી. આ મહિને એમને ૧૫૫ વરસ થયાં. ગુરુદેવને આપણે કવિ તરીકે ઓળખીએ છીએ. નાટ્યકાર, ચિત્રકાર, ગદ્યકાર, ચિંતક, પ્રખર વ્યાખ્યાતા એમ અનેક સ્વરૂપે આપણે એમને ઓળખીએ છીએ. કહેવું હોય તો કહેવાય કે હી વોઝ બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન. મહેલથીય અદકેરું ઘર, વિશાળ જાગીર, ત્રણ-ચાર પેઢીથી સમૃદ્ધિ છલોછલ.

કલા, સંસ્કૃતિ, સંગીત આ બધું ઘરની બધી જ વ્યક્તિઓમાં વધતા-ઓછા અંશે સીંચાયેલું. એમના જીવન, સાહિત્ય અને દર્શન વિશે તો ઘણી વાતો લખાઈ ચૂકી છે, પણ એમના સંવેદનશીલ વિશ્ર્વે કેટલા બધા આઘાતો સહન કર્યા હતા એની વાત સંભારીએ તો કદાચ આપણા હૃદયને પણ એક ધક્કો પહોંચે.

મૃત્યુ કોઈને છોડતું નથી. બધાના જીવનમાં કોઈ ને કોઈ સ્વજનના મૃત્યુનો આઘાત આવે જ છે. રવીન્દ્રનાથે એમના જીવનમાં ૧૮ સ્વજનોને ગુમાવ્યા હતા. બાલ્યાવસ્થામાં માતાએ વિદાય લીધી. અને એ પછી મૃત્યુએ એમની જે આકરી તાવણી કરી છે એ કોઈનેય વિચારતા કરી મૂકે એવી છે. માતા-પિતા સહુનાં મૃત્યુ પામે એમ યથાકાળે રવીન્દ્રનાથે પણ માતા-પિતા તો ગુમાવ્યા જ પણ પત્ની, ત્રણ સંતાનો, એક દોહિત્ર (જે એમનો એકનો એક વારસદાર હતો. એમનાં પાંચ સંતાનો બધાં જ કાં તો વહેલાં મૃત્યુ પામ્યાં છે અથવા નિ:સંતાન રહ્યાં છે. બે પુત્રી અને એક પુત્રના લગ્નજીવનનો તો વિચ્છેદ પણ થયો છે.) આઠ ભાઈબહેનો, બે ભાભી અને બનેવી એમ એકંદરે કુલ ૧૮ પરિવારજનોને રવીન્દ્રનાથે સ્વહસ્તે વિદાય આપી છે.

માતાના મૃત્યુ પછી એમણે જે મૃત્યુનો પહેલો આઘાત જીરવ્યો એ કાદંબરીભાભીનો છે. કાદંબરી રવીન્દ્રનાથને લાડમાં 'ઠાકુરપો' કહેતી અને રવીન્દ્રનાથ ભાભીને 'ભાભીરાણી' કહેતા. આ સંબંધો એટલા નાજુક અને એટલા ઊંડા હતા કે એને કોઈ પરિભાષામાં ગોઠવી શકાય નહીં. રવીન્દ્રનાથનાં લગ્ન પછી ચોથા મહિને ભાભીરાણીએ અફીણ ખાઈને આત્મહત્યા કરી. આ આત્મહત્યાનું રહસ્ય આજ સુધી અણઉકેલ છે. રવીન્દ્રનાથને કાદંબરીની વિદાયથી જે આઘાત લાગ્યો હતો એ ૧૯૪૧માં મૃત્યુ પૂર્વે પાંચ છ દિવસે એમણે લખાવેલા અંતિમ કાવ્યમાં પણ પડઘાય છે. કાદંબરી વિશે લખેલાં કાવ્યોનો સંગ્રહ 'પુષ્પાંજલિ'-એની અર્પણ પત્રિકામાં એમણે લખ્યું-કવિના હૃદયના ઊંડાણમાં વસેલા કવિને અર્પણ.

કવિના લગ્નના દિવસે જ એમના પોતાના જ ઘરમાં બનેવીનું અવસાન થયું. એક ઓરડામાં નનામી બંધાઈ રહી હતી ત્યારે બીજી તરફ લગ્નવિધિ સાદાઈથી આટોપાઈ રહ્યો હતો. પત્ની મૃત્યુ પામી ત્યારે મોટી પુત્રી સાસરવાસી થઈ ચૂકી હતી, પણ શેષ ચાર સંતાનોની માતા બનવાની જવાબદારી તો રવીન્દ્રનાથે જ ઉપાડવી પડી. ટૂંકા ગાળામાં બે પુત્રી અને એક પુત્ર પણ મૃત્યુ પામ્યાં ત્યારે કવિએ લખ્યું-'ઈશ્ર્વરે આપ્યું છે એ હું સ્વીકારું છું. જો હજુ પણ વધુ દુ:ખ આપશે તો એ પણ સ્વીકારીશ. હું હાર માનવાનો નથી'-આમી પરાભૂત હઈબન!-પત્નીને વિદાય કરી ત્યારે એક કાવ્ય લખ્યું 'સ્મરણ'-તેં ઘર છોડીને અજાણ્યા પંથે યાત્રા આદરી, તું એકલી જ ચાલી ગઈ, હું અહીં તને શોધતો રહ્યો, તું જે રીતે ઘરે મને બોલાવતી એ રીતે, જ્યાં હો ત્યાંથી બોલાવવાનું ચાલું રાખજે.'

મૃત્યુના વિકરાળ ચહેરાએ રવીન્દ્રનાથને સતત પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો એ જ રીતે પ્રેમ નામની અત્યંત મુલાયમ વિભાવનાએ પણ એમના સંવેદનશીલ હૃદયને ઓછા ડંખ નથી માર્યા. કાદંબરીભાભી સાથે તરુણ વયે-જેને નામ આપીને ઓળખવો અઘરો પડે એવો અદ્ભુત સ્નેહ સંબંધ બંધાયો. મુંબઈના ગિરગામ વિસ્તારના ડૉ. આત્મારામની પુત્રી અનુ સાથે હૃદયના તાર જોડાયા, ન જોડાયા ત્યાં એ પ્રકરણ સમાપ્ત થયું. અનુનું નવું નામાભિધાન યુવાન રવીન્દ્રે જ કરેલું-નલિની. નલિનીએ રવીન્દ્રના સુંદર ચહેરા વિશે કહેલું-'રવીન્દ્ર, તું ક્યારેય દાઢી વધારીને તારા ચહેરાની સુંદરતાને સંતાડી નહીં દે તો.' રવીન્દ્ર અનુને વચન આપ્યું અને અનુના મૃત્યુ સુધી એ નિભાવ્યું. અનુની અકાળ વિદાય પછી જ રવીન્દ્રે દાઢી વધારી. રવીન્દ્રનાં લગ્ન અનુ સાથે થાય એ વાત પિતા દેવેન્દ્રનાથને મંજૂર નહોતી. 

રવીન્દ્રનાથ અભ્યાસ અર્થે લંડન ગયા ત્યારે જે પરિવારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતા એ પરિવારની ચુલબુલી પુત્રી લ્યુસી રવીન્દ્ર પાસેથી બંગાળી શીખતી અને રવીન્દ્ર લ્યુસી પાસેથી પાશ્ર્ચાત્ય સંગીત શીખતા. પિતા ઉપરના એક પત્રમાં લંડનથી રવીન્દ્ર લખ્યું કે લ્યુસી સરસ છોકરી છે અને મારી ખૂબ સંભાળ લે છે. પિતાને થયું, રવીન્દ્ર ભણવાને બદલે પ્રેમ નામના લફરામાં ઊતરતો જાય છે એટલે એને તાબડતોબ લંડનથી પાછો બોલાવી લીધો. લ્યુસીના પ્રકરણનો આમ અંત આવી ગયો. 

મૃણાલિનીદેવી સાથેનું લગ્નજીવન સોળેક વરસ નભ્યું છે. રર વરસના રવીન્દ્રનાથ વરરાજા હતા અને ૯ વરસની મૃણાલિનીદેવી (મૂળ નામ ભવતારીણી) નવવધૂ હતાં. ૧૩ વરસની ઉંમરે તે માતા બન્યાં. 

આ પછી લાંબા ગાળે વિક્ટોરિયા ઓકોમ્પો આવે છે. કવિ આર્જેન્ટિનામાં આ અજાણી સ્ત્રીના અતિથિ તરીકે બે મહિના રહ્યા છે. સાઠી વળોટી ચૂક્યા છે અને વિક્ટોરિયા માત્ર ૩૪ વરસની છે. વિક્ટોરિયાએ કવિને મળ્યા પહેલાં જ એમનું ઘણું ખરું સાહિત્ય વાંચી લીધું હોય છે. કાદંબરીએ કવિને તરુણ વયે શબ્દોમાં બાંધી ન શકાય એવો જે પ્રેમ કર્યો હતો એવો જ પ્રેમ હવે જીવનની આ ઉત્તરાવસ્થામાં કવિને આ વિદેશી સ્ત્રી પાસેથી મળે છે. કાદંબરીને ભાભીરાણી, અનુને નલિની કહેનાર કવિએ વિક્ટોરિયા ઓકોમ્પોનું નામ પાડ્યું છે-વિજયા. આ વિજયા કવિને અત્યંત ચાહે છે, સન્માને છે, એની સેવા કરે છે, પણ ક્યાંય કશું માગતી નથી, કશી વળતી અપેક્ષા રાખતી નથી. કવિએ વિજયાને અનુલક્ષીને એક કાવ્ય લખ્યું-'વિદેશી ફૂલ'-'હે વિદેશી ફૂલ, તને હું હૈયે લગાડું છું અને પૂછું છું તારું ઘર ક્યાં છે? તું માથું હલાવીને કહે છે, મને ખબર નથી. ત્યારે મને થાય છે, તારું ઘર તું જે હૈયામાં વસી હોય, એ હૈયું જ હોય!'

આ વિજયાને કવિએ પોતાનો કાવ્યસંગ્રહ 'પૂરબી' અર્પણ કર્યો છે અને અર્પણપત્રિકામાં લખ્યું છે-

'ઉડાડી મૂકશે નિદ્રા

સદાસર્વદા કરુણ ને કોમળ

સંદેશ એ સન્નારીનો

જાણતો નહોતો તેની ભાષા

પણ આંખો હતી તેની બોલકી-બોલતી.'

છૂટા પડતી વેળાએ આ વિજયાએ પોતાના પ્રિય પ્રિય પ્રિય પ્રિય એવા રવીન્દ્રનાથને એક આરામખુરશી ભેટ આપી હતી. આ આરામખુરશી પાછલા તમામ વરસોમાં કવિએ પોતાની સાથે ફેરવી હતી. શાંતિનિકેતન, જોરાસાંકો, કાલિમપોંગ, બધે જ.

એક ફ્રેન્ચ મહિલા ચિત્રકાર એન્ડ્રી રવીન્દ્રનાથનું ચિત્ર બનાવવા શાંતિનિકેતનમાં દિવસો સુધી રોકાઈ. ગુરુદેવે ચિત્ર બનાવવા સંમતિ આપી. દિવસો પછી ગુરુદેવે જોયું, એન્ડ્રીના કેન્વાસ પર એકેય રેખા અંકિત થઈ નહોતી. કવિ નવાઈ પામ્યા અને પૂછ્યું-'આ શું એન્ડ્રી?' એન્ડ્રી બંને હથેળીઓમાં ચહેરો સંતાડીને ગુરુદેવના ચરણમાં ઢળી પડી. બોલી-'ગુરુદેવ, તમારી સામે જોઉં છું અને સ્તબ્ધ થઈ જાઉં છું. મારો હાથ ઊપડતો નથી. તમારી હાજરીમાં મારું અસ્તિત્વ ઓગળી જાય છે. મને તમારી પાસે રહેવા દો.' આવું જ હંગેરિયન યુવતી એલિઝાબેથ સાથે પણ બન્યું. આ એલિઝાબેથ પણ શાંતિનિકેતનમાં ચિત્રકામ શીખવા આવી હતી. અભ્યાસ પૂરો થયો ત્યારે એણે ભક્તિભાવપૂર્વક સજળ નયને કહ્યું, 'ગુરુદેવ, મારે અહીંથી નથી જવું. મને તમારી પાસે રાખો.' ગુરુદેવે એના માથે હાથ મૂકીને કહ્યું, 'સાથે રહેવા કરતાં જુદા રહીને આપણે સહુ પરસ્પરનું સ્મરણ કરતા રહીએ એમાં જ જીવનની સાર્થકતા છે.'

આ પછી એલિઝાબેથે રવીન્દ્રનાથને જે પત્રો લખ્યા છે એમાં લખ્યું છે-'હું તમને જોવા માટે તલસી રહી છું. મારું હૃદય ભાંગીને ભુક્કો થઈ જશે. તમારા વિના મારાથી રહેવાતું જ નથી. મારે શું કરવું?'

કવિએ એનો જવાબ વાળ્યો છે. લખ્યું છે-'તારે આપણી વચ્ચે જે વયનો ગાળો છે એ યાદ રાખવો જોઈએ. હું હવે જૂના સંબંધો ભૂલતો જાઉં અને નવા સંબંધો ન બાંધું એ જ હિતકર છે.'

એવું લાગે છે કે જનેતાના માતૃપ્રેમ અને કાદંબરીભાભીના અનામ પ્રેમથી વંચિત રહેલા રવીન્દ્રનાથે આજીવન એમની નિકટ આવેલી સ્ત્રીઓમાં આ ખોટ પૂરી કરવા શોધ કરી છે. રાણુ નામની દશ-બાર વરસની વારાણસીમાં વસતા એક પ્રાધ્યાપકની પુત્રી ગુરુદેવને 'રોબીદાદા' કહીને પત્રો લખે અને આ રોબીદાદા આ રાણુ દ્વારા પણ પેલો પ્રેમ શોધે એ પ્રકરણ ભારે રોમાંચક છે. ('રાનુ ઓ ભાનુ' લેખક- સુનીલ ગંગોપાધ્યાય).

મૃત્યુ અને પ્રેમ આ બે મનોગત વિભાવનાઓ સાથે કવિએ જે સંઘર્ષ વેઠ્યો છે એ સિવાય સપાટી ઉપરનો વધુ એક સંઘર્ષ પણ સંભારી લેવા જેવો છે. શાંતિનિકેતનનો ખર્ચ સખાવતોથી પૂરો થતો નહોતો. એટલે કવિએ પ્રકાશક પાસેથી ઉધાર નાણાં માગ્યા. પ્રકાશકે વળતી શરત કરી-'અત્યાર સુધીનાં તમારાં બધાં પુસ્તકોના કોપીરાઈટ અમને આપો.' કવિએ આ શરત કબૂલ કરીને રૂ. ૨૦૦૦/- મેળવ્યા. (પ્રકાશકે આ રીતે હસ્તગત કરેલા કવિના કોપીરાઈટ, વિશ્ર્વભારતીએ કવિના મૃત્યુ પછી, વરસો પછી પ્રકાશકને નાણાં ચૂકવીને પાછા મેળવ્યા હતા.)

શાંતિનિકેતન માટે જ કવિએ જગન્નાથપુરીનો પોતાનો બંગલો વેચી દીધો. પત્ની મૃણાલિદેવીનાં આભૂષણો પણ વેચી નાખ્યાં હતાં. વિદેશ પ્રવાસ મારફતે વ્યાખ્યાનો કરીને જે એકઠા કર્યાં હતાં એ નાણાં પોતાના પ્રવાસને કારણે ટ્રાવેલિંગ એજન્ટ પાસે જ જમા થતાં હતા. અચાનક વિશ્ર્વયુદ્ધ શરૂ થયું તથા ડોલર અને પાઉન્ડનું અવમૂલ્યન થયું. ટ્રાવેલિંગ એજન્ટ નાદાર જાહેર થયો. કવિનાં બધાં જ નાણાં ડૂબી ગયાં. 

કલકત્તા યુનિવર્સિટીએ કવિને મેટ્રિક્યુલેશન પરીક્ષાના માનદ્ પરીક્ષક તરીકે નીમવાની ના પાડી હતી. એટલું જ નહીં, કવિને ડી. લિટની પદવી આપવાનો પ્રસ્તાવ પણ નામંજૂર કર્યો હતો. કવિએ લખેલા એક પાઠ્યપુસ્તકને પણ શિક્ષણખાતાએ મંજૂરી નહોતી આપી.

અને છેલ્લી વાત-

મૃત્યુ નિશ્ર્ચિત છે અને હવે ગણતરીના દિવસો જ બાકી છે એની પ્રતીતિ થઈ ત્યારે હોસ્પિટલમાં જતી વેળાએ રવીન્દ્રનાથે એક ચિઠ્ઠી લખીને આપી હતી. મારો અગ્નિસંસ્કાર શાંતિનિકેતનમાં જ મારા નિવાસસ્થાન ઉત્તરાયણની સામેના મેદાનમાં કરજો.'

કોણ જાણે કેમ પણ આ સૂચનનો અમલ નથી થયો. કવિ કલકત્તાના પૈતૃક નિવાસસ્થાન જોરાસાંકોમાં મૃત્યુ પામ્યા અને એમનો અંત્યેષ્ઠિ વિધિ નીમતોલા ઘાટમાં થયો છે.

(કાંદિવલીમાં 'સંવિત્તિ' આયોજિત કાર્યક્રમમાં અપાયેલા વ્યાખ્યાનના કેટલાક અંશો ટૂંકાવીને)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment